Home Blog Page 4928

ગુજરાત કોંગ્રેસમાં ભડકોઃ પાંચ ધારાસભ્યોએ આપ્યું રાજીનામું!

ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં બળવાની સ્થિતિ ઉભી થઈ છે. વિધાનસભા અધ્યક્ષે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં 4 ધારાસભ્યોએ 14 માર્ચે રાજીનામું આપ્યું છે તેમજ 1 ધારાસભ્યએ 15 માર્ચે.

રાજીનામું આપેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં પ્રવીણ મારુ, સોમા પટેલ, જે.વી. કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

રાજીનામાના દોર વચ્ચે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે. ગઈકાલે ધારાસભ્યોના રાજીનામાની વાતો વહેતી થતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું હતું કે, અપપ્રચારથી આઘા રહેજો. હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી…

પરેશ ધાનાણીના આ ટ્વિટનો જવાબ આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આજે વિધાનસભાના અધ્યક્ષને ટેગ કરી ટ્વિટ કર્યું કે,અસત્યથી આઘા રહેજો. કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં.

રિઝર્વ બેન્ક શું આજે મહત્વના વ્યાજદરોમાં કાપ મૂકશે?

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદ સંબોધવાના છે. બજારમાં એવી વાતો વહેતી થઈ છે કે વિશ્વની સેન્ટ્રલ બેન્કોને પગલે દેશની મધ્યસ્થ બેન્ક મહત્ત્વના વ્યાજદરોમાં વધુ એક કાપ મૂકશે. યુએસ ફેડરલ રિઝર્વ, બેન્ક ઓફ ન્યુ ઝીલેન્ડ અને બેન્ક ઓફ કોરિયાએ પણ મહત્ત્વના વ્યાજદરોમાં કાપ મૂક્યો છે, એને પગલે રિઝર્વ બેન્ક પણ વ્યાજકાપ કરે એવી શક્યતા છે.

સામાન્ય રીતે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC) દર બે મહિને વ્યાજદર વધારવા કે ઘટાડવા માટે બેઠક મળતી હોય છે, પરંતુ આ વખતે વ્યાજકાપ માટે MPCની બેઠકની જરૂર નથી, કેમ કે વૈશ્વિક બજારોમાં જે રીતે કોરોના વાઇરસની અસરે મંદી વ્યાપેલી છે, એ જોતાં અનેક દેશોની મધ્યસ્થ બેન્કોએ વ્યાજકાપની જાહેરાતો કરી છે, જેથી RBI પણ વ્યાજકાપ કરીને આ બેન્કો સાથે જોડાશે?

રિઝર્વ બેન્ક 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી શક્યતા

રિઝર્વ બેન્ક હવે મહત્ત્વના વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી સંભાવના છે. યુએસ ફેડરલ રિઝર્વ રવિવારે તેના ધિરાણદર ઝીરો કર્યા હતા, જ્યારે ન્યુ ઝીલેન્ડ અને બેન્ક ઓફ કોરિયાએ એને પગલે તેમના વ્યાજદરોમાં 75 બેઝિસ પોઇન્ટ અને 50 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો.

રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા બેઠક ત્રીજી એપ્રિલે

રિઝર્વ બેન્કની એમપીસીની ધિરાણ નીતિની આગામી  સમીક્ષા બેઠક ત્રીજી એપ્રિલે યોજાવાની છે, જેમાં પણ રિઝર્વ બેન્ક 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે એવી શક્યતા છે.

વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસને લીધે જે ગભરાટ ફેલાયો છે અને જે રીતે દિન-પ્રતિદિન તૂટી રહ્યાં છે, એ જોતાં રિઝર્વ બેન્ક પણ વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે.

 

 

 

 

અંગ્રેજી ભાષામાં પરફેક્ટ લખવામાં ટેક્નોલોજી શું મદદ કરી શકે છે?

