ગાંધી કો કિસને મારા… સુપ્રીમમાં ફરી ખુલશે કેસ?

ગાંધીજી… એવું નામ કે જે નામના ત્રણ અક્ષરની અંદર અહિંસા, સાદગી અને સત્ય આ ત્રણ મહાગુણ છુપાયેલા છે. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીનો એ દિવસ જ્યારે ગાંધીજીને નથુરામ ગોડસે નામના એક વ્યક્તિ દ્વારા ત્રણ ગોળીઓ મારવામાં આવી. ગાંધીજીના શરીર પર લાગેલી ત્રણ ગોળીઓથી મહાત્માનો દેહ તો વિંધાયો પરંતુ તેમના વિચારો આજે પણ દેશભરમાં ગુંજી રહ્યા છે. ગાંધીજીની હત્યા બાદ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો કારણ કે ભારતે પોતાનો એક એવો સપૂત ગુમાવ્યો હતો કે જેણે એક સામાન્ય ઉપવસ્ત્ર, ચરખો, સત્ય, અને અહિંસા, સાદગી અને નીડરતા જેવા ઉત્તમોત્તમ ગુણોના આધારે આ દેશને અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. ગાંધીજીની હત્યાની ઘટનાની આસપાસ ઘણીવખત અનેક સવાલો ઉઠ્યાં છે. શું ગાંધીજીનો હત્યારો માત્ર નથુરામ ગોડસે જ હતો કે પછી ગાંધીજીની હત્યા પાછળ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર હતું? સવાલો અનેક ઉઠ્યાં કાયદાકીય રીતે દોષિત હત્યારાને ફાંસીની સજા પણ આપી દેવામાં આવી. પરંતુ આજે પણ ગાંધીજીની હત્યાને લઈને મુંબઈના એક સંશોધક દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યાં છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ખોલીએ ફરીથી ઈતિહાસના એ પાનાંઓને અને પ્રયત્ન કરીએ વર્તમાન સમયમાં ગાંધીજીની હત્યા વિશે ઉઠેલા સવાલો વિશે થોડી ગડમથલ કરવાનો…

શું મહાત્મા ગાંધીનો કોઈ અન્ય હત્યારો પણ હતો? જો કે પોલિસ તો એ વાત માને છે કે ગાંધીજી પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી, પરંતુ શું ગાંધીજી પર ચોથી ગોળી પણ ચલાવવામાં આવી હતી જેને નથૂરામ ગોડસે સિવાય અન્ય કોઈએ ચલાવી હતી? આ પ્રકારના કેટલાય સવાલોને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ.

સુપ્રીમ કોર્ટ હવે ગાંધીજીની હત્યા મામલે ફરીથી તપાસ કરાવવાની આ અરજી પર 30 ઓક્ટોબરે સુનાવણી કરશે. આ મામલે પૂર્વ એએસજી અમરેંદ્ર શરણ એમિક્સ જ્યુરી હશે.  કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અરજીકર્તાને ઘણાં સવાલો કર્યાં હંતા. કોર્ટે અરજીકર્તાને પૂછ્યું હતું કે આ હત્યાકાંડમાં દોષિત લોકોને ફાંસી થઈ ગઈ છે અને આ મામલા સાથે જોડાયેલા તમામ લોકોના મૃત્યુ થઈ ગયા છે ત્યારે આવામાં આનું કાયદાકીય દ્રષ્ટિએ શું ઔચિત્ય હશે? કોર્ટે અરજીકર્તાને એ પણ સવાલ કર્યો કે આ મામલે કોઈ નવો પુરાવો છે તમારી પાસે?

આપને જણાવી દઈએ કે આ અરજી અભિનવ ભારત નામના મુંબઈના એક સંશોધક અને ટ્રસ્ટી પંકજ ફડનીસે ફાઈલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ગાંધીજીના મૃત્યુને ઈતિહાસનું સૌથી મોટુ કવર-અપ ગણાવતા આ કેસને ફરીથી ખોલવાની માગણી કરવામાં આવી છે.

અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે નવી તપાસ સમિતિ નિયુક્ત કરીને ગાંધીજીની હત્યા પાછળની સૌથી મોટી સાજિશને ખુલ્લી પાડવામાં આવે. અરજીમાં ગાંધીજીની હત્યાની તપાસ મામલે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈતિહાસમાં આ મામલો ઢાંકી દેવામાં આવેલી સૌથી મોટી ઘટનાઓ પૈકી એક છે અને સાથે જ અરજીમાં કોર્ટને પૂછવામાં પણ આવ્યું છે કે શું ગાંધીજીની હત્યા મામલે વિનાયક દામોદર સાવરકરને દોષિત જાહેર કરવાનો કોઈ આધાર છે કે નથી ?

મુંબઈના સંશોધક અને તેમના એક સાથી ડોક્ટર દ્વારામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1966માં નિયુક્ત ન્યાયમૂર્તિ જે એલ કપૂર તપાસ સમિતિ ગાંધીજીની હત્યા પાછળના ષડયંત્ર વિશે જાણકારી મેળવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી હતી. આ ષડયંત્ર રાષ્ટ્રપિતાની હત્યા સાથે પૂરું થયું હતું પરંતુ આજ દિવસ સુધી તેની કોઈને જાણ સુદ્ધાં થઈ નથી.

ગાંધીજીના હત્યા કેસની જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં આ કેસ કોર્ટંમાં ચાલ્યો હતો તપાસ સમિતિ પણ રચાઈ હતી તેણે પોતાનો નિર્ણય પણ આપ્યો અને કોર્ટ દ્વારા તારીખ 15 નવેમ્બર 1949ના રોજ ગાંધીજીની હત્યાના તમામ દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે સાવરકરને પુરાવાના અભાવમાં સંદેહનો લાભ આપવામાં આવ્યો હતો.

આટલા વર્ષોના વહાણાં વીતી ગયાં. ગાંધીજી આજે પ્રત્યક્ષ નહીં પણ હૃદયસ્થ તો છે જ. આમ સાવ સીધી રીતે જોવા જઈએ તો ગાંધીજી તમામના જીવનમાં છે. કોઈના વિચારોમાં, કોઈના સત્યમાં, કોઈની અહિંસામાં, કોઈએ પહેરેલા ખાદીના સરસ મઝાના કપડામાં, તો કોઈના પાકીટમાં કે બેંકમાં રહેલી નોટો પર છપાયેલા ફોટા સ્વરૂપે. ગાંધીજીની હત્યા એ ખરેખર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વિશ્વભરના ષડયંત્રો પૈકીનું એક મોટું ષડયંત્ર હતું? પરંતુ સવાલ એ છે કે ગાંધીજીની હત્યાનો કેસ ફરીથી કોર્ટના દ્વારે જઈ ઉભો છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એવું કહી શકાય કે હવે હત્યારાઓ વિશે નવી જાણકારી પણ મળે તો પણ શું? કારણ કે તે તમામ લોકોના દેહ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. કેસ સુપ્રીમ પાસે પહોંચ્યો છે, અરજીકર્તા દ્વારા નક્કર દલીલો પણ થઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે ગાંધીજીની હત્યા મામલે અન્ય કોઈ નવા ખુલાસાઓ થાય છે અને ઈતિહાસ થોડોઘણો અપડેટ થાય છે કે પછી  15 નવેમ્બર 1949ના રોજ કોર્ટ દ્વારા જે લોકોને સજા આપવામાં આવી અને એ સમયે જે હત્યારાઓ હતાં તેમનું તેમ જ બધું રહે છે, આ વાતની જાણકારી તો કોર્ટમાં સુનાવણી થયાં બાદ આવનારો સમય અને કોર્ટનો નિર્ણય જ આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]