Home Blog Page 5611

અનિલ કપૂર જોડાયા સ્વચ્છતા ઝુંબેશમાં…

બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર ૧૬ ઓક્ટોબર, સોમવારે મુંબઈમાં ચેંબૂર વિસ્તારમાં ‘સ્વચ્છ ચેંબૂર ઝુંબેશ’માં સહભાગી થયા હતા. એ ચેંબૂરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયા હતા અને ત્યાંના રહેવાસીઓને એમના મહોલ્લામાં સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી.

કેદીઓને ગુજરાત સરકારની દિવાળી ગિફટઃ 15 દિવસના પેરોલ

ગાંધીનગરઃ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવીને કેદીઓ પર્વો દિવાળીના પર્વો પોતાના પરિવાર સાથે ઉજવે તે માટે કેટલાક કેદીઓની  પ્રતિવર્ષની જેમ 15 દિવસના પેરોલ મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાના દ્રઢ અમલીકરણ માટે કૃતનિશ્ચયી છે. સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓના પુનર્વસન હેઠળ તેમની સજા પૂરી થાય ત્યાર બાદ તે લોકો સમાજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે તે માટે જેલ જીવન દરમિયાન પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે તે માટે તે લોકોને જેલ જીવન દરમિયાન તાલીમ આપીને સમાજના પ્રવાહમાં ભળી શકે તે પ્રકારે પરિસ્થિતી નિર્માણ કરવામાં આવશે. કેદીઓ માટેની આવી પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે તા.૧૭/૧૦/૨૦૧૭થી એટલે કે ધનતેરસના દીવાળી પર્વથી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરૂષ કેદીઓ અને તમામ મહિલા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.

આ કેદીઓ ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા, અન્ય રાજ્યોના -વિદેશી કેદીઓ, સી.આર.પી.સી. કલમ ૨૬૮ હેઠળના પ્રતિબંધાત્મક હુકમ કરવામાં આવ્યા હોય તેવા કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેદીઓ, સમાજ વિરોધી ગુનાવાળા કેદીઓ, એક કરતાં વધુ ગુનામાં સજા પામેલા અને સંડોવાયેલા, પેરોલ ફર્લો કે વચગાળાના જામીન પરથી ફરાર થઇ મોડા હાજર થયેલ કેદીઓ સિવાયના કેદીઓને તા.૧૭/૧૦/૨૦૧૭ ધનતેરસથી ૧૫ દિવસના પેરોલનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી કેદીઓ તેમના કુટુંબના સભ્યો સાથે દીવાળી પર્વની ઉજવણી કરી શકે.

ધનતેરસઃ માતા લક્ષ્મીને રીઝવો આ રીતે

દીવો એ દીવાળીના પર્વ સાથે જોડાયેલું તત્વ છે. દીવાળીમાં દીપ પ્રગટાવવાનું ખુબ મહત્વ છે. અને એટલા માટે જ દીવાળીને દીપોત્સવી તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘબારસ બાદ આજે ધનતેરસનો પવિત્ર દિવસ છે. ત્યારે આજે chitralekha.com પર જાણીશું ધનતેરસના પર્વનું મહત્વ અને જાણીશું કે કેવી રીતે કરવી ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા.

ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શ્રી સુક્તમના પાઠથી શ્રીયંત્ર પર કુમકુમનો અભિષેક કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા, અને ઘરમાં રાખેલા ધનની પૂજા કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરવી જોઈએ. ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવા માટે લક્ષ્મીકમલા મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. લક્ષ્મીકમલા મંત્ર  લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને તેની સાધનાથી આર્થિક લાભની સાથે નોકરી અને વ્યવસાયમાં પણ ઉન્નતી થાય છે. આ ઉપરાંત દરિદ્રતા નિવારણ માટે લક્ષ્મીદશાક્ષર, ઇન્દ્રદેવે કરેલી સિદ્ધ લક્ષ્મીમંત્ર પ્રયોગ સાધના, અને ચતુર લક્ષ્મી બીજ મંત્રનો પ્રયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કુબેર યંત્રની પ્રતિષ્ઠા કરવાથી પણ ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભારતમાં કુબેર દેવના મંદિર કે પૂજાસ્થાન ઓછા હોવાથી કુબેરદેવની પૂજાનો અવસર ખાસ મળતો નથી. આ વખતે ધનતેરસના શુભ દિવસે લક્ષ્મી પૂજન સાથે કુબેર યંત્રની પ્રતિષ્ઠા અને પૂજન-અર્ચન ખાસ કરવું જોઇએ. કુબેરયંત્રની પ્રતિષ્ઠા-નિયમિત પૂજનથી કુબેર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. જેનાથી જીવન ધાન્યથી સમૃદ્ધ બને છે અને વેપાર-ધંધામાં સફળતા મળે છે તો આ સિવાય નોકરીયાત વર્ગને પણ પ્રગતીની પ્રાપ્તિ થાય છે.

ધન શબ્દ સમૃદ્ધી સાથે જોડાયેલો શબ્દ છે અને તેરસનો અર્થ થાય તેરમો દિવસ. ધનતેરસના દિવસે માતાજીના પગના ચિન્હો ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને સંધ્યા સમયે તેર દીપક પ્રગટાવી તમની પૂજા કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર આ પ્રકારે દીપક પ્રજ્વલીત કરીને પૂજા કરવાથી અકાળ મૃત્યુના ભયથી પરિવારને મુક્તિ મળે છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં કિસાન ધનતેરસના દિવસે ગાયો અને પશુઓનું પૂજન કરવામાં આવે છે કારણકે તેમના માટે પોતાની સમૃદ્ધીનું માધ્યમ પોતાના પશુઓ છે. તો ધનતેરસા દિવસે યમુના સ્નાન કરવાની પણ વિશેષ પરંપરા છે. ધનતેરસના દિવસે સવારે સ્નાન આદિ નિત્યક્રમ બાદ આસન ગ્રહણ કરીને ઇષ્ટદેવની જમણી બાજુએ ઘીનો દીવો અને ડાબી બાજુએ તેલનો દીવો પ્રજ્વલીત કરીને પૂજા કરવી. આ દિવસે માં મહાકાળી, માં મહાસરસ્વતી, અને માં મહાલક્ષ્મીનો મંત્રજાપ કરવો અને આ સાથે જ મૃત્યુંજય મહામંત્રના જપ, હનુમાન ચાલીસાના પાઠ, ગણપતિની સ્તુતિ, ઠાકોરજીની સ્તુતિ, જય મંગલાના પાઠ, નવકાર મંત્ર અને પ્રાર્થના કરવાથી આરોગ્ય, આયુષ્ય, સંપત્તિ અને સૌભાગ્ય સુખમાં વધારો થાય છે.

ભગવાન ધનવન્તરિની પૂજાનું વિશેષ મહત્વ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ભગવાન ધન્વંતરિ એ ભગવાન વિષ્ણુનો અવતાર છે. વેદો અને પૂરાણોમાં ભગવાન ધન્વંતરિ આયુર્વેદના ભગવાન અને દેવતાઓના વૈદ્ય તરીકે ઉપસ્થિત છે.  આસો મહિનાની તેરસના દિવસે ધનતેરસનો દિવસ આવે છે. હિંદુ સંસ્કૃતી અનુસાર ધનતેરસના દિવસે ઘરની બહાર લોટમાંથી બનાવેલ દિવો પ્રગટાવવાનું મહત્વ છે.

શ્રીમદ ભાગવત પુરાણના એક પ્રસંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ સમુદ્ર મંથન મનદાર પર્વતને મથનીના રૂપમાં અને વાસુકી નાગને દોરીના રૂપમાં પ્રયુક્ત કરીને કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથનમાંથી અનેક રત્નો નિકળ્યા, અને આ રત્નોની સાથે આરોગ્યના દેવતા ધન્વંતરિનું પ્રાગટ્ય થયું હતું. અને એટલા માટે જ ધનતેરસના દિવસને ધન્વંતરિ તેરસ અથવા તો ધન્વંતરિ પણ કહેવામાં આવે છે. મહાભારત, અગ્નિપુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશપુરાણ, અને બ્રહ્મવૈવર્તપુરાણ સહિતના પુરાણોમાં આનું વિશેષ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે.

ભગવાન ધન્વંતરિને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓ છે. તેમની ઉપરની બે ભુજામાં શંખ અને ચક્ર છે અને બીજી બે ભુજાઓ પૈકી એક ભુજામાં જલુકા અને ઔષધ તેમજ બીજા હાથમાં અમૃત કળશ છે. ભગવાન ધન્વંતરિએ પૃથ્વિવાસીઓ માટે ચિકિત્સા શાસ્ત્રના જ્ઞાનનો પ્રસાર કરીને તેમના માટે ઓજસ્વી બની રહેવાનો માર્ગ બનાવ્યો છે. ભગવાન ધન્વંતરિને પિત્તળની ધાતુ અતિપ્રિય છે. અને એટલા માટે જ ધનતેરસના દિવસે પિત્તળની વસ્તુની ખરીદી કરવાની પણ પ્રાચિન અને વિશેષ પરંપરા છે. તો ચાંદીને કુબેરની ધાતુ માનવામાં આવે છે અને ચંદ્રમાનું પ્રતિક ચાંદી જીવનમાં શીતળતા પ્રદાન કરે છે.

યમરાજાનુ વરદાનઃ દીપદાન કરવાથી થશે આયુષ્યની પ્રાપ્તિ

એક પૌરાણીક કથા અનુસાર યમરાજાએ એકવાર પોતાના યમદુતને સવાલ કર્યો, કે યમદુત હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વિલોકમાં મોકલું છું, શું તને ક્યારેય કોઈના પ્રાણ હરતા દુઃખ નથી થતું? યમદુતે યમરાજાને જવાબ આપ્યો કે પ્રભુ એકવખતે મને એક વ્યક્તિના પ્રાણ હરતા ખુબ થયેલું પણ શું કરૂં પ્રાણ કરવા એ મારૂં કર્મ છે અને તે મારાથી ચૂકાય નહી.

યમરાજાએ યમદુતને કહ્યું કે યમદુત, એ પ્રસંગ મને જણાવો. યમદુતે યમરાજાને કહ્યું કે પ્રભુ, એકવાર એક યુવાનના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધનતેરના દિવસે મારે તેના પ્રાણ હરવા પડ્યા હતા. અને હસતા ખેલતા પરિવારનો દીપક જ્યારે તે દિવસે મારે ઓલવવો પડ્યો ત્યારે મને ખુબ જ દુઃખ થયું હતું. યમદુતની વાત સાંભળતા જ યમરાજાએ મનુષ્યોને વરદાન આપ્યું હતું કે જે મનુષ્ય ધનતેરના દિવસે દીપદાન કરશે અને દીપક પ્રગટાવશે તેના જીવનનો દીપક ઓલવાશે નહી. આમ આજના દિવસે દીપમાલા પ્રગટાવનાર લોકોને યમરાજાએ ખુબ મોટું વરદાન આપ્યું છે.

સોનાની ખરીદીનું વિશેષ મહત્વ

શાસ્ત્રોમાં કહેવાયું છે કે સોનામાં માં મહાલક્ષ્મીજીનો વાસ છે. શ્રી સુક્તમમાં એક શ્લોક છે

“ॐ हिरण्य-वर्णां हरिणीं, सुवर्ण-रजत-स्त्रजाम्।
चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं, जातवेदो म आवह।।

શ્રી સુક્તમના આ શ્લોકમાં લક્ષ્મીજીને સુવર્ણમયી કહેવામાં આવ્યા છે. ધનતેરસના દિવસે ખરીદી માટે કોઈ મૂહૂર્ત જોવાની જરૂર નથી કારણ કે આજનો દિવસ સ્વયં શુભાતીશુભ અને પવિત્ર દિવસ છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ધાર્મિકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કે અનીતિ અને દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે અને તે લાંબો સમય સુધી ટકતી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.
ધનતેરસ એટલે ધેનુ તેરસ

