મેડમ ટુસોડ્સ મ્યુઝિયમમાં વરુણનું મીણનું પૂતળું મૂકાશે

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વરુણ ધવને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વપ્રસિદ્ધ મેડમ ટુસોડ્સ વેક્સ મ્યુઝિયમમાં એની મીણની પ્રતિમા મૂકાવાની છે. આ બહુમાન મેળવનાર તે બોલીવૂડનો સૌથી યુવાન વયનો અભિનેતા બનશે.

હાલમાં જ જેની જૂડવા 2 ફિલ્મ રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તે વરુણ ધવન અત્યાર સુધીમાં દર્શકોને ૯ હિટ ફિલ્મ આપી ચૂક્યો છે. જૂડવા 2 ફિલ્મે અત્યાર સુધીમાં રૂ. ૨૦૦ કરોડની કમાણી કરી લીધી છે.

૩૦ વર્ષીય વરુણનું મીણનું પૂતળું ૨૦૧૮ની સાલમાં મેડમ ટુસોડ્સના હોંગ કોંગ સેન્ટરમાં મૂકવામાં આવશે. એનું અનાવરણ ખુદ વરુણ કરશે. આ સંગ્રહાલયમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ ભારતીય હસ્તીઓનાં જ મીણનાં પૂતળા મૂકવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન.

મ્યુઝિયમનાં કુશળ કારીગરોની એક ટૂકડી મીણની પ્રતિમા બનાવવા માટે મુંબઈ આવીને વરુણનાં ચહેરા-કદનું માપ લઈ ગઈ છે. કારીગરોએ ૨૦૦થી વધુ માપ લીધા છે.

હોંગ કોંગ સ્થિત મેડમ ટ્યુસોડ્સ મ્યુઝિયમનાં અધિકારી જેની યૂએ કહ્યું છે કે, વરુણ ધવન બોલીવૂડના સૌથી વધુ પસંદ કરાતા યુવા અભિનેતાઓમાંના એક છે. એની સાથે ભાગીદારી કરવાથી અમને આનંદ થયો છે.

વરુણે પણ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે, મેડમ ટ્યુસોડ્સ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. હોંગ કોંગમાં મારું મીણનું પૂતળું મૂકાશે એનાથી હું બહુ ઉત્સૂક છું.