Home Blog Page 5608

સંરક્ષણપ્રધાનની દીવાળી સૈનિકો સાથે…

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને આજે ગુરુવારે દીવાળીના શુભ દિવસે સરહદ પર આંદામાન નિકોબારના કમાન્ડમાં  સૈનિકો અને તેમના પરિવારજનો સાથે દીવાળી ઉજવી હતી.

અફઘાનિસ્તાન: આર્મી કેમ્પ પર તાલિબાની હુમલો, 43 સૈનિકોનાં મોત

કાબૂલ- અફઘાનિસ્તાનના કંધારમાં સેનાના કેમ્પ ઉપર તાલિબાની આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ હુમલામાં 43 અફઘાન સૈનિકોના મોત થયાંના સમાચાર છે. અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાની આતંકીઓ બે ગાડી ભરીને સેનાના કેમ્પમાં ઘૂસી આવ્યાં હતાં. ત્યારબાદ બંને ગાડીઓમાં વિસ્ફોટ થયો હતો. હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમય દરમિયાન અફઘાનિસ્તાનમાં સેના અને પોલીસકર્મીઓને ટાર્ગેટ કરીને આતંકી હુમલા કરવામાં આવે છે. આ હુમલાઓમાં આશરે 74 જેટલા લોકોના મોત થયાં છે. તો 170 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં પાંચ આતંકવાદીઓના પણ મોત થયા છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસના અફઘઆનિસ્તાન પ્રવાસ દરમિયાન પણ તાલિબાની આતંકીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં 30 જેટલા રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આ હુમલામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

IT વિભાગે પ્રશ્નોના જવાબ માટે શરૂ કર્યું ઓનલાઈન ચેટિંગ

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ વિભાગે પોતાના કરદાતાઓ માટે ઓનલાઈન ચેટની સુવિધા શરૂ કરી છે જેથી કરીને તેઓ પ્રત્યક્ષ કરથી જોડાયેલા મુદ્દાઓને લઈને શંકાઓ દૂર કરી શકે અને અન્ય પ્રકારની પૂછપરછ કરી શકે. આયકર વિભાગની વેબસાઈટ www.incomtaxindia.gov.in ના મુખ્ય પેજ પર આ માટે લાઈવ ચેટ ઓનલાઈન આસ્ક યોર ક્વેરી નામનું ઓપ્શન મૂકવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિભાગના વિશેષજ્ઞો તેમ જ સ્વતંત્ર કરદાતાઓની એક ટીમ લોકોને પોતાના પ્રશ્નોના જવાબ આપશે. પ્રથમવાર શરૂ કરવામાં આવેલી આ પહેલનું લક્ષ્ય દેશમાં કરદાતાઓને મળનારી સુવિધા વિસ્તૃત કરવાનું છે.

આ વિભાગને મળેલી પ્રતિક્રિયાના હિસાબથી ઓનલાઈન ચેટ પ્રણાલીમાં અન્ય પણ કેટલાક ફીચરને જોડવામાં આવશે. કોઈપણ વ્યક્તિ ઈ-મેલ આઈડી લઈ લખીને એક મહેમાનની જેમ ચેટરૂમમાં પ્રવેશ કરી શકે છે. કરદાતાઓને તેમની ID પરના સંપૂર્ણ ચેટને ઇમેઇલ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જો કે, ચેટની શરૂઆતમાં સાવચેતીભર્યું જાહેરનામું આપવામાં આવ્યું છે, “આપેલા જવાબો નિષ્ણાતના મંતવ્યો પર આધારિત છે અને કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ મુદ્દા પર આવકવેરા વિભાગની સફાઈ તરીકે ગણી શકાય નહીં.”

અયોધ્યા: યોગી આદિત્યનાથે કર્યાં રામલલાના દર્શન, વિપક્ષ પર કર્યાં પ્રહાર

અયોધ્યા- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ જન્મભૂમિની મુલાકાત લઈ રામલલાના દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે અયોધ્યાના પ્રસિદ્ધ સુગ્રીવ મંદિરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પૂજાવિધિ કરી દીપાવલિ પર્વની ઉજવણી કરી હતી.

આ પહેલાં યોગી આદિત્યનાથે ગતરોજ સરયુ નદીના તટ પર રામકથા પાર્કમાં રામ, સીતા અને લક્ષ્મણને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં યોગી આદિત્યનાથે લાખો દીવડાઓ એકસાથે પ્રગટાવી રેકોર્ડ નોંધાવ્યો હતો.

સુગ્રીવ મંદિરમાં દર્શન અને પૂજાવિધિ કર્યા બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, દેશવિદેશના લોકો શ્રીરામ જન્મભૂમિમાં દર્શનાર્થે આવે છે. તેમની સુરક્ષા, સુવિધા, સાફ-સફાઈ અને અન્ય વ્યવસ્થા જોવા માટે હું અહીં આવ્યો છું. વધુમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આ મારી નૈતિક ફરજ છે. ઉપરાંત રાજ્યના દરેક ક્ષેત્રનો વિકાસ થાય તે માટે હું કટિબદ્ધ છું. રામલલાના દર્શન કર્યા બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે, અહીં મારી વ્યક્તિગત આસ્થા જોડાયેલી છે, જેમાં વિપક્ષ હસ્તક્ષેપ કરે તે યોગ્ય નથી.

વિપક્ષ પર પ્રહાર

અયોધ્યામાં આયોજીત કરવામાં આવેલા ક્રાયક્રમને લઈને વિરોધ પક્ષના નિવેદનો અંગે સીએમ યોગી આદિત્યનાથ આકરા મિજાજમાં જોવા મળ્યાં. યોગીએ વિપક્ષની બયાનબાજીનો જવાબ આપતા જણાવ્યું કે, આ મારી વ્યક્તિગત આસ્થાનો પ્રશ્ન છે, જેના ઉપર વિપક્ષને નિવેદન આપવાનો કોઈ અર્થ નથી. અને બીજી વાત એ કે રાજ્યના સીએમ હોવાને કારણે પ્રદેશના દરેક ક્ષેત્રનો યોગ્ય વિકાસ થાય તે જોવાની મારી ફરજ છે.

અમદાવાદઃ ફરસાણની દુકાનમાંથી ચટણી પિયર ગઇ છે…

અમદાવાદ– ફાફડા,પાપડી, સમોસા, કચોરી, ખમણ જેવા ફરસાણ કે યુવા પેઢીના ફેવરીટ પીઝા, વડાપાંઉ કે દાબેલીના નાસ્તાને  આરોગતી વખતે સૌ લોકો આ તમામ ચીજવસ્તુઓ સાથે મજેદાર લાલ લીલી ચટણીનો આગ્રહ જરુર રાખતા હોય છે. સ્ટ્રીટ ફૂડ હોય કે હાઇકલાસ રેસ્ટોરાંમાં નાસ્તા સાથે ચટણીના હોય તો કેટલાક ગ્રાહકને ટેસ્ટ અધૂરો રહી જાય.ઘણીવાર એવું પણ બને કે કેટલાક શહેરમાં વાનગી વખણાય એના કરતાં ચટણી વધારે વખણાતી હોય છે. અમુક ગામ-શહેરમાં તો વિવિધ પ્રકારની ફક્ત ચટણીઓનું વેચાણ થતું હોય છે.

હવે આવીએ અમદાવાદમાં..જ્યાં દિવાળીના તહેવારમાં એક અનોખું પાટીયું જોવા મળ્યું….જેમાં લખ્યું છે…

ત્રણ દિવસ માટે ચટણી પિયર ગઇ છે, ભાઇબીજ કરીને આવશે…

અમદાવાદના રતનપોળ વિસ્તારમાં 70 વર્ષથી ચાલતી મહારાજના ચેવડાની દુકાનની બહાર આ પાટીયું રમૂજ પેદા કરે છે, કૂતુહલ જગાડે છે.

જ્યાં ચાલવાની કે ઉભા રહેવાની પણ તકલીફ પડે એવી સાંકડી ગલીઓ પાર કરી અસંખ્ય લોકો સ્વાદિષ્ટ ચેવડો લેવા આવે છે.

ચટણી પિયર ગઇ છે..એ પાટીયું મારવાનું કારણ શું…એ પ્રશ્નના જવાબમાં મહારાજના ચેવડાના રામાવત chitralekha.com ને કહે છે કે દીવાળીના ઉત્સવવેળાએ ગ્રાહકોનો ધસારો ખૂબ જ રહે છે. તહેવારના સમયે ચેવડાની સાથે ગાંઠીયા, ટમટમ, સેવ,સક્કરપારા જેવી અનેક ચીજવસ્તુઓ રાખતા હોઇએ છીએ.

દીવાળીમાં વેચાતાં અનેક ફરસાણ-વાનગીઓની વચ્ચે ગ્રાહકોનો ધસારો તો ખરો જ.. આ પરિસ્થિતિમાં સારી ગુણવત્તા વાળી ચટણી આપવી મુશ્કેલ થઇ જાય છે. વળી અહીં આવતા લોકો ચટણીનો આગ્રહ અવશ્ય રાખતા હોય છે. એટલે એમનું ધ્યાન દોરવા આ રમૂજી પાટીયું લગાડવું પડે છે અને કહેવું પડે છે. ભાઇ,,, આ ત્રણ દિવસ ચટણી વગર ચલાવો કારણ પિયર ગઇ છે…..

(અહેવાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

આધારના કારણે વધી રહ્યો છે આઈટી કંપનીઓનો બિઝનેસ

નવી દિલ્હીઃ દેશમાં આધારનો ઉપયોગ વધારવા માટે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી ટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સોફ્ટવેર સર્વિસીઝની માંગ વધી રહી છે. આધારની 12 ડિજિટની યૂનીક આઈડેંટિટીને બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર, પેન્શન એકાઉન્ટ અને કેટલીય સર્વિસીઝ સાથે જોડવાનું કારણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ડિવાઈઝ, સ્માર્ટફોન, મોબાઈલ એપ્લિકેશન્સ અને ટેક્નોલોજી પ્લોટફોર્મ્સની માંગમાં વધારે તેજી આવી છે. વિશેષજ્ઞોએ અનુમાન લગાવ્યું છે કે માત્ર ઈન્શ્યોરન્સ સેક્ટરમાં જ આના કારણે 4 થી 5 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાની સ્થિતીનું નિર્માણ થયું છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ ક્લેમ સેટલમેન્ટ માટે આધાર બેઝ મોબાઈલ એનેબલ્ડ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારના કેશલેસ પર જોર આપવાના કારણે તમામ બેંકોએ 550 થી 1000 કરોડ રૂપિયાનું ડિજિટલ બજેટ રાખ્યું છે. આના કારણે બેન્કિંગ સેક્ટરથી ટેક્નોલોજી પ્રોડક્ટ્સ અને સોફ્ટવેર સેવાઓ માટેની માંગ વધવાની શક્યતાઓ છે.

ચોપડા પૂજન કરી શ્રી સવા લખ્યું…

અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ગુરુવારે દીવાળાના પાવનપર્વે સમુહમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચોપડા પૂજન કર્યું હતું, અને ચોપડામાં શ્રી સવા લખ્યું હતું. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

મુહૂર્ત ટ્રેડિંગની ‘કેન’ પર શેરબજારની ભાવિ ચાલનો આધાર

શેરબજાર માટે વીતેલું સંવત 2073નું વર્ષ તેજીમય પસાર થયું હતું. સેન્સેક્સે 32,699.86 અને નિફટીએ 10,251.85ના લાઈફ ટાઈમ હાઈ નવા લેવલ બતાવ્યા હતા. રોકાણકારોને વીતેલા વર્ષે સારુ એવું રીટર્ન્સ છૂટયું છે. કેટલાક પસંદગીના સ્ટોકમાં 300 ટકા સુધીનો તગડો નફો મળ્યો છે. પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોને બખ્ખાં પડી ગયાં હતાં. મોટાભાગના આઈપીઓ પ્રિમિયમથી જ લિસ્ટ થયા હતાં. આમ 2073નું વર્ષ શેરદલાલો અને રોકાણકારો માટે બધી રીતે તેજીદાયક પુરવાર થયું છે, અને હવે નવું વિક્રમ સંવત 2074નું વર્ષ નવી તેજીનો આશાવાદ લઈને આવ્યું છે.કેન્દ્રમાં મોદી સરકારે નોટબંધી અને જીએસટીના અમલીકરણ જેવા બે અતિમહત્વના નિર્ણય લીધા હતા. જે ઈકોનોમીના રીફોર્મ્સ માટે ખુબ જરૂરી હતી. બીજી તરફ ભારત-પાકિસ્તાન સરહદ પર તંગદિલી છવાયેલી રહી, નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ જીઓ પોલિટિકલી ટેન્શન દિનપ્રતિદિન વધતું રહ્યું છે, તેમજ અમેરિકામાં પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે. આવા નેગેટિવ પરિબળો વચ્ચે પણ ભારતીય શેરબજાર સામા પ્રવાહે તરીને તેજીની આગેકૂચ જારી રાખી હતી. વર્ષના ઉત્તરાર્ધ ભાગમાં તો એફઆઈઆઈ નેટ સેલર બની હતી, તેમ છતાં શેરબજારમાં સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની નવી ખરીદી ચાલુ રહી હતી, અને માર્કેટમાં તેજીની આગેકૂચ રહી હતી. એફઆઈઆઈની તમામ વેચવાલી ખવાઈ ગઈ હતી.સામાન્ય રીતે દર વર્ષે શેરબજારમાં બે ‘કેન’ પડતી હોય છે. એક દીવાળીની અને બીજી ઉત્તરાયણની… ‘કેન’ એટલે તે દિવસની ટર્નિંગ પણ આપણે કહી શકીએ. આ તો ‘કેન’ શબ્દ શેરબજારમાં વર્ષોથી બોલાતો આવ્યો છે, કદાચ નવી પેઢીને ખબર નહી હોય. આપણે ઉદાહરણ સાથે સમજીએ તો… આ ‘કેન’ જે પડે તે ખૂબ પરફેક્ટ ચાલતી હોય છે, અને તે માર્કેટની ભાવી ચાલ દર્શાવે છે. ગત વર્ષે દીવાળી 30 ઓકટોબર, 2016ના રોજ હતી, તે દિવસે સેન્સેક્સ 27,930 અને નિફટી 8625 બંધ હતો. ત્યાર પછી 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે સેન્સેક્સ 27,238 અને નિફટી 8400ના લેવલે બંધ થયો હતો. 14 જાન્યુઆરી પછી ઉત્તરાયણના દિવસના સેન્સેક્સ અને નિફટીના લેવલ કૂદાવ્યા પછી એકતરફી તેજી જોવા મળી હતી. એટલે કે 14 જાન્યુઆરીને ઉત્તરાયણની ‘કેન’ તેજીમાં પડી હતી, જે પછી સ્ટોક માર્કેટમાં સળંગ તેજી થઈ હતી. નિફટી 8400થી સતત વધીને 10,251 થયો અને સેન્સેક્સ 27,238થી સતત વધી 32,699 થયો.

