નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપનારા નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ સિંહ વર્મા પર ચૂંટણી આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આયોગે બંન્નેને તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કાઢી દેવાનો નિર્દેશ પાર્ટીને આપ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના નિવેદનોની ખૂબ ટીકા થઈ રહી છે. ચૂંટણી આયોગ દ્વારા ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરી છે.
ભાજપના નેતાઓના આ પ્રકારના નિવેદનો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા ભાજપને આપવામાં આવેલી નોટિસમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પશ્ચિમ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્મા પર કાર્યવાહી કરતા પ્રચાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આયોગે બંન્ને નેતાઓને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર મૂકવાનો નિર્દેશ આપ્યો છે.
હિમાચલ પ્રદેશના હમીરપુરથી સાંસદ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા “દેશના ગદ્દારોને ગોળી મારો” તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનની ખૂબ ટીકાઓ થઈ હતી. બીજી તરફ પશ્ચિમ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગમાં ચાલી રહેલા વિરોધની તુલના કાશ્મીરથી કરતા કહ્યું હતું કે, તેઓ આપના ઘરોમાં ઘુસી જશે અને તમારી બહેન-દિકરીઓ સાથે રેપ કરશે.
નિવેદનનો વિરોધ થયા બાદ સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, તેઓ પોતાના નિવેદન પર અડગ છે અને માફી નહી માંગે. આટલું જ નહી પરંતુ આજે એક મીડિયા ઈન્ટરવ્યુમાં ભાજપના સાંસદે અરવિંદ કેજરીવાલને નક્સલી અને આતંકી પણ ગણાવ્યા હતા.
નવી દિલ્હીઃ દેશના ઉત્તરના ભાગમાં સતત વરસાદ થવાના કારણે ઠંડીમાં ઘટાડો થયો નથી. આ સાથે જ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કાશ્મીરના ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં બરફ વર્ષા થઈ છે અને રાષ્ટ્રીય રાજધાની સહિત પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે ભારતના ઉત્તર પશ્ચિમી ક્ષેત્રોના પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાનું અનુમાન લગાવવામાં આવ્યું. વિભાગે ભારે બરફવર્ષા અથવા વિજળી કડકવાની સાથે વરસાદ થવાની અને બરફ વર્ષાનું અનુમાન લગાવ્યું છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, સવારે 8.30 વાગ્યે ન્યૂનતમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું કે જે સામાન્યથી બે ડિગ્રી વધારે હતું. જમ્મૂ કાશ્મીરના ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં તાજેતરમાં બરફવર્ષા થઈ જ્યારે મેદાની પ્રદેશોમાં વરસાદ થયો છે. શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 0.6 ડિગ્રી સેલ્સિયસલ નીચે નોંધવામાં આવ્યું. આ સિવાય ઔલી, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ, નંદા દેવી જૈવ સહિતના ક્ષેત્રો બરફથી ઢંકાઈ ગયા છે.
હિમાચલ પ્રદેશમાં શિમલા, કુફરી, મનાલી અને ડલહૌજી સહિતના ક્ષેત્રોમાં તાજેતરમાં બરફવર્ષાને લઈને મહત્તમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાવામાં આવ્યું. હવામાન વિભાગના ડાયરેક્ટર મનમોહન સિંહે કહ્યું કે રાજ્યની રાજધાનીમાં સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી બે સેન્ટિમીટર બરફવર્ષા નોંધવામાં આવી. પંજાબ અને હરિયાણાના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે, કેન્દ્રા શાસિત પ્રદેશ ચંદીગઢમાં 2.5 મિલીમીટર વરસાદ થયો અને તાપમાન 12.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.
આગરા – દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના વિરોધી શરજીલ ઈમામની ધરપકડ કરવામાં આવી છે. કથિતપણે દેશવિરોધી ભડકાઉ ભાષણ કરવા બદલ દેશદ્રોહના આરોપસર દિલ્હી પોલીસે શરજીલની ગઈ કાલે બિહારના જેહાનાબાદમાં ધરપકડ કરી હતી અને એને દિલ્હી લાવવા આજે નીકળી ગયા હતા.
દરમિયાન, ઉત્તર પ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના 70 જેટલા વિદ્યાર્થીઓએ માગણી કરી છે કે શરજીલ ઈમામને તાત્કાલિક છોડી મૂકવામાં આવે. આ વિદ્યાર્થીઓ ગઈ કાલે યુનિવર્સિટીની કેન્ટીનમાં ભેગા થયા હતા અને ઈમામને છોડી મૂકવાની માગણી કરી હતી.
શરજીલની ધરપકડના વિરોધમાં AMUના વિદ્યાર્થીઓએ મોરચો કાઢ્યો હતો અને એલાન કર્યું છે કે જો શરજીલને જલદી છોડી મૂકવામાં નહીં આવે તો કંઈક એવું થશે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.
ગઈ 16 જાન્યુઆરીએ AMU કેમ્પસમાં શરજીલે રાષ્ટ્રવિરોધી ભાષણ કર્યું હોવાનો એની પર આરોપ છે અને અલીગઢ પોલીસે એની સામે ફરિયાદ નોંધી હતી.
IITના ભૂતપૂર્વ વિદ્યાર્થી-સહાયક શિક્ષક શરજીલને ઉત્તર પ્રદેશ, આસામ, મણીપુર, અરૂણાચલ પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યોની પોલીસ પકડવા માગતી હતી. આખરે દિલ્હી પોલીસે એને બિહારના જેહાનાબાદમાંથી પકડ્યો હતો અને જેહાનાબાદની કોર્ટ પાસેથી 48-કલાકના ટ્રાન્ઝિટ રીમાન્ડ પર શરજીલને તાબામાં લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, શરજીલના પિતા ભૂતકાળમાં બિહારમાં જનતા દળ (યુનાઈટેડ)ની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ એમને સમર્થન આપ્યું હતું.
શરજીલે ગઈ કાલે તેના ટ્વિટર પર આમ લખ્યું હતું: ‘મેં 28 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 3 વાગ્યે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને ઈચ્છુક પણ છું. મને કાયદાની પ્રક્રિયામાં પૂરો વિશ્વાસ છે. મારી સલામતી હવે દિલ્હી પોલીસના હાથમાં છે. શાંતિ જાળવીએ.’
AMUના પ્રવક્તા શફી કિડવાઈએ કહ્યું છે કે યુનિવર્સિટીનું વહીવટીતંત્ર કેમ્પસમાં કોઈ પણ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિને ટેકો આપતું નથી અને તેને વખોડી કાઢે છે અને આયોજક સામે કડક પગલું ભરશે.
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટને લઈને સીતારમણ અનેક અર્થશાસ્ત્રીઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ખેડૂતો તેમજ અન્ય સંગઠનો સાથે બેઠક કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બજેટને લઈને વ્યક્તિગત રસ લઇ રહ્યા છે. બજેટ થકી આગામી સમયમાં એશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવાનો મોદી સરકારનો પ્રયત્ન રહેશે.
દેશને સ્લોડાઉનની ઝપેટમાંથી બહાર કાઢીને ફરી પાટા પર લાવવા માટે સીતારમણનું આ બજેટ અનેક રીતે મહત્વપૂર્ણ રહેશે. આ વખતે આ બજેટને લઈને સરકારની આવક અને ખર્ચના લેખા જોખા તૈયાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી રહેલા પાંચ વ્યક્તિઓ અંગે જાણવાનું રસપ્રદ બની રહેશે. કોણ છે આ પાંચ અધિકારી?
રાજીવ કુમાર (નાણા સચિવ)
રાજીવ કુમાર નાણા મંત્રાલયના ટોચના અધિકારી છે. કુમાર ઝારખંડ કેડરના 1984ની બેન્ચના આઈએએસ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ સરકારે બેંકિંગ વ્યવસ્થામાં સુધારા સંબંધિત અનેક મહત્વના પગલા લીધા છે. જેમાં સરકારી બેંકનું મર્જર અને દેવામાં ડુબેલ બેંકોમાં ફંડિંગ કરવા જેવા ઉપાયો સામેલ છે. આ વખતે આશા છે કે, બજેટમાં બેંકિંગ સેક્ટરને સંકટમાંથી ઉગારવા તેમજ અર્થવ્યવસ્થામાં વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેમણે જરૂરી સૂચનો આપ્યા હોય.
અતનુ ચક્રવર્તી(આર્થિક બાબતોના સચિવ)
અતનુ ચક્રવર્તી પાસે સરકારી પરિસંપત્તિઓના ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કુશળતા છે. બજેટ બનાવવામાં ચક્રવર્તીની મહત્વની ભૂમિકા છે, કારણ કે હાલમાં જ જ્યારે આર્થિક વૃદ્ધિની ગતિ પાંચ ટકાથી નીચે જતી રહી હતી ત્યારે ચક્રવર્તીની અધ્યક્ષતામાં જ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ દેશના અર્થતંત્રને ફરી પાટા પર લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડોલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી. તેમનું મંતવ્ય ભારતને બજેટ સંબંધી નુકસાનીને નક્કી કરવાની દ્રષ્ટીએ ઘણું મહત્વનું રહેશે. આ ઉપરાંત અર્થતંત્રમાં પૂંજી નાખવા સંબંધિત તેમના સૂચનો જરૂરી બની રહેશે.
