Home Blog Page 4965

દેશમાં વિજ્ઞાનની એક શાનદાર પરંપરા રહી છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ નેશનલ સાયન્સ ડે નિમિત્તે દિલ્હીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ ધરતી પર વિશેષ મગજ ધરાવતા લોકોએ જન્મ લીધો છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં વૈજ્ઞાનિક તપાસની એક લાંબી અને શાનદાર પરંપરા છે. પ્રાચિન કાળથી લઈને મધ્યયુગ અને પછી આધુનિક કાળ સુધી આ ભૂમિ અસાધારણ જ્ઞાનનું ઘર રહી છે જેણે માનવીય જ્ઞાનના મોર્ચાને આગળ વધાર્યો છે.

તેમણે કહ્યું કે, સ્વતંત્રાના વાયદાથી ભારતે વૈજ્ઞાનિક સ્વભાવને વેગ આપવા માટે વિશેષ જોર આપ્યું છે. આપણા સંવિધાને સ્વયં આ વલણને એક મૈલિક કર્તવ્ય તરીકે પરિભાષિત કર્યું છે. આ પ્રકારે, ભારતના પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે કે વૈજ્ઞાનિક સ્વભાવ, માનવતાવાદ અને તપાસ અને સુધારની ભાવનાને વધારે આગળ લઈ જાય.

રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધન દરમિયાન જણાવ્યું કે, આ જ દિવસે 1928 માં સર સી.વી.રમને પ્રકાશ પર એક ઉત્કૃષ્ઠ શોધની જાહેરાત કરી, જેને રમન પ્રભાવ રુપમાં જાણવામાં આવે છે. તેમણે 1930 માં ફિઝીક્સના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી તેઓ કોઈપણ વિજ્ઞાન માટે સન્માન જીતનારા પ્રથમ એશિયન બની ગયા હતા.

ડિફેન્સ ડિલ અમેરિકા સાથે થઇ એમાં પાકિસ્તાનને શું તકલીફ થઇ?

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી ડિફેન્સ ડીલથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તેણે બંને દેશોની વચ્ચે કરાર થવા પર ચિંતા વ્યકત કરતાં કહ્યું કે તેનાથી ક્ષેત્રમાં હથિયારોની હોડ વધશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા આયશા ફારૂરીએ પણ ચિંતા વ્યક્ત કરી. તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાત પર આવ્યા હતા. આ દરમ્યાન તેમની પીએમ મોદીની સાથે વાર્તા થઇ. ત્યારબાદ તેમણે બંને દેશોની વચ્ચે 3 અબજ ડોલરના ડિફેન્સ ડીલની જાહેરાત કરી.

અમેરિકા અને ભારતની વચ્ચે થયેલા રક્ષા સોદા પર પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના આયશા ફારૂકીએ કહ્યું કે તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમ્યાન બંને દેશોની વચ્ચે થયેલા અબજો ડોલરના રક્ષા સોદા પર પાકિસ્તાનને વાંધો છે. પાકિસ્તાન કેટલીય વખત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી ક્ષેત્રમાં હથિયારોની હોડને લઇ પોતાની ચિંતા વ્યકત કરી ચૂકયું છે.

ફારૂકીએ ભારતના આંતરિક મામલામાં સીધી દખલ કરતાં દિલ્હીમાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ત્યાં જે રીતે હિંસા સમુદાય વિશેષની વિરૂદ્ધ થઇ છે તેના પર પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત છે. સંયુકત રાષ્ટ્ર અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલી સંસ્થાઓએ પોતાની ચિંતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરી છે. તેમણે આરોપ મૂકયો કે ‘ભારત કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બુધવારના રોજ ભારતીય હાઇકમિશનને સમન્સ મોકલી આ અંગે વિરોધ પણ નોંધાવ્યો છે.’

આયશા ફારૂકીએ અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર કહ્યું કે આશા છે કે અમેરિકા અને તાલિબાનની વચ્ચે કરાર થયા બાદ અફઘાનિસ્તાનના સંબદ્ધ પક્ષોમાં પણ વાતચીત શરૂ થશે. શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન દરેક પ્રકારની મદદ કરશે. તેમણે કહ્યું કે પકિસ્તાનનો અફઘાનિસ્તાનના પુનર્નિમાણમાં ખાસ રોલ છે.

આપને જણાવી દઇએ કે ભારત અમેરિકા ડિફેન્સ ડીલમાં અમેરિકા પાસેથી 24 MH60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ અમેરિકન ડોલરમાં ખરીદી સામેલ છે. એક બીજી ડીલ 6 AH 64E અપાચે હેલિકોપ્ટરને લઇ છે. જેની કિંમત 80 કરોડ ડોલર હશે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ ટ્રમ્પે સંયુકત પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી.

કોરોનાનો કહેરઃ મુકેશ અંબાણીને પણ થઇ રહયું છે નુકસાન

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો કહેર ચીનથી બહાર વિશ્વનાં શેરબજારોમાં વ્યાપી ગયો છે. ભારતીય શેરબજાર છ ટ્રેડિંગ સેશનથી સતત ઘટી રહ્યાં છે. છેલ્લા છ દિવસમાં રોકાણકારોના રૂપિયા 10 લાખ કરોડ સ્વાહ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વર્ષમાં પાંચ અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચૂક્યા છે, જેમાં સૌથી વધુ પાછલા 15 દિવસમાં તેમણે નુકસાન વેઠવું પડ્યું છે. છે 11 દિવસમાં શેરબજારમાં રિલાયન્સને આશરે 54,000 કરોડનું નુકસાન થયું છે.

રિલાયન્સ સિવાય અનેક ઉદ્યોગપતિઓ પર કોરોનાનો કહેર

રિલાયન્સના ચેરમેન સિવાય આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને 884 મિલિયન ડોલરની સંપત્તિ ઘટી છે. છેલ્લા બે મહિનામાં આઇટી દિગ્ગજ અઝીમ પ્રેમજીને 869 મિલિયન ડોલરનું નુકસાન થયું છે, જ્યારે ગૌતમ અદાણીને 496 મિલિયન ડોલરનું નુકસાન થયું છે.

આ સિવાય જે શેરો ગગડ્યા છે એ ઉદય કોટક અને સન ફાર્માના દિલિપ સંઘવીને ભારે નુકસાન થયું છે. આ ઉદ્યોગપતિઓને સૌથી મોટું નુકસાન પાછલા 15 દિવસોમાં થયું છે. 12 ફેબ્રુઆરીથી  અત્યાર સુધી 11 સેશન્સમાં સેન્સેક્સ 3000 પોઇન્ટ તૂટ્યો છે. આવામાં આ મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં 11.52 લાખ કરોડનો ચૂનો લાગ્યો છે. આ સિવાય તાતા ગ્રુપની કંપનીઓને પણ રૂ. 41,930 કરોડનું મોટું નુકસાન થયું છે.

ભારતીયો ઈન્ટરનેટ ડેટા વપરાશમાં પણ નવો રેકોર્ડ બનાવશે?

નવી દિલ્હી: ડેટા પ્લાન સસ્તા થયા પછી ભારતીયો ઈન્ટરનેટના વપરાશમાં નવો વૈશ્વિક રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં. તો બીજી તરફ સસ્તા 4જી સ્માર્ટફોને પણ આમા મહત્વનો ફાળો આપ્યો છે. મોબાઈલ એપ્સ અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર યૂઝર્સ દર મહિને 11 જીબી વધુ ડેટા વાપરે છે.

આ આંકડો ટેલિકોમ પ્રોડક્ટ બનાવનાર કંપની નોકિયાએ જાહેર કર્યો છે. કંપનીએ તેના વાર્ષિક મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડિયા ટ્રાફિક ઈન્ડેક્સ (MBiT) રિપોર્ટમાં કહ્યું કે, 2019માં સરેરાશ ડેટા ટ્રાફિક અને 4જીનો ઉપયોગ 47 ટકા સુધી વધ્યો છે.

દેશભરમાં યૂઝર્સે જેટલો ડેટા ખર્ચ કર્યો છે તેમાંથી 96 ટકા 4જી ડેટા છે, તેની સામે 3જી ડેટા ટ્રાફિકમાં અગાઉની સરખામણીએ 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રાહકોએ ડિસેમ્બરમાં સરેરાશ માસિક ડેટા વપરાશ 11 જીબીથી પણ વધારે કર્યો, જેમાં 16 ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. આની પાછળનું કારણ છે 4જી નેટવર્ક પર અપગ્રેડેશન, સસ્તા ડેટા પ્લાન, અફોર્ડેબલ સ્માર્ટફોન અને વધતી જતી વિડિયોની લોકપ્રિયતા.

ભારતમાં ડેટા કન્ઝમ્પશન વિશ્વભરમાં સૌથી વધારે છે અને ભારતીય યૂઝર્સે આ મામલે ચીને, અમેરિકા, ફ્રાન્સ, સાઉથ કોરિયા, જાપાન, જર્મની અને સ્પેન જેવા માર્કેટ્સને પાછળ રાખી દીધા છે. સામાન્ય રીતે 1 જીબી ડેટાની મદદથી યૂઝર્સ 200 ગીત સ્ટ્રીમ કરી શકે છે, અથવા તો એક કલાક સુધી FULL HD વિડિયો જોઈ શકે છે. ડેટાનો વધતો જતો વપરાશ સ્ટ્રીમ કરવામાં આવી રહેલા કન્ટેન્ટની ક્વોલિટી પર આધાર રાખે છે. એટલે કે ક્વોલિટી કઈ છે SD, HD કે પછી UHD.

અહીં મહત્વની વાત એ છે કે, ભારતમાં બ્રોડબેન્ડનો ઉપયોગ 47 ટકા કરવામાં આવે છે, જે ચીનના 95 ટકા અને યુરોપના અન્ય દેશોના 95-115 ટકાની સરખામણીએ ઘણો ઓછો છે. જરૂરી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે તો ભારતમાં પણ બ્રોડબેન્ડનો ઉપયોગ વધી શકે છે. ભારતમાં ડેટાની કિંમત પણ વિશ્વભરમાં સૌથી ઓછી 7 રૂપિયા પ્રતિ જીબી છે. ભારતમાં અંદાજે 59.8 કરોડ 4જી ડેટા યૂઝર્સ છે, તો 3જી યૂઝર્સની સંખ્યા અંદાજે 4.4 કરોડ જેટલી છે. ભારતમાં વિડિયો સ્ટ્રીમિંગ ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપે વધી રહ્યો છે.

દિલ્હી હિંસાઃ જાવડેકરે દોષનો ટોપલો સોનિયા ગાંધી પર ઢોળ્યો

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે, ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું.

જાવડેકરે કહ્યું કે, હિંસા ભડકાવવાના પ્રયત્નો બે મહિનાથી ચાલી રહ્યા હતા, સોનિયા ગાંધીએ ડિસેમ્બરમાં એક રેલીમાં અંતિમ લડાઈનું આહ્વાન કર્યું હતું. શાહીનબાગમાં મણિશંકર ગયા, તેઓ પાકિસ્તાનમાં વાત કરીને આવ્યા કે શાહીનબાગમાં આશાઓ દેખાઈ રહી છે. શશિ થરુર અને સલમાન ખુર્શીદ પણ ગયા.

તેમણે કહ્યું કે, અમાનતુલ્લાહે શું કહ્યું? ભડકાવવાની કાર્યવાહી છે. પંદર કરોડ, સો કરોડ વાળુ નિવેદન શું છે? આમ આદમી પાર્ટીના પાર્ષદના ઘરેથી તોફાનોમાં વાપવામાં આવેલા પથ્થરો, પેટ્રોલ બોંબ મળી આવે છે, આ શું છે? તેમણે કહ્યું કે, હિંસા ફેલાવવાનો મોટી માત્રામાં સામાન આમ આદમી પાર્ટીના એમએલએ તાહિર હુસેનના ઘરેથી મળી આવ્યો છે. આના પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂપ શાં માટે છે, પત્રકારો પર હુમલા થયા. મને દુઃખ છે કે પત્રકારોને પણ ન છોડવામાં આવ્યા.