આ તો એક જ વર્ષનું ઉદાહરણ છે. પણ વર્ષોથી શેરબજારની ‘કેન’ જોનારા તે પ્રમાણે ટ્રેડિંગ કરીને લાખો રૂપિયા કમાય છે. 19 ઓકટોબર, 2017ને ગુરુવારને દીવાળીના દિવસે મુહૂર્તના ટ્રેડિંગ થશે. આ મુહૂર્તના ટ્રેડિંગમાં શેરબજારની ‘કેન’ પડશે. આ ‘કેન’  શેરબજારની ભાવી ચાલ નક્કી કરશે તે ચોક્કસ છે.

અમેરિકી વિદેશપ્રધાને કર્યા ભારતના વખાણ, ચીન-પાક.ને લગાવી ફટકાર

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો સૌહાર્દપૂર્ણ થઈ રહ્યા હોવાના ટ્વીટ બાદ રાજકીય પંડિતોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને અલગ ચર્ચા શરુ થઈ હતી. જોકે અમેરિકા ફરી એકવાર ભારતને વિશ્વાસમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. દક્ષિણ એશિયાની પોતાની મુલાકાત પહેલાં અમેરિકના વિદેશપ્રધાને ભારત સરકારના વખાણ કર્યા છે.

અમેરિકાએ ભારત સાથે મજબૂત સંબંધોનો હવાલો આપી ચીન અને પાકિસ્તાનની ઘણી આલોચના પણ કરી હતી. અમેરિકના વિદેશપ્રધાને પાકિસ્તાન પર આતંકવાદ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું દબાણ બનાવ્યું છે. બીજી તરફ ચીનને આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમો તોડવા માટે દોષી ગણાવ્યું છે.

અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને દક્ષિણ એશિયાની તેની મુલાકાત પહેલાં ભારતને અમેરિકાનું વિશ્વાસપાત્ર સાથી ગણાવ્યું છે. અને ટિલરસને ભારત સાથે સંબંધો વધુ મજબૂત કરવાની તરફેણ કરી છે. અમેરિકન વિદેશપ્રધાને કહ્યું કે, અમેરિકા અને ભારત સુરક્ષા, મુક્ત વ્યાપાર અને આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ અંગે કામ કરી રહ્યાં છે. સાઉથા ચાઇના સી મુદ્દે ટિલરસને કહ્યું કે, ચીને પોતાના આક્રમક પગલાંથી એ આંતરરાષ્ટ્રીય નિયમો અને મૂલ્યોને પડકાર આપ્યો છે જેનું અમેરિકા અને ભારત બંને દેશો સમ્માન કરે છે.

વધુમાં ટિલરસને જણાવ્યું કે, ભારતમાં 500 અમેરિકન કંપનીઓ કાર્યરત છે. બેંગલુરુ અને સિલિકોન વેલીની વચ્ચે ટેકનોલોજી અને વિચારોના આદાન-પ્રદાનથી દુનિયામાં બદલાવ આવી રહ્યો છે. ટિલરસને એમ પણ જણાવ્યું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થાયિત્વ માટે ભારત સાથે સહયોગને વધુ આગળ વધારવાની જરૂર છે. છેલ્લાં દાયકામાં આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા અને ભારતના સંબંધોમાં વધુ મજબૂતી આવી છે.