ભારતવર્ષનાં વૈદિકકાળમાં વ્યક્તિની સંપતિનું મૂલ્ય ત્રણ પ્રકારે થતું હતું. એક જ્ઞાન, બીજો ધર્મ અને ત્રીજી ભૌતિક સંપતિમાં ગાય. વર્તમાન સમયમાં જેટલું કાગળની નોટનું મહત્વ છે એટલું જ મહત્વ વૈદિક કાળમાં અને પ્રાચીન સમયમાં ધેનુ અર્થાત ગાયનું હતું.સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન થાય કે ગાય માતાને સંપતિના મૂલ્યમાં શાં માટે આંકવામાં આવે છે ? તો તેના બે સામાન્ય કારણો છે. સામાન્ય રીતે બધાને એ વાતની તો ખબર જ હોય કે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનધારી શા માટે કહેવાય છે. ઈન્દ્રનાં અભિમાનનું ખંડન કરવા માટે શ્રી કૃષ્ણએ લીલા કરી. બારેય મેઘખાંગા થતાં ગાયો અને ગૌપાલકોને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ધારણ કર્યો. ગાયોના રક્ષણ કરવા બદલ શ્રી કૃષ્ણને ગૌલોકના ઈન્દ્રનું પદ આપવામાં આવ્યું. પહેલાના સમયમાં ગાયોની નિત્ય પૂજા કરવાની વિશેષ પરંપરા હતી. આજે એ પરંપરા વિસરાઈ ગઈ છે. ધેનુ તેરસના દિવસે ગાય માતાનું પૂજન પણ ખૂબ મહાત્મ્ય ધરાવે છે. ગાય માતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે અને એટલે જ ગૌ પૂજનનું વિશેષ મહત્વ ભારતીય સંસ્કૃતિમાં રહેલું છે. ગૌ સેવા એ સર્વ ઐશ્વર્યદાતા છે.ધેનુ તેરસના દિવસે ગાય માતાની સાચી પૂજા કરવા માટે સંકલ્પ કરવો જોઈએ. એક તો પ્લાસ્ટિકનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. જેથી ગાય એને આરોગે નહી. બીજુ, ગૌ માતાની રક્ષા માટે સદા તત્પર રહેવું. ગાયને કતલખાને જતા રોકવા માટે દરેક ગૌપ્રેમીઓએે પ્રયત્નો કરવા જોઈએ. જો આટલું કરવામાંઆવે તો પણ નિત્ય લક્ષ્મીપૂજન સમાન છે. ગૌમુત્ર શ્રેષ્ઠઆયુર્વેદિક ઔષધિ છે. ગાયનું છાણ ખાતર તરીકે ખૂબજ ઉપયોગી થાય છે અને આ ખાતરના પ્રયોગથી ખેતીમાં શ્રેષ્ઠપરિણામો પણ મળ્યા છે. પંચગવ્ય એટલે કે ગાયનું દૂઘ, ધી, દહી, મૂત્ર અને છાણના પૂજાપાઠ સમયે સેવનથી તમામ પાપો નાશ પામે છે. અખાદ્ય પદાર્થ ખવાઈ ગયો હોય તો એ પાપમાંથી પણ મુક્તિ મળે છે.

(અહેવાલઃ હાર્દિક વ્યાસ)

મેડમ ટુસોડ્સ મ્યુઝિયમમાં વરુણનું મીણનું પૂતળું મૂકાશે

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વરુણ ધવને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વપ્રસિદ્ધ મેડમ ટુસોડ્સ વેક્સ મ્યુઝિયમમાં એની મીણની પ્રતિમા મૂકાવાની છે. આ બહુમાન મેળવનાર તે બોલીવૂડનો સૌથી યુવાન વયનો અભિનેતા બનશે.

હાલમાં જ જેની જૂડવા 2 ફિલ્મ રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તે વરુણ ધવન અત્યાર સુધીમાં દર્શકોને ૯ હિટ ફિલ્મ આપી ચૂક્યો છે. જૂડવા 2 ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે.

૩૦ વર્ષીય વરુણનું મીણનું પૂતળું ૨૦૧૮ની સાલમાં મેડમ ટુસોડ્સના હોંગ કોંગ સેન્ટરમાં મૂકવામાં આવશે. એનું અનાવરણ ખુદ વરુણ કરશે. આ સંગ્રહાલયમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ ભારતીય હસ્તીઓનાં જ મીણનાં પૂતળા મૂકવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન.

મ્યુઝિયમનાં કુશળ કારીગરોની એક ટૂકડી મીણની પ્રતિમા બનાવવા માટે મુંબઈ આવીને વરુણનાં ચહેરા-કદનું માપ લઈ ગઈ છે. કારીગરોએ ૨૦૦થી વધુ માપ લીધા છે.

હોંગ કોંગ સ્થિત મેડમ ટ્યુસોડ્સ મ્યુઝિયમનાં અધિકારી જેની યૂએ કહ્યું છે કે, વરુણ ધવન બોલીવૂડના સૌથી વધુ પસંદ કરાતા યુવા અભિનેતાઓમાંના એક છે. એની સાથે ભાગીદારી કરવાથી અમને આનંદ થયો છે.

વરુણે પણ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે, મેડમ ટ્યુસોડ્સ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. હોંગ કોંગમાં મારું મીણનું પૂતળું મૂકાશે એનાથી હું બહુ ઉત્સૂક છું.

