રોહિત શર્માએ સુપરઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું; ભારતે T20I સિરીઝ જીતી લીધી

હેમિલ્ટન – વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ આજે અહીં સીડન પાર્કમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં છગ્ગાનો વરસાદ વરસાવતાં ન્યૂઝીલેન્ડનો સુપર ઓવરમાં પરાજય થયો છે અને એ સાથે જ ભારતે પાંચ-મેચોની સિરીઝ પર 3-0થી કબજો લઈ લીધો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.

એના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ ભારે નાટ્યાત્મક વળાંકોવાળો બની રહ્યો હતો. જીતની એકદમ નજીક આવવા છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કરી શકી હતી. આમ, મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો.

સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડનો વિલિયમ્સન અને માર્ટિન ગપ્ટીલ મેદાનમાં ઉતર્યા હતા. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ફેંકેલી ઓવરમાં કિવી જોડીએ 6 બોલમાં 17 રન ઝૂડી કાઢ્યા હતા. વિલિયમ્સને 11 રન કર્યા હતા.

ભારતનો જવાબ આપવા માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી મેદાનમાં ઉતરી હતી. ફાસ્ટ બોલર ટીમ સાઉધીની તે ઓવરના પહેલા બોલમાં રોહિતે બે રન લીધા હતા. બીજા બોલમાં એક રન દોડ્યા બાદ રાહુલે ત્રીજા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. ચોથા બોલમાં રાહુલ સિંગલ દોડ્યો હતો અને તે પછીના બંને બોલમાં રોહિતે સિક્સર ફટકારી હતી. આમ, ભારતે 6 બોલમાં 20 રન ઝૂડીને મેચ જીતી લીધી.

રોહિત શર્માએ અગાઉ 40 બોલમાં 65 રન કર્યા હતા, જેમાં 3 સિક્સર અને 6 બાઉન્ડરી હતી. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. સાથી ઓપનર લોકેશ રાહુલે 27 રન કર્યા હતા અને આ જોડીએ પહેલી વિકેટ માટે 9 ઓવરમાં 89 રન કર્યા હતા.

શિવમ દુબે 3, કેપ્ટન વિરાટ કોહલી 38 અને શ્રેયસ ઐયર 17 રન કરીને આઉટ થયો હતો. મનીષ પાંડે 14 અને રવિન્દ્ર જાડેજા 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવમાં માર્ટિન ગપ્ટીલ (31) અને કોલીન મુનરો (14)ની જોડીએ 47 રનનો પાયો નાખ્યો હતો. ત્રીજા નંબરે આવેલા વિલિયમ્સને તોફાની બેટિંગ કરી હતી અને 48 બોલમાં 95 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના દાવમાં 6 સિક્સર અને 8 બાઉન્ડરીનો સમાવેશ થતો હતો.

ન્યૂઝીલેન્ડના પરાજય માટે જવાબદાર બની રહી એના રેગ્યૂલર દાવની આખરી ઓવર. એમાં ન્યૂઝીલેન્ડે જીત માટે 9 રન કરવાના હતા. મોહમ્મદ શમીએ ફેંકેલી તે ઓવરમાં ગૃહ ટીમે કુલ 8 રન કર્યા હતા. જીતનો રન કરી શકી નહોતી અને બે વિકેટ ગુમાવી હતી. ત્રીજા બોલે વિલિયમ્સન અને છેલ્લા બોલે રોસ ટેલર (17) આઉટ થયો હતો.

હવે ચોથી મેચ 31 જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.