Home Blog Page 5027

સોનલ અંબાણીના ‘Transcendental Time’ એક્ઝિબિશનમાં કળાજગતની હસ્તીઓની ઉપસ્થિતિ

અમદાવાદ – જાણીતાં શિલ્પકાર સોનલ અંબાણીની શિલ્પ કૃતિઓનું Solo એક્ઝિબિશન કોલકાતાના ‘કોલકાતા સેન્ટર ફોર ક્રીએટિવિટી’ ખાતે ચાલી રહ્યું છે. આ પ્રદર્શનને ‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ, એન આર્ટ એક્સપીરિયન્સ’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં કળા જગતનાં મહારથીઓએ હાજરી આપીને સોનલની કૃતિઓની સરાહના કરી હતી.

સોનલ અંબાણી બોઝ ક્રિષ્નામાચારી સાથે

આ પ્રદર્શનમાં હાજરી આપનાર જાણીતી હસ્તીઓમાં સેફ્રોનઆર્ટના સીઈઓ અને સહ-સ્થાપક દિનેશ વઝિરાની, ગુજરાલ ફાઉન્ડેશનના સ્થાપક અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર ફિરોઝ ગુજરાલ, કોચી બિએનેલ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ બોઝ ક્રિષ્નામાચારીસ, લિસન ગેલરી, લંડનનાં એસોસિએટ ડાયરેક્ટર એલી હેરિસન, ઈમામી આર્ટનાં સીઈઓ અને KCCનાં ડાયરેક્ટર રિચા અગ્રવાલ, ધ ક્યૂરેટોરિયલ લેબના ડાયરેક્ટર એરિક ચેન, માધવેન્દ્ર પેલેસ ખાતેના ધ સ્કલ્પ્ચર પાર્કનાં ડાયરેક્ટર નોએલ કાદર, અભિક્રમનાં સ્થાપક પારુલ ઝવેરી, ફ્લિન્ટ કલ્ચરના સ્થાપક વોલ બોલ્સ્ટન વગેરેનો સમાવેશ થાય છે.

‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ’ પ્રદર્શન સતત વ્યગ્ર કરતા આ જગતમાં આત્મવિનવણીનું એટલે કે આપણે આપણી વ્યગ્રતાને દૂર રાખીને સ્વયંને જીવંત કેવી રીતે રાખવા તે વિશેનું છે. આપણને જે અનુભવ મળે છે એ કોઈ સ્મરણ કે સ્મૃતિ તરીકે નહીં, પરંતુ એક પ્રેરકબળ તરીકે હોય છે જે આપણા મનને સંપૂર્ણપણે જાગ્રત રાખે છે. વર્તમાન કાળને સ્વીકારો તથા મનની શુદ્ધતાની સુંદરતાને મહત્ત્વ આપો એ તેનો સંદેશ છે.

‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ’ એક્ઝિબિશન 25 માર્ચ, 2020 સુધી ચાલવાનું છે.

આ શો ‘ઈન્ડિયા આર્ટ ફેર 2020 પેરેલલ પ્રોગ્રામ’નો એક હિસ્સો પણ છે.

સોનલ અંબાણી દિનેશ વઝિરાની સાથે

સોનલ અંબાણી એલી હેરિસન સાથે

સોનલ અંબાણી ફિરોઝ ગુજરાલ સાથે

હજી વધશે હાડ થીજવતી ઠંડીઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ થોડા દિવસ ઠંડીએ વિરામ લીધા બાદ ફરીથી ઠંડી પોતાનું જોર પકડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાન હજી 3 થી 4 ડિગ્રી જેટલું ગગડી શકે છે.ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સરક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. પરંતુ આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વનું છે કે અત્યારે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા જોવા મળી છે. જેમાં જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. ભારે હિમવર્ષાના પગલે વાતાવરણમાં ઠંડકતા પ્રસરતાં તાપમાનનો પારો ગગડતો જોવા મળ્યો છે.

રાજકોટ: રાજતિલક મહોત્સવની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન

રાજકોટ: રણજીત વિલાસ પેલેસમાં ચાલી રહેલા ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના રાજતિલક મહોત્સવના ત્રીજા દિવસે શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન થઇ હતી.  ૩૧ તીર્થ જળ, ૧૦૦ પ્રકારના મૂળિયા, ૧૪ પ્રકારની માટી, ઔષધિનો  અભિષેક કરવામાં આવ્યો હતો. ૫૧ શાસ્ત્રીજીએ આ કાર્ય સંપન્ન કર્યું હતું.

ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અભિષેકનો ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. રેકોર્ડ માટે લંડનથી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી હતી. એક જ સમયે એક વિધિમાં 51 પુરોહિતો દ્વારા અભિષેક કરવાનો રેકોર્ડ થયો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા જાહેર કરવામાં આવ્યો રેકોર્ડ. રાણી સાહેબ કાદમ્બરી દેવી , રાજકુમારી મૃદુલા કુમારીના હસ્તે વિશ્વ વિક્રમનું સર્ટિફિકેટ શાસ્ત્રીજીને અર્પણ કરવામાં આવ્યો હતો.

ગૌ શાળા, બળદના પગ, ગિરનાર પર્વત સ્થિત અંબાજી માતાની શકિતપીઠ, સોમનાથનો સમુદ્ર, હાથી દાંત, પીપળાનું ઝાડ વગેરેની માટીનો ઉપયોગ આ વિધિમાં થયો હતો.

શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે તે અનુસાર આવી રીતે અભિષેક કરવાથી રાજાના શરીરમાં દેવી – દેવતાઓનો વાસ થાય છે.

(જ્વલંત છાયા)

કોમેડીયન કુણાલ કામરા પર હવામાં ઉડવા પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ કોમેડીયન કુણાલ કામરા પર ઈન્ડિગો, એર ઈન્ડિયા, ગો એર અને સ્પાઈસ જેટ દ્વારા પોતાના વિમાનમાં યાત્રા કરવા માટે રોક લગાવી દેવામાં આવી છે. કથિત રીતે પત્રકાર અરનબ ગોસ્વામી સાથે ખરાબ વર્તન કર્યાનો તેમના પર આરોપ છે. કુણાલ કામરાએ મુંબઈથી લખનઉની પોતાની ફ્લાઈટ દરમિયાન પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું.  ઇન્ડિગોએ છ મહિનાનો પ્રતિબંધ મુક્યો છે, તે બાદ એર ઇન્ડિયાએ પણ કામરાને અનિશ્વિતકાળ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આ ઉપરાંત સ્પાઇસ જેટ અને ગો એરે પણ કુણાલ કામરા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુક્યો છે.

ત્યારે હવે કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે.

ત્યારે આ મામલે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ઘટનાની નોંધ લીધી છે અને ભારતની અન્ય એરલાઈન્સને પણ કુણાલ કામરા પર આ રીતે બેન લગાવવાનું કહ્યું છે.

હરદીપ સિંહ પુરીએ આ મામલે કહ્યું કે, ખરાબ વ્યવહાર કે જે વિમાનની અંદર અરાજકતા ઉભી કરે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને યાત્રા કરનારા યાત્રીઓના જીવને સંકટમાં મૂકનારું છે. ઉલ્લેખનીય છે કે, કુણાલ કામરા મુંબઈ બેઝ્ડ કોમેડિયન છે અને તેઓ પોતાની કોમેડીને લઈને ખૂબ ફેમસ છે.

કુણાલ કામરાએ 8 વર્ષ સુધી ટીવી પર આવતી જાહેરાતોમાં કામ કર્યા બાદ, વર્ષ 2013 માં સ્ટેન્ડઅપ કોમેડીની શરુઆત કરી હતી.

છેવટે પ્રશાંત કિશોર અને પવન વર્માને દરવાજો દેખાડાયો

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ખોટા ગણાવનારા પ્રશાંત કિશોરને જેડીયૂમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ સાથે જ પવન વર્માની પણ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી કેટલાક મુદ્દાઓને લઈને નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું.

એક દિવસ પહેલા જ્યારે નીતિશ કુમારે કહ્યું કે, અમિત શાહના કહેવાથી પ્રશાંત કિશોરને પાર્ટીમાં રાખવામાં આવ્યા હતા ત્યારે આ વાતને લઈને પણ બન્ને વચ્ચે ટ્વીટ વોર થયો હતો. પ્રશાંત કિશોરે નીતિશ કુમારને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, મને જેડીયુમાં શા માટે લાવ્યા અને કઈ રીતે લાવ્યા તે મામલે મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે. પોતાના રંગમાં જ રંગવાનો તેઓ ખોટો પ્રયત્ન કરી રહ્યા છે. જો તમે સાચુ બોલી રહ્યા હોવ તો કોણ વિશ્વાસ કરશે કે, હજી પણ તમારામાં એટલી હિંમત છે કે અમિત શાહ દ્વારા મોકલવામાં આવેલા વ્યક્તિની વાત સાંભળો?

