Home Blog Page 5626

ખાણીપીણી, શોખ અને ટુરિઝમ – આ ત્રણેને શું સંબંધ છે?

ન્ન અને આહાર એ શરીરના પોષણ અને તંદુરસ્તી માટે છે. ખાણીપીણી એ સ્વાદ અને શોખની વાત છે. આ બંનેમાં ક્યાંય સમાજકારણ કે રાજકારણનો મુદ્દો આવતો નથી, પણ આપણે લાવીએ છીએ. ખાસ તો ખાવાપીવાની બાબતમાં અને શોખની વાતમાં. શું ખાવું અને શું ના ખાવું તે પરિવારની પરંપરાથી નક્કી થતું હોય છે અને મિત્રોની સોબતથી તેમાં સુધારા થતા હોય છે. શોખ મિત્રો અને સહાધ્યાયીઓ સાથેના સંપર્કમાંથી વિકસતા હોય છે અને તેના પર પરિવારની મર્યાદાઓ લાગતી હોય છે.આ બધાની ચર્ચા એટલે નીતિની ચર્ચા. આ નીતિવિષયક ચર્ચામાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્તે વળી એક મુદ્દો છેડ્યો એટલે વાત નીકળી છે. નીતિ આયોગ એ આયોજન પંચનું નવું નામ છે. નામ રૂપ ઝૂઝવાં અંતે તો ઠેરનું ઠેર હોય. નામ બદલ્યા પછી નીતિ આયોગે કંઈ ઉકાળ્યું નથી અને તેના વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયા રાજીનામું આપીને અમેરિકા જતાં રહ્યાં છે. પણ ચર્ચા એ નથી, ચર્ચા એ છે કે નીતિ ઘડવાનું આયોજન થઈ શકે નહીં. નીતિ અનુભવોના આધારે આપોઆપ ઘડાતી હોય છે. ખાણીપીણી બચપણથી કેળવાતી હોય છે અને મોટા થયા પછી વિકસતી હોય છે. શોખ પણ એવી જ રીતે વિકસતો હોય છે.

આથી આ બાબતોનું જો આયોજન કરવામાં આવે તો ઉલટાની મુશ્કેલી થાય – એવી જ કંઈક વાત અમિતાભ કાન્તે કરી છે. અમિતાભ કાન્તે કહ્યું કે લોકોએ શું ખાવું અને શું પીવું તે નક્કી કરવાની કોશિશ કરીશું તો તેનાથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થશે. તો આ છે સંબંધ ખાણીપીણી અને શોખનો ટુરિઝમ સાથે. શોખની વાત આગળ પણ કરીશું, પણ અમિતાભે ઉપાડેલી ખાણીપીણીની વાતને જોઈ લઈએ.

ખાણીપીણીની બાબતે છેલ્લા થોડા વર્ષોથી ચર્ચા ઉગ્ર બની છે, કેમ કે તેમાં રાજકારણ ભળ્યું છે. આ રાજકારણ પણ વળી પાછું ધર્મકારણના ભેળસેળવાળું છે. એટલે કોકટેલ કીક આપે તેવું થયું છે. પરંતુ નીતિ આયોગના સીઈઓ તરફથી ફરી એક વાર નિવેદન આવ્યું એટલે ધ્યાન ખેંચાયું છે. પણ તેમણે કોઈ વિવાદ માટે નિવેદન આપ્યું નથી. તેમણે આખી વાતને ટુરિઝમ સાથે જોડી છે.

ઇન્ડિયા ઇકોનોમિક સમીટમાં ટુરિઝમ વિશેનું સેશન હતું તેમાં સંબોધન કરતી વખતે તેમણે આ વાત કરી. તેમણે કહ્યું કે ભારતે સ્વચ્છતાને પણ મહત્ત્વ આપવું પડશે, કેમ કે તેના કારણે જ એક આગવો અનુભવ ટુરિસ્ટને પ્રાપ્ત થાય. તે પછી તેમણે ઉમેર્યું કે સાંજ પડે તે પછી પ્રવાસીને થાક ઉતારવા, રિલેક્સ થવા અને ચીલ આઉટ થવાનું જોઈએ. તેથી સાંજે ભારતીય સંસ્કૃત્તિને ધ્યાનમાં રાખીને ટુરિસ્ટ એક અનુભવ પ્રાપ્ત કરી શકે તેવી અનોખી સાંજનો માહોલ ઊભો કરવો પડે એમ તેમનું કહેવું હતું.હવે તેમણે આ ભારતીય સંસ્કૃત્તિ પ્રમાણે સાંજની મોજની વાત કરી એ સાંજની મોજ એટલે શું એવો સવાલ થવાનો. જોકે તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય લોકોને એવું કહી શકે નહીં કે શું ખાવું અને શું પીવું. એ વિષય ટુરિસ્ટનો છે, રાજ્યનો નથી.

હવે સવાલ એ થવાનો કે રાજ્ય જો ટુરિસ્ટ માટે શું ખાવું અને શું ના પીવું એ નક્કી રાજ્યે ના કરવાનું હોય અને સાથોસાથ ભારતીય માહોલવાળી સાંજની મોજનો માહોલ ક્રિએટ કરવાનો હોય તો કરવું શું? હાલમાં જ વડાપ્રધાને પણ કહ્યું કે યુવાનોને નશાથી અને ડ્રગ્સથી દૂર રાખવા જોઈએ. નશાખોરી બૂરી વાત છે, પણ સાંજે રિલેક્સ થવા માટે ડ્રિન્ક એ યુરોપના દેશમાં કલ્ચર છે. એ કલ્ચર અને ભારતીય કલ્ચર બંનેને ધ્યાનમાં લઈને સાંજની ઉજવણી કરવાની રહે, ટૂંકમાં.

દરમિયાન પૂણેથી એક બીજા સમાચાર મળ્યા કે પૂણે નજીક યોજાનારા એક સંગીત કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો છે. પિમ્પરી ચિંચવડ પાસે મોશીમાં ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિકનો કાર્યક્રમ યોજાવાનો છે. તેનું નામ રખાયું છે સનબર્ન ફેસ્ટિવલ. યુવાનો માટે મ્યુઝિક અને વેસ્ટર્ન મ્યુઝિક પણ એક શોખનો વિષય હોઈ શકે છે. પણ વિદેશી મ્યુઝિક અને ડાન્સ સાથે એવું કંઈક જોડાઈ જતું હોય છે, જે અન્ય લોકો માટે નાકનું ટીચકું ચડાવવાનું કારણ બને.

આ કિસ્સામાં પણ એવું જ થયું છે. સનબર્ન ફેસ્ટિવલમાં નગ્નતા, અશ્લીલતા, દારૂ અને ડ્રગ્સની રેલમછેલ થશે એવો ડર વ્યક્ત કરીને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. એકતરફ ગામડું અને ગામડાની નજીક આવો ફેસ્ટિવલ યોજાય તે વિરોધાભાસ ઊભો કરે છે. સામાજિક કાર્યકરો અને હિન્દુત્વતરફી સંસ્થાઓએ પણ તેનો વિરોધ શરૂ કર્યો છે.

સંગીત એ શોખની વસ્તુ છે, પણ કયું સંગીત એ ખાણીપીણીની જેમ સવાલમાં આવી જાય છે. ખાણીપીણીનો પણ શોખ હોઈ શકે, પણ શું ખાવું તે સવાલ આવે. ગીતસંગીતનો શોખ ખરો, પણ કેવા ગીતસંગીત એનો સવાલ વળી ઊભો થાય. કાન્તે કહ્યું કે સાંજનો અનેરો અનુભવ ઊભો કરવો પડે. ભારતીય સંસ્કૃત્તિના સંદર્ભમાં સાંજે મહેફિલ જામે તેમાં ગીત સંગીત હોય, પણ તે શાસ્ત્રીય હોય કે સુગમ હોય.

હવે જો ટુરિસ્ટ માટે ખાણીપીણીમાં સરકારે આગ્રહ ના રાખવો જોઈએ એમ કાન્ત કહેતા હોય, તો કેવા પ્રકારના સંગીત કાર્યક્રમો અને ફેસ્ટિવલ વગેરે યોજવા જોઈએ તેમાં પણ સરકારે આગ્રહો અને દુરાગ્રહો ન રાખવા જોઈએ એમ કહેનારા કહેશે. આગવા ફેસ્ટિવલ પણ ફેમસ બને તો વિદેશી ટુરિસ્ટોને આકર્ષી શકાતા હોય છે. એટલે એકતરફ ટુરિઝમ દ્વારા ભારતની આવક રળવાની ઇચ્છા, એક ડેસ્ટિનેશન તરીકે ઇન્ડિયાને પોપ્યુલર બનાવવાની ઈચ્છા અને તેની સામે ભારતીય સંસ્કૃતિ, ખાણીપીણીના આગ્રહો અને શોખની મર્યાદાઓ … આ ત્રણેય બાબતોનું કોકટેલ થયું છે એમ કહી શકાય.

દીવાળી માટે સ્પેશિયલ વરાયટી

અમદાવાદ– પ્રકાશ પર્વ દીવાળીને થોડાક જ દિવસ બાકી છે, ત્યારે સજાવટની ચીજવસ્તુઓ બજારમાં આવવાની શરુ થઇ ગઇ છે. તહેવાર-ઉત્સવોમાં લોકો પેટિયું રળવા એક ગામથી બીજે ગામ જાય એ સમજી શકાય. પણ અમદાવાદમાં દીવાળીના પ્રકાશની સજાવટની સામગ્રી લઇ એક કારીગર માઇલોની મજલ કાપી આંધ્રપ્રદેશથી આવી ગયો છે. શહેરના ગુજરાત યુનિવર્સિટીની ફૂટપાથ પર પેડલ રીક્ષા સાથે સૌનું ધ્યાન ખેંચાય એવા કળાત્મક રંગબેરંગી બલ્બ કવર વેચી રહ્યો છે. પ્લાસ્ટીક અને વાંસનામાંથી બનતું પ્રકાશનું આવરણ આ દીપોત્સવમાં શહરેજનો માટે નવું નજરાણું છે.

અહેવાલ-તસવીર પ્રજ્ઞેશ વ્યાસ

સંતુલિત જીવન ઊર્જા મળે વાસ્તુ નિયમોમાંથી

જે વ્યક્તિના અગ્નિ, દોષ, ધાતુ, મળક્રિયા સંતુલિત હોય અને જેના આત્મા, મન અને ઇન્દ્રિયો આંનદમય હોય તે વ્યક્તિ ને સ્વસ્થ ગણી શકાય આવી કોઈ વાત સુશ્રુત સંહિતા સૂત્રધારમાં વાંચી હતી. જે માણસનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે તેને માત્ર સ્વસ્થ ન ગણી શકાય પરંતુ જે તન, મન અને આત્મિક રીતે સ્વસ્થ છે તેને જ સ્વસ્થ ગણાય. આ વાત ભારતીય છે અને તેથી જ આપણા દેશમાં માત્ર શરીર માટેની વાતો નથી થઇ.

ત્રય: ઉપસ્તંભા: આહાર: સ્વપ્નો બ્રહ્મચર્ય ચ સતીશરીરના ત્રણ સ્તંભ છે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. આ ત્રણેયનું સંતુલન પામવા માટે સારી ઊર્જાની જરૂર પડે છે અને તે મળે છે વાસ્તુ નિયમોમાંથી. જયારે વાયવ્ય સંતુલિત હોય ત્યારે વાત અને કફની સમસ્યાઓ ઓછી રહે છે. આ ઉપરાંત વિચારો પણ સારા આવે છે તેથી ઊર્જા સારી રહે છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે અન્યનો ઉપયોગ કરતા જોવા મળે ત્યારે તેમની અગ્નિથી વાયવ્યની એક્સિસ તપાસી લેવી જોઈએ. દરેક મોટો દેખાતો માણસ સુખી હોય તેવું જરૂરી નથી. ક્યારેક તો જેને ઘરમાં સુખ નથી મળતું તે બહારથી સન્માન્ન ખરીદવા પ્રયત્ન કરતાં દેખાય છે. જયારે આવી વાતનો અતિરેક થાય ત્યારે વાયવ્યથી ઈશાનની એક્સિસ તપાસી લેવી જરૂરી છે. વાઘ જેવો લાગતો માણસ અંદરથી સસલાં કે શિયાળ જેવો લાગે ત્યારે આની સાથે પૂર્વનો દોષ પણ હોઈ શકે. આ તો થઇ માનસિક સ્થિતિ. ક્યારેક માણસની એકલતા તેને અન્યને છેતરીને આનંદ લેતો કરી મૂકે તેવું પણ બને. સમાજના અસમર્થ લોકો પર અત્યાચાર કરીને તે પોતે સિદ્ધ છે તેવું માનવા લાગે ત્યારે આત્મિક સમસ્યા હોઈ શકે.

વાયવ્યના દોષના લીધે ખાસ કરીને જે શારીરિક સમસ્યાઓ આવે છે તે પેટના અવયવોની હોઈ શકે. આની સાથે પશ્ચિમ ના અમુક ભાગની ઊર્જા બરાબર ન  હોય તો કફ અને શ્વાસને લગતી તકલીફ આવી શકે છે. જો ઈશાનની અમુક સમસ્યા ભળે તો મસ્તકને લગતી તકલીફ પણ ગણાય. જેમાં સાઈનસાઈટિસ જેવી બીમારી આવી શકે. આવું જ ડાયાબિટીસ માટે પણ કહી શકાય. આ સાથે એની ની સમસ્યા હોય તો કિડની અને નારીને લગતી સમસ્યા આવી શકે. દક્ષિણની સમસ્યા આની સાથે હોય તો ઉગ્રતા અને ઍન્ગ્ઝાયટીની સમસ્યા આવી શકે. જો નૈઋત્યની ઊર્જા આ સાથે નકારાત્મક હોય તો લીવરને લગતી તકલીફ આવી શકે. આ વાતો માહિતી માટે છે. ભારતિય સિદ્ધાંતો માનવ સમાજને મદદ કરવા માટે બનેલાં છે. તેથી દરેક નકારાત્મક ઊર્જાને હકારાત્મક દિશા આપવાની વાત પણ જોવા મળે છે.

ભ્રમણા:

નવું મેનેજમેન્ટ કહે છે તેમ પોતાના સુખ માટે અન્યનો ભોગ લેવામાં કાંઈ ખોટું નથી.

સત્ય:

માણસનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. આપણા શાસ્ત્રોમાં કર્મ વિષે ઘણી સુંદર વાતો કરવામાં આવી છે. હા, કોઈને છેતરીને ક્ષણિક સુખ તો મળે જ છે. પણ જે માણસ છેતરે છે તે તો આ વાત જાણે છે. પશ્ચિમના ઘણા લોકો આપણા તરફ ભાગી રહ્યાં છે કારણ કે તેમને હવે આત્માની શાંતિ જોઈએ છે. અને કોઈને છેતર્યાનો અજંપો આત્મિક સુખ આપી શકે? બેંકમાં ગમે તેટલા પૈસા હશે, તે સુખ ખરીદવા અસમર્થ જ હશે. વળી મજા, આનંદ અને સુખની વ્યાખ્યા પણ અલગ જ હોય છે.

રઘુરામ રાજનનું નામ અર્થશાસ્ત્ર નોબેલ વિનરની યાદીમાં?

નવી દિલ્હી– સોમવારે અર્થશાસ્ત્રના ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કારની ઘોષણા થવાની છે. તેના સંભવિત વિજેતાઓના નામની યાદીમાં રઘુરામ રાજનનું નામ હોવાની ખબર મળી રહી છે. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન ક્લૈરિવેટ એનાલિટિક્સની નોબેલ પુરસ્કાર સંભાવિત વિજેતાની તૈયાર થયેલી યાદીમાં છે.

ક્લૈરિવેટ એનાલિટિક્સ એકેડેમિક અને સાયન્ટિફિક રીસર્ચ કંપની છે. જે પોતાના રીસર્ચના આધારે નોબેલ વિનર્સના સંભાવિતોની યાદી તૈયાર કરે છે. વૉવ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ પ્રમાણે રઘુરાજ રાજન એ છ સંભાવિત વિજેતાઓની નામયાદીમાં છે જેની યાદી ક્લૈરિવેટ એનાલિટિક્સે તૈયાર કરી છે. રાજનને કોર્પોર્ટ ફાઇનાન્સના ક્ષેત્રમાં તેમણે કરેલા પ્રદાન માટે શામેલ કરવામાં આવ્યાં છે.

રઘુરામ રાજન આરબીઆઈ ગવર્નરના રુપમાં બીજી ટર્મ મળવાની આશા હતી જોકે તેમ થયું નહીં. પોતાની ટર્મ પૂર્ણ થયાં બાદ રઘુરામ રાજન શિકાગો યુનિવર્સિટીમાં બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફેકલ્ટી તરીકે તેઓ પાછાં ચાલી ગયાં હતાં. આરબીઆઈ ગવર્નર પદ છોડ્યાં પછી રાજને સ્પષ્ટતાઓ કરી હતી કે કેટલાક મુદ્દે તેમની અને કેન્દ્ર સરકારની માન્યતાઓમાં ફરક હતો. જેમાં નોટબંધીનો નિર્ણય પણ શામેલ હતો. રાજને નોટબંધીના નિર્ણયની કડક આલોચના કરી હતી.

ભારતે રાંચીમાં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાને 9-વિકેટથી હરાવ્યું

રાંચી – અહીં JSCA સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9-વિકેટથી પરાસ્ત કરી દીધું છે. આ જીત સાથે ભારતે 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

વરસાદના અવરોધને કારણે મેચની મજા બગડી ગઈ હતી, પણ ભારતીય ટીમે ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર એને મળેલા નવા ટાર્ગેટને ચેઝ કરીને મેચ જીતી બતાવી છે.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 18.4 ઓવરમાં 8 વિકેટે 118 રન કર્યા હતા ત્યારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદે રમતનો ખાસ્સો એવો હિસ્સો બગાડ્યા બાદ અમ્પાયરોએ મેચને 6 ઓવર સુધી સીમિત કરી હતી અને ભારતને 6 ઓવરમાં જીત માટે 48 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતે રોહિત શર્મા (11)ની વિકેટ ગુમાવીને 5.3 ઓવરમાં 49 રન કરીને મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી 22 અને શિખર ધવન 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

એ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતનીની ચુસ્ત બોલિંગ અને કડક ફિલ્ડિંગને કારણે રન કરવામાં છૂટ લઈ શક્યા નહોતા. એકમાત્ર આરોન ફિન્ચે પ્રતિકાર કરીને 42 રન કર્યા હતા. એ સિવાય બીજા કોઈ બેટ્સમેને ઉલ્લેખનીય સ્કોર કર્યો નહોતો. કેપ્ટન ડેવીડ વોર્નરે 8 રન કર્યા હતા. ગ્લેન મેક્સવેલ અને વિકેટકીપર ટીમ પેઈને 17-17 રન કર્યા હતા. ટ્રેવિસ હેડ, હેન્રીક મોઈઝીસ, ડેનિયલ ક્રિશ્ચન, નેશન કુલ્ટર-નાઈલ સસ્તામાં આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરા અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે વ્યક્તિગત બે વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

બીજી T20I મેચ 10 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે અને ત્રીજી તથા સિરીઝની છેલ્લી મેચ 13 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

ભારતે ઓસ્ટ્રેલિયાને આ સતત સાતમી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં હરાવ્યું છે.

વિરાટ કોહલી અને તેના સાથીઓએ આ પહેલાં પાંચ મેચોની વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી પરાજીત કર્યું હતું.

એવિએશન સેક્ટરનો વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા PM મોદી

  • ચોટીલામાં રૂ.૧૪૦૫ કરોડના ખર્ચે આકાર પામનાર વૈશ્વિક કક્ષાના આધુનિક ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતાં વડાપ્રધાન
  • વડાપ્રધાને ડિજિટલ માધ્યમથી રૂ.૩૩૬૪.૫ કરોડના વિવિધ પ્રજાલક્ષી કામોનું ભૂમિપૂજન-ઉદઘાટન-લોકાર્પણ કર્યું

રાજકોટ- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે શનિવારે ચોટીલા ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-રાજકોટ જિલ્લાની મધ્યમાં નિર્માણ થનાર આ આધુનિક એરપોર્ટના કારણે આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા એકબીજા સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરશે. તેજ ગતિથી આગળ વધવાની સંભાવનાવાળા આ બે જિલ્લાઓને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા અહી ભવ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે આ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રની સમૃદ્ધિના દ્વાર ખૂલશે. હવાઇ ચપ્પલ પહેરનાર સામાન્ય વ્યક્તિ પણ હવાઇ મુસાફરી કરી શકે તેવો એવીએશન સેક્ટરના વિકાસ કરવાનું કાર્ય કેન્દ્ર સરકારે આરંભ્યું છે.

ચોટીલામાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, એવીએશન પોલીસી થકી અમદાવાદ-મુંબઇ-ચેન્નઇ જેવા મોટા શહેરોની સાથે નાના-નાના શહેરોમાં પણ એર કનેક્ટીવીટી ઉપલબ્ધ બને તેવી સરકારની નેમ છે. જેને અનુરૂપ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ થનાર આ એરપોર્ટ ઉપરથી ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સર્વિસ શરૂ થશે, એ દિવસો પણ હવે દૂર નથી.

વડાપ્રધાને ગુજરાતમાં નર્મદાના નીર થકી આવેલ સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નર્મદાના નીરનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નર્મદાના નીર થકી આ જિલ્લો આવનારા દિવસોમાં કૃષિના વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બનશે અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. નર્મદાના નીરના દ્વારા આ જિલ્લાની કૃષિ સમૃદ્ધિમાં વધારો થયો છે. જેના કારણે જિલ્લાની જમીનની કિંમત પણ વધી છે. જેને ધ્યાને લઇ સરકારે હિરાસર ખાતે નિર્માણ થનાર આ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે ખેડૂતોની ઓછામાં ઓછી જમીન સંપાદન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. જેના પરિણામે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની માત્ર ૪ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીની ૯૬ ટકા જમીન સરકારી ઉજ્જડ જમીન છે.

કેન્દ્ર સરકારે માર્ગોના નવીનીકરણની સાથે ભવિષ્યના વિકાસને ધ્યાને લઇ માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે કામગીરી હાથ ધરી છે. જે અન્વયે અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ અને રાજકોટ-મોરબીના માર્ગને ચારમાર્ગીય કરવાનું કાર્ય હાથ ધરીને માર્ગ અકસ્માતોના નિવારણની સાથે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. ગતિ એ પ્રગતિ માટે જરૂરી છે, તેથી નિર્માણ થનાર છ માર્ગીય રસ્તા અને ચાર માર્ગીય રસ્તાએ મોરબી સહિતના સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને નવું બળ પુરૂ પાડશે.

પાંચાળની પવિત્ર ભૂમિમાં રહેલા અનેકવિધ ધર્મસ્થાનકો-તીર્થસ્થાનોને જોડીને યાત્રાધામોના વિકાસનું કામ ગુજરાત સરકારે આરંભ્યું છે તેમ જણાવી વડાપ્રધાને આવા પાંચાળ વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના એરપોર્ટ થકી આવનારા દિવસોમાં આ યાત્રાધામોની સાથે અહીંનો તરણેતરનો મેળો આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તરશે, તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

મોદીએ ખેડૂતોને આહવાન કરતા કહ્યું કે, હવે પાણીનું પ્રાણ જેટલું જ જતન કરવું પડશે અને ખેતર-ખેતરે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવી પડશે. ખેડુતોએ વૈજ્ઞાનિક-આધુનિક ખેતી પદ્ધતિનો સ્વીકાર કરવો પડશે. નર્મદાના પાણી આ વિસ્તારમાં આવતા પશુપાલન પ્રવૃતિ વધી છે. તેથી સૂર સાગર ડેરી પશુ પાલકો માટે આવનારા દિવસોમાં સુખસાગર બનશે.

PM મોદીના ચોટીલાના કાર્યક્રમની સાથે…સાથે…

  • પાંચાળ ભૂમિ ચોટીલાના ડુંગરે વિદ્યમાન દેવી મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિ પૂજનનો કાર્યક્રમ ઐતિહાસિક રહ્યો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે વહેલાસરથી જ લોકો સભા મંડપમાં આવ્યા હતા
  • સંગીત નાટ્ય અકાદમીના પંકજ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સાંગીતિક કાર્યક્રમોની કર્ણપ્રિય પ્રસ્તુતી કરવામાં આવી હતી. જાણીતા ગાયક બંકિમ પાઠકે દેશભક્તિના ગીતો થકી માહોલ જમાવ્યો હતો.
  • વડાપ્રધાન દ્વારા સૌરાષ્ટ્રની જનતાને ભેટ આપવામાં આવેલા વિકાસ કામો જોઇએ તો રૂ.૧૪૦૦ કરોડનું હિરાસર ગ્રિનફીલ્ડ એરપોર્ટ, રૂ.૨૮૬૩ કરોડના રાજકોટથી અમદાવાદ હાઇવેનું વિસ્તૃતિકરણ તથા રૂ.૩૭૫ કરોડના ખર્ચથી રાજકોટ-મોરબી ચાર માર્ગીય, સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરીમાં રૂ.૭૫ કરોડના ખર્ચેથી મિલ્ક પ્રોસેસીંગ-પેકીંગ પ્લાનનું ભૂમિ પૂજન અને સુરેન્દ્રનગર માટેની રૂ.૨૧.૫ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
  • સભા મંડપમાં ઉપસ્થિતોએ હું છુ વિકાસ, હું છુ ગુજરાત અને ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવ્યા હતા.
  • એરપોર્ટ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ડિઝીટલના માધ્યમથી ભૂમિ પૂજન તથા લોકાર્પણ કર્યું હતું.
  • સભા મંડપમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન થાય એમ લોકો પરંપરાગત પરિધાનમાં આવ્યા હતા.

સોનાની દ્વારકા ક્યાં છે ?

અહેવાલ- ભરત પંચાલ

ડાપ્રધાન નરેન્દ્ર મોદી 7-8 ઓકટોબર ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. પીએમ મોદીએ દ્વારકાધીશના દર્શન કરીને જાહેરસભામાં સોનાની દ્વારકાનો ઉલ્લેખ કર્યો, કહ્યું કે નિષ્ણાતોને કામ સોંપ્યું છે, કે સોનાની દ્વારકા ક્યા છે ?. ક્યા ગઈ એ સોનાની દ્વારકા… સૌથી મોટો સવાલ છે… ઈતિહાસના પાનાં પર સોનાની દ્વારકાની વાત રહી છે કે પછી માત્ર કથા છે. એ તો તપાસનો વિષય છે. આજે આપણે આ સોનાની દ્વારકાનો ઈતિહાસ ફંફોસીસું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે હકીકત શું છે.?

શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે આવ્યા, ત્યારે નગરીના નિર્માણ માટે વિશાળ સાગરતટ પ્રદેશ પર તેમની નજર ઠરે છે, અને વિશ્વકર્માજીને  આહ્વવાન કરે છે, અને દ્વારકા નગરીના નિર્માણ માટે કહે છે. જો સમુદ્રદેવ દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભૂમિ આપે તો જ આ કાર્ય પાર પડે તેમ હતું. શ્રી વિશ્વકર્માએ શ્રી કૃષ્ણને આ વાત જણાવી, ત્યારે શ્રી કૃષ્ણએ સમુદ્રદેવની આરાધના કરી અને પ્રસન્ન થઈને સમુદ્રદેવે બાર જોજન જેટલી જમીન સમર્પિત કરી. તેના પર વિશ્વકર્માજીએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરીને દ્વારાવતી તથા કુશસ્થલીના નામથી પણ ઓળખાય છે.

મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી શ્રીકૃષ્ણ ભગવાને રચેલી દ્વારકા સમુદ્રમાં સમાઈ જાય છે. ત્યાર પછી એક દંતકથા મુજબ કૃષ્ણના જીવનનો અંત સોમનાથ પાસેના ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા હતા અને અરબી સમુદ્રના તટે સોમનાથની તીરે ત્રિવેણી સંગમ ખાતે શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. તે સમય પછી આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઈ ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરનું રાજતિલક થયું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણીને શ્રાપ આપ્યો હતો કે કૌરવોના વંશનો જે રીતે નાશ થયો છે, તે રીતે જ યદુવંશનો પણ નાશ થશે. તે પ્રમાણે જ અર્જુન આવીને દ્વારકાવાસીઓને પોતાની સાથે લઈ જાય છે, પણ તે પહેલાં કૃષ્ણના પરિવારજનો સ્વર્ગે સીધાવે છે.

મહાભારતમાં કહેવાયું છે કે આખરે પ્રલયમાં દ્વારકા નગરી ડૂબી ગઈ. દ્વારકાના સાગરકાંઠે આર્કિયોલોજી દ્વારા થયેલા સંશોધનોમાં પાણી નીચે નગરના અવશેષો મળ્યાં છે. ઈસવીસન પૂર્વે 1500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનું તે નગર મનાય છે. શ્રદ્ધાળુઓ તેને કૃષ્ણની સોનાની દ્વારકા જ માને છે.

ઈતિહાસકારોમાં દ્વારકા ક્યા હતી એ અંગે અનેક મતમતાંતર છે. કૃષ્ણયુગ પુરો થયો ને પાંચ હજાર વર્ષ પુરા થઈ ગયાં છે, પણ હજી કૃષ્ણની દ્વારકા કયાં હતી, તે પ્રશ્ન એમનો એમ રહ્યો છે. દરિયાના તળિયે સોનાની દ્વારકા ડૂબી ગઈ તેની દંતકથા છે. માટે સમુદ્રના પાણીમાં દ્વારકા નગરી હોવાની માન્યતા પ્રબળ છે. અને એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. પણ હજી સુધી નક્કર કહી શકાય તેવા કોઈ પુરાવા મળ્યાં નથી.

આજની દ્વારકા નગરી તે જ મૂળ દ્વારકા નગરી હોવાનું મનાય છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ શામળિયાને હૂંડી લખી હતી તેમાં જે સરનામું ટાંકયું હતું, ‘ સ્વસ્તી શ્રીમંત શુભ સ્થાન દ્વારામતી, રાય રણછોડને કરું પ્રણામ, સાગરબેટમાં ઠેઠ મધ્યે વસો, શામળા શેઠ પ્રસિદ્ધ નામ’. તે મુજબ જોઈએ તો બેટદ્વારકા એ અસલ દ્વારકા છે. બીજી તરફ આદ્ય શંકરાચાર્ય હાલની દ્વારકાને ઓરિજનલ દ્વારકા ગણે છે. માટે તેમણે શારદાપીઠની સ્થાપના કરી હતી. પુરાત્વ જાણકારો પણ આ દ્વારકાને અસલ દ્વારકા ગણે છે. બીજી વાત એવી છે કે મહાભારતના ઉલ્લેખ પ્રમાણે દ્વારકા રૈવતક નામના પર્વત પાસે હતું. આજનું દ્વારકા જ્યાં છે, તો કોઈ પર્વત નથી. એક શકયતા એ છે કે જૂનાગઢને દ્વારકા તરીકે રજૂ કરાઈ રહ્યું છે, પણ કોઈ પુરાવા કે સંકેત મળતા નથી.

