ઠાકુર અને વર્મા સ્ટાર પ્રચારક નહીંઃ ચૂંટણી પંચનો નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપનારા નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ સિંહ વર્મા પર ચૂંટણી આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આયોગે બંન્નેને તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કાઢી દેવાનો નિર્દેશ પાર્ટીને આપ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના નિવેદનોની ખૂબ ટીકા થઈ રહી છે. ચૂંટણી આયોગ દ્વારા ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરી છે.

ભાજપના નેતાઓના આ પ્રકારના નિવેદનો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા ભાજપને આપવામાં આવેલી નોટિસમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પશ્ચિમ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્મા પર કાર્યવાહી કરતા પ્રચાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આયોગે બંન્ને નેતાઓને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

હિમાચલ પ્રદેશના હમીરપુરથી સાંસદ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા “દેશના ગદ્દારોને ગોળી મારો” તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનની ખૂબ ટીકાઓ થઈ હતી. બીજી તરફ પશ્ચિમ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગમાં ચાલી રહેલા વિરોધની તુલના કાશ્મીરથી કરતા કહ્યું હતું કે, તેઓ આપના ઘરોમાં ઘુસી જશે અને તમારી બહેન-દિકરીઓ સાથે રેપ કરશે.

નિવેદનનો વિરોધ થયા બાદ સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, તેઓ પોતાના નિવેદન પર અડગ છે અને માફી નહી માંગે. આટલું જ નહી પરંતુ આજે એક મીડિયા ઈન્ટરવ્યુમાં ભાજપના સાંસદે અરવિંદ કેજરીવાલને નક્સલી અને આતંકી પણ ગણાવ્યા હતા.