અમદાવાદઃ ફરસાણની દુકાનમાંથી ચટણી પિયર ગઇ છે…

અમદાવાદ– ફાફડા,પાપડી, સમોસા, કચોરી, ખમણ જેવા ફરસાણ કે યુવા પેઢીના ફેવરીટ પીઝા, વડાપાંઉ કે દાબેલીના નાસ્તાને  આરોગતી વખતે સૌ લોકો આ તમામ ચીજવસ્તુઓ સાથે મજેદાર લાલ લીલી ચટણીનો આગ્રહ જરુર રાખતા હોય છે. સ્ટ્રીટ ફૂડ હોય કે હાઇકલાસ રેસ્ટોરાંમાં નાસ્તા સાથે ચટણીના હોય તો કેટલાક ગ્રાહકને ટેસ્ટ અધૂરો રહી જાય.ઘણીવાર એવું પણ બને કે કેટલાક શહેરમાં વાનગી વખણાય એના કરતાં ચટણી વધારે વખણાતી હોય છે. અમુક ગામ-શહેરમાં તો વિવિધ પ્રકારની ફક્ત ચટણીઓનું વેચાણ થતું હોય છે.

હવે આવીએ અમદાવાદમાં..જ્યાં દિવાળીના તહેવારમાં એક અનોખું પાટીયું જોવા મળ્યું….જેમાં લખ્યું છે…

ત્રણ દિવસ માટે ચટણી પિયર ગઇ છે, ભાઇબીજ કરીને આવશે…

અમદાવાદના રતનપોળ વિસ્તારમાં 70 વર્ષથી ચાલતી મહારાજના ચેવડાની દુકાનની બહાર આ પાટીયું રમૂજ પેદા કરે છે, કૂતુહલ જગાડે છે.

જ્યાં ચાલવાની કે ઉભા રહેવાની પણ તકલીફ પડે એવી સાંકડી ગલીઓ પાર કરી અસંખ્ય લોકો સ્વાદિષ્ટ ચેવડો લેવા આવે છે.

ચટણી પિયર ગઇ છે..એ પાટીયું મારવાનું કારણ શું…એ પ્રશ્નના જવાબમાં મહારાજના ચેવડાના રામાવત chitralekha.com ને કહે છે કે દીવાળીના ઉત્સવવેળાએ ગ્રાહકોનો ધસારો ખૂબ જ રહે છે. તહેવારના સમયે ચેવડાની સાથે ગાંઠીયા, ટમટમ, સેવ,સક્કરપારા જેવી અનેક ચીજવસ્તુઓ રાખતા હોઇએ છીએ.

દીવાળીમાં વેચાતાં અનેક ફરસાણ-વાનગીઓની વચ્ચે ગ્રાહકોનો ધસારો તો ખરો જ.. આ પરિસ્થિતિમાં સારી ગુણવત્તા વાળી ચટણી આપવી મુશ્કેલ થઇ જાય છે. વળી અહીં આવતા લોકો ચટણીનો આગ્રહ અવશ્ય રાખતા હોય છે. એટલે એમનું ધ્યાન દોરવા આ રમૂજી પાટીયું લગાડવું પડે છે અને કહેવું પડે છે. ભાઇ,,, આ ત્રણ દિવસ ચટણી વગર ચલાવો કારણ પિયર ગઇ છે…..

(અહેવાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)