Home Blog Page 5627

આસોમાં પણ ઉકળતો ઉનાળો

અમદાવાદઃ નવરાત્રિ પૂર્ણ થયા બાદ, શરદ પૂનમ પણ ગઇ તેમ છતાં હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે આસોમાં પણ ઉકળતા ઉનાળાનો અહેસાસ અમદાવાદીઓને થઇ રહ્યો છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર બપોરે સૂમસામ પડેલો રસ્તો શહેરીજનો કેવી ગરમી સહન કરી રહ્યાં છે તેની આ બોલતી તસવીર છે.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

કડક સંદેશ સાથે પ્રતિનિધિઓને પાકિસ્તાન મોકલશે ટ્રમ્પ

વોશિંગ્ટનઃ આતંકવાદને પાળવાના અમેરિકાના દાવાઓને સહન કરી રહેલા પાકિસ્તાનને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના સહયોગીઓ દ્વારા કડક સંદેશ મોકલવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવનારા થોડા સમયમાં પોતાના ડિપ્લોમેટિક અને સૈન્ય સલાહકારોને પાકિસ્તાન મોકલશે. ટ્રમ્પ પોતાના સહયોગીઓ થકી પાકિસ્તાનને કડક સંદેશ આપવા માગે છે કે હવે તમારે કોઈપણ કીમતે જેહાદી સમૂહોને સમર્થન આપવાનું બંધ કરવું પડશે.
ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાન વિરૂદ્ધ આપેલા નિવેદનના થોડા સમય બાદ જ અમેરિકી વિદેશ મંત્રી રેક્સ ટિલરસન આ મહિનાના અંતે પાકિસ્તાનના પ્રવાસે જઈ શકે છે. ત્યારબાદ અમેરિકી રક્ષામંત્રી જિમ મૈટિસ પણ પાકિસ્તાન જાય તેવી શક્યતાઓ છે. માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી પાકિસ્તાન પોતાના સરહદીય વિસ્તારોમાં આતંકવાદીઓને સુરક્ષિત જગ્યા આપી રહ્યું છે તો સાથે જ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સાથે લડી રહેલા ઈસ્લામિક સમૂહોને પાકિસ્તાનના સમર્થનથી અમેરિકી પ્રશાસન હવે ત્રસ્ત થઈ ગયું છે.

પાકિસ્તાનના સહયોગી મનાઈ રહેલા અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધોમાં વર્ષ 2011માં જ નરમાશ આવી ગઈ હતી, તે સમયે અમેરિકાના પૂર્વ વડાપ્રધાન ઓબામાએ અમેરિકી સૈન્યના ઝાંબાઝ જવાનોને અલ-કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને મારવા માટે ઈસ્લામાબાદ મોકલ્યા હતા. તો ટ્રંપે પણ ઓબામાની પાકિસ્તાનને લઈને નિતિમાં કરવામાં આવેલા બદલાવોને અપનાવ્યા અને પાકિસ્તાનને ઘણીવાર કહ્યું છે કે હવે તમે તમારી હદ વટાવી ચૂક્યા છો અને અમારી સહન શક્તિ હવે પૂર્ણ થઈ ગઈ છે.

ઉપરાષ્ટ્રપતિ સાથે વિદ્યાર્થીઓ

છત્તીસગઢના રાયગઢની દિલ્હી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓએ આજે શનિવારે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુને મળીને વાતચીત કરી હતી.

આધાર નંબર સાચો છે કે નહીં, આમ કરો વેરિફાઈ

નવી દિલ્હીઃ દેશમાં આધારકાર્ડને લગભગ મોટાભાગના કામો માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. જો નવું સિમકાર્ડ લેવા માટે જાઓ છો તો પણ તમારે આધારકાર્ડ સાથે તેને લિંક કરાવવું પડે છે. આધારકાર્ડ વગર ઈનકમ ટેક્સ રીટર્ન પણ ફાઈલ નથી કરી શકાતું. ત્યારે આપને એ જણાવીશું કે કેવી રીતે જાણી શકશો કે તમારો આધાર નંબર સાચો છે કે નથી એટલે કે તમારો આધાર નંબર ક્યાંક કેન્સલ તો નથી કરી દેવામાં આવ્યો ને તે વાત પણ જાણવી જરૂરી બની જાય છે.

