નવી દિલ્હી: દેશમાં 25 જૂન 1975એ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. તેને ભારતીય લોકશાહીના ઇતિહાસનો સૌથી કાળો સમયગાળો માનવામાં આવે છે. ઇમર્જન્સી લાગુ કરાયેલી તારીખ 25 જૂનને હવે “બંધારણ હત્યા દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો હેતુ તે સમયના કઠોર અને વિવાદાસ્પદ નિર્ણયોની યાદને જીવંત રાખવાનો છે. આજે, 25 જૂને દેશભરમાં બંધારણ હત્યા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આ દરમિયાન NCERTએ ધોરણ નવના પાઠ્યપુસ્તકમાં ઇમર્જન્સી સંબંધિત એક નવો અધ્યાય ઉમેર્યો છે.
‘લોકશાહી માટે પડકાર’ નામના અધ્યાયમાં ઇમર્જન્સીની કથા
- પ્રથમ વખત ધોરણ નવના પાઠ્યપુસ્તકમાં ઇમર્જન્સી અંગે અલગ અધ્યાય ઉમેરવામાં આવ્યો છે. પુસ્તકમાં તેને ‘લોકશાહી માટે પડકાર’ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
- ભારતમાં ઇમરજન્સી લાગુ થયા પછી લગભગ પાંચ દાયકાઓ બાદ NCERTએ પ્રથમ વખત ધોરણ નવના અભ્યાસક્રમમાં આ વિષયને સ્થાન આપ્યું છે.
- નવા સામાજિક વિજ્ઞાનના પુસ્તક “Understanding Society: India and Beyond”**માં ઇમર્જન્સીને ભારતીય લોકશાહી સામે ઊભા થયેલા સૌથી મોટા પડકારોમાંથી એક ગણાવવામાં આવી છે, કારણ કે તે સમયગાળા દરમિયાન મોટા ભાગના મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા.
- NCERTના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે ધોરણ નવની પાઠ્યપુસ્તકમાં ઇમર્જન્સી અંગે અલગ અધ્યાય ઉમેરવાનો આ પ્રથમ પ્રસંગ છે. આ ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે દેશે તાજેતરમાં 1975ની ઇમર્જન્સીનાં 50 વર્ષ પૂર્ણ થયાની યાદગીરી મનાવી છે.

1975થી 1977 સુધી દેશમાં લાગુ હતી ઇમર્જન્સી
પુસ્તકમાં જણાવાયું છે કે દેશમાં લોકશાહી સામે ઊભા થયેલા મુખ્ય પડકારોમાંની એક 1975થી 1977 દરમિયાન લાગુ કરાયેલી ઇમર્જન્સી હતી. 1970ના દાયકાની શરૂઆતમાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો હતો. વધતી બેરોજગારી, મોંઘવારી અને કુશાસનના આક્ષેપોને કારણે વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા.
નાગરિકોની સ્વતંત્રતા પર નિયંત્રણ મુકાયું
પુસ્તક અનુસાર જૂન, 1975માં આંતરિક અશાંતિને આધારે રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવામાં આવી. આ દરમિયાન મોટા ભાગના મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા, પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી અને અનેક રાજકીય નેતાઓ તથા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. લોકશાહી સંસ્થાઓ પર ભારે દબાણ આવ્યું અને નાગરિકોની સ્વતંત્રતા મર્યાદિત થઈ ગઈ હતી.

