એવિએશન સેક્ટરનો વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા PM મોદી

  • ચોટીલામાં રૂ.૧૪૦૫ કરોડના ખર્ચે આકાર પામનાર વૈશ્વિક કક્ષાના આધુનિક ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતાં વડાપ્રધાન
  • વડાપ્રધાને ડિજિટલ માધ્યમથી રૂ.૩૩૬૪.૫ કરોડના વિવિધ પ્રજાલક્ષી કામોનું ભૂમિપૂજન-ઉદઘાટન-લોકાર્પણ કર્યું

રાજકોટ- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે શનિવારે ચોટીલા ખાતે વૈશ્વિક કક્ષાના ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-રાજકોટ જિલ્લાની મધ્યમાં નિર્માણ થનાર આ આધુનિક એરપોર્ટના કારણે આવનાર દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા એકબીજા સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરશે. તેજ ગતિથી આગળ વધવાની સંભાવનાવાળા આ બે જિલ્લાઓને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા અહી ભવ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે આ વિસ્તાર સાથે સૌરાષ્ટ્રની સમૃદ્ધિના દ્વાર ખૂલશે. હવાઇ ચપ્પલ પહેરનાર સામાન્ય વ્યક્તિ પણ હવાઇ મુસાફરી કરી શકે તેવો એવીએશન સેક્ટરના વિકાસ કરવાનું કાર્ય કેન્દ્ર સરકારે આરંભ્યું છે.

ચોટીલામાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, એવીએશન પોલીસી થકી અમદાવાદ-મુંબઇ-ચેન્નઇ જેવા મોટા શહેરોની સાથે નાના-નાના શહેરોમાં પણ એર કનેક્ટીવીટી ઉપલબ્ધ બને તેવી સરકારની નેમ છે. જેને અનુરૂપ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ થનાર આ એરપોર્ટ ઉપરથી ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સર્વિસ શરૂ થશે, એ દિવસો પણ હવે દૂર નથી.

વડાપ્રધાને ગુજરાતમાં નર્મદાના નીર થકી આવેલ સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નર્મદાના નીરનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નર્મદાના નીર થકી આ જિલ્લો આવનારા દિવસોમાં કૃષિના વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બનશે અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. નર્મદાના નીરના દ્વારા આ જિલ્લાની કૃષિ સમૃદ્ધિમાં વધારો થયો છે. જેના કારણે જિલ્લાની જમીનની કિંમત પણ વધી છે. જેને ધ્યાને લઇ સરકારે હિરાસર ખાતે નિર્માણ થનાર આ ગ્રીનફીલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ માટે ખેડૂતોની ઓછામાં ઓછી જમીન સંપાદન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. જેના પરિણામે આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની માત્ર ૪ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બાકીની ૯૬ ટકા જમીન સરકારી ઉજ્જડ જમીન છે.

કેન્દ્ર સરકારે માર્ગોના નવીનીકરણની સાથે ભવિષ્યના વિકાસને ધ્યાને લઇ માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે કામગીરી હાથ ધરી છે. જે અન્વયે અમદાવાદ-રાજકોટના છ માર્ગીયકરણ અને રાજકોટ-મોરબીના માર્ગને ચારમાર્ગીય કરવાનું કાર્ય હાથ ધરીને માર્ગ અકસ્માતોના નિવારણની સાથે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. ગતિ એ પ્રગતિ માટે જરૂરી છે, તેથી નિર્માણ થનાર છ માર્ગીય રસ્તા અને ચાર માર્ગીય રસ્તાએ મોરબી સહિતના સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને નવું બળ પુરૂ પાડશે.

પાંચાળની પવિત્ર ભૂમિમાં રહેલા અનેકવિધ ધર્મસ્થાનકો-તીર્થસ્થાનોને જોડીને યાત્રાધામોના વિકાસનું કામ ગુજરાત સરકારે આરંભ્યું છે તેમ જણાવી વડાપ્રધાને આવા પાંચાળ વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના એરપોર્ટ થકી આવનારા દિવસોમાં આ યાત્રાધામોની સાથે અહીંનો તરણેતરનો મેળો આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તરશે, તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

મોદીએ ખેડૂતોને આહવાન કરતા કહ્યું કે, હવે પાણીનું પ્રાણ જેટલું જ જતન કરવું પડશે અને ખેતર-ખેતરે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવી પડશે. ખેડુતોએ વૈજ્ઞાનિક-આધુનિક ખેતી પદ્ધતિનો સ્વીકાર કરવો પડશે. નર્મદાના પાણી આ વિસ્તારમાં આવતા પશુપાલન પ્રવૃતિ વધી છે. તેથી સૂર સાગર ડેરી પશુ પાલકો માટે આવનારા દિવસોમાં સુખસાગર બનશે.

PM મોદીના ચોટીલાના કાર્યક્રમની સાથે…સાથે…

  • પાંચાળ ભૂમિ ચોટીલાના ડુંગરે વિદ્યમાન દેવી મા ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિ પૂજનનો કાર્યક્રમ ઐતિહાસિક રહ્યો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે વહેલાસરથી જ લોકો સભા મંડપમાં આવ્યા હતા
  • સંગીત નાટ્ય અકાદમીના પંકજ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સાંગીતિક કાર્યક્રમોની કર્ણપ્રિય પ્રસ્તુતી કરવામાં આવી હતી. જાણીતા ગાયક બંકિમ પાઠકે દેશભક્તિના ગીતો થકી માહોલ જમાવ્યો હતો.
  • વડાપ્રધાન દ્વારા સૌરાષ્ટ્રની જનતાને ભેટ આપવામાં આવેલા વિકાસ કામો જોઇએ તો રૂ.૧૪૦૦ કરોડનું હિરાસર ગ્રિનફીલ્ડ એરપોર્ટ, રૂ.૨૮૬૩ કરોડના રાજકોટથી અમદાવાદ હાઇવેનું વિસ્તૃતિકરણ તથા રૂ.૩૭૫ કરોડના ખર્ચથી રાજકોટ-મોરબી ચાર માર્ગીય, સુરેન્દ્રનગરની સૂરસાગર ડેરીમાં રૂ.૭૫ કરોડના ખર્ચેથી મિલ્ક પ્રોસેસીંગ-પેકીંગ પ્લાનનું ભૂમિ પૂજન અને સુરેન્દ્રનગર માટેની રૂ.૨૧.૫ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
  • સભા મંડપમાં ઉપસ્થિતોએ હું છુ વિકાસ, હું છુ ગુજરાત અને ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવ્યા હતા.
  • એરપોર્ટ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ડિઝીટલના માધ્યમથી ભૂમિ પૂજન તથા લોકાર્પણ કર્યું હતું.
  • સભા મંડપમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિના દર્શન થાય એમ લોકો પરંપરાગત પરિધાનમાં આવ્યા હતા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]