છેવટે પ્રશાંત કિશોર અને પવન વર્માને દરવાજો દેખાડાયો

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ખોટા ગણાવનારા પ્રશાંત કિશોરને જેડીયૂમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ સાથે જ પવન વર્માની પણ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી કેટલાક મુદ્દાઓને લઈને નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું.

એક દિવસ પહેલા જ્યારે નીતિશ કુમારે કહ્યું કે, અમિત શાહના કહેવાથી પ્રશાંત કિશોરને પાર્ટીમાં રાખવામાં આવ્યા હતા ત્યારે આ વાતને લઈને પણ બન્ને વચ્ચે ટ્વીટ વોર થયો હતો. પ્રશાંત કિશોરે નીતિશ કુમારને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, મને જેડીયુમાં શા માટે લાવ્યા અને કઈ રીતે લાવ્યા તે મામલે મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે. પોતાના રંગમાં જ રંગવાનો તેઓ ખોટો પ્રયત્ન કરી રહ્યા છે. જો તમે સાચુ બોલી રહ્યા હોવ તો કોણ વિશ્વાસ કરશે કે, હજી પણ તમારામાં એટલી હિંમત છે કે અમિત શાહ દ્વારા મોકલવામાં આવેલા વ્યક્તિની વાત સાંભળો?

જેડીયૂ દ્વારા પ્રશાંત કિશોરની સાથે-સાથે પવન વર્માને પણ પાર્ટીથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. પવન વર્મા ભાજપ-જેડીયૂ વચ્ચે થયેલી સમજૂતી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. એક દિવસ પહેલા નીતિશ કુમારે કહ્યું હતું કે પ્રશાંત કિશોરને પાર્ટીમાં રહેવું હોય તો રહે, નહી તો ચાલ્યા જાય. નીતિશ કુમારે કહ્યું કે, જો તેમને પાર્ટીમાં રહેવું હોય તો પાર્ટીના માળખાનો સ્વીકાર કરવો પડશે.

નીતિશ કુમારે પ્રશાંત કિશોરનું નામ લીધા વગર કહ્યું કે, કોઈ ટ્વીટ કરી રહ્યું છે તો કરે. જેને પાર્ટીમાં રહેવું હોય તે રહે, નહી તો ચાલ્યા જાય. નીતિશ કુમારે કહ્યું કે, જેડીયૂમાં સામાન્ય કેટેગરીના લોકો છે. સામાન્ય માણસો છે. આ પાર્ટી મોટા લોકોની પાર્ટી નથી. તેમણે કહ્યું કે, અમે તો ઈજ્જત આપીએ છીએ, અમે બધાનું સન્માન કરીએ છીએ.