BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવસારીમાં નૂતન શિખરબદ્ધ મંદિરમાં ઊજવાયો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની પાવન ભૂમિ ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે 2012માં સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનો શુભારંભ કર્યો હતો. એમની પાવન પ્રેરણા અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે બીએપીએસ નૂતન મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ આજે (30-01-2020), વસંત પંચમીના દિવસે ઊજવાયો. 10 એકરના પરિસરમાં આ મંદિરની લંબાઈ 205 ફૂટ, 188 ફૂટ પહોળાઈ તથા ઊંચાઈ 82 ફૂટ છે, જેમાં બારીક કોતરણીવાળા કલામંડિત 222 સ્તંભો, 150 તોરણો, 900 ફૂટ લાંબી બેનમૂન ગજેન્દ્ર-પીઠ અને અવતારો, દેવી-દેવતા અને મહાન ભક્ત-પરમહંસોની સુંદર રુપપ્રતિમાઓ, ભગવાન સ્વામિનારાયણની લીલાના 44થી વઘુ પથ્થરમાં કંડારાયેલી શિલ્પકૃતિઓ અને કલાત્મક 5 શિખર, 2 ઘુમ્મટ તથા 17 ઘુમ્મટીઓ અને તેના ઉપર 19 સુવર્ણરહિત કળશો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ, અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ, શ્રી સીતા-રામ-હનુમાનજી તથા શ્રી શિવ-પાર્વતી-ગણેશજી અને ગુરુપરંપરાની મૂર્તીઓની પ્રતિષ્ઠા વૈદિક વિધિથી શાસ્ત્રોક રીતે સંપન્ન થઈ. સમગ્ર ભારતભરમાંથી 51 પવિત્ર નદીઓના જળ અને ઔષધી કળશમાં ભેગા કરવામાં આવ્યાં હતાં અને કળશનું શાસ્ત્રોક વિધિથી પૂજન થયું અને ત્યાર બાદ આ પવિત્ર જળથી મૂર્તિઓનો અભિષેકવિધિ કરવામાં આવ્યો હતો. સંસ્થાના વિદ્વાન સંતો અને બ્રાહણો દ્વારા સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યો હતો. જેમાં ઉડ્ડપી, દક્ષિણ ભારતમાંથી 9 બ્રાહ્મણોએ વાદ્યનું વાદન કર્યું હતું. મહાપૂજામાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ, સદગુરુ સંતો, દેશ-વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરના મુખ્ય દરવાજાનું વૈદોક્ત વિધિથી અનાવરણ કરી નૂતન શિખરબદ્ધ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

આ અવસરે પ. પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ‘’નવસારી ખાતે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સનાતન દેવોની અહીં વૈદોક્ત વિધીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તમામ ભક્તો અને નવસારી શહેરની પ્રજાજનો સુખી થાય તથા આખા વિશ્વમાં સંપ, શાંતિ, શ્રદ્ધા અને એકતા જળવાઈ રહે અને તમામ ભક્તજનોના દેશકાળ સારા થાય.’’

પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં 1100 કરતાં વધુ મંદિરોનાં નિર્માણ થયાં છે જે, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને સમાજસેવાનાં ધબકતાં ઊર્જાકેન્દ્ર બની રહ્યાં છે.જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવસારીનાં નેજા હેઠળ 162 પ્રકારની પ્રવૃત્તિઓનું સફળતા પૂર્વક સંચાલન પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક કાર્યો ચાલી રહ્યાં છે. રંભાસ ખાતે ચાલતી આદિવાસી છાત્રાલય અને સ્કૂલ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સંસ્કારયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.

નૂતન મંદિર મૂર્તિ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3800 કરતા વધારે યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી.