ડિફેન્સ ડિલ અમેરિકા સાથે થઇ એમાં પાકિસ્તાનને શું તકલીફ થઇ?

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાની વચ્ચે તાજેતરમાં થયેલી ડિફેન્સ ડીલથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તેણે બંને દેશોની વચ્ચે કરાર થવા પર ચિંતા વ્યકત કરતાં કહ્યું કે તેનાથી ક્ષેત્રમાં હથિયારોની હોડ વધશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા આયશા ફારૂરીએ પણ ચિંતા વ્યક્ત કરી. તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાત પર આવ્યા હતા. આ દરમ્યાન તેમની પીએમ મોદીની સાથે વાર્તા થઇ. ત્યારબાદ તેમણે બંને દેશોની વચ્ચે 3 અબજ ડોલરના ડિફેન્સ ડીલની જાહેરાત કરી.

અમેરિકા અને ભારતની વચ્ચે થયેલા રક્ષા સોદા પર પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના આયશા ફારૂકીએ કહ્યું કે તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમ્યાન બંને દેશોની વચ્ચે થયેલા અબજો ડોલરના રક્ષા સોદા પર પાકિસ્તાનને વાંધો છે. પાકિસ્તાન કેટલીય વખત આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી ક્ષેત્રમાં હથિયારોની હોડને લઇ પોતાની ચિંતા વ્યકત કરી ચૂકયું છે.

ફારૂકીએ ભારતના આંતરિક મામલામાં સીધી દખલ કરતાં દિલ્હીમાં હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ત્યાં જે રીતે હિંસા સમુદાય વિશેષની વિરૂદ્ધ થઇ છે તેના પર પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત છે. સંયુકત રાષ્ટ્ર અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલી સંસ્થાઓએ પોતાની ચિંતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરી છે. તેમણે આરોપ મૂકયો કે ‘ભારત કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બુધવારના રોજ ભારતીય હાઇકમિશનને સમન્સ મોકલી આ અંગે વિરોધ પણ નોંધાવ્યો છે.’

આયશા ફારૂકીએ અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા પર કહ્યું કે આશા છે કે અમેરિકા અને તાલિબાનની વચ્ચે કરાર થયા બાદ અફઘાનિસ્તાનના સંબદ્ધ પક્ષોમાં પણ વાતચીત શરૂ થશે. શાંતિ પ્રક્રિયામાં પાકિસ્તાન દરેક પ્રકારની મદદ કરશે. તેમણે કહ્યું કે પકિસ્તાનનો અફઘાનિસ્તાનના પુનર્નિમાણમાં ખાસ રોલ છે.

આપને જણાવી દઇએ કે ભારત અમેરિકા ડિફેન્સ ડીલમાં અમેરિકા પાસેથી 24 MH60 રોમિયો હેલિકોપ્ટરની 2.6 અબજ અમેરિકન ડોલરમાં ખરીદી સામેલ છે. એક બીજી ડીલ 6 AH 64E અપાચે હેલિકોપ્ટરને લઇ છે. જેની કિંમત 80 કરોડ ડોલર હશે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ ટ્રમ્પે સંયુકત પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી.