હોર્સ પાવર આધારિત વીજ જોડાણ માટે સરકારનો આ નિર્ણય

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજ ભાર નિયમિત કરાવવા માટે તક મળશે અને ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે.

વર્તમાન ધારાધોરણ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમિયાન મંજૂર વીજ ભાર કરતાં ૧૦% કે તેથી વધારે વીજ ભારનો વપરાશ કરતા જણાય તો, પુરવણી વીજ બિલની આકારણી આયોગ દ્વારા કરવામાં આવે છે.

ખેડૂત આગેવાનો તેમજ પ્રજાના પ્રતિનિધિઓ તરફથી સરકારને રજૂઆત મળી હતી કે આવા હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણના મંજૂર વીજ ભાર કરતાં વધારે વીજ ભારનો વપરાશ કરે તો પુરવણી બિલ આપવાની પ્રક્રિયા કરતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણનો વધારાનો વીજ ભાર નિયમિત કરાવવાની તક આપવી જોઇએ.

આયોગ દ્વારા વર્તમાન ધારાધોરણમાં સુધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હેરનામાની જોગવાઈ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમ્યાન મંજુર વીજ ભાર કરતાં વધારે વીજભારનો વપરાશ કરતા માલુમ પડે તો, પુરવણી વીજ બિલ આપતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને ૩૦ દિવસની આગોતરી સૂચના આપીને વીજ ભાર નિયમિત કરાવવા માટે ખેડૂતને એક તક આપવાની રહેશે.

અત્યારે રાજ્યમાં ૪ લાખ ૮૦ હજાર જેટલાં હોર્સ પાવર આધારિત ખેતીવાડી વીજ જોડાણો છે, રાજ્ય સરકારનાં આ નિર્ણયના કારણે હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજ ભાર નિયમિત કરાવવા માટે તક મળશે અને ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]