|
મન મૂઆ, માયા મુઈ, સંશય મુઆ શરીર, અવિનાશી જો ના મરે, તો ક્યોં મરે કબીર. |
જેને શસ્ત્રો છેદી શકતાં નથી, જેને અગ્નિ બાળી શકતો નથી, જેને વાયુ સૂકવી શકતો નથી, જેને પાણી ડુબાડી
શકતું નથી તેવા અજર આત્માનાં લક્ષણો ભગવત ગીતામાં વર્ણવ્યાં છે.
કબીરજી કહે છે કે, શરીર, મન અને તેની સાથે જોડાયેલ માયા-સંશય બધું નાશવંત છે પણ આત્મા અવિનાશી છે. કબીરજી આ સત્યનો ઉપદેશ આપતાં કહે છે કે, તેઓ કે આપણે સૌ અવિનાશી છીએ તો નશ્વર ચીજોનું આકર્ષણ શા માટે? તેના નાશનો ભય કે ચિંતા શું કામના ? આત્માનાં છ લક્ષણો શ્રીમદ્ રાજચંદ્રે વર્ણવ્યાં છે.

જેમને આત્મજ્ઞાન લાધે છે તેને માટે મુક્તિ સરળ છે. આવી વ્યક્તિને નથી ગ્લાનિ થતી કે નથી ચિંતા થતી. મનમાં જ્યારે ઇચ્છાનો પ્રવાહ થંભી જાય છે, વૈરાગ્ય ભાવ જાગે છે ત્યારે દેહની મમત ઓછી થાય છે.
આપણા સૂક્ષ્મ દેહની આભાના સ્પંદનો ફેલાતા રહે છે. બ્રહ્માંડના તેજો મંડળના ભાગરૂપ આત્મા પરમાત્માનો અંશ છે. આ સૌમાં સમાન છે, સર્વવ્યાપી છે અને શાશ્વત છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




