Home Blog Page 5025

કોરોના વાયરસઃ શું કરી છે રાજ્ય સરકારે તૈયારી?

ગાંધીનગરઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે જોર પકડ્યું છે. ચીનમાં રહેતા હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા, ચીનમાં રહેતા ગુજરાતના યુવાનોને ત્યાંથી પાછા લાવવા માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હેલ્પલાઈન નંબરો પણ શરુ કરવામાં આવ્યા છે જેની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. નાગરિકોએ ગભરાવાની જરુર નથી અને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ છે.

આજે ગાધીનગર ખાતે નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપવામાં આવી હતી. રોગના લક્ષણો સંદર્ભે બહારથી આવતા નાગરિકો સ્વયં જાણ કરે તે અત્યંત અનિવાર્ય છે. નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક સ્ક્રીનીંગ માટે ટર્મિનલ-૨ ઉપર ૨૪ કલાક એક ડૉક્ટર તેમજ બે પેરા મેડીકલ સ્ટાફ સાથેની મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરવામાં આવી છે.

મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૪x૭ એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી  છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે. કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની કચેરી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા મળેલી સુચના અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા દેશમાંથી આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. સેટકોમનાં માધ્યમથી તમામ આરોગ્યકર્મીઓને આ રોગ વિષે માહિતીગાર પણ કરવામાં આવ્યા છે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે આ રોગની સમીક્ષા કરવામાં આવી રહી છે. આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડૉકટરોને સેન્સેટાઈઝ કરવામાં આવ્યા છે. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ, સ્પેશિયલ સેક્રેટરી, ડાયરેક્ટર એન.સી.ડી.સી. જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત ધોરણે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.

તાપસીની આગામી ફિલ્મ “થપ્પડ”નું પોસ્ટર રિલીઝ

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુની આગામી ફિલ્મ “થપ્પડ” નો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. તાપસીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તાપસીનો માત્ર ચહેરો દેખાઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે જાણે કોઈ તાપસીના ગાલ પર લાફો મારી રહ્યું હોય. પોસ્ટર શેર કરતા તાપસીએ એક દમદાર કેપ્શન પણ લખી છે. તાપસીએ લખ્યું કે, શું આ સામાન્ય વાત છે? શું પ્રેમમાં આ યોગ્ય છે? આ થપ્પડની પ્રથમ ઝલક છે.

પોસ્ટરમાં એ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન અનુભવ સિન્હા કરી રહ્યા છે. આ પહેલા વર્ષ 2019 માં અનુભવ સિન્હાની “આર્ટિકલ 15” ફિલ્મ રિલીઝ થઈ હતી જેને લોકોએ ખૂબ વખાણી હતી. તાપસી પણ અનુભવ સિન્હા સાથે બીજીવાર કામ કરી રહી છે. આ પહેલા તેણે “મુલ્ક” ફિલ્મમાં તેમની સાથે કામ કર્યું હતું.

થપ્પડ સિવાય આ વર્ષે તાપસી “શાબાશ મિટ્ઠૂ” નામની ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત હશે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં તાપસી પોતાના માથા પર હેટ લગાવીને હાથમાં બેટ લઈને શોટ મારવાનો પ્રયત્ન કરી રહી છે. પોસ્ટર શેર કરતા તાપસીએ લખ્યું હતું કે, મને હંમેશા પૂછવામાં આવ્યું કે આપનો ગમતો ક્રિકેટર કોણ છે. પરંતુ તમારે પૂછવું જોઈએ કે તમારી ગમતી મહિલા ક્રિકેટર કોણ છે? આ નિવેદનથી ખ્યાલ આવે કે ક્રિકેટ લવર હકીકતમાં ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી એ જેન્ડરને કે જે રમી રહ્યા છે. મિતાલી રાજ તમે એક ગેમ ચેન્જર છો.

વસંત પંચમીની ઉજવણી

હિન્દુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી માઁ શારદાની પુજા થાય છે. આ વર્ષે 30 જાન્યુઆરી એટલે કે આજે વસંત પંચમી છે.

વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

હૈદરાબાદની નીલકંઠ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં વસંત પંચમીની ભાવભરી ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ વિદ્યાની દેવી સરસ્વતીની પરંપરાગત રીતે આરાધના કરી.

વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીના શ્લોકોનો પાઠ કરી સરસ્વતીની આરાધના કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના અર્થતંત્રમાં મંદી વૈશ્વિક અર્થતંત્રને કેટલી અસર કરે?

નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં અર્થવ્યવસ્થામાં છવાયેલી સુસ્તીની વાત થઈ રહી છે. જોકે, તમામ એજન્સીઓએ આશા વ્યક્ત કરી છે કે, આગામી નાણાકીય વર્ષથી સુધારો થવાનું શરુ થઈ જશે. આઈએમએફ એ વૈશ્વિક જીડીપી ગ્રોથ દરના અનુમાનને ઘટાડી દીધું છે. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે તમારા મનમાં એક સવાલ ચોક્કસ ઉઠતો હશે કે ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કેટલું મહત્વ ધરાવે છે અને અહીં સુસ્તી આવવાની અસર કેટલી દૂરગામી અને ગંભીર હોઈ શકે છે?

ભલે અર્થતંત્રના આકાર મામલે ભારત વિશ્વમાં સાતમાં નંબર પર હોય, પણ ગ્લોબલ ગ્રોથમાં યોગદાન મામલે દેશ ત્રીજા નંબર પર છે. 2018માં થયેલા સર્વે અનુસાર, ભારત, ચીન અને અમેરિકાનું ગ્લોબલ ગ્રોથમાં 56.90 ટકાનું યોગદાન છે. અંદાજે પાંચ દાયકા પહેલા 1970માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એન્જિન અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ અને યુકે ગણાતું. એ સમયે આ રાષ્ટ્રોનું કુલ યોગદાન અંદાજે 46.40 ટકા હતુ.

વૈશ્વિક ગ્રોથમાં ચીનનું 27.90 ટકા, અમેરિકાનું 21.30 ટકા, અને ભારતનું 7.6 ટકા યોગદાન છે. 1970-71ની સરખામણીએ જર્મનીનું યોગદાન 3.3 ટકાથી ઘટીને 2.5 ટકા, ફ્રાંસનું 4.6 ટકાથી ઘટીને 2.1 ટકા, જાપાનનું 9 ટકાથી ઘટીને 2 ટકા અને યૂકેનું 2.5 ટકાથી ઘટીને 1.7 ટકા પર પહોંચી ગયું છે.

વૈશ્વિક જીડીપીમાં ભારતની ભાગીદારીની જો વાત કરીએ તો, છેલ્લા પાંચ દાયકામાં ચીન અને ભારતની ભાગીદારી વધી છે, જ્યારે અમેરિકા, જાપાન અને તમામ અન્ય દેશોની હિસ્સેદારી ઘટી છે. સરવે રિપોર્ટ અનુસાર, ગ્લોબલ જીડીપીમાં અમેરિકાની ભાગીદારી અત્યારે 23.9 ટકા છે, જે સૌથી વધુ છે, જોકે, 1970માં તેમનું કુલ શેરિંગ36.20 ટકા હતું.

ચીનનું શેરિંગ 3.1 ટકાથી વધીને 12.70 ટકા પર પહોંચી ગયું છે. ભારતનું શેરિંગ 2.1 ટકાથી વધીને 3.2 ટકા પર પહોંચ્યું છે. અન્ય વિકસિત અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ફ્રાંસનું શેરિંગ 3.2 ટકા, યૂકે 3.3 ટકા, જર્મની 4.6 ટકા અને જાપાન 5.8 ટકા.

વૈશ્વિક જીડીપીમાં ભાગીદારી મામલે ભારત ભલે સાતમાં નંબર પર હોય પણ ઈકોનોમિક કન્ટ્રીબ્યુશન મામલે તે ત્રીજા નબંર પર છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર પણ છે જેથી ભારતમાં મંદી અને તેજીની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળે છે.

મૂર્તિ અને તાતા: આદરનો આ સંબંધ જૂનો અને ગાઢ છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફોટો બીજા કોઈનો નહીં પણ દેશના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ રતન તાતા અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના છે.

