Home Blog Page 4956

ફડણવીસને સોગંદનામામાં સાચી વિગતો છૂપાવવાનો સુપ્રીમ ઝટકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આંચકો આપ્યો હતો.  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. હવે ફડણવીસ પર ચૂંટણી સોગંદનામામાં માહિતી છૂપાવવા બદલ કેસ ચાલશે. આ પહેલાં 18 ફેબ્રુઆરીએ દેવેન્દ્ર ફડણવીસની અરજી સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ફડણવીસે 2014ના ચૂંટણી સોગંદનામામાં પોતાની સામે લાંબા સમયથી અપરાધી કેસોની માહિતી ના આપવા બદલ કેસનો સામનો કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા કરવાની વિનંતી કરી હતી.જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનુરુદ્ધ બોસની પીઠની સમક્ષ ફડણવીસ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે અન્ય ઉમેદવારો માટે આ મુદ્દે દૂરગામી પરિણામો હશે અને કોર્ટે એક ઓક્ટોબર, 2019એ પોતાના ચુકાદા પર ફેરવિચાર કરવો પડશે.   કોર્ટે પાછલા વર્ષે પોતાના ચુકાદામાં બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો રદ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ફડણવીસને ક્લીનચિટ આપી હતી અને કહ્યું હતું કે તેઓ જનપ્રતિનિધિત્વ અધિનિયમ (RPA) હેઠળ અપરાધી કેસનો સામનો કરવા હકદાર નથી.

 

 

દિલ્હી હિંસામાં પોલીસ પર બંદૂક તાકનારા શાહરુખની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં પોલીસ જવાનની છાતી પર બંદૂક મૂકનારા અને 8 રાઉન્ડ ગોળીબાર કરનારા શાહરૂખની આખરે ધરપકડ કરવામાં આવી છે. હિંસા દરમિયાન શાહરૂખની આ તસવીરે દેશભરમાં સનસનાટી મચાવી હતી. શાહરૂખની ઉત્તર પ્રદેશના બરેલીથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ જવાન પર બંદૂક તાકી અને તે સિવાય અન્ય જગ્યાએ 8 રાઉન્ડ ગોળીબાર કર્યા બાદ ફફડી ઉઠેલો શાહરૂખ ધરપકડથી બચવા લપાઈ ગયો હતો. ધરપકડથી બચવા માટે તે ફરાર થઈ ગયો હતો.

નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર વિરુદ્ધ દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં હિંસક પ્રદર્શન થયા હતાં. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરનારો લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સની ઓળખ કરવામાં આવી હતી જેનું નામ શાહરૂખ હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બરેલીમાં છૂપાયેલા શાહરૂખની મંગળવારે ધરપકડ કરી લીધી છે.

આરોપી યુવક શાહરૂખની જાણકારી મળ્યા બાદથી જ પોલીસ અને સ્પેશલ સેલની 10 ટીમ તેની શોધખોળમાં લાગી ગઈ હતી. એવા અહેવાલો સામે આવ્યા હતા કે ફાયરિંગ કરનારો યુવક શાહરૂખ ઉત્તર પ્રદેશમાં છૂપાયેલો છે. દિલ્હી હિંસામાં 45થી પણ વધુ લોકોના મોત થયા છે.

દિલ્હીના મૌજપુર વિસ્તારમાં ફાયરિંગ કરનારો આરોપી યુવક શાહરૂખ ફાયરિંગ કર્યા બાદ પાણીપત પહોંચ્યો હતો. ત્યારબાદ તે કૈરાના, અમરોહા જેવા પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં છુપાતો રહ્યો હતો. દિલ્હીની સ્પેશલ સેલને શાહરૂખની કૉલ ડિટેલની જાણકારી મળી હતી. જેમાં આરોપી ઉત્તર પ્રદેશના બરેલીમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. આખરે પોલીસે આજે શાહરૂખની ધરપકડ કરી હતી.

મોદીની સોશિયલ મીડિયા છોડવાની વાતથી ટ્વિટર પર શું થયું?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે 2 માર્ચના મોડી સાંજે એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું- આ રવિવારે વિચારી રહ્યો હતો કે મારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટ છોડી દઉં. તમને તેના વિશે માહિતી આપીશ. આ ટ્વિટ કર્યા બાદ યુઝર્સે પણ સવાલોનો મારો ચલાવ્યો હતો. લોકો પીએમ મોદીને વિનંતી કરી રહ્યા છે કે, તે આવું ન કરે આ સાથે જ ટ્વિટર પર #NoModiNoTwitter હેશટેગ ટોપ ટ્રેન્ડ રહ્યો.