જેડીયૂ દ્વારા પ્રશાંત કિશોરની સાથે-સાથે પવન વર્માને પણ પાર્ટીથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. પવન વર્મા ભાજપ-જેડીયૂ વચ્ચે થયેલી સમજૂતી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. એક દિવસ પહેલા નીતિશ કુમારે કહ્યું હતું કે પ્રશાંત કિશોરને પાર્ટીમાં રહેવું હોય તો રહે, નહી તો ચાલ્યા જાય. નીતિશ કુમારે કહ્યું કે, જો તેમને પાર્ટીમાં રહેવું હોય તો પાર્ટીના માળખાનો સ્વીકાર કરવો પડશે.

નીતિશ કુમારે પ્રશાંત કિશોરનું નામ લીધા વગર કહ્યું કે, કોઈ ટ્વીટ કરી રહ્યું છે તો કરે. જેને પાર્ટીમાં રહેવું હોય તે રહે, નહી તો ચાલ્યા જાય. નીતિશ કુમારે કહ્યું કે, જેડીયૂમાં સામાન્ય કેટેગરીના લોકો છે. સામાન્ય માણસો છે. આ પાર્ટી મોટા લોકોની પાર્ટી નથી. તેમણે કહ્યું કે, અમે તો ઈજ્જત આપીએ છીએ, અમે બધાનું સન્માન કરીએ છીએ.

ભાજપના નેશનલ રજીસ્ટર સામે યુવા કોંગ્રસનું બેરોજગાર રજીસ્ટર

નવી દિલ્હીઃ દેશમાં વધતી બેરોજગારી વિરુદ્ધ યુવા કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે. મંગળવારના રોજ યુવા કોંગ્રેસના તરુણ તેવતિયાએ ઝુંબેશ વિશે જાણકારી આપી હતી. તેવતિયાએ કહ્યું કે, જે સમયે દેશમાં ભાજપ સરકાર બની હતી તે સમયે વડાપ્રધાન મોદીએ દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો.

સરકાર આજ સુધી આ વાયદાને પૂરો નથી કરી શકી. છેલ્લા પાંચ વર્ષમાં દેશના 7 પ્રમુખ સેક્ટરોથી 3.64 કરોડ લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. યુવા કોંગ્રેસે એનઆરયૂ (નેશનલ બેરોજગારી રજિસ્ટર) બનાવવા માટે ઝુંબેશ શરુ કરી છે.

બેરોજગાર યુવાનો આ રજિસ્ટરમાં પોતાનું નામ નોંધાવવા માટે 8151994411 નંબર પર મિસ કોલ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા દેશના દરેક ભાગ મહારાષ્ટ્ર, ગુજરાત, સહિતના તમામ રાજ્યોમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

રોહિત શર્માએ સુપરઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું; ભારતે T20I સિરીઝ જીતી લીધી

હેમિલ્ટન – વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ આજે અહીં સીડન પાર્કમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં છગ્ગાનો વરસાદ વરસાવતાં ન્યૂઝીલેન્ડનો સુપર ઓવરમાં પરાજય થયો છે અને એ સાથે જ ભારતે પાંચ-મેચોની સિરીઝ પર 3-0થી કબજો લઈ લીધો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.

એના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ ભારે નાટ્યાત્મક વળાંકોવાળો બની રહ્યો હતો. જીતની એકદમ નજીક આવવા છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કરી શકી હતી. આમ, મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો.

સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડનો વિલિયમ્સન અને માર્ટિન ગપ્ટીલ મેદાનમાં ઉતર્યા હતા. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ફેંકેલી ઓવરમાં કિવી જોડીએ 6 બોલમાં 17 રન ઝૂડી કાઢ્યા હતા. વિલિયમ્સને 11 રન કર્યા હતા.

ભારતનો જવાબ આપવા માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી મેદાનમાં ઉતરી હતી. ફાસ્ટ બોલર ટીમ સાઉધીની તે ઓવરના પહેલા બોલમાં રોહિતે બે રન લીધા હતા. બીજા બોલમાં એક રન દોડ્યા બાદ રાહુલે ત્રીજા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. ચોથા બોલમાં રાહુલ સિંગલ દોડ્યો હતો અને તે પછીના બંને બોલમાં રોહિતે સિક્સર ફટકારી હતી. આમ, ભારતે 6 બોલમાં 20 રન ઝૂડીને મેચ જીતી લીધી.