મુંબઈમાં યોજાયેલી TiECon ઈવેન્ટમાં આ બંને દિગ્ગજો એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. ઓડિયન્સને એવું હતું કે બંને સાથે આવવાથી સ્ટેજ પર પાવર ટસલ જોવા મળશે પરંતુ સ્ટેજ પર જે થયું તે જોઈને બધાની નવાઈનો કોઈ પાર ન રહ્યો. આ ઈવેન્ટમાં નારાયણ મૂર્તિએ રતન તાતાને એવોર્ડ આપ્યો અને પછી ઝૂકીને તેમને પગે લાગીને માન આપ્યું. રતન તાતાએ પણ આ ક્ષણ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

82 વર્ષના રતન તાતા ભારતના સૌથી દિગ્ગજ બિઝનેસ ટાયકૂન છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે એકાઉન્ટ બનાવ્યા બાદ તે સોશિયલ મીડિયાના પણ પ્રિય બની ગયા છે. તેમણે તાજેતરમાં જ તેમના યુવાનીનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટો જોઈને લોકોએ કહ્યું હતું કે તે કોઈ હોલિવુડ સ્ટારથી કમ નથી લાગતા. આ જ રીતે 73 વર્ષના ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિ પણ શિસ્ત અને વિનમ્રતા માટે આખા દેશમાં જાણીતા છે.

આ ઘટનાના ફોટા ટ્વીટર પર વાયરલ થયા હતા. નારાયણ મૂર્તિએ બધાના દિલ જીતી લીધા. આ ખરેખર વિનમ્રતાની એક નિશાની છે. જ્યારે બે સરખેસરખા કદ ધરાવતા લોકો સાથે આવે અને એકબીજા માટે માન-સન્માન દર્શાવે તે ખરેખર લોકો માટે ઉમદા દાખલો બેસાડે છે.

તમને જણાવી દઈએ કે ટાટા પરિવાર અને મૂર્તિ પરિવાર વચ્ચે ઓળખ આજકાલની નહિ પરંતુ એ સમયની છે જ્યારે ટાટા ગૃપના ચેરમેન જેઆરડી તાતા હતા અને ઈન્ફોસિસની સ્થાપના પણ નહતી થઈ. ઈન્ફોસિસની સ્થાપના 1981માં થઈ હતી. નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિની પહેલી નોકરી ટાટા મોટર્સમાં જ લાગી હતી. તે ટાટા મોટર્સના પહેલા મહિલા એન્જિનિયર હતા.

દિલ્હી ચૂંટણીઃ ભાજપનો ભાર હજુ શાહ જ ઉપાડે છે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે વાતાવરણ ભલે સામાન્ય હોય પરંતુ રાજનૈતિક ગરમાવો ચોક્કસ દેખાઈ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ આનું એક ઉદાહરણ છે.

ભાજપ માટે તેઓ દિવસમાં 3 થી 4 રેલીઓ કરી રહ્યા છે. રોડ શો અલગથી કરે છે. ત્યારબાદ પણ તેઓ રાત્રે 2 વાગ્યા સુધી દિલ્હી સ્થિત પાર્ટીની ઓફિસમાં કાર્યકર્તાઓથી આગળની રણનીતિ પર ચર્ચા કરે છે.  

અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ચૂંટણી પ્રચારમાં બેકસીટ પર છે. તેમણે અત્યારસુધી માત્ર એક રેલી કરી છે કે જે દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ. આમાં તેમણે એનઆરસી અને સીએએ પર વિપક્ષને ઘેરતા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદથી દિલ્હી ચૂંટણી પ્રચારની કમાન અમિત શાહના હાથમાં છે.શાહ રેલીઓની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. પોતાની સાયબ ચીમ પર પણ તેઓ નજર રાખે છે.

ખાસ કરીને આમ આદમી પાર્ટીના કેમ્પેઈનનો જવાબ આપનારી ટીમ સાથે અમિત શાહનો સીધો સંપર્ક છે. હવે 2 ફેબ્રુઆરીના રોજ શાહ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે સીધો સંપર્ક કરશે. શાહનું દિલ્હીમાં આટલું એક્ટિવ હોવું તે ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીની યાદ અપાવે છે. ત્યાં પણ તેમણે કેમ્પેઈન સાથે પાર્ટી કેડર સાથે સારો સમય વિતાવ્યો હતો.

‘લવની લવ સ્ટોરીઝ’ ફિલ્મના કલાકારો ‘ચિત્રલેખા’ કાર્યાલયની મુલાકાતે…

૩૧ જાન્યુઆરી, ૨૦૨૦થી રિલીઝ થઈ રહેલી નવી ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ ‘લવની લવ સ્ટોરીઝ’ના કલાકારો – હાર્દિક સાંગાણી, વ્યોમા નાંદી, પ્રતીક ગાંધી અને શ્રદ્ધા ડાંગર હાલમાં જ મુંબઈ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને આ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો કરી હતી.

જુઓ એમની મુલાકાતનો વિડિયો…

(જુઓ, ‘લવની લવ સ્ટોરીઝ’ ફિલ્મનું ટ્રેલર)

મુસ્લિમ લો બોર્ડના નરમ પડતા જતા વલણ પાછળ શું કારણ?

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રણનીતિ અને વિચારોમાં આવેલો બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બોર્ડે મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા મામલે કહ્યું કે, પુરુષોની જેમ મહિલાઓને પણ આની મંજૂરી છે. એક સમય એવો હતો કે જ્યારે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય (1985) ને ટાળીને એઆઈએમપીએલબીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ નમવા માટે મજબૂર કર્યા હતા. જો કે, સમયની સાથે બોર્ડના વલણમાં બદલાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે અને પહેલા ત્રણ તલાક બાદ હવે મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ પર બોર્ડે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

સુપ્રીમ કોર્ટમાં એઆઈએમપીએલબીએ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓને પુરુષોની જેમ નમાજ માટે મસ્જિદોમાં પ્રવેશ કરવાની મંજૂરી હોય છે. યાસ્મીન જુબેર અહમદ પીરજાદાની જનહિત અરજી પર એઆઈએમપીએલબીનો આ પ્રકારે જવાબ આવ્યો. એઆઈએમપીએલબીના સચિવ મહોમ્મદ ફઝલુર્રહીમે વકીલ એમ.આર.શમશાદના માધ્યમથી દાખલ પોતાના સોગંદનામામાં આ જાણકારી આપી.

બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા અનુસાર, ધાર્મિક પાઠો, શિક્ષણ અને ઈસ્લામના અનુયાયિઓની ધાર્મિક આસ્થાઓ પર વિચાર કરતા આ વાત કહેવામાં આવી રહી છે કે, મસ્જિદની અંદર નમાજ પઢવા માટે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ કરવાની મંજૂરી છે. કોઈ મુસ્લિમ મહિલા નમાજ માટે મસ્જિદમાં પ્રવેશ માટે સ્વતંત્ર છે.

ત્રણ તલાકને કાયદાકીય રીતે ગુનો જાહેર કરવાની વિરુદ્ધ બોર્ડે ભલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોય પરંતુ આ મામલે પણ બોર્ડનું વલણ નરમ રહ્યું છે. શિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જ નહી પરંતુ એઆઈએમપીએબીનું પણ કહેવું છે કે ત્રણ તલાક બિન-ઇસ્લામિક છે. બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ તલાક ઈસ્લામ તરફથી બિન-ઇસ્લામિક છે અને આ એક પાપ છે. જો કે બોર્ડે કહ્યું હતું કે, ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને આના માટે સજા નક્કી કરવાની જરુર નથી અને સમાજમાં આ મામલે જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેનાથી બદલાવ દેખાશે.

આ દરગાહ પર ‘ફૂલોં વાલી સેર’ એ જ ગાંધીને સાચી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી: સત્ય અને અહિંસાનો સંદેશો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીની આજે પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી, હત્યાના ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શાંતિ સ્થાપવાના ઉદેશ્યથી ગાંધીજી મહરૌલી સ્થિતિ કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહ પર ગયા હતા. એ સમયે દિલ્હી સાંપ્રદાયિક હિંસમાં સળગી રહ્યું હતું. એક તરફ દિલ્હીમાં કડકડતી ઠંડી અને બીજી તરફ સાંપ્રદાયિક તણાવને કારણે થયેલા નુકસાનને નજરે જોવા માટે 79 વર્ષી ગાંધી સવારે આઠ વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. તે ઘણા ચિંતિત હતા કે ધર્મના નામે મુસલમાનો પર તેમની જ જમીન પર હુમલો કરવામાં આવ્યો. એ સમયે તેમની સાથે મૌલાના આઝાદ અને રાજ કુમારી અમૃત કૌર પણ હતી.

બાપુ થોડા સમય પહેલા જ ઉપવાસ પર હતા એટલા માટે તેમની શરીર પણ નબળું પડી ગયુ હતુ અને અસ્વસ્થ હતા. હિંસા દરમ્યાન આ પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો અને ઘણી બર્બરતા કરવામાં આવી, જેના કારણે અનેક મુસલમાનોને તેમનું ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જવાની નૌબત આવી. આ સ્થિતિ એટલી વિકટ હતી કે, દરગાહના કર્મચારીઓએ પણ જીવ ગુમાવવાના ડરે એ સ્થળ છોડીને સુરક્ષિત જગ્યાએ જતા રહેવું પડયું હતું.