દિલ્હીઃ પોલીસ કર્મચારીને પિસ્તોલ બતાવનાર શાહરુખ છે કોણ?

નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થયેલાં તોફાનોમાં હિંસામાં સ્થાનિક અપરાધીઓની મોટી ભૂમિકા રહી હતી. આમાંથી કેટલાક અપરાધીઓની ઓળખ થઈ ચૂકી છે અને કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે. અપરાધીઓને ત્યાંથી મોટા પાયે હથિયાર અને કારતૂસ પણ મળી આવ્યાં છે. જેનો ઉપયોગ પણ થયો હતો. આ તોફાનોમાં 80થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા.દિલ્હીમાં હિંચા આચરનારા મોટા ભાગના લોકો ઉત્તર-પૂર્વ વિસ્તારના છે, જેથી તેમને પકડવા માટે રેઇડ પાડવામાં આવી રહી છે. જાફરાબાદમાં શાહરુખ નામના જે યુવકની તસવીર- જેમાં તે પોલીસ કર્મચારી પર પિતોલ તાણીને ઊભો છે, એની શોધખોળ ચાલુ છે. શાહરુખની ઉંમર 27 વર્ષની છે અને તે સીલમપુરના ચૌહાણ બાંગડનો રહેવાસી છે.તેને દિમ જવાનો બહુ શોખ છે. જોકે તેનો કોઈ ગુનાઇત રેકોર્ડ નથી, પરંતુ શાહરુખના પિતા પર ડ્રગ પૈડલર હોવાનો કેસ ચાલી રહ્યો છે અને તેમના પર કેટલાય કેસ નોંધાયેલા છે. જોકે હાલમાં જ તેઓ જામીનથી બહાર આવ્યા છીએ.

દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144માં સવારે ચારથી 10 કલાક સુધી રાહત આપવામાં આવી હતી. આ દરમ્યાન ક્યાંથી પણ કોઈ હિંસાના અહેવાલ નથી. સાંજે પણ 4થી આઠ કલાક સુધી છૂટ આપવામાં આવશે.

 

 

સેંડર્સની ટ્વીટનો જવાબ આપવો ભાજપના નેતાને ભારે પડયો

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર બર્ની સેંડર્સે દિલ્હી હિંસા પર ટ્રમ્પના નિવેદનની કડક નિંદા કરી છે. આના જવાબમાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષે તેમને ટ્વીટમાં જવાબ આપ્યો છે. જો કે બાદમાં તેમણે આ ટ્વીટને ડિલીટ કરી નાંખ્યું. હકીકતમાં મીડિયા સાથે વાત કરતા સમયે જ્યારે ટ્રમ્પને દિલ્હી હિંસાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે આને ભારતનો આંતરિક મામલો ગણાવતા ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં બર્ની સેંડર્સે ટ્રમ્પના નિવેદનની ટિકા કરી હતી.  

સેંડર્સે ટ્વીટમાં કહ્યું હતું કે, 20 કરોડથી વધારે મુસ્લિમ ભારતને પોતાનું ઘર કહે છે. વ્યાપક સ્તર પર મુસ્લિમો વિરુદ્ધ ફેલાયેલી હિંસામાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ટ્રમ્પે આ મામલે જવાબ આપતા કહ્યું કે, આ ભારતનો મામલો છે. આ માનવાધિકારો પર નેતૃત્વની નિષ્ફળતા છે.

ભાજપના મહાસચિવ બી.એલ. સંતોષે બર્ની સેંડર્સના ટ્વીટ પર પલટવાર કરતા પોતાના ટ્વીટમાં કહ્યું કે, અમે ભલે ગમે તેટલા નિષ્પક્ષ રહેવાનો પ્રયત્ન કરીએ પરંતુ તમે અમને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભૂમિકા નિભાવવા માટે મજબૂર કરી રહ્યા છો. હું આ કહેવા માટે માફી ઈચ્છું છું, પરંતુ આપ અમને મજબૂર કરી રહ્યા છો.

જો કે તેમણે પણ આ ટ્વીટને ડિલીટ કરી નાંખ્યું.

અમેરિકી સેનેટર એલિઝાબેથ વોરેને પણ નાગરિકતા સંશોધન કાયદાને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ હિંસાની કડક નિંદા કરી છે. આ હિંસામાં અત્યારસુધીમાં કુલ 34 લોકોના મોત થયા છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા છે.

બુદ્ધિમાન હોવાનો ઢોંગ કરતા લોકોને અમિતાભની આ ટ્વીટર સલાહ

નવી દિલ્હી: બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન આજકાલ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે તેમ છતાં પણ તેમને જ્યારે પણ નવરાશ મળે ત્યારે તે સોશિયલ મીડિયા પર તેમની હાજરી બતાવે છે. હાલમાં જ તેમનું એક ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અભિતાભ બચ્ચને ટ્વીટમાં લખ્યું કે, એક ઉત્કૃષ્ટ બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે મૂર્ખ હોવાનો ઢોંગ કરે, અને એ પણ એ વ્યક્તિ સામે કે જે બુદ્ધિમાન હોવાનો ઢોંગ કરે છે. અમિતાભના આ ટ્વીટ પર તેના ચાહકો અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચનનું આ 3454મું ટ્વીટ છે. આ અગાઉ પણ તેમણે ટ્વીટ મારફતે લોકોને સલાહ આપતા લખ્યું હતું કે, કોઈ તમારા સારા કાર્ય પર શંકા કરે તો તેને કરવા દેવી જોઈએ…કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ કરવામાં આવે છે કોલસાની કાળાશ પર નહીં.

મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન જલ્દી જ પોતાની ચાર ફિલ્મો દ્વારા બોલીવુડમાં ધમાલ મચાવવા આવી રહ્યા છે. આ ચાર ફિલ્મોમાં ચેહરે, બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને ગુલાબો-સિતાબોનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત બિગ બી કોન બનેગા કરોડપતિની 11મી સિઝન પણ હોસ્ટ કરી હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે.

તાહિર હુસૈનના ઘરે તોફાનની સામગ્રી પહોંચી કેવી રીતે?

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોમવાદી તોફાનો દરમ્યાન આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યાને મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન ભલે પોતાને નિર્દોષ બતાવતા હોય પણ કેટલાય એવા સવાલ છે, જે તાહિરને શંકાના દાયરામાં ઘેરે છે. વળી, તોફાનના દિવસે તાહિરના ઘરે પેટ્રોલ બોમ્બ, પથ્થર અને મોટી માત્રામાં આટલી બધી સામગ્રી આવી કેવી રીતે?

ઘરના ટેરેસ પર પેટ્રોલ બોમ્મ, પથ્થર અને તેજાબના પેકેટ આવ્યાં કેવી રીતે?

તાહિરે દાવો કર્યો હતો કે તેમના ઘર પર તોફાની તત્ત્વોએ કબજો જમાવી લીધો હતો. ત્યારે એમણે શું આની જાણ પોલીસને કરી હતી? સોશિયલ મિડિયા પર વાઇરલ વિડિયોમાં તેઓ ખુદ એક ડંડો લઈને ટેરેસ પર ફરતા દેખાય છે, ક્યારેક ફોન પર વાત કરે છે તો ક્યારેક અહીં-તહીં જોવા મળે છે. તેઓ આ સવાલનો કોઈ જવાબ નથી આપી શક્યા કે તેમના ઘરે આટલા પથ્થર, પેટ્રોલ ક્યાંથી આવ્યા? જે ચીજવસ્તુઓ જેટલી માત્રામાં તાહિરના ઘરથી મળી છે, એ કંઈક રાતોરાત ના પહોંચી શકે. કેટલાય ડઝિન પેટ્રોલ બોમ્બ કોણે બનાવ્યાય? તેજાબનાં પેકેટ બનાવવામાં આવ્યાં છે. કોથળામાં ભરીને પથ્થર લાવવામાં આવ્યા છે ગુલેલ તૈયાર કરવામાં આવ્યા અને આગ લગાડવા માટે મશાલ ક્યાંથી આવી? આ બધું જોઈને તો એવું લાગે છે કે આની તૈયારી ઘણા પહેલા સમયથી કરવામાં આવી હતી. તાહિરે ષડયંત્ર હેઠળ પોતાને હિંસાનો શિકાર બતાવ્યો હતો?