પીએમ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર હલ્લાબોલ

અમદાવાદઃ ભાટમાં ગુજરાત ગૌરવયાત્રા સમાપન પ્રસંગે કાર્યકર્તાઓ અને પેજપ્રમુખોને સંબોધનની શરુઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ… આજે તો વટ પાડી દીધો તમે…કેસરીયા મહાકુંભ લહેરાઇ રહ્યો છે…કહીને સૌને ખુશખુશાલ કરી દીધાં હતાં.આ બાદ તેમણે હિન્દીમાં સંબોધન શરુ કર્યું હતું. પીએમના સંબોધનના પ્રમુખ અંશ…સમર્થકોના સામર્થ્યને હું જાણું છું.

રાજનીતિક આંદોલન હોય કે સામાજિક આંદોલન હોય કોંગ્રેસીઓએ અમારા કાર્યકર્તાઓને જેલમાં પૂરી દેવાનો અત્યાચાર ડર્યા વિના સહન કર્યો છે.

આજે ભાજપનો વિજય ધ્વજ હિન્દુસ્તાનમાં ચારે કોર ફરકાવવાની તક ગુજરાતના કાર્યકર્તાઓને આભારી છે.

તહેવારના દિવસોમાં નવરાત્રિ પછીના દિવસોમાં કામકાજના દિવસોમાં બીજું કંઇ કામ કરવું મુશ્કેલ છે ત્યારે પક્ષના ઇતિહાસમાં કાર્યકર્તાઓનો આટલો મોટો કેસરીયો મહાકુંભ મેં કદી નથી જોયો. સતયુગ હોય કે કળિયુગ યજ્ઞમાં વિધ્ન નાંખવાવાળા આવતા જ રહેશે. વિધ્ન વચ્ચે ચૂંટણીયજ્ઞનું કામ ચાલુ રાખવાનું છે.

આ વિજયયાત્રા કોંગ્રેસને પરેશાન કરી રહી છે. જે પાર્ટીએ અનેક સરકારો, મુખ્યપ્રધાનો અને એક જ પરિવારમાંથી આટલા નેતાઓ આપ્યાં છે તેમાંથી જે ભાષા બહાર આવી છે તેથી વિચાર આવ્યો કે તેમની આ હાલત કેમ થઇ. નકારાત્મક પ્રચારના આધારે ચૂંટણી જીતવાનો તેમનો પ્રયત્ન સફળ નહીં થાય.જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આવો તાવ વધુને વધુ આવી જાય છે. સરદાર પટેલની દીકરી મણિબહેન સાથે કોંગ્રેસે શો વ્યવહાર કર્યો છે તે કોણ નથી જાણતું. મોરારજીભાઇને નાબૂદ કરવા આ પરિવાર તમામ તાકાતથી કામે લાગ્યો હતો. બાબુભાઇ જશભાઇની સરકારને પાડવા બધું કર્યું. ગુજરાત માટેનો તેમનો દ્વેષ રહ્યો છે.બલિ ચડાવવાની હોય તો તેઓ ગુજરાતની બલિ લે છે.

તેમના પક્ષના ગુજરાતીઓને પણ તેમણે અન્યાય કર્યો છે. જેણે સૌથી વધુ સીટ આપી તેવા માધવસિંહ સોલંકીનો એક ચિઠ્ઠી માટે ભોગ લઇ લેવાયો હતો.

મને જેલમાં નાંખવા અમિત શાહને જેલમાં નાંખ્યાં હતાં. આજે સત્ય સામે આવી ગયું છે અને અમે ક્યાં અને તમે ક્યાં છો તે જોઇ લો.

નર્મદા યોજના સમયસર પૂર્ણ થઇ હોત તો ગુજરાત આજે ક્યાં હોત? ..પણ ગુજરાતના બાળકમાત્રને ખબર છે કે તે માટે અમે કેટલો સંઘર્ષ કર્યો છે. ગુજરાતમાં મોદી સરકાર ન હતી ત્યારે વીસ વર્ષ વીતવા છતાં એકપણ નહેર નહોતી બની… તે આજે અમને પૂછે છે? આ દેશમાં અમે પ્રધાનમંત્રી સિંચાઇ યોજના નામનું સ્વપ્ન વાવ્યું છે. જે ખેડૂતો સુધી પહોંચતા સોનું પાકશે. કોંગ્રેસના રાજમાં બધા 90 ડેમના કામ અટકાયેલા પડ્યાં હતાં. કામ પૂર્ણ કરવાની તેમની રુચિમાં નથી.

મેં દિલ્હીમાં પ્રગતિ કાર્યક્રમ શરુ કર્યો છે જેમાં ભારત સરકારના જૂના પ્રોજેક્ટો બહાર કાઢી પૂરા કરાવી રહ્યો છું. 30-40 વર્ષથી જે યોજનાઓ બંધ પડી છે તેના પર કામ કરી 12 લાખ કરોડ રુપિયા આવા પ્રોજેક્ટોમાં ખર્ચ કર્યો છે.કોંગ્રેસ વિકાસના મુદ્દા પર હંમેશા ભાગતી રહી છે. મને ઘણી ઇચ્છા હતી કે તે આ મુદ્દે ચૂંટણી લડે. કોમવાદ, જાતિવાદ જેવા મુદ્દાઓ સાથે તે ચૂંટણી લડી. વિકાસના મુદ્દે લડવાની હિંમત ન હતી. કમ સે કમ આજના ગુજરાતમાં વિકાસના મુદ્દા પર વાત કરી રહી છે.

જ્યોતિસંઘના કાર્યક્રમમાં પંડિત નહેરુ વારંવાર જનસંઘ બોલતાં તે તેમનો ડર હતો આજે પણ જનસંઘથી ડરવું સ્વાભાવિક છે. કોમવાદી. ગાંધીના હત્યારા, શહેરી પાર્ટી કહી દર વખતે અમને ગાળો આપી. તેમની બધી વાતોનો જનતાએ ઠોકીને જવાબ આપી દીધો. વિકાસને નફરત કરી કોંગ્રેસ પાર્ટીના મુખમાં વિકાસ શબ્દ આવી ગયો.

જે જામીન પર છૂટીને આવ્યાં છે, મા-બેટા જામીન પર આવ્યાં છે તે અમને સવાલ પૂછે છે..આ કોંગ્રેસ પાર્ટી જમાનતી પાર્ટી છે. મને ગુજરાતની જનતા પર ભરોસો છે. કોંગ્રેસ માટે તાળી વગાડે છે, ગીત ગાય, છે તેમને પૂછું છું કે કોંગ્રેસની સ્થિતિ સારી હતી તો તેમની પાર્ટીના 25 ટકા લોકો ચૂંટણી પહેલાં તેમને છોડી ગયાં એનું શું કારણ છે. પોતાના ગિરેબાનમાં ઝાંકો, શું હાલત થઇ છે તમારી… તેમને પડકાર ફેકું છું કે વિકાસના મુદ્દે ચૂંટણી લડો.

આ દેશની બધી જ રાજકીય પાર્ટીઓ અને સરકારો ભેગા મળીને જીએસટીનો નિર્ણય કરે છે તેની બધાને ખબર છે એમાં ભારત સરકાર તેનો 30મો ભાગ હોય છે. કોંગ્રેસના લોકો જીએસટીના નામે જૂઠાણાં ચલાવવાનો અધિકાર નથી. એમાં તમે પણ ભાગીદાર છો. વેપારીઓ જોડે વાત કરી ત્યારે જીએસટી સરકારી માથાકૂટમાંથી મુક્તિ લાગી છે. જીએસટીની ખામી દૂર કરવા વચન નહીં પ્રયત્ન કરે છે આ સરકાર. મને વિશ્વાસ છે કે વેપારીઓને આ વ્યવસ્થામાં સરળતાની માગણી છે તેવા દરેક મુદ્દા મારા તરફથી જીએસટી કાઉન્સિલમાં મૂકવામાં આવે છે તેનો વિશ્વાસ આપું છું.

વેપારીઓને કહેવા માગું છું કે સરકારના શબ્દમાં ભરોસાની તાકાત છે. આ ભાજપ છે, કોંગ્રેસ નથી. તમારા જૂના ચોપડાનો કોઇ પણ હિસાબકિતાબ નહીં કરવામાં આવે. યુવા વેપારી ઇમાનદારીના રસ્તે આગળ વધવા માગે છે ત્યારે સરકારની એ જવાબદારી છે અને એ માટે કામ થશે.ક્યાંક વાંચ્યું કે કોંગ્રેસ નોટબંધીના 8મી નવેમ્બરના દિવસે  એ લોકો બ્લેક મની ડે મનાવવાના છે. રુપિયાની થપ્પીઓ ગઇ ને?. ઊભરો આવે છે ઊભરો… અમે બ્લેક મની મુક્તિ ડે મનાવવાના છીએ.. મેં પહેલાં પણ કહ્યું છે કે સરકારની તિજોરી પર કોઇનો પંજો પડવા નહીં દઉં.

મને ખબર પડે છે કોંગ્રેસને તકલીફ શું છે. દુખે છે પેટને કૂટે છે માથું. નોટબંધીના કારણે 3 લાખ કરોડ રુપિયા જેનો કોઇ હિસાબ ન હતો તેનું સરનામુ સરકારને હાથે લાગી ગયું છે. તેના કારણે નકલી કંપનીઓ પકડાણી. આપણાં દેશમાં નાની નાની વાતમાં રસ્તા પર ઉતરી આવે છે. પણ આટલી બધી કંપનીઓ બંધ થઇ પણ કોઇ આંદોલન નથી કોઇ પૂતળાં નથી બાળતું…

મારા માટે સૌથી મોટો દેશ છે. ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરનારા લોકો છીએ. લોકોને સમજણ નથી પડતી કે સંગઠન કેટલું ગ્રાસરુટ પર કામ કરી શકે છે. તેમના માટે વંશવાદનો જંગ છે પણ વિકાસવાદ જીતવાનો છે. કોંગ્રેસના લોકોની સોચ કેવી છે તેનો એક નમૂનો કહી લોકોને કહું કે તેમને ઓળખો. એક કિસ્સો કહું કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાની હું ખૂબ ઇજ્જત કરતો હતો. તેઓ હું સીએમ હતો ત્યારે મારા રુમમાં આવ્યાં અને મને ઝૂકીને પ્રણામ કર્યાં. મને તેમણે કહ્યું હતું કે આ સુજલામ-સુફલામ યોજનાથી જે પાણી લાવ્યાં છો તેનાથી તરસ્યું ગુજરાત તમને કદી ભૂલશે નહીં. કોંગ્રેસે શું કર્યું… કોંગ્રેસની રાજસ્થાનની સરકારે કેન્દ્રને ચિઠ્ઠી લખી હતી કે પાણી તમે નહીં લઇ શકો… અશોક ગહેલોતની એ ચિઠ્ઠી આજે પણ સીએમઓમાં છે. રાજસ્થાન કોંગ્રેસના નેતા અશોક ગહેલોત અમને સબક શીખવવા આવ્યાં છે… સુજલામ સુફલામે ઉત્તર ગુજરાતને બચાવ્યું તેનો આ લોકોએ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ પાર્ટી પાસે સત્તાનો ખેલ, પરિવારને, વંશવાદને બચાવવો એકમાત્ર કામ છે. તેમાં એવા નેતા છે જે જવાબનો સવાલ માગે છે… 22 તારીખે ફરી એકવાર આવી રહ્યો છું.ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના મારા ડ્રીમ પ્રોજેક્ટ માટે. એક અદભૂત કામને પૂર્ણ કરવા માટે આનંદીબહેન અને વિજયભાઇએ પૂર્ણ કર્યો છે તેમનો આભાર માનું છું. ત્યાં પહોંચવા ખૂબ ઉત્સુક છું. ભવિષ્યમાં આ રુટ હજીરા-ઘોઘા-દહેજનો બની જશે.દેશના પેટ્રોલ ડીઝલ બચશે. ફેઝ ટુ માં ખાનગી વાહનો પણ જઇ શકશે.

સાડા છ કરોડ ગુજરાતીઓનો એક મંત્ર હોવો જોઈએ… હું છું વિકાસ… હું છું ગુજરાતઃ

સૌને દીપાવલિની શુભકામનાઓ આપું છું…

પાલખ પુરી

નાસ્તાની પુરી હેલ્ધી બનાવવા માટે પુરીનો લોટ પાલખની ગ્રેવીમાં બાંધવો અથવા પાલખ ધોઈને કોરી કર્યા બાદ તેને ઝીણી સમારીને લોટમાં ઉમેરવી. તેમાં લીલા વટાણાની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

દારૂબંધી રાજ્યમાં મચી શરાબની લૂંટફાટ; વડોદરાની ઘટના

વડોદરા – આ જિલ્લા-શહેરના દુમડ ગામ નજીક એક મુખ્ય માર્ગ પર એક કારને અકસ્માત નડ્યો હતો. સામાન્ય રીતે અકસ્માતને કારણે વાતાવરણ ગંભીર બની જાય, પણ આ ઘટના સર્જાતાં લોકોને મજા પડી ગઈ હતી.

વાત એમ છે કે એ કારમાં ગેરકાયદેસર રીતે દારૂ લઈ જવામાં આવતો હતો અને કારને અકસ્માત નડતાં બીયરના કેન્સ રસ્તા પર આવી પડ્યા હતા.

ગામવાસીઓને આની ખબર પડતાં જ તેઓ દોડતાં ત્યાં પહોંચ્યા હતા અને બીયરના કેન્સની લૂંટફાટ મચાવી દીધી હતી. જેટલા હાથમાં આવ્યા એટલા કેન્સ ઉપાડીને લોકો ભાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે.

ઉક્ત ઘટનાવાળી કારમાં બીયરનાં કાર્ટન્સ રાખવામાં આવ્યા હતા, જે કોઈક સ્થળે ગેરકાયદેસર રીતે સપ્લાય કરવામાં આવી રહ્યા હતા. અકસ્માત થતાં જ બધા કાર્ટન્સ ફાટ્યા હતા અને એમાં રાખેલી બીયરનાં કેન્સ રસ્તા પર આવી પડ્યા હતા.

ભાટમાં PM મોદીની હાજરીમાં ખેડૂતોને ઝીરો ટકા લોનની જાહેરાત

અમદાવાદ- ભાજપ માટે વિધાનસભા ચૂંટણી જાહેર થાય એ પહેલાં ચૂંટણીલક્ષી મોટા પ્રચાર કાર્યક્રમોમાં શિરમોર સમો આજનો કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર નજીકના ભાટ ખાતે સભાસ્થળે આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમનું મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને તમામ શીર્ષસ્થ નેતાઓ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને ઝીરો ટકામાં લોન આપવાની જાહેરાત કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ધરતીપૂત્રોના વિશાળ હિતમાં એક મહત્વનો સંવેદનશીલ નિર્ણય લઇને જાહેર કર્યુ છે કે, ખેડૂતોને હવેથી પાક ધિરાણ-લોન શૂન્ય ટકા-ઝીરો પર્સન્ટ વ્યાજે મળશે. રાજ્યના રપ લાખ ખેડૂત પરિવારોને આના પરિણામે વ્યાજના ચક્રમાંથી મુકિત મળશે.

વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયેલા ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં આ જાહેરાત કરતાં કહ્યું કે, પ્રવર્તમાન ધોરણે રૂ. ૩ લાખની લોન ઉપર ૭ ટકાના વ્યાજ દરે ખેડૂતોને પાક ધિરાણ અપાય છે. આ ધિરાણમાં ૩ ટકા કેન્દ્ર સરકાર તથા ૩ ટકા રાજ્ય સરકાર વ્યાજ સહાય કરે છે. માત્ર ૧ ટકા વ્યાજ દર ખેડૂતોને ભોગવવું પડે છે. હવેથી આ ૧ ટકા વ્યાજ દરની રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે અને ખેડૂતોને કોઇ જ વ્યાજ ભરવાનું રહેશે નહિ. મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, આના પરિણામે રાજ્ય સરકારની તિજોરી ઉપર અંદાજે રૂ. ૭૦૦ કરોડનું ભારણ થશે.

ગુજરાત ગૌરવયાત્રા સમાપનના આ કાર્યક્રમમાં સાત લાખ જેટલા કાર્યકરો, પેજપ્રમુખ ઉપસ્થિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થવામાં છે ત્યારે એડીચોટીનું જોર લગવાતાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં આજના કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં 150 બેઠકો જીતી લાવવાનો શંખનાદ પણ ફૂંકવામાં આવી રહ્યો છે.કાર્યક્રમમાં પીએમ મોદીની રણનીતિના ચાણક્ય એવા અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવી ગયેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે નવી આશાનું સર્જન કરતાં ગયાં છે ત્યારે આજના કાર્યક્રમમાં ભાજપ દ્વારા એકજૂટ શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પીએમના સંબોધન પહેલાંના સ્વાગત પ્રવચનમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યના 25 લાખ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની ચૂંટણી પહેલાંની સૌથી મોટી જાહેરાત કરી હતી. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર 725 કરોડનો બોજ પડશે.