દિલ્હી હિંસામાં પોલીસ પર બંદૂક તાકનારા શાહરુખની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં પોલીસ જવાનની છાતી પર બંદૂક મૂકનારા અને 8 રાઉન્ડ ગોળીબાર કરનારા શાહરૂખની આખરે ધરપકડ કરવામાં આવી છે. હિંસા દરમિયાન શાહરૂખની આ તસવીરે દેશભરમાં સનસનાટી મચાવી હતી. શાહરૂખની ઉત્તર પ્રદેશના બરેલીથી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ જવાન પર બંદૂક તાકી અને તે સિવાય અન્ય જગ્યાએ 8 રાઉન્ડ ગોળીબાર કર્યા બાદ ફફડી ઉઠેલો શાહરૂખ ધરપકડથી બચવા લપાઈ ગયો હતો. ધરપકડથી બચવા માટે તે ફરાર થઈ ગયો હતો.

નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર વિરુદ્ધ દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં હિંસક પ્રદર્શન થયા હતાં. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરનારો લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સની ઓળખ કરવામાં આવી હતી જેનું નામ શાહરૂખ હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બરેલીમાં છૂપાયેલા શાહરૂખની મંગળવારે ધરપકડ કરી લીધી છે.

આરોપી યુવક શાહરૂખની જાણકારી મળ્યા બાદથી જ પોલીસ અને સ્પેશલ સેલની 10 ટીમ તેની શોધખોળમાં લાગી ગઈ હતી. એવા અહેવાલો સામે આવ્યા હતા કે ફાયરિંગ કરનારો યુવક શાહરૂખ ઉત્તર પ્રદેશમાં છૂપાયેલો છે. દિલ્હી હિંસામાં 45થી પણ વધુ લોકોના મોત થયા છે.

દિલ્હીના મૌજપુર વિસ્તારમાં ફાયરિંગ કરનારો આરોપી યુવક શાહરૂખ ફાયરિંગ કર્યા બાદ પાણીપત પહોંચ્યો હતો. ત્યારબાદ તે કૈરાના, અમરોહા જેવા પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં છુપાતો રહ્યો હતો. દિલ્હીની સ્પેશલ સેલને શાહરૂખની કૉલ ડિટેલની જાણકારી મળી હતી. જેમાં આરોપી ઉત્તર પ્રદેશના બરેલીમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. આખરે પોલીસે આજે શાહરૂખની ધરપકડ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]