એ દિવસોમાં સમગ્ર મહરૌલી વિસ્તાર ગામડાઓથી ઘેરાયેલો હતો. ગ્રીન પાર્ક, હૌજ ખાસ, સફદરજંગ ડેવલપમેન્ટ એરિયા (એસડીએ), આઈઆઈટી તેમજ જૂદા જૂદી દક્ષિણી દિલ્હીની કોલીનીઓ 50ના દાયકાના મધ્યથી જ અસ્તિત્વમાં આવી હતી. મહાત્મા ગાંધી પૂર્ણહુતિમાં બાપુના અંગત સહાયક પ્યારે લાલ નાયરે લખ્યું કે, દરગાહ કેટલાક ભાગને ક્ષતિગ્રસ્ત જોઈને બાપુ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. અહીં પાકિસ્તાનથી આવતા શર્ણાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને સરકાર દ્વારા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહની નજીકમાં શરણ આપવામાં આવ્યું હતું.

દરગાહ પર બાપુએ તમામ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી. તેમણે શરણાર્થીઓને ક્ષતિગ્રસ્ત વિસ્તારના પુનનિર્માણ માટે કહ્યું. ગાંધીજીએ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દરગાહનું રિપેરિંગ કરાવવા માટે કહ્યું કારણે રમખાણો દરમ્યાન અહીં મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. જેના માટે ગાંધીજીએ નેહરુને 50 હજાર રુપિયાનું ફંડ આપવા પણ કહ્યું હતુ. 50 હજાર રૂપિયા એ સમયે એક મોટી રકમ ગણાતી હતી. તેમની યાત્રા દરમ્યાન ગાંધીજી લખ્યું અજમેર સ્થિત દરગાહ ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહ દેશની બીજી એવી દરગાહ છે જ્યાં દર વર્ષે મુસલમાનો જ નહીં પણ હજારોની સંખ્યામાં અન્ય ધર્મના લોકો પણ આવે છે.

દરગાહ છોડયા પહેલા ગાંધીજીએ એક મોટી સભાને સંબોધિત કરતા સાંપ્રદાયિક સદભાવ તેમજ એકતાનો સંદેશ પણ આપ્યો હતો. દિલ્હીમાં 12 એપ્રિલ 1915થી લઈને 30 જાન્યુઆરી 1948 સુધી કુલ 744 દિવસના પ્રવાસમાં ગાંધીજીએ દિલ્હીમાં માત્ર બે વખત ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે 22 સપ્ટેમ્બર 1939ના રોડ બિરલા મંદિરનું ઉદ્ઘાટન એ શરત પર કર્યું કે મંદિરમાં દલિતોને પણ પ્રવેશ આપવામાં આવે. તેમણે બીજી વખથ જે ધર્મ સ્થળની મુલાકાત લીધી તે આ દરગાહ હતી. જોકે, તે દિલ્હીમાં વાલ્મીકિ મંદિરના એક નાનાકડા રૂમમાં રહેતા હતા જ્યાં તે વાલ્મીકિ સમુદાયના બાળકોને ભણાવતા હતાં.

બખ્તિયાર કાકી દરગાહ દર વર્ષે વસંત ઋતુમાં ખીલી ઉઠે છે, જ્યારે દિલ્હીમાં સાંપ્રદાયિક સૌહાર્દનો ઉત્સવ મનાવવા માટે વાર્ષિક ‘ફૂલ વાલોની સેર’ નું આયોજન કરવામાં આવે છે. આ સાચા અર્થમાં ગાંધીજી માટે એક શ્રદ્ધાંજલિ છે, જે હંમેશા એક વાત માટે દ્રઢ હતા કે, ભારતમાં ધર્મનિરપેક્ષતા જીવિત રહે. 1961માં તત્કાલિન વડાપ્રધાન નેહરુ દ્વારા સાત દિવસીય પર્વને પુનર્જીવિત કરવામાં આવ્યું. આ તહેવાર દરમ્યાન હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો દરગાહ પર ચાદર ચઢાવે છે.

અભિજિત મૂહુર્તમાં રાજકોટ ઠાકોરસાહેબને રાજતિલક

રાજકોટઃ 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની આજે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થઈ હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતો ઉપસ્થિતિ રહ્યા હતા. બુધવારે મહોત્સવમાં 51 શાસ્ત્રીજીએ માંધાતાસિંહ પર જળાભિષેક કર્યો હતો તેમજ સાંજે દીપમાળા કરી રાજકોટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું હતું આ બંને પ્રસંગની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઇ હતી.