ભારતીયો ઈન્ટરનેટ ડેટા વપરાશમાં પણ નવો રેકોર્ડ બનાવશે?

નવી દિલ્હી: ડેટા પ્લાન સસ્તા થયા પછી ભારતીયો ઈન્ટરનેટના વપરાશમાં નવો વૈશ્વિક રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં. તો બીજી તરફ સસ્તા 4જી સ્માર્ટફોને પણ આમા મહત્વનો ફાળો આપ્યો છે. મોબાઈલ એપ્સ અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર યૂઝર્સ દર મહિને 11 જીબી વધુ ડેટા વાપરે છે.

આ આંકડો ટેલિકોમ પ્રોડક્ટ બનાવનાર કંપની નોકિયાએ જાહેર કર્યો છે. કંપનીએ તેના વાર્ષિક મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ડિયા ટ્રાફિક ઈન્ડેક્સ (MBiT) રિપોર્ટમાં કહ્યું કે, 2019માં સરેરાશ ડેટા ટ્રાફિક અને 4જીનો ઉપયોગ 47 ટકા સુધી વધ્યો છે.

દેશભરમાં યૂઝર્સે જેટલો ડેટા ખર્ચ કર્યો છે તેમાંથી 96 ટકા 4જી ડેટા છે, તેની સામે 3જી ડેટા ટ્રાફિકમાં અગાઉની સરખામણીએ 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રાહકોએ ડિસેમ્બરમાં સરેરાશ માસિક ડેટા વપરાશ 11 જીબીથી પણ વધારે કર્યો, જેમાં 16 ટકાનો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. આની પાછળનું કારણ છે 4જી નેટવર્ક પર અપગ્રેડેશન, સસ્તા ડેટા પ્લાન, અફોર્ડેબલ સ્માર્ટફોન અને વધતી જતી વિડિયોની લોકપ્રિયતા.

ભારતમાં ડેટા કન્ઝમ્પશન વિશ્વભરમાં સૌથી વધારે છે અને ભારતીય યૂઝર્સે આ મામલે ચીને, અમેરિકા, ફ્રાન્સ, સાઉથ કોરિયા, જાપાન, જર્મની અને સ્પેન જેવા માર્કેટ્સને પાછળ રાખી દીધા છે. સામાન્ય રીતે 1 જીબી ડેટાની મદદથી યૂઝર્સ 200 ગીત સ્ટ્રીમ કરી શકે છે, અથવા તો એક કલાક સુધી FULL HD વિડિયો જોઈ શકે છે. ડેટાનો વધતો જતો વપરાશ સ્ટ્રીમ કરવામાં આવી રહેલા કન્ટેન્ટની ક્વોલિટી પર આધાર રાખે છે. એટલે કે ક્વોલિટી કઈ છે SD, HD કે પછી UHD.

અહીં મહત્વની વાત એ છે કે, ભારતમાં બ્રોડબેન્ડનો ઉપયોગ 47 ટકા કરવામાં આવે છે, જે ચીનના 95 ટકા અને યુરોપના અન્ય દેશોના 95-115 ટકાની સરખામણીએ ઘણો ઓછો છે. જરૂરી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે તો ભારતમાં પણ બ્રોડબેન્ડનો ઉપયોગ વધી શકે છે. ભારતમાં ડેટાની કિંમત પણ વિશ્વભરમાં સૌથી ઓછી 7 રૂપિયા પ્રતિ જીબી છે. ભારતમાં અંદાજે 59.8 કરોડ 4જી ડેટા યૂઝર્સ છે, તો 3જી યૂઝર્સની સંખ્યા અંદાજે 4.4 કરોડ જેટલી છે. ભારતમાં વિડિયો સ્ટ્રીમિંગ ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સનો ઉપયોગ ખૂબ જ ઝડપે વધી રહ્યો છે.