મુસ્લિમ લો બોર્ડના નરમ પડતા જતા વલણ પાછળ શું કારણ?

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રણનીતિ અને વિચારોમાં આવેલો બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બોર્ડે મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા મામલે કહ્યું કે, પુરુષોની જેમ મહિલાઓને પણ આની મંજૂરી છે. એક સમય એવો હતો કે જ્યારે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય (1985) ને ટાળીને એઆઈએમપીએલબીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ નમવા માટે મજબૂર કર્યા હતા. જો કે, સમયની સાથે બોર્ડના વલણમાં બદલાવ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે અને પહેલા ત્રણ તલાક બાદ હવે મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ પર બોર્ડે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

સુપ્રીમ કોર્ટમાં એઆઈએમપીએલબીએ કહ્યું કે, મુસ્લિમ મહિલાઓને પુરુષોની જેમ નમાજ માટે મસ્જિદોમાં પ્રવેશ કરવાની મંજૂરી હોય છે. યાસ્મીન જુબેર અહમદ પીરજાદાની જનહિત અરજી પર એઆઈએમપીએલબીનો આ પ્રકારે જવાબ આવ્યો. એઆઈએમપીએલબીના સચિવ મહોમ્મદ ફઝલુર્રહીમે વકીલ એમ.આર.શમશાદના માધ્યમથી દાખલ પોતાના સોગંદનામામાં આ જાણકારી આપી.

બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા અનુસાર, ધાર્મિક પાઠો, શિક્ષણ અને ઈસ્લામના અનુયાયિઓની ધાર્મિક આસ્થાઓ પર વિચાર કરતા આ વાત કહેવામાં આવી રહી છે કે, મસ્જિદની અંદર નમાજ પઢવા માટે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ કરવાની મંજૂરી છે. કોઈ મુસ્લિમ મહિલા નમાજ માટે મસ્જિદમાં પ્રવેશ માટે સ્વતંત્ર છે.

ત્રણ તલાકને કાયદાકીય રીતે ગુનો જાહેર કરવાની વિરુદ્ધ બોર્ડે ભલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોય પરંતુ આ મામલે પણ બોર્ડનું વલણ નરમ રહ્યું છે. શિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જ નહી પરંતુ એઆઈએમપીએબીનું પણ કહેવું છે કે ત્રણ તલાક બિન-ઇસ્લામિક છે. બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ તલાક ઈસ્લામ તરફથી બિન-ઇસ્લામિક છે અને આ એક પાપ છે. જો કે બોર્ડે કહ્યું હતું કે, ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને આના માટે સજા નક્કી કરવાની જરુર નથી અને સમાજમાં આ મામલે જાગૃતતા લાવવા માટેના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, જેનાથી બદલાવ દેખાશે.