જોકે, પીએમ મોદીના બીજા ટ્વીટ સાથે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. પીએમ મોદીએ લખ્યું કે, આ મહિલા દિવસે હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એ મહિલાઓને સોંપી દઈશ, જેમની જિંદગી અને જેમનું નામ આપણા બધાને પ્રરિત કરે છે. આ મહિલાઓ લાખો લોકોને પ્રોત્સાહિત કરી શકશે. જો તમે પણ આવી મહિલા છો કે બીજા માટે પ્રેરણા બનનારી મહિલાઓ વિશે જાણો છો તો તેમની કહાની SheInspiresUs પર શેર કરો.

અહીં કેટલાક ટ્વીટ આપને દેખાડી રહ્યા છીએ જે જોઈને તમેન પણ ખ્યાલ આવી જશે કે મોદીની લોકચાહના કેટલી છે. તમે પણ #NoModiNoTwitter પરથી અનેક મજેદાર ટ્વીટ જોઈ શકો છો.

 

મહત્વનું છે કે, ટ્વિટર પર નરેન્દ્ર મોદીના 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ અને ફેસબુક પર 4 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેમની ચેનલને ચાલીસ લાખથી વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે.

1 લી એપ્રિલથી શરૂ થશે વસતી ગણતરી

નવી દિલ્હીઃ સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે એક એપ્રિલથી વસતી ગણતરીનું પ્રથમ ચરણ શરુ થશે. આ વખતે વસતી ગણતરીમાં હાઉસલિસ્ટિંગ પણ કરવામાં આવશે. એટલે ઘરના સભ્યોની સંખ્યાની સાથે દેશભરમાં ઉપસ્થિત ઘરોનું જે બાંધકામ છે તેનું વર્ણન પણ નોંધવામાં આવશે. આને લઈને રજીસ્ટ્રાર જનરલના કાર્યાલયે સૂચના જાહેર કરી છે. સૂચના અનુસાર, વસતી ગણતરી અધિનિયમ 1990 ના નિયમ 6 એ સાથે વસતી ગણતરી અધિનિયમ 1948ની કલમ 3એ અને કલમ 17 એ દ્વારા આપવામાં આવેલા પાવરના અભ્યાસમાં કેન્દ્ર સરકારે જાહેરત કરી છે કે વસતી ગણતરી 2021 માં હાઉસ લિસ્ટિંગ પણ કરવામાં આવશે. દેશભરમાં એક એપ્રિલ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 વચ્ચે આ પ્રક્રિયા કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે કરી ‘નટસમ્રાટ શ્રીરામ લાગુ એવોર્ડ’ની સ્થાપના

મુંબઈ : મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના વિભાગે જાણીતા રંગભૂમિ તથા ફિલ્મ અભિનેતા સ્વ. ડો. શ્રીરામ લાગુની સ્મૃતિમાં ‘નટસમ્રાટ શ્રીરામ લાગુ’ એવોર્ડની સ્થાપનાની જાહેરાત કરી છે.

આ એવોર્ડ મરાઠી રંગભૂમિમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવશે.

મહારાષ્ટ્રનો સાંસ્કૃતિક વિભાગ સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન કરવા બદલ દર વર્ષે જુદી જુદી 12 કેટેગરીઓમાં 12 એવોર્ડ એનાયત કરે છે.

ડો. શ્રીરામ લાગુની યાદમાં એવોર્ડની સ્થાપના કરવાનો મહારાષ્ટ્ર સરકારે 2020ની 27 ફેબ્રુઆરીએ નિર્ણય લીધો હતો.

શ્રીરામ લાગુ 92 વર્ષની વયે પુણેમાં એક ખાનગી હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા. તેઓ કાન, નાક અને ગળાના સર્જન-ડોક્ટર પણ હતા.

લાગુએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ દિગ્દર્શક પણ હતા અને રંગભૂમિના અદાકાર પણ હતા.

એમણે 20થી વધારે મરાઠી નાટકોનું દિગ્દર્શન કર્યું હતું.

શ્રીરામ લાગુ 1927ની 16 નવેંબરે એ વખતના બ્રિટિશ ઈન્ડિયાના બોમ્બે પ્રેસિડેન્સીના સતારા શહેરમાં જન્મ્યા હતા. તેઓ ઘરોંદા (1977), સ્વયંવર (1980) અને ગાંધી (1982) જેવી હિન્દી ફિલ્મોમાં કરેલી ભૂમિકા માટે જાણીતા છે. ‘કિશન કનૈયા’ ફિલ્મમાં એમણે અનિલ કપૂરના પિતાની ભૂમિકા ભજવી હતી.

છેવટે વડા પ્રધાને કર્યો ખુલાસોઃ આ તો મહિલા દિનની વાત હતી!!

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયાથી સંન્યાસ લઇ શકે છે એવી ગઇકાલ રાતથી વહેતી થયેલી અટકળોનો હવે અંત આવ્યો છે. ખુદ વડા પ્રધાન મોદીએ જ હમણાં ટ્વીટ કરીને પોતાની ગઇકાલ રાતની ટવીટને લઇને આ વાતનો ખુલાસો કર્યો છે. મોદી આઠમી માર્ચે મહિલા દિન નિમિત્તે અમુક મહિલાઓને પોતના સોશ્યલ મિડીયા એકાઉન્ટસ વાપરવા માટે આપશે. એ પોતે સંન્યાસ લેશે એ અટકળ ખોટી ઠરી છે.

વડા પ્રધાન મોદીએ હજી ગઈ કાલે જ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ સોશિયલ મિડિયા છોડવાનું વિચારી રહ્યા છે. આજે વડા પ્રધાન મોદીએ એક અન્ય ટ્વીટમાં આની પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ મહિલા દિવસે તેમનું સોશિયલ મિડિયા અકાઉન્ટ મહિલાઓને આપવા માગે છે.

વડા પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે આઠ માર્ચે મહિલા દિવસના અવસરે તેઓ પોતાનું અકાઉન્ટ મહિલાઓને આપશે, જેમનું જીવન આપણને પ્રેરણા આપતું હોય. વડા પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે કે આ મહિલા દિવસે હું મારું સોશિયલ મિડિયા અકાઉન્ટ એવી મહિલાને આપવા ઇચ્છું છું કે  જેમની જિંદગી આપણને પ્રભાવિત કરતી હોય, જેનાથી લાખ્ખા લોકોને પ્રેરણા મળતી હોય.

વડા પ્રધાને વધુમાં લખ્યું હતું કે જો તમે કોઈ એવી મહિલાને જાણતા તો હો તો તમે #SheInspiresUsની સાથે અમને એવી વાતો શેર કરો.

સોશિયલ મિડિયાના સ્ટાર છે વડા પ્રધાન મોદી

વડા પ્રધાન મોદીના ટ્વિટર પર 5.3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ફેસબુક પર વડા પ્રધાન મોટીના 4.4 કરોડ લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાન  મોદી સ્ટાર છે અને અહીં તેમના 3.5 કરોડથી વધુ ફોલોઅર છે. યુટ્યુબ પર વડા પ્રધાન મોદીના 45 લાખથી વધુ ફોલોઅર્સ છે.

 

 

 

કોંગ્રેસને ‘ભારત માતા કી જય’ બોલવામાં ચૂંક કેમ આવે છે?: મોદી

નવી દિલ્હીઃ ભાજપે સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી, જેમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વિકાસ માટે શાંતિ, એકતા અને સદભાવ રાખવો જરૂરી છે. તેમણે એ પણ કહ્યું હતું કે આજે કેટલાક પક્ષ એવા છે કે જે પાર્ટી હિતને રાષ્ટ્રીય હિતથી ઉપર રાખી રહ્યા છે.વડા પ્રધાન મોદીએ કહ્યું કે દેશને તોડવાવાળા અને ટુકડે-ટુકડે ગેન્ગના નારા લગાવવાવાળા લોકોના સમર્થનની જે લોકો વાત કરે છે અને જે વંદેમાતરમ પર રાજકારણ રમી રહ્યા છે, તેમની સામે લડાઈ લડવી પડશે. આ સિવાય વડા પ્રધાન મોદીએ જનઔષધિ યોજનાને જનતા સુધી પહોંચાડવાની વાત કરી હતી. આ પહેલાં વડા પ્રધાન મોદીએ સોશિયલ મિડિયા છોડવાના સંકેત એક ટ્વીટ કરીને ગઈ કાલે આપ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર હુમલો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે સત્તા સુખ માટે નહીં, પણ દેશ માટે રાજકારણમાં આવ્યા છીએ. વિકાસ માટે શાંતિ સદભાવ અને એકતા જરૂરી છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાના સાધ્યું હતું અને કહ્યું કે આઝાદી સમયે કેટલાક કોંગ્રેસી વંદેમાતરમ બોલવાની વિરુદ્ધમાં હતા. કોંગ્રેસને ‘ભારત માતા કી જય’ બોલવામાં પરેશાની કેમ થાય છે. નામ લીધા વગર તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાદ્યું હતું. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ પીએમને ભારત માતાની જય બોલવામાં ચૂંક આવે છે.  

સંસદના લાઇબ્રેરી બિલ્ડિંગમાં બેઠક

સંસદના લાઇબ્રેરી બિલ્ડિંગમાં આયોજિક બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના તમામ નેતાઓ હાજર હતા. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, જિતેન્દ્ર સિંહ પણ હાજર હતા. આ બેઠકમાં દિલ્હી હિંસા સહિત અનેક મુદ્દે વિચારવિમર્સ થયો.

 

ગંગા આરતીમાં જોડાઈ સારા અલી ખાનઃ વાયરલ થયા ફોટોઝ

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કેટલાક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સમાં એક્ટ્રેસ બનારસના ગંગા ઘાટ પર આરતીમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ આ ફોટોગ્રાફ્સમાં ક્રીમ કલરના સૂટમાં દેખાઈ રહી છે. સારા અલી ખાનના આ ફોટોગ્રાફ્સ પર ફેન્સ ખૂબ રિએક્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક્ટ્રેસે ગંગા આરતીના આ ફોટોગ્રાફ્સને પોતાના ફેન્સ સાથે શેર કરતા કેપ્શનમાં લખ્યું “ગંગા નદી”.

સારા અલી ખાનના એક ફોટો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ ફોટોમાં એક્ટ્રેસ બીચ પર આરામ કરતી નજરે આવી રહી છે. ફોટોમાં તે હિંચકા પર બેઠી હતી. એક્ટ્રેસે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, માં અને ભાઈને યાદ કરી રહી છું. ઉલ્લેખનીય છે કે, સારા સામાન્ય રીતે પોતાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને માં અમૃતા સિંહ સાથે ફોટો શેર કરતી દેખાઈ હતી. ત્યારે તેમની આ પોસ્ટને જોઈને લાગી રહ્યું છે કે, તે પોતાના ભાઈ અને માં ને ખૂબ યાદ કરી રહી છે.  

વડાપ્રધાન અને કેજરીવાલ વચ્ચે મુલાકાતઃ શું થઇ હશે વાત?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, બન્ને વચ્ચે દિલ્હી હિંસા, કોરોનાવાયરસને પહોંચી વળવાની તૈયારીઓ અને હિંસા બાદ ફરીથી બધુ જેમનું તેમ વસાવવા મામલે ચર્ચા થઈ હતી. ગત મહિને વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અને મુખ્યમંત્રી બન્યા બાદ કેજરીવાલ વડાપ્રધાન મોદીને પ્રથમવાર મળ્યા હતા. બન્ને નેતાઓની મુલાકાત આજે સંસદમાં થઈ હતી. આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં 62 સીટો જીતી હતી. દિલ્હીમાં ગત સપ્તાહે થયેલી હિંસામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. આશરે 200 લોકો ઘાયલ થયા છે. તેમની દિલ્હીની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

દિલ્હીની ચૂંટણીના પરિણામો બાદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ ટ્વીટર પર લખ્યું કે, માનનીય ગૃહમંત્રી સાથે સારી મુલાકાત થઈ. દિલ્હીના વિકાસ સાથે સંબંધિત ઘણા મુદ્દાઓ પર અમે ચર્ચા કરી.

કેવીક છે તાપસીની થપ્પડ ફિલ્મની કમાણી?

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડને રિલીઝ થયે ચાર દિવસ થયા છે. જો કે, છતા પણ ફિલ્મની કમાણીમાં કોઈ ખાસ ઉછાળો જોવા મળ્યો નથી. ઘરેલૂ હિંસાનો શિકાર થયેલી મહિલાઓ પર બનેલી આ ફિલ્મની ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું ટ્રેલર પર રિલીઝ થયા બાદ જ દર્શકોમાં તાપસીની થપ્પડને લઈને એક્સાઈટમેન્ટ વધી ગયું હતું. તો, તાપસી પન્નૂ ફિલ્મની સ્ટોરી તો ખૂબ સારી છે, પરંતુ ફિલ્મને દર્શકોનો કંઈ ખાસ રિસ્પોન્સ મળી રહ્યો નથી. બોક્સ ઓફિસ ઈન્ડિયા ડોટ કોમ વેબસાઈટ અનુસાર તાપસીની ફિલ્મે શનિવારે 6.25 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું.

શરુઆતી આંકડાઓને જોતા એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તાપસી પન્નૂની ફિલ્મે સોમવારના રોજ 5 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું. આ હિસાબે થપ્પડ ફિલ્મે ચાર દિવસમાં માત્ર 18.75 કરોડ રુપિયાની કમાણી કરી છે. જો કે આના અત્યારસુધીમાં કોઈ અધિકારીક આંકડાઓ સામે આવ્યા નથી. ફિલ્મની શરુઆત પ્રથમ દિવસે ખૂબ ખરાબ રહી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ધીરે-ઘીરે બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવી લેશે. તાપસી પન્નૂની થપ્પડને ફિલ્મ સમીક્ષકોએ ખૂબ વખાણી છે.