ટીકાનો ભોગ બન્યા પછી હવે દિલ્હી પોલીસની કમાન શ્રીવાસ્તવને

નવી દિલ્હી: હિંસા પછી દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે એસ એન શ્રીવાસ્તવ કમાન સંભાળશે. ચાર દિવસ પહેલા જ દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) તરીકે નિમાયેલા એસ. એન. શ્રીવાસ્તવને હવે નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. 1985 બેચના આ આઈપીએસ અધિકારીનો નવો કાર્યકાળ 1 માર્ચના રોજથી શરૂ થઈ જશે. દિલ્હીના તાજેતરના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને એક મહિનનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

સીઆરપીએફના બહાદૂર ઓફિસર શ્રીવાસ્તવને દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી તે પહેલા તેમનો હોદ્દો ડીજી ટ્રેનિંગનો હતો. બે વર્ષ પહેલા સુધી જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ડીજી તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રીવાસ્તવને ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ દરમિયાન ભારતીય સેના સાથે કામ કરવાની આગવી આવડત માટે ઓળખવામાં આવે છે.

એસએન શ્રીવાસ્તવનો કાર્યકાળ 30 જૂન 2021 સુધીનો છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરર સેલના સ્પેશિયલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રીવાસ્તવને પૂર્વમાં સીઆરપીએફના વેર્સ્ટન ઝોનના એડીજી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શ્રીવાસ્તવના નેતૃત્વમાં જ સીઆરપીએફ અને ભારતીય સેનાના જમ્મુ-કાશ્મીરમાં અનેક એન્ટી ટેરર ઓપરેશન ચલાવ્યા હતા. તેમાં ઓપરેશન ઓલ આઉટ જેવા મહત્વના ઓપરેશનનો પણ સમાવેશ થાય છે.