Home Blog Page 598

રાહુલ ગાંધી ભારતમાં નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે : ભાજપ

કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ સામેના ગંભીર આરોપોનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી ભારતમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે. રાહુલ ગાંધીના આરોપો બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ કોઈપણ પક્ષપાત વિના કામ કરી રહ્યું છે, પરંતુ રાહુલ ગાંધી લોકશાહીને નબળી પાડવામાં, નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં અને બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં વ્યસ્ત છે.

ભાજપે ગુરુવારે દાવો કર્યો હતો કે બંધારણીય સંસ્થાઓ સામે રાહુલ ગાંધીના વારંવારના આરોપો તેમના અને કોંગ્રેસના ભારતીય લોકશાહીમાં વિશ્વાસના અભાવને પ્રતિબિંબિત કરે છે. ભાજપે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચે “મત ચોરી”ના તેમના તાજેતરના આરોપને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધો છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ઘૂસણખોરીનું રાજકારણ ગાંધીનો એકમાત્ર એજન્ડા લાગે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ગેરકાયદેસર મતદારોને પ્રોત્સાહન આપવાના કોંગ્રેસના કથિત એજન્ડાને આગળ વધવા દેવામાં આવશે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના હિતોને સૌથી વધુ નુકસાન થશે.

ભાવનગરમાં PMના કાર્યક્રમ માટે કડક પોલીસ બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ ભાવનગરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમની સુરક્ષા માટે 7 જિલ્લાની પોલીસ અને રેલવે પોલીસને બોલાવવામાં આવી છે. કુલ 4 એડિશનલ DGP અને IG કક્ષાના અધિકારીઓ સહિત 4,000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા વ્યવસ્થાની મુખ્ય વિગતો

થ્રી-લેયર સુરક્ષા

વડાપ્રધાનના એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ-શોના રૂટને સુરક્ષાની દ્રષ્ટિએ 6 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. દરેક સેક્ટરમાં સુરક્ષાની જવાબદારી SP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આ સમગ્ર રૂટ પર થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરક્ષા માટે બોલાવાયેલા જિલ્લા

ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રેલવે પોલીસના જવાનોને સુરક્ષા માટે બોલાવાયા છે.

ટેકનિકલ અને મેન્યુઅલ વોચ

રોડ-શોના રૂટ પર ધાબા પોઈન્ટ્સ, ડોગ સ્ક્વોડ અને રૂટ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત, નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ પરથી પણ પોલીસ સતત મોનિટરિંગ કરશે.

કાર્યક્રમનો સમયગાળો

વડાપ્રધાનનો આશરે 20 મિનિટનો રોડ શો અને જવાહર મેદાન ખાતેનો કાર્યક્રમ 40 થી 50 મિનિટનો રહેવાનો અંદાજ છે.

પી.જી.વી.સી.એલ. દ્વારા ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અંતર્ગત વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની સમયાનુસાર ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર ઝોનલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં રૂ.303 કરોડના ખર્ચે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવશે. દરિયા કિનારાના ભાવનગર અને અમરેલી જિલ્લાને ફાયદારૂપ પી.જી.વી.સી.એલ.ના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આગામી તા.20મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.

વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને ભાવનગરમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન અને અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

અંબાપુરની આ વાવમાં બિરાજમાન છે અખંડ જ્યોતિ અંબાજી

રજવાડાંના સમયમાં પાણીના સંગ્રહ માટે અને વટેમાર્ગુ માટે વાવો બનાવવામાં આવતી એ બધા જાણે છે. ગુજરાતમાં પણ કેટલીક ભવ્ય અને કળાત્મક વાવ બનાવવામાં આવી છે. કેટલીક વાવ પાસે ભવ્ય દેવસ્થાનો પણ છે. એમાંની એક વાવ ગાંધીનગર જિલ્લાના અંબાપુર ગામમાં આવેલી છે. આ વાવની વિશેષતા એ છે કે એમાં અખંડ જ્યોતિ અંબાજીનું મંદિર આવેલું છે.

અંબાપુરની અંબાજીના મંદિરની આ વાવ રક્ષિત સ્મારક છે. ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે. વાવની રચનામાં કમળોની એકદમ કળાત્મક ભાત કોતરવામાં આવેલી છે. વાવની દિવાલો પર આડા અને ઉભા ભારવાહક સુરેખ ખૂણિયાં છે. અંબાપુરને વાવમાં ઇવિકા ભાત સાથેના કલાત્મક ગવાક્ષથી સુશોભિત કરવામાં આવી છે. જે દરેક માળે કળાત્મક ઝરુખા જેવું દેખાય છે.

અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી અડાલજની વાવથી આ વાવ એકદમ નજીક છે. ઐતિહાસિક સ્થળોમાં રસ ધરાવતા અસંખ્ય પ્રવાસીઓ, અંબાજીના ભક્તો અને સ્થાપત્યની ફોટોગ્રાફી કરતાં લોકો આ વાવની મુલાકાત અવશ્ય લેતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદ: અદાણી સિમેન્ટે ઉમિયા ધામ ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશનનું કાસ્ટિંગ કાર્ય સંપ્પન કરીને એક ઐતિહાસિક ઇજનેરી કાર્યક્ષમતાની સિદ્ધિ હાંસલ કરી છે. આ કાર્ય તેમણે તેમના ગ્રુપ અસોસિયેટ મે. પી.એસ.પી. ઇન્ફ્રા સાથે મળીને કર્યું છે. આ પ્રકલ્પ માટે વિક્રમજનક અમલીકરણ લોજિસ્ટિકલ સ્કેલ, તકનિકી ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય સાધવાની અદાણી સિમેન્ટની અનોખી કાર્યક્ષમતા પુરવાર કરે છે.આ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી. નવા માપદંડો સ્થાપિત કરતું અદાણી સિમેન્ટ દ્વારા બનાવાયેલું આ કોંક્રિટ પ્રોપ્રાઇટરી ટકાઉ મિશ્રણ છે. આ કામગીરી વ્યૂહાત્મક રીતે સ્થિત 26 રેડી-મિક્સ કોંક્રિટ (RMX) પ્લાન્ટ્સ, સિન્ક્રોનાઇઝ્ડ લોજિસ્ટિક્સ નેટવર્કમાં કાર્યરત 285થી વધુ ટ્રાન્ઝિટ મિક્સર્સ, ૩૬૦૦ ટનથી વધુ હાઇ-પર્ફોર્મન્સ સિમેન્ટ અને ત્રણથી વધુ દિવસોમાં શિફ્ટ્સમાં કામ કરતા 600થી વધુ કુશળ કારીગરો તેમજ ટેક્નિકલ નિષ્ણાંતોની મદદથી સંપ્પન થઈ હતી.

કોલ્ડ જોઇન્ટ્સ વિના સતત રેડવાની સમગ્ર કામગીરી સુનિશ્ચિત થઈ શકે તે માટે સમગ્ર પ્રક્રિયા દરમિયાન શ્રેષ્ઠ તાપમાન નિયંત્રણ અને મિશ્રણની એકરૂપતા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખી બનાવવામાં આવી હોવાથી. ECOMaxX કોંક્રિટના ઉપયોગથી પ્રકલ્પની કાર્બન ફૂટપ્રિન્ટ્સ નોંધપાત્ર રીતે ઘટી હતી જે હરિત નિર્માણના આયામોની અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતાને સાંકળે છે.

અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સી.ઈ.ઓ. વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે 60 એકરમાં ફેલાયેલું ઉમિયા ધામ એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સીમાચિહ્ન બનવા સજ્જ છે. તેમાં આશરે રૂ. ૨,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પ ફક્ત વિશ્વ વિક્રમ સર્જવાનો નહી, પણ અદાણી સિમેન્ટની ગુણવત્તાયુક્ત કાર્યક્ષમતા, સ્કેલ, ગતિ અને હેતુને પ્રસ્તુત કરનારો છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું હતું કે “જગત જનની મા ઉમિયા (પાર્વતી) મંદિરનું વિશ્વ વિક્રમી ફાઉન્ડેશન એ ભારતના સાંસ્કૃતિક અને ઇજનેરી વારસા માટે જાજરમાન પળ છે. મોટા પ્રકલ્પોના ચોક્સાઇપૂર્વક અમલીકરણમાં અદાણી સિમેન્ટની પુરવાર થયેલી નિપુણતા તેમને અમારા સ્વાભાવિક હિસ્સેદાર બનાવે છે.”

જાસપુરમાં એક વિશાળ સામાજિક અને સાંસ્કૃતિક પરિસરના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે જેની પરિકલ્પના કરવામાં આવી છે એવા વિશ્વના સૌથી ઊંચા ભાવિ મંદિર માટે ૪૫૦ ફૂટ x ૪૦૦ ફૂટ x ૮ ફૂટ માપનો રાફ્ટ ફાઉન્ડેશન ૫૦૪ ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયા મંદિર માટે ૧,૫૫૧ ધર્મ સ્તંભોને ટેકો આપશે.. ECOMaxX M45 કોંક્રિટ મિશ્રણમાં ૬૬ ટકા સપ્લીમેન્ટરી સિમેન્ટીશિયસ મટિરિયલ (SCM)નો સમાવેશ થાય છે, જેના પરિણામે કાર્બન ફૂટપ્રિન્ટમાં ૬૦ ટકાનો ઘટાડો થાય છે. પ્રોપ્રાઇટરી કૂલક્રીટ ફોર્મ્યુલેશન, પ્લેસમેન્ટ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાળવી રાખે છે, જે થર્મલ સ્ટ્રેસ ઘટાડે છે. સ્ટ્રક્ચરમાં જડિત થર્મોકપલ્સ વાસ્તવિક સમયમાં તાપમાન અને ટકાઉપણુંનું નિરીક્ષણ કરતા રહે છે.

રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

એકબાજુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી 5 દિવસ થંડર સ્ટોમ એક્ટિવિટી પણ થઈ શકે છે. નવરાત્રિમાં સૌરાષ્ટ્ર, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમા 22 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. નવરાત્રિ પણ 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, એટલે કે પહેલા જ નોરતે ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના 28 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.

હવે TV રિચાર્જ કરાવવું થયું સસ્તું, ફક્ત રૂ. 61માં મળશે 1000 ચેનલ્સ

નવી દિલ્હીઃ શું તમને ટીવી જોવાનું ગમે છે? જો હા, તો તેના માટે દર મહિને ઓછામાં ઓછા 200થી 300 રૂપિયા સુધીનો રિચાર્જ કરાવવું પડતું જ હશે. જો તમે OTT અથવા HD ચેનલ્સનું સબ્સ્ક્રિપ્શન લો છો તો આ ખર્ચ રૂ. 600થી 1000 રૂપિયા સુધી પહોંચી જાય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમને આટલી મોંઘી સર્વિસ ફક્ત 61 રૂપિયામાં મહિને મળી જાય, જેમાં 1000 ચેનલ્સ ફ્રી જોવા મળશે તો કેવું રહેશે? ચાલો, હવે 61 રૂપિયામાં 1000 ચેનલ્સ આપતો આ પ્લાન વિગતવાર જાણીએ.

શું છે IFTV અથવા BiTV

iFTV એટલે કે Integrated Fibre TV અથવા BiTV એટલે કે Bharat Internet TV, BSNL ની ડિજિટલ ટીવી અને OTT સર્વિસ છે. આ સર્વિસમાં તમને 500થી વધુ લાઈવ SD અને HD ચેનલ્સ જોવા મળે છે, જેમાં હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાના ચેનલ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત Netflix, Amazon Prime, Disney+ Hotstar જેવા લોકપ્રિય OTT પ્લેટફોર્મ્સ પણ તેમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જ્યાં તમે શાનદાર શોઝ અને વેબ સિરીઝ જોઈ શકો છો. ખાસ વાત એ છે કે તેની શરૂઆતની કિંમત ફક્ત 61 રૂપિયા છે અને તેની માહિતી ખુદ BSNLએ પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર આપી છે.

કેવી રીતે શરૂ કરશો સર્વિસ

BSNL એ પોતાના X પેજ પર પોસ્ટ કરીને આ સર્વિસ શરૂ કરવાનો રસ્તો સમજાવ્યો છે. તેના માટે તમને WhatsApp દ્વારા 18004444 પર સંપર્ક કરવો પડશે. ત્યાર બાદ એકવાર Hi લખીને આપેલા મેન્યુમાંથી Activate IFTV પસંદ કરીને આ સર્વિસને તમે શરૂ કરી શકો છો.

આ બાબતોનું રાખો ધ્યાન

જો તમને IFTVનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં તમારી પાસે BSNLનું Bharat Fiber એટલે કે FTTH કનેક્શન હોવું જરૂરી છે, કારણ કે આ સર્વિસ ફક્ત એ પર જ કાર્ય કરે છે. આ સાથે IFTV ચલાવવા માટે તમારા પાસે સ્માર્ટ ટીવી, Android TV અથવા Fire Stick જેવા ડિવાઈસ હોવા જરૂરી છે. જોકે ગ્રાહકને પોતાના ટીવી પર Skypro અથવા PlayboxTV એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને પછી પોતાના FTTH નંબરથી લોગિન કરીને આ સર્વિસનો આનંદ માણી શકાશે.

ફહાદ અહમદે કંગનાને ખરાબ રાજનેતા ગણાવી, પત્ની સ્વરાએ કરી કંગનાની પ્રશંસા

સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદ અહેમદ દ્વારા કંગના રનૌતને ખરાબ રાજકારણી ગણાવવાની ટીકા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. જાણો ફહાદે કંગનાને લઈ શું કહ્યું હતું.

સ્વરા ભાસ્કર એક એવી બોલિવૂડ અભિનેત્રી છે જે પોતાની ફિલ્મો અને કામ કરતાં પોતાના નિવેદનો માટે વધુ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે અને દરેક મુદ્દા પર પ્રશ્નો ઉઠાવે છે. હવે, અભિનેત્રીએ ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર ટિપ્પણી કરી છે. જોકે, સ્વરા અને તેના પતિ ફહાદ અહેમદના કંગના પર અલગ અલગ મંતવ્યો છે. સ્વરાએ કંગના સાથે પણ કામ કર્યું છે.

ફિલ્મજ્ઞાન સાથેની વાતચીતમાં સ્વરા ભાસ્કર અને તેના પતિ રાજકારણી ફહાદ અહેમદને કંગના વિશે પૂછવામાં આવ્યું ત્યારે બંનેના જવાબો અલગ અલગ હતા. આ દંપતીને સેલિબ્રિટીઝ માટે હેશટેગ શેર કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે સ્વરાને કંગના માટે હેશટેગ શેર કરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે તેણે તેણીને “હેશટેગ ડેસ્ટિનીઝ ચાઇલ્ડ” કહી હતી. સ્વરાએ આગળ કહ્યું,”કંગનાની સફરમાં ઘણી પ્રશંસનીય અને સારી બાબતો છે. મને નથી લાગતું કે તે જીવનમાં ક્યારેય હાર માની લે છે. તે ક્યારેય કોઈ પણ વસ્તુથી પાછળ હટતી નથી.”

જોકે, સ્વરાના પતિ ફહાદ અહેમદનો કંગના પ્રત્યે બિલકુલ અલગ પ્રતિભાવ હતો. જ્યારે ફહાદને કંગનાને હેશટેગ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કંગનાને ખરાબ રાજકારણી ગણાવી. ફહાદે કંગનાને ખરાબ રાજકારણી તરીકે ટેગ કરી. જ્યારે કંગનાનું નામ સામે આવ્યું ત્યારે ફહાદે કહ્યું કે હું તેના પર ટિપ્પણી કરી શકતો નથી કારણ કે તે ખરાબ રાજકારણી છે. આ જવાબથી ફહાદની પત્ની સ્વરા ભાસ્કર પણ આશ્ચર્યચકિત થઈ ગઈ અને ફહાદ તરફ આશ્ચર્યથી જોવા લાગી. જ્યારે ફહાદે ફરીથી એ જ વાતનું પુનરાવર્તન કર્યું, ત્યારે સ્વરાએ ફહાદને પચાસ વાર એ જ વાત ન કહેવા કહ્યું.

ત્યારબાદ ફહાદે સમજાવ્યું કે તેણે કંગનાને ખરાબ નેતા કેમ કહ્યું. ફહાદે કહ્યું કે કંગના મંડી વિસ્તારની સાંસદ છે. પરંતુ જ્યારે મંડીમાં પૂર આવ્યું, ત્યારે સાંસદ હોવા છતાં, કંગના કહેતી રહી, “હું શું કરી શકું? હું વડા પ્રધાન નથી. હું મંત્રી નથી.” પ્રતિનિધિનું કામ સરકાર સાથે વાત કરવાનું છે. તેણીએ ખાસ ભંડોળ માટે લડવું જોઈતું હતું અને રાજકીય મતોથી આગળ વધીને કામ કરવું જોઈતું હતું. જોકે, ફહાદે કંગનાના અભિનયની પ્રશંસા કરી. તેણે કહ્યું, “તે ખરેખર સારી અભિનેત્રી છે અને મને તે અભિનેત્રી તરીકે ગમે છે, પરંતુ તે ખૂબ જ ખરાબ રાજકારણી છે.”

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને ખોટા અને નિરાધાર ગણાવ્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી એક વાર હુમલો કર્યો હતો. જોકે ચૂંટણી પંચે તેમના દાવાને ફરીથી ખોટો અને નિરાધાર ગણાવ્યો. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદારોનાં નામ ઓનલાઇન ડિલીટ કરી શકાય જ નહીં. ચૂંટણી પંચે કહ્યું હતું કે વર્ષ 2023માં આલંદ વિધાનસભામાં મતદારોનાં નામ દૂર કરવાની કેટલીક નિષ્ફળ કોશિશો કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે ચૂંટણી પંચે જ પોતે FIR નોંધાવી હતી. ચૂંટણી પંચે એ પણ કહ્યું હતું કે વર્ષ 2018માં આલંદ વિધાનસભા બેઠક પર ભાજપે અને વર્ષ 2023માં કોંગ્રેસે જીત નોંધાવી હતી.

રાહુલ ગાંધીએ શું આક્ષેપ કર્યા?

રાહુલ ગાંધીએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના સમર્થક મતદારોનાં નામોને મતદાર યાદીમાંથી દૂર કરવાની કોશિશ થઈ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર લોકશાહીની હત્યા કરનારાઓ તથા વોટ ચોરોને બચાવી રહ્યા છે. તેમણે એ પણ કહ્યું કે જ્ઞાનેશ કુમારે આવા લોકોને રક્ષણ આપવાનું બંધ કરવું જોઈએ અને એક સપ્તાહમાં ચૂંટણી પંચે કર્ણાટકની CID સાથે સંપૂર્ણ માહિતી વહેંચવી જોઈએ.

રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર આલંદ વિધાનસભા વિસ્તારમાં 6018 મતદારોનાં નામ દૂર કરવા માટે અરજીઓ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ કોંગ્રેસના મતદારોને નિશાન બનાવીને કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મતદારોના નામ દૂર કરવા માટે જે મોબાઈલ નંબરનો ઉપયોગ થયો તે કર્ણાટકની બહારના હતા. તેમણે મંચ પર કેટલાક લોકોને રજૂ કર્યા જેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થયો હતો અથવા જેમના નામનો ઉપયોગ કરીને એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજૌરા વિધાનસભા વિસ્તારમાં પણ આ જ રીતનો ઉપયોગ કરીને 6850 નામો ઉમેરવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે એક સપ્તાહમાં ચૂંટણી પંચ સંપૂર્ણ વિગત આપવી જોઈએ અને જો એવું ન થાય તો પછી સ્પષ્ટ થઈ જશે કે જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને મદદ કરી રહ્યા છે.

ભારતમાંથી જાય છે USમાં ગેરકાયદે ડ્રગ્સ?: ટ્રમ્પે રજૂ કરી 23 દેશોની યાદી

નવી દિલ્હીઃ ભારત, ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત 23 દેશોને અમેરિકાએ ડ્રગ્સની લેવડદેવડ કે ડ્રગ્સ બનાવનારા દેશોની શ્રેણીમાં સામેલ કર્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત અમેરિકન કોંગ્રેસને એક ઔપચારિક નોટિફિકેશનમાં કહી છે. રાષ્ટ્રપતિની વાર્ષિક ઔપચારિક જાહેરાતમાં દુનિયાભરમાં ડ્રગ્સની હેરાફેરી, ખાસ કરીને સિન્થેટિક ઓપિયોઇડ્સ અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. ટ્રમ્પે આને અમેરિકા અને તેના નાગરિકોની સુરક્ષાને ગંભીર ખતરો ગણાવ્યો છે. ડ્રગ્સ સંબંધિત આ યાદીને ક્યારેક મેજર્સ લિસ્ટ પણ કહેવામાં આવે છે.

ટ્રમ્પે પાંચ દેશો – અફઘાનિસ્તાન, બોલિવિયા, બર્મા, કોલંબિયા અને વેનેઝુએલાની આ બાબતે કટાક્ષ કર્યો હતો કે ગયા વર્ષ 2024માં આ દેશો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિયમોના પાલનમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સની આ યાદીમાં સામેલ થવાનો અર્થ એ નથી કે કોઈ દેશની નીતિઓ કે અમેરિકા સાથેના સહકાર પર પ્રશ્ન ઊઠે છે, પરંતુ આ યાદીમાં સામેલ થવાનો અર્થ એ છે કે ભૌગોલિક સ્થિતિ, વેપારી માર્ગો અને આર્થિક પરિબળો એવાં છે જેને કારણે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન થાય છે કે હેરાફેરી થઈ રહી છે. કોઈ દેશ અમેરિકા સાથે મળી ડ્રગ્સ રોકવા કામ કરે છે છતાં પણ તેના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોય તો તેને આ યાદીમાં મૂકવામાં આવે છે.

ભારતને એવા દેશ તરીકે સામેલ કરવામાં આવ્યું છે જ્યાંથી ડ્રગ્સ અમેરિકા સહિત બીજા અનેક દેશોમાં જાય છે. જ્યારે ચીન વિશે કહેવામાં આવ્યું છે કે ફેન્ટેનિલ અને મેથામફેટામાઇન ઉપરાંત નાઇટાઝિન જેવા નવા સિન્થેટિક ઓપિયોઇડ્સના ગેરકાયદે ઉત્પાદન માટે જરૂરી કેમિકલ્સનું તે વિશ્વનું સૌથી મોટોં સ્રોત છે. ટ્રમ્પે ચીનને આ હેરાફેરી રોકવા તથા તેમાં સામેલ લોકો સામે કડક અને સતત કાર્યવાહી કરવા આહ્વાન કર્યું છે.

બ્રિટનના રાજા ચાર્લ્સે પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસ પર એક ખાસ ભેટ મોકલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશ વિદેશના નેતાઓએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. બ્રિટનના રાજા ચાર્લ્સે વડા પ્રધાન મોદીને તેમના જન્મદિવસ પર ખાસ ભેટ મોકલી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો. ભારત સહિત વિશ્વભરના વિવિધ રાષ્ટ્રપ્રમુખો, નેતાઓ અને હસ્તીઓએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન સંદેશા મોકલ્યા. હવે, બ્રિટનના રાજા ચાર્લ્સે પણ પીએમ મોદીને જન્મદિવસની ખાસ ભેટ મોકલી છે. રાજા ચાર્લ્સ તરફથી મળેલી આ ભેટ કદંબ વૃક્ષ છે.

રાજા ચાર્લ્સે કદંબનું ઝાડ કેમ મોકલ્યું?

ભારતની રાજધાની દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને લખ્યું, “મહારાજ્ય રાજાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર કદંબનું ઝાડ મોકલવાનો આનંદ છે. વડા પ્રધાન મોદીની ‘માતા માટે એક વૃક્ષ’ પહેલથી પ્રેરિત થઈને, આ પહેલ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

પીએમ મોદીએ રાજા ચાર્લ્સને એક વૃક્ષ આપ્યું

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજા ચાર્લ્સને એક વૃક્ષ ભેટમાં આપ્યું છે. હકીકતમાં, ગત જુલાઈમાં બ્રિટનની તેમની મુલાકાત દરમિયાન તેમણે ઇંગ્લેન્ડના નોર્ફોકમાં સેન્ડરિંગહામ એસ્ટેટમાં રાજા ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી અને તેમને એક વૃક્ષ ભેટમાં આપ્યું હતું.