તાહિરના દાવા પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય?

તાહિર હુસૈને એક ટીવી ચેનલથી વાતચીતમાં કહ્યું હતું કે તેમના જીવને પણ જોખમ છે. જો તાહિરની આ વાત પર વિશ્વાસ કરીએ તો તેના ઘરે જબરદસ્તી કબજો કરવામાં આવ્યો હતો અને તેમના જીવને ખતરો હતો તો તેઓ ઘરેથી ભાગ્યા કેમ નહીં? જો તેમના જીવને જોખમ હતું તો તેઓ ટેરેસ પર કેવી રીતે ફરી રહ્યા હતા? સેંકડો તોફાની તત્વો તેમના ઘરે ઘૂટી ગયા હતા અને તેમનો વાળ પણ વાંકો ના થયો?

તાહિરની ટેરેસ પરથી ફાયરિંગ

સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે સોમવારે અને મંગળવારે તાહિરની ટેરેસ પરથી આસપાસના વિસ્તારોમાં ભારે ફાયરિંગ થયું હતું તેના ટેરેસ પરથી સેંકડો લોકો હતા જે આસપાસના મકાનોમાં પથ્થરબાજી કરી રહ્યા હતા. તાહિરના બિલ્ડિંગની બાજુમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર મહક સિંહના ભાઈનું ગોદામ છે, જેમાં આસપાસના લોકોની 40થી વધુ ગાડીઓ ઊભી હતી, જેમાંથી 25 બળી ગઈ છે. હવે સવાલ એ છે કે તાહિર હુસૈનની ધરપકડ ક્યારે કરાશે.

 

 

 

ટીકાનો ભોગ બન્યા પછી હવે દિલ્હી પોલીસની કમાન શ્રીવાસ્તવને

નવી દિલ્હી: હિંસા પછી દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે એસ એન શ્રીવાસ્તવ કમાન સંભાળશે. ચાર દિવસ પહેલા જ દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) તરીકે નિમાયેલા એસ. એન. શ્રીવાસ્તવને હવે નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. 1985 બેચના આ આઈપીએસ અધિકારીનો નવો કાર્યકાળ 1 માર્ચના રોજથી શરૂ થઈ જશે. દિલ્હીના તાજેતરના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને એક મહિનનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

સીઆરપીએફના બહાદૂર ઓફિસર શ્રીવાસ્તવને દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી તે પહેલા તેમનો હોદ્દો ડીજી ટ્રેનિંગનો હતો. બે વર્ષ પહેલા સુધી જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ડીજી તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રીવાસ્તવને ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ દરમિયાન ભારતીય સેના સાથે કામ કરવાની આગવી આવડત માટે ઓળખવામાં આવે છે.

એસએન શ્રીવાસ્તવનો કાર્યકાળ 30 જૂન 2021 સુધીનો છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરર સેલના સ્પેશિયલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રીવાસ્તવને પૂર્વમાં સીઆરપીએફના વેર્સ્ટન ઝોનના એડીજી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શ્રીવાસ્તવના નેતૃત્વમાં જ સીઆરપીએફ અને ભારતીય સેનાના જમ્મુ-કાશ્મીરમાં અનેક એન્ટી ટેરર ઓપરેશન ચલાવ્યા હતા. તેમાં ઓપરેશન ઓલ આઉટ જેવા મહત્વના ઓપરેશનનો પણ સમાવેશ થાય છે.