સંતુલિત જીવન ઊર્જા મળે વાસ્તુ નિયમોમાંથી

જે વ્યક્તિના અગ્નિ, દોષ, ધાતુ, મળક્રિયા સંતુલિત હોય અને જેના આત્મા, મન અને ઇન્દ્રિયો આંનદમય હોય તે વ્યક્તિ ને સ્વસ્થ ગણી શકાય આવી કોઈ વાત સુશ્રુત સંહિતા સૂત્રધારમાં વાંચી હતી. જે માણસનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે તેને માત્ર સ્વસ્થ ન ગણી શકાય પરંતુ જે તન, મન અને આત્મિક રીતે સ્વસ્થ છે તેને જ સ્વસ્થ ગણાય. આ વાત ભારતીય છે અને તેથી જ આપણા દેશમાં માત્ર શરીર માટેની વાતો નથી થઇ.

ત્રય: ઉપસ્તંભા: આહાર: સ્વપ્નો બ્રહ્મચર્ય ચ સતીશરીરના ત્રણ સ્તંભ છે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. આ ત્રણેયનું સંતુલન પામવા માટે સારી ઊર્જાની જરૂર પડે છે અને તે મળે છે વાસ્તુ નિયમોમાંથી. જયારે વાયવ્ય સંતુલિત હોય ત્યારે વાત અને કફની સમસ્યાઓ ઓછી રહે છે. આ ઉપરાંત વિચારો પણ સારા આવે છે તેથી ઊર્જા સારી રહે છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે અન્યનો ઉપયોગ કરતા જોવા મળે ત્યારે તેમની અગ્નિથી વાયવ્યની એક્સિસ તપાસી લેવી જોઈએ. દરેક મોટો દેખાતો માણસ સુખી હોય તેવું જરૂરી નથી. ક્યારેક તો જેને ઘરમાં સુખ નથી મળતું તે બહારથી સન્માન્ન ખરીદવા પ્રયત્ન કરતાં દેખાય છે. જયારે આવી વાતનો અતિરેક થાય ત્યારે વાયવ્યથી ઈશાનની એક્સિસ તપાસી લેવી જરૂરી છે. વાઘ જેવો લાગતો માણસ અંદરથી સસલાં કે શિયાળ જેવો લાગે ત્યારે આની સાથે પૂર્વનો દોષ પણ હોઈ શકે. આ તો થઇ માનસિક સ્થિતિ. ક્યારેક માણસની એકલતા તેને અન્યને છેતરીને આનંદ લેતો કરી મૂકે તેવું પણ બને. સમાજના અસમર્થ લોકો પર અત્યાચાર કરીને તે પોતે સિદ્ધ છે તેવું માનવા લાગે ત્યારે આત્મિક સમસ્યા હોઈ શકે.

વાયવ્યના દોષના લીધે ખાસ કરીને જે શારીરિક સમસ્યાઓ આવે છે તે પેટના અવયવોની હોઈ શકે. આની સાથે પશ્ચિમ ના અમુક ભાગની ઊર્જા બરાબર ન  હોય તો કફ અને શ્વાસને લગતી તકલીફ આવી શકે છે. જો ઈશાનની અમુક સમસ્યા ભળે તો મસ્તકને લગતી તકલીફ પણ ગણાય. જેમાં સાઈનસાઈટિસ જેવી બીમારી આવી શકે. આવું જ ડાયાબિટીસ માટે પણ કહી શકાય. આ સાથે એની ની સમસ્યા હોય તો કિડની અને નારીને લગતી સમસ્યા આવી શકે. દક્ષિણની સમસ્યા આની સાથે હોય તો ઉગ્રતા અને ઍન્ગ્ઝાયટીની સમસ્યા આવી શકે. જો નૈઋત્યની ઊર્જા આ સાથે નકારાત્મક હોય તો લીવરને લગતી તકલીફ આવી શકે. આ વાતો માહિતી માટે છે. ભારતિય સિદ્ધાંતો માનવ સમાજને મદદ કરવા માટે બનેલાં છે. તેથી દરેક નકારાત્મક ઊર્જાને હકારાત્મક દિશા આપવાની વાત પણ જોવા મળે છે.

ભ્રમણા:

નવું મેનેજમેન્ટ કહે છે તેમ પોતાના સુખ માટે અન્યનો ભોગ લેવામાં કાંઈ ખોટું નથી.

સત્ય:

માણસનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. આપણા શાસ્ત્રોમાં કર્મ વિષે ઘણી સુંદર વાતો કરવામાં આવી છે. હા, કોઈને છેતરીને ક્ષણિક સુખ તો મળે જ છે. પણ જે માણસ છેતરે છે તે તો આ વાત જાણે છે. પશ્ચિમના ઘણા લોકો આપણા તરફ ભાગી રહ્યાં છે કારણ કે તેમને હવે આત્માની શાંતિ જોઈએ છે. અને કોઈને છેતર્યાનો અજંપો આત્મિક સુખ આપી શકે? બેંકમાં ગમે તેટલા પૈસા હશે, તે સુખ ખરીદવા અસમર્થ જ હશે. વળી મજા, આનંદ અને સુખની વ્યાખ્યા પણ અલગ જ હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]