ગાંધીજી પર શોર્ટ ફિલ્મઃ કોણ જીત્યું આ સ્પર્ધામાં?

ગાંધીનગર:  રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટેની કેટેગરીમાં ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ ક્રમે તેજસ એન. ભાંભરે(એમ.આઇ.ટી.-એ.ડી.ટી.યુનિવર્સિટી, પૂણે) દ્વિતિય ક્રમે ભાર્ગવ આર.પરમાર (ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) અને તૃતીય ક્રમે ચિંતન એન.પંડ્યા- એચ.કે.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં સ્મિત એમ.વ્યાસ (એમ.એ.પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટ કોલેજ, પાલનપુર) અને અભિષેક એન.પરમાર (એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ, મોરબી)ને  સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

મેચ્યોર ફિલ્મ મેકર્સની કેટેગરીની સ્પર્ધામાં ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ સ્થાને કુમાર ભોઇ (આણંદ), દ્વિતિય ક્રમે ડૉ.જીગર સુથાર (અમદાવાદ) અને તૃતીય ક્રમે ડૉ.પ્રસન્નકુમાર ગાંધી (અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં મિતુલ પી. ગુપ્તે (વડોદરા)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

પ્રોફેશનલ ફિલ્મ મેકર્સની કેટેગરીમાં તૃતીય સ્થાને વિજયસિંહ એમ.ઝાલા(અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કોઇ કૃતિ પસંદગી પામી નથી. આ કેટેગરીમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જ્યારે માહિતી ખાતાની ફિલ્મ મેકર્સની પેનલના નિર્માતાઓ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે સંદિપ રાજપુત, અમદાવાદ અને દ્વિતિય ક્રમે નિમેષ શાહ, અમદાવાદ વિજેતા થયા છે.

ગાંધીજી-શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રૂા.બે લાખ, દ્વિતિય ક્રમના વિજેતાઓને રૂા.એક લાખ અને તૃતીય ક્રમાંકના વિજેતાઓને રૂા.પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે.