કોરોના વાયરસઃ શું કરી છે રાજ્ય સરકારે તૈયારી?

ગાંધીનગરઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે જોર પકડ્યું છે. ચીનમાં રહેતા હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા, ચીનમાં રહેતા ગુજરાતના યુવાનોને ત્યાંથી પાછા લાવવા માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હેલ્પલાઈન નંબરો પણ શરુ કરવામાં આવ્યા છે જેની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. નાગરિકોએ ગભરાવાની જરુર નથી અને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ છે.

આજે ગાધીનગર ખાતે નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપવામાં આવી હતી. રોગના લક્ષણો સંદર્ભે બહારથી આવતા નાગરિકો સ્વયં જાણ કરે તે અત્યંત અનિવાર્ય છે. નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક સ્ક્રીનીંગ માટે ટર્મિનલ-૨ ઉપર ૨૪ કલાક એક ડૉક્ટર તેમજ બે પેરા મેડીકલ સ્ટાફ સાથેની મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરવામાં આવી છે.

મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૪x૭ એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી  છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે. કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની કચેરી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા મળેલી સુચના અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા દેશમાંથી આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. સેટકોમનાં માધ્યમથી તમામ આરોગ્યકર્મીઓને આ રોગ વિષે માહિતીગાર પણ કરવામાં આવ્યા છે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે આ રોગની સમીક્ષા કરવામાં આવી રહી છે. આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડૉકટરોને સેન્સેટાઈઝ કરવામાં આવ્યા છે. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ, સ્પેશિયલ સેક્રેટરી, ડાયરેક્ટર એન.સી.ડી.સી. જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત ધોરણે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.