શું તમારું અંગ્રેજી નબળું છે? નબળા અંગ્રેજીનાં કારણે તમને જીવનમાં જોઈએ તેવી સફળતા મળતી નથી? અંગ્રેજી કાચું હોવાથી લોકોમાં મશ્કરીને પાત્ર બનવાનો તમને સતત ડર રહે છે? જો તમારો જવાબ “હા… ભાઈ હા” હોય તો પણ તમારે સંકોચ રાખવાની જરાયે જરૂર નથી. કારણ એ છે કે પૃથ્વી ઉપર પથરાયેલા છ ખંડો ઉપરના ફાંકડું અંગ્રેજી જાણતા જે ૧૧૮ દેશો છે તેમાં વસતા મોટા ભાગના રહેવાસીઓ પણ આનો જવાબ “હા… ભાઈ હા”માં આપે તેવી અત્યારની પરિસ્થિતિ છે. એક અમેરિકન સંસ્થા દ્વારા આયોજિત સર્વેક્ષણના આંકડાએ હવે જગજાહેર કરી નાખ્યું છે કે અંગ્રેજી ભાષા ઉપર જોરદાર પક્કડ ધરાવતા લોકો પણ દરેક ૧૦૦ શબ્દો દીઠ ૧૦ થી ૨૦ જેટલા શબ્દોમાં અવશ્ય ભૂલ કરે છે.

અંગ્રેજી ભાષા ન આવડવાનો સંકોચ છોડવાની સાથે-સાથે સમયનો તકાજો એ પણ છે કે તેના પ્રત્યેનો ડર અને અણગમો છોડવાનો સમય હવે આપણી સૌ માટે આવી ગયો છે. ગ્લોબલાઇઝેશનનાં આજના સમયમાં કંપનીઓની સેલ્સ-સપોર્ટ ટીમ ગ્રાહકો સાથે ચેટ અને ઇમેઇલ  મારફતે ઓફર પ્રપોઝલ ક્વોટેશન મોકલે, હ્યુમન રિસોર્સ ટીમ ટોપ લેવલનાં એક્ઝિક્યુટિવ્સનાં જોબ ઓફર લેટર બનાવે, એકાઉન્ટ્સ તથા લીગલ ટીમ અનેક પ્રકારના રિપોર્ટ્સ અને એગ્રીમેન્ટ્સ બનાવે અને નાના-મોટા ડિપાર્ટમેન્ટ્સ બીજા જરૂરી કાગળો ડ્રાફ્ટ કરે; તે તમામ કામો કઈ ભાષામાં થાય છે તે આજકાલ કોને ખબર નથી?

રાજકોટ ખાતેની એક કંપનીમાં સીનીયર પોઝિશન ઉપર કામ કરતાં ભરત ભીમજીયાણીથી અંગ્રેજીમાં ખોટા વ્યાકરણ અને ખોટા શબ્દોનાં ઉપયોગ દ્વારા એક કવોટેશન મોકલાઈ ગયેલું. આ કારણે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ ઉપર શું અસર પડેલી તે જણાવતા ભરતભાઈ કહે છે કે “ભૂલ ભરેલા અંગ્રેજીમાં લખીને સરખું ચકાસ્યા વગર જ મેં પોતે એકવાર મારી કંપની વતી પત્ર-વ્યવહાર કરેલો તેનું સામી પાર્ટીએ અવળું અર્થઘટન કાઢીને અમને મોટા નુકસાનમાં નાખી દીધેલા. આ ઘટનાને કારણે અંગત પ્રતિષ્ઠાનું ધોવાણ, અપમાન ઉપરાંત પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ એમ તમામ તરફેથી મને મોટું નુકસાન થયેલું.”

આવી ભૂલો થાય જ નહી તેવો કોઈ ઉપાય ખરો? જી હા…. “Writing Assistant App” લખીને ગૂગલ કરો એટલે એકદમ પ્રોફેશનલ અંગ્રેજીમાં લખવાનાં રામબાણ ઈલાજ સમાન આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી આધારિત અનેક એપ્લિકેશન્સ તમારી માટે હાજર જોવા મળશે.