આધારકાર્ડ વેરિફાઈ કરવા માટે તમારે પહેલા તો આધારકાર્ડની વેબસાઈટ uidai.gov.in ખોલવી પડશે. આ વેબસાઈટનું પેજ ખુલ્યા બાદ પેજ પર એક જગ્યાએ આધાર સર્વિસ લખેલું જોવા મળશે. આની નીચે કોઈ વિકલ્પ આપવામાં આવ્યા નથી. તમારે તેમાં પહેલા વિકલ્પ, “વેરિફાઈ આધાર નંબર” પર ક્લિક કરવું પડશે. અહીંયા ક્લિક કરતા જ એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારે તમારો આધાર નંબર લખવાનો રહેશે. આ સિવાય એક સિક્યોરિટી કોડ પણ નાંખવો પડશે જે પેજ પર લખેલો જ હશે. આ બંન્ને નંબર નાંખ્યા બાદ નીચે આપવામાં આવેલા વેરિફાઈના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહિંયા ક્લિક કર્યા બાદ એક લીલા રંગનુ રાઈટનુ નિશાન આવે તો માનવું કે તમારો આધાર નંબર સાચો છે પરંતુ જો લાલ રંગનુ નિશાન આવે તો સમજવું કે તમારો આધાર નંબર કેન્સલ થઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે તમામ મોબાઈલ યુઝર્સને પોતાના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવો અત્યંત જરૂરી બની જાય છે. મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2018 છે. ઈનકમ ટેક્સ ફાઈલ કરાવવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવેલું હોવું જરૂરી છે. આધાર અને પાનકાર્ડને લિંક કરાવવા માટીની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2017 સુધી કરવામાં આવી છે. સરકારી યોજનાઓ અંતર્ગત લાભ મેળવવા માટે આધારકાર્ડને બેંકના ખાતા સાથે લિંક કરાવવું પણ અનિવાર્ય બની ગયું છે. પેન્શન, એલપીજી સિલીન્ડર, સરકારી સ્કોલરશિપ, વગેરે માટે આધારકાર્ડની જાણકારી આપવી અત્યંત જરૂરી છે. સરકારે હવે ડ્રાઈવઈન લાયસન્સ માટે પણ આધારકાર્ડ અનિવાર્ય કર્યું છે જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2017 છે.

દ્વારકાધિશને નતમસ્તક પીએમ

દ્વારકા- દેવભૂમિ દ્વારકામાં સ્ટેઇડ બ્રિજ ભૂમિપૂજન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા આવ્યાં હોય અને શ્રી દ્વારિકાધીશને નમન કરવા ન પહોંચે તે બને જ કેવી રીતે…પીએમ મોદી જગતમંદિરમાં દ્વારિકાધીશને ચરણે નમન કરવા પહોંચ્યા હતાં.

તેમણે શ્રી દ્વારિકાધીશ પીઠિકા સામે ઘડીક ધ્યાન પણ ધર્યું હતું. પૂજારીઓએ પીએમને શ્રીજીના સોનાના ચરણ, છડીનો પાવન સ્પર્શ કરાવ્યો હતો.

સમુદ્રમાં સોનાની દ્વારકા શોધવાનું કામ નિષ્ણાતોને સોપ્યું છેઃ PM મોદી

દ્વારકા– પીએમ નરેન્દ્ર મોદીએ દ્વારકાથી બેટદ્વારકા જવા માટે સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યા પછી જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે સમુદ્રના પેટાળમાં સોનાની દ્વારકા શોધવાનું કામ નિષ્ણાતોને સોપ્યું છે. તેમજ તેમણે મરીન પોલીસને ટ્રેનિંગ આપવાની ઈન્સ્ટિયુટ પણ દ્વારકામાં સ્થાપવાની અતિમહત્વની જાહેરાત કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ દ્વારકાધિશજીના દર્શન કર્યા પછી દ્વારકાથી બેટ દ્વારકા જવા પરના સિગ્નેચર બ્રિજનું ખાત મુહૂર્ત કર્યું હતું. અને જાહેરસભામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પરિવહનપ્રધાન નિતીન ગડકરીએ માહિતી આપી હતી કે બેટ દ્વારકા પર બનનાર બ્રિજની ડિઝાઈન પીએમ મોદીનો આઈડિયા છે. નરેન્દ્ર મોદીએ વર્ષો અગાઉ બેટ દ્વારકા દર્શન કરવા જતા ભાવિક ભક્તોની મુશ્કેલીઓ જાણી હતી. અને તેને પરિવહનપ્રધાન નિતીન ગડકરી સમક્ષ વર્ણવી હતી, પરિણામે હવે બ્રિજ બનવા જઈ રહ્યો છે, અને મોદીનું સ્વપ્ન પુરુ થવા જઈ રહ્યું છે. બેટ દ્વારકા પર સિગ્નેચર બ્રિજ બનવા જઈ રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનો હશે. લોકો આ બ્રિજ જોવા માટે આવશે. બ્રિજ પર સોલર પેનલ લગાવાશે. અને આ બ્રિજ ફોર લેન હશે.સિગ્નેચર બ્રિજ 900 મીટર લાંબો હશે. આ બ્રિજ દ્વારકા અને બેટદ્વારકાને જોડશે.પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન

  • જય દ્વારકાધિશ કરીને સંબોધનની શરૂઆત
  • કેવું લાગે છે…
  • નવી ચેતના, નવા ઊંમગ.. દેખાઈ રહ્યો છે દ્વારકામાં
  • આજે મે દ્વારકાનો અનોખો મૂડ જોયો છે
  • આજે મને દ્વારકામાં નવી ચેતનાનો અનુભવ થયો છે.
  • ભૂતકાળમાં જોયું હશે કે કેન્દ્ર સરકાર ગુજરાત પર કેવું વર્તન કરતી હતી
  • બેટદ્રારકાવાસીઓની સમસ્યાઓનું નિરાકરણ આવશે.
  • દેશભરના યાત્રીઓ માટે બહુ મોટી ભેટ બની રહેશે.
  • આજે દ્વારકા નગરીમાં જે બ્રિજના કામનો આરંભ થઇ રહ્યો છે તે ફક્ત બેટ દ્વારકા સુધી પહોંચતો બ્રિજ નથી, તે સાંસ્કૃતિક વારસાને જોડતી કડી છે.
  • આ બ્રિજ દેશભરમાંથી આવનાર યાત્રિકો માટે એક સુવિધા બની રહેશે. આ બ્રિજ ટુરિઝમ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપશે
  • આજથી 8-10 વર્ષ પહેલાની અને અત્યારની દ્વારકામાં તફાવત જોઈ શકાય છે. અમે વિકાસને પ્રાથમિકતા આપી છે.
  • રોડ નિર્માણ સાથોસાથ આર્થિક નિર્માણ પણ થાય તે દિશામાં ભારત સરકાર કાર્ય કરી રહી છે.
  • દરેક ભારતીય દુનિયાની સામે ગર્વપૂર્વક ઉભો રહી શકે તે સ્વપ્ન સવા સો કરોડ દેશવાસીઓનું છે જેને સાકાર કરવા માટે હું મહેનત કરી રહ્યો છું
  • 1600 કિમીનો સમુદ્રીતટ બ્લ્યુ ઇકોનોમીની બહોળી સંભાવના ધરાવે છે. બંદરોનો વિકાસ અને બંદરો થકી વિકાસ તે મારુ ધ્યેય છે.
  • માછીમારની આવક 3-4 ગણી વધી શકે છે. વિકાસ થતાં લોકોને રોજગારી મળતી થઈ છે.
  • પર્યટન એ કોઈ એક ખૂણાનો વિકાસ કરવાથી નથી થતું પણ તે કનેક્ટિવિટી થકી જ શક્ય છે
  • પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરવા આવેલા માધવસિંહ સોલંકીનો ફોટો છાપામાં આવેલો અને અમે 6000 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે.
  • આજે કંડલાનો વિકાસ ભારત સરકારમાં જેટલો થયો છે, એટલો પાછલા 25 વર્ષોમાં નથી થયો.
  • દેશના મરીન પોલીસને ટ્રેનિંગ અપાશે
  • સમુદ્ર તટની સુરક્ષા વધારાશે
  • મરીન પોલીસનું ટ્રેનિંગ ઈન્સ્ટીયૂટની સ્થાપના દ્વારકામાં સ્થપાશે.
  • દ્વારકાના ગુજરાતના સમુદ્રી તટ પર દેશની પ્રથમ મરિન પોલીસ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવશે
  • સમુદ્રની અંદર જઈને સોનાની દ્વારકાને શોધવાની છે, મે કેટલાક નિષ્ણાત લોકોને એનું કામ સોપ્યું છે.
  • વિકાસ એમ નેમ ન થાય, દીર્ઘ દ્રષ્ટિ અને સંકલ્પ જોઈએ, જી જાન લગાવીને કામ થાય ત્યારે વિકાસ થાય
  • જીએસટીમાં રાહત આપવાથી દેશમાં પંદર દિવસ પહેલા દિવાળી ઉજવાઈ રહી છે.
  • GST દેશના દરેક ખૂણે સ્વાગત થયું છે, જયારે સરકાર પર વિશ્વાસ હોય, નિર્ણયોમાં ઈમાનદારી હોય. તો દેશ મુશ્કેલીઓ હોવા છતાં પણ એકસાથે જોડાઈ જાય છે.
  • આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પર છે. દેશના વિકાસમાં ગુજરાત મહત્વની જવાબદારી નિભાવી રહ્યું છે.
  • જય દ્વારકાધિશ કહીને સંબોધનનો અંત