ટી.વી. સોમનાથન (એક્સપેન્ડિચર સેક્રેટરી)
સોમનાથનની નાણા મંત્રાલયમાં તાજેતરમાં જ એન્ટ્રી થઈ છે. તેમનું કામ સરકારના ખર્ચાઓમાં ઘટાડો કરવાનું છે જેથી માંગમાં વૃદ્ધિ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. જોકે, તેમના પર બીનજરૂરી ખર્ચાઓને અલગ તારવવાની પણ જવાબદારી છે. તે અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે, એટલા માટે સોમનાથન એ સ્પષ્ટ રીતે જાણે છે કે, મોદી કયા પ્રકારનું બજેટ ઈચ્છે છે.
અજય ભૂષણ પાંડેય(રાજસ્વ સચિવ)
અજય ભૂષણ પર મહેસૂલ એટલે કે, સંસાધનોને પ્રોત્સાહન આપવાની જવાબદારી છે. સ્લોડાઉનની મુશ્કેલી વચ્ચે મહેસૂલમાં ઘટાડાનું અનુમાન વચ્ચે સંભવત: તેમની જવાબદારી સૌથી મુશ્કેલ છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પછી અત્યાર સુધીમાં ટેક્સ કલેક્શનમાં વધારો થાય એ પ્રકારનું રોકાણ નથી આવ્યું. તે ડાયરેક્ટ ટેક્સ કોડમાં કેટલીક દરખાસ્તો અપનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છે.
તુહીનકાંત પાંડે(ડિસઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી)
તુહીનકાંત પાસે એર ઈન્ડિયા અને અન્ય સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટની જવાબદારી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત આ લક્ષ્યો ઘણા મહત્વપૂર્ણ છે. જોકે, આ વર્ષે સરકાર 1.05 ટ્રિલિયન રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મોટા અંતરથી ચૂકી જશે એવી સંભાવના છે. આગામી વર્ષના લક્ષ્યની દ્રષ્ટીએ તુહીનકાંતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે,
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે,
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સ્પષ્ટતા કરી દીધી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) 2020માં એશિયા કપનું આયોજન કરે એમાં ભારતને કોઈ વાંધો નથી, પરંતુ ભારતીય ટીમ એમાં રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
બીસીસીઆઈએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે ભારત તટસ્થ ભૂમિ પર રમવા તૈયાર છે.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે સ્પર્ધાનું યજમાનપદ ભોગવવાના અધિકાર સામે ભારતને કોઈ વાંધો નથી, પણ ટ્વેન્ટી-20 સ્પર્ધા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. ભારત એને બદલે કોઈ તટસ્થ ભૂમિ પર પાકિસ્તાન સામે રમવા તૈયાર છે. આમ, ભારતને પાકિસ્તાન સામે રમવામાં નહીં, પણ રમવાના સ્થળ સામે વાંધો છે. ભારત પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમવા તેમજ એશિયા કપ જેવી બહુ-રાષ્ટ્રીય સ્પર્ધામાં રમવા પણ પાકિસ્તાન જવા હાલને તબક્કે તૈયાર નથી. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ભારત વગર એશિયા કપ સ્પર્ધા યોજવા માગે તો એમ કરી શકે છે. જો તે એમ ઈચ્છતું હોય કે ભારત પણ એશિયા કપમાં રમે તો એનું સ્થળ પાકિસ્તાન હોવું ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 2018માં એશિયા કપ સ્પર્ધા ભારતમાં યોજવાનું આવ્યું હતું ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા આપવાનો પ્રશ્ન ઊભો થયો હતો. પરિણામે સ્પર્ધાને યુએઈમાં યોજવી પડી હતી.
હવે પાકિસ્તાન પણ એવું જ કરી શકે છે. એ પણ કોઈ તટસ્થ સ્થળે એશિયા કપ યોજી શકે છે. તટસ્થ સ્થળ કાયમ ખુલ્લો વિકલ્પ રહે છે. બીસીસીઆઈએ 2018માં એમ જ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ બાદ પહેલી જ વાર, 2019માં પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટે પુનરાગમન કર્યું હતું જ્યારે શ્રીલંકાની ટીમ ત્યાં રમવા ગઈ હતી. શ્રીલંકા ટીમ ત્યાં ફૂલ સિરીઝ રમી હતી જ્યારે બાંગ્લાદેશે હાલમાં જ ત્યાં 3 ટ્વેન્ટી-20 મેચો રમી છે.
ગાંધીનગરઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે જોર પકડ્યું છે. ચીનમાં હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીનમાં આ મહામારી વચ્ચે ગુજરાતના પણ કેટલાક યુવાનો ત્યાં ફસાયેલા છે. ચીનમાં ફસાયેલા ગુજરાતના યુવાનોની વિગતો મેળવી તેમને જરુરી તમામ સહાયતા પૂરી પાડવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને સૂચના આપવામાં આવી છે.
ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિજનો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
જેના બાળકો ચીનમાં અભ્યાસ માટે ગયેલા છે તેના પરિજનો પોતાના બાળકોની ત્યાંની વિગતો આપી, તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.
ઉપર દર્શાવેલા નંબરો પર સંપર્ક કરીને જે પરિવારના બાળકો ચીનમાં રહેતા હોય તેમની મદદ માટે પોતાના બાળકોની વિગતો આપવાની રહેશે. આ વિગતો અનુસાર યુવાનોને ત્યાંથી લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્ય સચિવને આપવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે.
આવા વિદ્યાર્થીઓને જ્યારે પોતાના વતનમાં પરત આવી જશે અને બાદમાં જરૂર જણાશે તો જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હોસ્પિટલના એક કાર્યક્રમમાં નર્સો પર એક નિવેદન આપ્યું છે. ઈમરાન ખાને જણાવ્યું કે, જ્યારે મને ઈન્જેક્શન મારવામાં આવ્યું તો મને નર્સો અપ્સરા જેવી દેખાવા લાગી. તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.વડાપ્રધાન ઈમરાન ખાને એક હોસ્પિટલના કાર્યક્રમમાં કહ્યું કે, એક ઈન્જેક્શન લાગ્યા બાદ મને નર્સો અપ્સરા જેવી દેખાવા લાગી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2013 માં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ પરથી હું પડી ગયો હતો અને તે સમયે મને આ જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયા બાદ મને જ્યારે નર્સોએ ઈન્જેક્શન લગાવ્યું તો મને એવું લાગ્યું કે જાણે અપ્સરા દેખાઈ રહી છે. આટલું જ નહી મને ઈન્જેક્શન બાદ મારું દર્દ પણ દૂર થઈ ગયું હતું.
આ પહેલા પણ પાકિસ્તાનમાં એક વીડિયો વાયરલ થયો હતો. આમાં જળવાયુ પરિવર્તન મામલાની રાજ્ય મંત્રી જરતાજ ગુલ વજીર વડાપ્રધાનની પ્રશંસા કરતી નજરે આવી હતી. તે ઈમરાન ખાનના વખાણ કરતા તેમની સ્માઈલનો ઉલ્લેખ કરી રહી હતી. જરતાજે વીડિયોમાં કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાનનું વ્યક્તિત્વ એકદમ ખાસ છે. તેમણે કહ્યું કે તેઓ સૌથી સારા વ્યક્તિ છે. તેમણે જણાવ્યું કે ઈમરાન ખાન ખૂબ આકર્ષિત છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજ ભાર નિયમિત કરાવવા માટે તક મળશે અને ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે.
વર્તમાન ધારાધોરણ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમિયાન મંજૂર વીજ ભાર કરતાં ૧૦% કે તેથી વધારે વીજ ભારનો વપરાશ કરતા જણાય તો, પુરવણી વીજ બિલની આકારણી આયોગ દ્વારા કરવામાં આવે છે.
ખેડૂત આગેવાનો તેમજ પ્રજાના પ્રતિનિધિઓ તરફથી સરકારને રજૂઆત મળી હતી કે આવા હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણના મંજૂર વીજ ભાર કરતાં વધારે વીજ ભારનો વપરાશ કરે તો પુરવણી બિલ આપવાની પ્રક્રિયા કરતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણનો વધારાનો વીજ ભાર નિયમિત કરાવવાની તક આપવી જોઇએ.
આયોગ દ્વારા વર્તમાન ધારાધોરણમાં સુધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હેરનામાની જોગવાઈ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમ્યાન મંજુર વીજ ભાર કરતાં વધારે વીજભારનો વપરાશ કરતા માલુમ પડે તો, પુરવણી વીજ બિલ આપતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને ૩૦ દિવસની આગોતરી સૂચના આપીને વીજ ભાર નિયમિત કરાવવા માટે ખેડૂતને એક તક આપવાની રહેશે.
અત્યારે રાજ્યમાં ૪ લાખ ૮૦ હજાર જેટલાં હોર્સ પાવર આધારિત ખેતીવાડી વીજ જોડાણો છે, રાજ્ય સરકારનાં આ નિર્ણયના કારણે હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજ ભાર નિયમિત કરાવવા માટે તક મળશે અને ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે.