કોરોનાની મહામારીઃ ગુજરાતના યુવાનોને પરત લાવવા સરકારના પ્રયાસો

ગાંધીનગરઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે જોર પકડ્યું છે. ચીનમાં હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીનમાં આ મહામારી વચ્ચે ગુજરાતના પણ કેટલાક યુવાનો ત્યાં ફસાયેલા છે. ચીનમાં ફસાયેલા ગુજરાતના યુવાનોની વિગતો મેળવી તેમને જરુરી તમામ સહાયતા પૂરી પાડવા માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્ય સચિવ અનિલ મુકીમને સૂચના આપવામાં આવી છે.

ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિજનો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

જેના બાળકો ચીનમાં અભ્યાસ માટે ગયેલા છે તેના પરિજનો પોતાના બાળકોની ત્યાંની વિગતો આપી, તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપર્ક નંબરો 
  • સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો કંટ્રોલરૂમઃ ૦૭૯-૨૩૨૫૧૯૦૦
  • નાયબ કલેકટરઃ ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩
  • મામલતદારઃ ૯૯૭૮૪૦૫૭૪૩

 

ઉપર દર્શાવેલા નંબરો પર સંપર્ક કરીને જે પરિવારના બાળકો ચીનમાં રહેતા હોય તેમની મદદ માટે પોતાના બાળકોની વિગતો આપવાની રહેશે. આ વિગતો અનુસાર યુવાનોને ત્યાંથી લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મુખ્ય સચિવને આપવામાં આવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે.

આવા વિદ્યાર્થીઓને જ્યારે પોતાના વતનમાં પરત આવી જશે અને બાદમાં જરૂર જણાશે તો જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.