અફઘાનિસ્તાન: આર્મી કેમ્પ પર તાલિબાની હુમલો, 43 સૈનિકોનાં મોત

કાબૂલ- અફઘાનિસ્તાનના કંધારમાં સેનાના કેમ્પ ઉપર તાલિબાની આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ હુમલામાં 43 અફઘાન સૈનિકોના મોત થયાંના સમાચાર છે. અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાની આતંકીઓ બે ગાડી ભરીને સેનાના કેમ્પમાં ઘૂસી આવ્યાં હતાં. ત્યારબાદ બંને ગાડીઓમાં વિસ્ફોટ થયો હતો. હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમય દરમિયાન અફઘાનિસ્તાનમાં સેના અને પોલીસકર્મીઓને ટાર્ગેટ કરીને આતંકી હુમલા કરવામાં આવે છે. આ હુમલાઓમાં આશરે 74 જેટલા લોકોના મોત થયાં છે. તો 170 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં પાંચ આતંકવાદીઓના પણ મોત થયા છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસના અફઘઆનિસ્તાન પ્રવાસ દરમિયાન પણ તાલિબાની આતંકીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં 30 જેટલા રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આ હુમલામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.