અયોધ્યા: યોગી આદિત્યનાથે કર્યાં રામલલાના દર્શન, વિપક્ષ પર કર્યાં પ્રહાર

અયોધ્યા- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ જન્મભૂમિની મુલાકાત લઈ રામલલાના દર્શન કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે અયોધ્યાના પ્રસિદ્ધ સુગ્રીવ મંદિરની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પૂજાવિધિ કરી દીપાવલિ પર્વની ઉજવણી કરી હતી.

આ પહેલાં યોગી આદિત્યનાથે ગતરોજ સરયુ નદીના તટ પર રામકથા પાર્કમાં રામ, સીતા અને લક્ષ્મણને હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં યોગી આદિત્યનાથે લાખો દીવડાઓ એકસાથે પ્રગટાવી રેકોર્ડ નોંધાવ્યો હતો.

સુગ્રીવ મંદિરમાં દર્શન અને પૂજાવિધિ કર્યા બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, દેશવિદેશના લોકો શ્રીરામ જન્મભૂમિમાં દર્શનાર્થે આવે છે. તેમની સુરક્ષા, સુવિધા, સાફ-સફાઈ અને અન્ય વ્યવસ્થા જોવા માટે હું અહીં આવ્યો છું. વધુમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આ મારી નૈતિક ફરજ છે. ઉપરાંત રાજ્યના દરેક ક્ષેત્રનો વિકાસ થાય તે માટે હું કટિબદ્ધ છું. રામલલાના દર્શન કર્યા બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે, અહીં મારી વ્યક્તિગત આસ્થા જોડાયેલી છે, જેમાં વિપક્ષ હસ્તક્ષેપ કરે તે યોગ્ય નથી.

વિપક્ષ પર પ્રહાર

અયોધ્યામાં આયોજીત કરવામાં આવેલા ક્રાયક્રમને લઈને વિરોધ પક્ષના નિવેદનો અંગે સીએમ યોગી આદિત્યનાથ આકરા મિજાજમાં જોવા મળ્યાં. યોગીએ વિપક્ષની બયાનબાજીનો જવાબ આપતા જણાવ્યું કે, આ મારી વ્યક્તિગત આસ્થાનો પ્રશ્ન છે, જેના ઉપર વિપક્ષને નિવેદન આપવાનો કોઈ અર્થ નથી. અને બીજી વાત એ કે રાજ્યના સીએમ હોવાને કારણે પ્રદેશના દરેક ક્ષેત્રનો યોગ્ય વિકાસ થાય તે જોવાની મારી ફરજ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]