કોડીનાર પાસે મૂળ દ્વારકા નામનું ગામ છે. અહીંથી ઈસવીસન દસમી સદીના અવશેષો મળી આવ્યાં છે. ખોદકામ દરમિયાન અહીંથી ગોળાકાર બાંધકામ મળ્યું હતું. અને આ બાંધકામ પંદર ફૂટ ઊંચું હતું. સૌરાષ્ટ્રની પ્રાચીન દીવાદાંડી પણ મળી છે. જાણીતા પુરાત્વશાસ્ત્રી દ્વારકા અહીં હોવાનું માનતાં હતાં.

જો કે દ્વારકાના અનેક સરનામા મળ્યાં છે, પણ હજુ સુધી કોઈ નક્કર પુરાવા કે સંકેતો મળ્યાં નથી. પણ સોનાની દ્વારકા હતી તે વાત સાચી છે. જો કે શોધસંશોધન પૂરતું થયું નથી. હવે આજે 7 ઓકટોબર, 2017ના રોજ પીએમ મોદીએ જાહેર મંચ પર પોતાના સંબોધનને અંતે સોનાની દ્વારકાનો ઉલ્લેખ કરીને એક્સપર્ટને કામ સોંપ્યું છે, અને સોનાની દ્વારકા શોધવા માટે બીડું ઝડપ્યું છે. જો ખરેખર અને હકીકતમાં દ્વારકાની શોધ કરાશે તો 100 ટકા પુરાવા મળશે જ.

અમદાવાદના દરિયાપુરમાં 15 દેશી બોંબ મળ્યાં

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજીબાજુ દીવાળીની ખરીદી માટે ભીડનો માહોલ છે ત્યારે  અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી 15 જેટલા દેશી બોંબ મળી આવતાં ખળભળાટ વ્યાપી ગયો હતો.. દરિયાપુર તંબુ પોલીસ ચોકીની પાછળ કચરાપેટી પાસે વહેલી સવારે એક મહિલા સફાઈ કામદાર કામ કરી રહી હતી તે દરમિયાન તેને આ બોંબ મળી આવ્યાં હતાં મહિલા કામદારે પોલીસને જાણ કરતા પોલીસે ત્યાં જઈ તપાસ કરી હતી અને 15 જેટલા દેશી બનાવટના બોંબ જપ્ત કર્યા હતાં. સમગ્ર મામલાની જાણ થતા બોંબ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા તમાકુના ડબ્બામાં વિસ્ફોટક, ખીલીઓ તેમ જ કાચના ટુકડા ભરીને ટાઈટ બંધ કરી દીધા હતાં તો આ સાથે જ ડબ્બાની ઉપરની બાજુએ દીવેટ પણ લગાવવામાં આવી હતી. બોંબ સ્ક્વોડ દ્વારા દેશી બોંબની ચકાસણી કર્યા બાદ તેને એફએસએલ ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

તમાકુના ડબ્બાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા બોંબમાં મળી આવેલી ચીજ વસ્તુઓ વિસ્ફોટક છે કે અન્ય કોઈ ચીજ વસ્તુ છે તે મામલે એફએસએલ અને બોંબ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે તો પોલિસની પ્રાથમિક તપાસમાં ભાંગફોડીયાં તત્વોનું બોંબ વિસ્ફોટ કરવાનું આયોજન હોય તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને આ દિશામાં તપાસ તેજ કરી છે.

ઈંધણ ટાંકીમાં લાગી ભયાનક આગ…

મુંબઈની પૂર્વ બાજુએ આવેલા બૂચર ટાપુ પર મુંબઇ પોર્ટ ટ્રસ્ટની માલિકીની વિશાળ ઓઈલ ટેન્કમાં 7 ઓક્ટોબર, શનિવારે સાંજે 5 વાગ્યે ભીષણ આગ લાગી હતી. તે રવિવારે સવાર સુધી બુઝાઈ નહોતી. ભારે વરસાદને પગલે વીજળી પડવાથી ટેન્કમાં આગ લાગી હતી.ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું પરંતુ આઝે સવારે સાડા ચાર વાગે ફરીથી આગે જોર પકડી લીધું હતું. જે ટાંકીમાં આગ લાગી છે તેની આજુબાજુની ટાંકીઓ ખાલી કરી દેવામાં આવી છે.