સીએમ વિજય રૂપાણીનું સંબોધન

  • કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં રાહત આપી છે.
  • ગુજરાતના વેપારીઓ વતી પીએમ નરેન્દ્ર મોદીનો આભાર
  • નર્મદા ડેમથી ગુજરાતને લાભ થયો છે. જેમાં પીએમ મોદીએ ડેમના દરવાજાની ઊંચાઈની તમામ મંજૂરીઓ અપાવીને સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યો છે.
  • અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે.
  • મોદીજીને હું ખાત્રી આપું છું કે હું ગુજરાત છું… હું વિકાસ છું… આપના સ્વપ્નાનું ગુજરાત બની રહ્યું છે.
  • ગુજરાતમાં નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે.

કેન્દ્રીય પરિવહનપ્રધાન નિતીન ગડકરીનું સંબોધન

  • પીએમ મોદીજીનું બેટ દ્વારકા જવા સિગ્નેચર બ્રિજનું સ્વપ્ન આજે પુરુ થવા જઈ રહ્યું છે.
  • સિગ્નેચર બ્રિજ 30 મહિનામાં પુરો થશે.
  • બ્રિજ પર સોલર પેનલ લગાવીને સુંદર લાઈટીંગ કરાશે.
  • સાગરમાલામાં 1 લાખ કરોડનું રોકાણ કરશે.
  • 1 લાખ કરોડના રોડ ગુજરાતમાં બનશે.
  • ન્યૂ ઈન્ડિયાની સાથે ગુજરાત પણ વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

ડોકલામમાં ચીની સૈનિકોની સક્રિયતા વધી, અમેરિકા ભારતના પક્ષમાં

નવી દિલ્હી- ડોકલામમાં ચીની સૈનિકોની એકવાર ફરીથી સક્રિયતા વધી ગઈ હોવાના કારણે ભારત અને અમેરિકા પોતાના રણનૈતિક સંબંધોને મજબૂત કરવામાં લાગ્યા છે. ડોકલામમાં ચીની સેના દ્વારા સડક નિર્માણ અને ભૂતાનની સીમામાં અતિક્રમણને જોતા બંન્ને દેશો પોતાના રણનૈતિક સંબંધો વધારે મજબૂત બનાવી રહ્યા છે. થોડા સમય પહેલા ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ડોકલામમાં થોડો વિવાદ થયો હતો, તે દરમિયાન ટ્રમ્પ પ્રશાસને ભારતનો ખુલીને વિરોધ કર્યો હતો. આ મહિને થનારી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક પહેલા એકવાર ફરીથી ડોકલામમાં પીપલ્સ લિબરેશન આર્મીએ સરહદ પર પોતાની સક્રિયતા વધારી દીધી હતી.

ભારતમાં અમેરિકી રાજદૂત મૈરીકે એલ કાર્લસને ભારતના વિદેશ સચિવ એસ. જયશંકરની યાત્રા બાદ થિમ્પૂની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન કાર્લસને પીએમ થેરિંગ તોબગે સાથે વર્તમાન પરિસ્થિતિઓને લઈને વાત કરી હતી. મહત્વની વાત એ છે કે અમેરિકાનું કોઈ રાજનૈતિક મિશન નથી અને ભારત સ્થિત દૂતાવાસથી તે અહીંયાની પરિસ્થિતી પર નજર રાખે છે. ભારત માટે ચીનના આ આક્રમક વલણ સામે લડવું એક તે એક મોટો પડકાર છે, ત્યારે આ પરિસ્થિતી વચ્ચે ડોકલામ ક્ષેત્ર પર અમેરિકા પણ પોતાની નજર રાખી રહ્યું છે.

ડોકલામમાં ચીન અને ભારતની સેના વચ્ચે તણાવની સ્થિતી દરમિયાન 15 ઓગષ્ટના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ફોન કર્યો હતો. ફોન પર થયેલી વાતમાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને આઝાદીની 70મી વર્ષગાંઠની વધામણી આપવાની સાથે જ ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે ચીન સાથે વિવાદને પતાવવાની સલાહ આપી હતી.

PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા

અમદાવાદ– પીએમ નરેન્દ્ર મોદી આજ શનિવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસમાં તેઓ અંદાજે 6 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ જાહેર સભાને સંબોધન કરશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 8 ઓકટોબરે સૌપ્રથમ વખત વડનગર જવાના છે. વડનગરને દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે. ચારેકોર રોશની કરાઈ છે, વડનગરમાં દીવાળી જેવો માહોલ સર્જાયો છે. એક જ મહિનામાં ત્રીજી વખત મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમનો ટાર્ગેટ ગુજરાતમાં ભાજપને 150 પ્લસ બેઠકો મેળવવાનો છે. જેથી ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ પીએમ લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરીને ગુજરાતને નવા વિકાસ કામોની ભેટ આપી રહ્યા છે. અને સાથે જાહેર સભાને સંબોધન કરીને પ્રજા સમક્ષ ત્રણ વર્ષનો હિસાબ અને સરકારની યોજનાઓ રજૂ કરી રહ્યા છે.વડાપ્રધાન મોદી જામનગર આવી પહોંચ્યા હતા, ત્યાં એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

ગાંધી કો કિસને મારા… સુપ્રીમમાં ફરી ખુલશે કેસ?

ગાંધીજી… એવું નામ કે જે નામના ત્રણ અક્ષરની અંદર અહિંસા, સાદગી અને સત્ય આ ત્રણ મહાગુણ છુપાયેલા છે. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીનો એ દિવસ જ્યારે ગાંધીજીને નથુરામ ગોડસે નામના એક વ્યક્તિ દ્વારા ત્રણ ગોળીઓ મારવામાં આવી. ગાંધીજીના શરીર પર લાગેલી ત્રણ ગોળીઓથી મહાત્માનો દેહ તો વિંધાયો પરંતુ તેમના વિચારો આજે પણ દેશભરમાં ગુંજી રહ્યા છે. ગાંધીજીની હત્યા બાદ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો કારણ કે ભારતે પોતાનો એક એવો સપૂત ગુમાવ્યો હતો કે જેણે એક સામાન્ય ઉપવસ્ત્ર, ચરખો, સત્ય, અને અહિંસા, સાદગી અને નીડરતા જેવા ઉત્તમોત્તમ ગુણોના આધારે આ દેશને અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. ગાંધીજીની હત્યાની ઘટનાની આસપાસ ઘણીવખત અનેક સવાલો ઉઠ્યાં છે. શું ગાંધીજીનો હત્યારો માત્ર નથુરામ ગોડસે જ હતો કે પછી ગાંધીજીની હત્યા પાછળ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર હતું? સવાલો અનેક ઉઠ્યાં કાયદાકીય રીતે દોષિત હત્યારાને ફાંસીની સજા પણ આપી દેવામાં આવી. પરંતુ આજે પણ ગાંધીજીની હત્યાને લઈને મુંબઈના એક સંશોધક દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યાં છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ખોલીએ ફરીથી ઈતિહાસના એ પાનાંઓને અને પ્રયત્ન કરીએ વર્તમાન સમયમાં ગાંધીજીની હત્યા વિશે ઉઠેલા સવાલો વિશે થોડી ગડમથલ કરવાનો…

શું મહાત્મા ગાંધીનો કોઈ અન્ય હત્યારો પણ હતો? જો કે પોલિસ તો એ વાત માને છે કે ગાંધીજી પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી, પરંતુ શું ગાંધીજી પર ચોથી ગોળી પણ ચલાવવામાં આવી હતી જેને નથૂરામ ગોડસે સિવાય અન્ય કોઈએ ચલાવી હતી? આ પ્રકારના કેટલાય સવાલોને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ.

સુપ્રીમ કોર્ટ હવે ગાંધીજીની હત્યા મામલે ફરીથી તપાસ કરાવવાની આ અરજી પર 30 ઓક્ટોબરે સુનાવણી કરશે. આ મામલે પૂર્વ એએસજી અમરેંદ્ર શરણ એમિક્સ જ્યુરી હશે.  કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અરજીકર્તાને ઘણાં સવાલો કર્યાં હંતા. કોર્ટે અરજીકર્તાને પૂછ્યું હતું કે આ હત્યાકાંડમાં દોષિત લોકોને ફાંસી થઈ ગઈ છે અને આ મામલા સાથે જોડાયેલા તમામ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે આવામાં આનું કાયદાકીય દ્રષ્ટિએ શું ઔચિત્ય હશે? કોર્ટે અરજીકર્તાને એ પણ સવાલ કર્યો કે આ મામલે કોઈ નવો પુરાવો છે તમારી પાસે?