રોહિત શર્માએ અગાઉ 40 બોલમાં 65 રન કર્યા હતા, જેમાં 3 સિક્સર અને 6 બાઉન્ડરી હતી. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. સાથી ઓપનર લોકેશ રાહુલે 27 રન કર્યા હતા અને આ જોડીએ પહેલી વિકેટ માટે 9 ઓવરમાં 89 રન કર્યા હતા.

શિવમ દુબે 3, કેપ્ટન વિરાટ કોહલી 38 અને શ્રેયસ ઐયર 17 રન કરીને આઉટ થયો હતો. મનીષ પાંડે 14 અને રવિન્દ્ર જાડેજા 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવમાં માર્ટિન ગપ્ટીલ (31) અને કોલીન મુનરો (14)ની જોડીએ 47 રનનો પાયો નાખ્યો હતો. ત્રીજા નંબરે આવેલા વિલિયમ્સને તોફાની બેટિંગ કરી હતી અને 48 બોલમાં 95 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના દાવમાં 6 સિક્સર અને 8 બાઉન્ડરીનો સમાવેશ થતો હતો.

ન્યૂઝીલેન્ડના પરાજય માટે જવાબદાર બની રહી એના રેગ્યૂલર દાવની આખરી ઓવર. એમાં ન્યૂઝીલેન્ડે જીત માટે 9 રન કરવાના હતા. મોહમ્મદ શમીએ ફેંકેલી તે ઓવરમાં ગૃહ ટીમે કુલ 8 રન કર્યા હતા. જીતનો રન કરી શકી નહોતી અને બે વિકેટ ગુમાવી હતી. ત્રીજા બોલે વિલિયમ્સન અને છેલ્લા બોલે રોસ ટેલર (17) આઉટ થયો હતો.

હવે ચોથી મેચ 31 જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.






















બીટિંગ રીટ્રિટ સેરેમની 2020: વિશેષતાઓ અને મહત્વ

નવી દિલ્હીઃ રાજપથ પર 26 જાન્યુઆરીના રોજ 71 મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યા બાદ હવે લોકો બીટિંગ રીટ્રિટ સેરેમનીની રાહ જોવે  છે. મોટાભાગના લોકો આ સેરેમની વિશે જાણતા નથી. ત્યારે આવો આપણે જાણીએ કે આખરે આ સેરેમની શું છે? 26 જાન્યુઆરીની પરેડમાં દુનિયાને પોતાની તાકાત બતાવ્યા બાદ 29 જાન્યુઆરીના રોજ થનારી બીટિંગ રિટ્રીટ સેરેમનીની રાહ જોવાય છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવન સામે આનું પ્રદર્શન કરવામાં આવે છે. 26 જાન્યુઆરીની સવારે 10 વાગ્યે નેશનલ સેલ્યૂટ સાથે શરુ થયેલી આ પરેડ આશરે 90 મીનિટ સુધી ચાલી. આમાં એમઆઈ-17 અને રુદ્ર આર્મ્ડ હેલિકોપ્ટરોએ ફ્લાયપાસ્ટ કર્યું. આમાં અલગ-અલગ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સરકારી વિભાગોના 22 જેટલા ટેબ્લો ઈન્ડિયા ગેટ સામેથી પસાર થયા, બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા શાળાના બાળકો અને સીઆરપીએફની ઓલ વુમન ટીમે પોતાનું પ્રદર્શન બતાવ્યું. આ પરેડને જોવા માટે, હજારોની સંખ્યામાં લોકો રાજપથની બંન્ને બાજુ બેસે છે.

બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને મુખ્ય રુપે ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે. આ સેનાનું પોતાના બેરેકમાં પાછા ફરવાનું પ્રતિક પણ માનવામાં આવે છે. બીટિંગ રિટ્રીટ સેરેમની ગણતંત્ર દિવસની નવી પરંપરા નથી પરંતુ આ અંગ્રેજોના સમયથી આયોજિત થતી આવી છે. બીટિંગ ધ રિટ્રીટ દિલ્હીના વિજય ચોક પર આયોજીત કરવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનને કલરફૂલ લાઈટ્સથી સજાવવામાં આવે છે. આ નજારો જોવા જેવો હોય છે.

બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન આજે રોજ સાંજે સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે. આ દરમિયાન તમામ ખાસ લોકો આમાં ભાગ લે છે. આ દરમિયાન વિજય ચોકને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનની સજાવટ અને બીટિંગ રિટ્રીટનો ભાગ બનવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચે છે.

26 જાન્યુઆરીના રોજ પરેડમાં રાજપથ પર સુંદર સંગીતની ધુન સાથે ચાલાનારા ઉંટ ત્રણ દિવસ બાદ એટલે કે 29 જાન્યુઆરીના રોજ થનારી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં ભાગ લે છે. આ દરમિયાન આ ઉંટ રાયસીના હિલ પર ઉત્તર અને દક્ષિણ બ્લોક પર પણ ઉભેલા દેખાય છે. દુનિયાની આ એકમાત્ર ઉંટોની ટીમ છે કે જે ન માત્ર બેંડ સાથે રાજપથ પર પ્રદર્શન કરે છે પરંતુ સરહદની પણ સુરક્ષા કરે છે.

પહેલીવાર 1976 માં 90 ઉંટની એક ટીમ ગણતંત્ર દિવસનો ભાગ બની હતી, જેમાં 54 જેટલા સૈનિકો અને શેષ બેંડના જવાનો હતા. બીએસએફ એકમાત્ર એવી ફોર્સ છે કે જેની પાસે ઓપરેશન અને સમારોહ બંન્ને માટે સજ્જ થયેલા અને ખૂબ કુશળ ઉંટોની એક ટીમ છે. શાહી અને ભવ્ય અંદાજમાં સજ્જ આ ઉંટોને સરહદની સુરક્ષા માટે તેનાત કરવામાં આવે છે અને પ્રથમવાર ઉંટોની આ ટીમ વર્ષ 1976 માં આ રાષ્ટ્રીય પર્વની ઝાંખીનો ભાગ બની હતી.

પરેડ અને બીટિંગ રિટ્રીટમાં શામિલ કરવામાં આવનારા ઉંટોનો શ્રૃંગાર દુલ્હનની જેમ કરવામાં આવે છે. પગથી લઈને ગળું અને પીઠના ભાગ સુધી આ લોકોને સજાવવામાં આવે છે. બાદમાં આ ઉંટો પર બીએસએફના જવાન પણ શાહી અંદાજમાં અને મૂછે તાવ દેતા બેસે છે.

આ ઉંટોને અલગ અલગ સમારોહમાં પ્રસ્તુત કરવામાં આવે છે એટલે આ લોકો પાસે ઉંટોનો શ્રૃંગાર કરવા માટે મોટો ખજાનો હોય છે. અલગ-અલગ પ્રસંગો માટે આમની પાસે આશરે 65 જેટલા ડ્રેસ છે. વિદેશી ડિપ્લોમેટ્સ આવવા પર આ લોકો એ પ્રકારનો ડ્રેસ પહેરે છે અને ગણતંત્ર દિવસ જેવા સમારોહ માટે અલગ ડ્રેસ પહેરે છે.

આ ઉંટ પર સવારી કરનારા જવાનો પણ ખાસ હોય છે. આ લોકોની ઉંચાઈ 6 ફૂટ અથવા તેનાથી વધારે હોય છે. બીએસએફ આવા જવાનોની પસંદ આ પ્રકારના પ્રસંગો માટે કરે છે. આ જવાન આ પ્રકારની પરેડના સમયે દેખાય છે.

આ ઉંટ બટાલિયનની એક અન્ય ખાસ વાત પણ છે. આ ઉંટો પર બીએસએફના જે જવાન સવાર થાય છે, તેમની મુછો પણ સામાન્ય નથી હોતી. તમામની મુછો ઉપરની તરફ ઉઠેલી હોય છે જે આ લોકોની એક ખાસ ઓળખ કહી શકાય.

શું હોય છે ખાસ?
  1. બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે.
  2. આનું મુખ્ય આકર્ષણ ત્રણેય સેનાઓ એક સાથે મળીને સામુહિક બેંડનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો હોય છે. પરેડ પણ જોવા લાયક હોય છે.
  3. આ કાર્યક્રમમાં ડ્રમર ગાંધીજીને પ્રિય હતી એવી એક ખાસ ધુન વગાડે છે.
  4. ત્યારબાદ રિટ્રીટટનું બ્યુંગલ વાગે છે. આ દરમિયાન બેંડ માસ્ટર રાષ્ટ્રપતિની નજીક જાય છે અને બેંડ પાછુ લઈ જવા માટેની મંજૂરી માંગે છે. ત્યારબાદ માનવામાં આવે છે કે સમાપન સમારોહ પૂર્ણ થઈ ગયો છે.
  5. બેંડ માર્ચ પાછી લઈ જતા સમયે, “સારે જહાં સે અચ્છા” ગીતની ધુન સાથે કાર્યક્રમનું સમાપન થાય છે.
  6. અંતમાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે અને આ પ્રકારે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક સમાપન થાય છે.

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં બંધની અસર…

અમદાવાદ: શહેરના કેટલાક વિસ્તારોમાં સીએએ, એનઆરસી, એનપીઆરના વિરોધ સાથે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો. 29 જાન્યુઆરીને બુધવારની સવારથી જ બહુજન ક્રાંતિ મોર્ચા સહિત અનેક સંગઠનોએ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બંધ પાળ્યો હતો.

 

અમદાવાદ શહેરના દરિયાપુર, કાળુપુર, ત્રણ દરવાજા, ઢાલગરવાડ , જમાલપુર, મિરઝાપુર, શાહપુર, ખાનપુર જેવા મુસ્લિમ બહુસંખ્યક વિસ્તારોમાં વેપાર ધંધા સદંતર બંધ રહ્યા. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. કોટ વિસ્તાર સહિત ની અમદાવાદ શહેરની કેટલાક વેપારી સ્થળોએ સીએએ, એનઆરસી, એનપીઆર ના વિરોધમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.

આ સાથે મુસ્લિમ સંગઠનો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતા – કાર્યકર્તાઓએ લોકોને શાંતિથી બંધ પાળવા અપીલ કરી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ, આર.પી.એફ, એસ.આર.પી, હોમગાર્ડસ ના જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ સાથે અસામાજીક તત્વો કોઇપણ ભાંગફોડ પ્રવૃત્તિના કરે એ માટે પોલીસની જુદી જુદી ગાડીઓનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સાયના નેહવાલ હવે રાજકીય ઈનિંગ ખેલવા તૈયારઃ ભાજપમાં પ્રવેશ

નવી દિલ્હી: દેશની સ્ટાર ખેલાડી સાયના નેહવાલ બેડમિન્ટનમાં ધૂમ મચાવ્યા પછી હવે રાજકીય ઈનિંગ ખેલવા માટે તૈયાર છે. સાયના નેહવાલ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ હતી. સાયનાએ કહ્યું કે, ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ છે વડાપ્રધાન મોદી, જેનાથી મને પ્રેરણા મળે છે. સાયનાની સાથે તેમની મોટી બહેને પણ ભગવો ધારણ કર્યો.

વડાપ્રધાન મોદીથી મળે છે પ્રેરણા

ભાજપમાં સામેલ થયા પછી સાયનાએ કહ્યું કે, દેશ માટે સારુ કામ કરી રહેલી પાર્ટી સાથે જોડાઈને હું ઘણી ખુશ છું. મોદીજી દિવસ રાત કામ કરે છે જેથી તેની સાથે કામ કરવાની મજા આવશે. મોદીએ સ્પોર્ટ્સને ઘણુ મહત્વનું આપ્યું છે. ખેલો ઈન્ડિયાની પહેલ એક ઉમદા કાર્ય છે.

નેહવાલે નવી દિલ્હીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે સાયનાને ભગવો પહેરાવ્યો. સાયના પહેલા પણ અનેક ખેલાડીઓએ ભાજપમાં જોડાયા છે. જેમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, રેસરલ યોગેશ્વર દત્ત અને બબિતા ફોગાટ જેવા મોટા ચહેરાઓ સામેલ છે.

સાયનાન બેડમિન્ટન કેરિયર પર નજર નાખીએ તો તેમણે 22 સુપર સીરીઝ અને ગ્રાન્ડ પ્રિક્સ ખિતાબ જીત્યા છે. આ ઉપરાંત સાયનાએ 2012ના લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું આવુ કરનાર સાયના દેશની પ્રથમ મહિલા શટલર બની હતી. આ ઉપરાંત સાયના વર્લ્ડ નંબર વન પણ રહી ચૂકી છે. તે મહિલા સિંગલ્સ રેકિંગમાં 23 મે 2015ના રોજ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તે આ સફળતા મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે.