ભાટમાં PM મોદીની હાજરીમાં ખેડૂતોને ઝીરો ટકા લોનની જાહેરાત

અમદાવાદ- ભાજપ માટે વિધાનસભા ચૂંટણી જાહેર થાય એ પહેલાં ચૂંટણીલક્ષી મોટા પ્રચાર કાર્યક્રમોમાં શિરમોર સમો આજનો કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર નજીકના ભાટ ખાતે સભાસ્થળે આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમનું મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને તમામ શીર્ષસ્થ નેતાઓ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને ઝીરો ટકામાં લોન આપવાની જાહેરાત કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ધરતીપૂત્રોના વિશાળ હિતમાં એક મહત્વનો સંવેદનશીલ નિર્ણય લઇને જાહેર કર્યુ છે કે, ખેડૂતોને હવેથી પાક ધિરાણ-લોન શૂન્ય ટકા-ઝીરો પર્સન્ટ વ્યાજે મળશે. રાજ્યના રપ લાખ ખેડૂત પરિવારોને આના પરિણામે વ્યાજના ચક્રમાંથી મુકિત મળશે.

વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયેલા ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં આ જાહેરાત કરતાં કહ્યું કે, પ્રવર્તમાન ધોરણે રૂ. ૩ લાખની લોન ઉપર ૭ ટકાના વ્યાજ દરે ખેડૂતોને પાક ધિરાણ અપાય છે. આ ધિરાણમાં ૩ ટકા કેન્દ્ર સરકાર તથા ૩ ટકા રાજ્ય સરકાર વ્યાજ સહાય કરે છે. માત્ર ૧ ટકા વ્યાજ દર ખેડૂતોને ભોગવવું પડે છે. હવેથી આ ૧ ટકા વ્યાજ દરની રકમ પણ રાજ્ય સરકાર ભોગવશે અને ખેડૂતોને કોઇ જ વ્યાજ ભરવાનું રહેશે નહિ. મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, આના પરિણામે રાજ્ય સરકારની તિજોરી ઉપર અંદાજે રૂ. ૭૦૦ કરોડનું ભારણ થશે.

ગુજરાત ગૌરવયાત્રા સમાપનના આ કાર્યક્રમમાં સાત લાખ જેટલા કાર્યકરો, પેજપ્રમુખ ઉપસ્થિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ગમે ત્યારે જાહેર થવામાં છે ત્યારે એડીચોટીનું જોર લગવાતાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં આજના કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં 150 બેઠકો જીતી લાવવાનો શંખનાદ પણ ફૂંકવામાં આવી રહ્યો છે.કાર્યક્રમમાં પીએમ મોદીની રણનીતિના ચાણક્ય એવા અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવી ગયેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે નવી આશાનું સર્જન કરતાં ગયાં છે ત્યારે આજના કાર્યક્રમમાં ભાજપ દ્વારા એકજૂટ શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પીએમના સંબોધન પહેલાંના સ્વાગત પ્રવચનમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યના 25 લાખ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની ચૂંટણી પહેલાંની સૌથી મોટી જાહેરાત કરી હતી. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર 725 કરોડનો બોજ પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]