આપને જણાવી દઈએ કે આ અરજી અભિનવ ભારત નામના મુંબઈના એક સંશોધક અને ટ્રસ્ટી પંકજ ફડનીસે ફાઈલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ગાંધીજીના મૃત્યુને ઈતિહાસનું સૌથી મોટુ કવર-અપ ગણાવતા આ કેસને ફરીથી ખોલવાની માગણી કરવામાં આવી છે.

અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે નવી તપાસ સમિતિ નિયુક્ત કરીને ગાંધીજીની હત્યા પાછળની સૌથી મોટી સાજિશને ખુલ્લી પાડવામાં આવે. અરજીમાં ગાંધીજીની હત્યાની તપાસ મામલે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈતિહાસમાં આ મામલો ઢાંકી દેવામાં આવેલી સૌથી મોટી ઘટનાઓ પૈકી એક છે અને સાથે જ અરજીમાં કોર્ટને પૂછવામાં પણ આવ્યું છે કે શું ગાંધીજીની હત્યા મામલે વિનાયક દામોદર સાવરકરને દોષિત જાહેર કરવાનો કોઈ આધાર છે કે નથી ?

મુંબઈના સંશોધક અને તેમના એક સાથી ડોક્ટર દ્વારામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1966માં નિયુક્ત ન્યાયમૂર્તિ જે એલ કપૂર તપાસ સમિતિ ગાંધીજીની હત્યા પાછળના ષડયંત્ર વિશે જાણકારી મેળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી હતી. આ ષડયંત્ર રાષ્ટ્રપિતાની હત્યા સાથે પૂરું થયું હતું પરંતુ આજ દિવસ સુધી તેની કોઈને જાણ સુદ્ધાં થઈ નથી.

ગાંધીજીના હત્યા કેસની જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં આ કેસ કોર્ટંમાં ચાલ્યો હતો તપાસ સમિતિ પણ રચાઈ હતી તેણે પોતાનો નિર્ણય પણ આપ્યો અને કોર્ટ દ્વારા તારીખ 15 નવેમ્બર 1949ના રોજ ગાંધીજીની હત્યાના તમામ દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે સાવરકરને પુરાવાના અભાવમાં સંદેહનો લાભ આપવામાં આવ્યો હતો.

આટલા વર્ષોના વહાણાં વીતી ગયાં. ગાંધીજી આજે પ્રત્યક્ષ નહીં પણ હૃદયસ્થ તો છે જ. આમ સાવ સીધી રીતે જોવા જઈએ તો ગાંધીજી તમામના જીવનમાં છે. કોઈના વિચારોમાં, કોઈના સત્યમાં, કોઈની અહિંસામાં, કોઈએ પહેરેલા ખાદીના સરસ મઝાના કપડામાં, તો કોઈના પાકીટમાં કે બેંકમાં રહેલી નોટો પર છપાયેલા ફોટા સ્વરૂપે. ગાંધીજીની હત્યા એ ખરેખર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વિશ્વભરના ષડયંત્રો પૈકીનું એક મોટું ષડયંત્ર હતું? પરંતુ સવાલ એ છે કે ગાંધીજીની હત્યાનો કેસ ફરીથી કોર્ટના દ્વારે જઈ ઉભો છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એવું કહી શકાય કે હવે હત્યારાઓ વિશે નવી જાણકારી પણ મળે તો પણ શું? કારણ કે તે તમામ લોકોના દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. કેસ સુપ્રીમ પાસે પહોંચ્યો છે, અરજીકર્તા દ્વારા નક્કર દલીલો પણ થઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે ગાંધીજીની હત્યા મામલે અન્ય કોઈ નવા ખુલાસાઓ થાય છે અને ઈતિહાસ થોડોઘણો અપડેટ થાય છે કે પછી  15 નવેમ્બર 1949ના રોજ કોર્ટ દ્વારા જે લોકોને સજા આપવામાં આવી અને એ સમયે જે હત્યારાઓ હતાં તેમનું તેમ જ બધું રહે છે, આ વાતની જાણકારી તો કોર્ટમાં સુનાવણી થયાં બાદ આવનારો સમય અને કોર્ટનો નિર્ણય જ આપશે.