અંગ્રેજી લખવામાં આવી એપ્લિકેશન તમને કેવી-કેવી મદદ કરશે?

આ પ્રકારની એપ્લિકેશન્સ તમે અંગ્રેજી ભાષામાં જે લખાણ તૈયાર કર્યું હોય તેનું વ્યાકરણ અને સ્પેલિંગ સુધારવા, જરૂર હોય ત્યાં વિરામચિહ્નો મૂકી આપવા અને ઉપયોગમાં લેવાયેલા શબ્દો કરતા વધુ ધારદાર અસર ઉભી કરી શકે તેવા વૈકલ્પિક શબ્દો ગોઠવી આપવાનું એટલે કે કહી શકીએ કે તમારું લખાણ વધુ અસરકારક અને સ્પષ્ટ બનાવી આપવાનું કામ કરી આપે છે.  કેટલીક એપ્સ તો આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો આશ્ચર્યજનક ઉપયોગ કરીને પ્રેક્ટિકલ લાઈફમાં ખુબ જ ઉપયોગી થાય તેવા બીજા અનેક ફીચર્સ પણ ઓફર કરે છે.

તમારું લખાણ તમે આપણા દેશમાં વપરાતા બ્રિટીશ લઢણનાં અંગ્રેજીમાં લખ્યું હોય; પણ તમારે જો તેને અમેરિકન, કેનેડિયન કે ઓસ્ટ્રેલિયન પૈકી કોઈ અન્ય લઢણ મુજબ ફેરવી નાખવું હોય તો તમે તે આસાનીથી આવી એપનાં ઉપયોગથી કરી શકો છો. તમારાથી નરમ ભાષામાં લખાયેલી બાબત ખરેખર તો થોડી કડક ભાષામાં લખવી જોઈતી હતી તેવું તમને પાછળથી લાગે;  તો કરો એક ક્લિક અને “એન્ગ્રી” ટોન પસંદ કરી લો. તરત જ એપ તમારા લખાણમાંથી જે નરમાશનો ટોન છે તેની જગ્યાએ ગુસ્સાનો ટોન વરતાઈ આવે તેવી રીતનાં શબ્દો અને વાક્યરચનાનાં મુજબના સુધારાઓ  સૂચવવા લાગશે. આ રીતે તમે મિત્રતા, આદર, આત્મવિશ્વાસ, આનંદ, આશાવાદ, ચિંતા, દબાણ, ઉત્સાહ, અહંકાર, તટસ્થતા, દુઃખ, ગુસ્સો, જીજ્ઞાશા, ફોર્માલિટીનું સ્તર વિગેરે પ્રકારનાં બીજા અનેક ટોન તમારા લખાણમાં આ પ્રકારની એપ્સની મદદથી ઉમેરી શકો છો.

બિઝનેસ, એજ્યુકેશન, ટેક્નિકલ, સાહિત્ય-સર્જન અને સામાન્ય વાતચીત જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં ભાષાની ફ્લેવર પણ જુદી-જુદી હોય છે. દરેક ક્ષેત્ર માટે ભાષાની ઉપયોગમાં લેવાતી ફ્લેવરમાં શબ્દો, વાક્યરચના અને પદ્ધત્તિ જુદી-જુદી હોય છે. જાણીને તમને નવાઈ લાગશે પરંતુ; આવી એપ્સ તમને તમારું લખાણ ક્યા ક્ષેત્રને આધીન તૈયાર કરવાની ઈચ્છા છે તે પણ પૂછે છે અને તમે જે ક્ષેત્ર પસંદ કરો તે ક્ષેત્ર માટે યોગ્ય ગણાતા શબ્દો અને લઢણ મુજબના સુધારાઓ સૂચવવાનું શરુ કરી દે છે. તમે જો એપના અભિપ્રાય મંજુર રાખો તો તમારા લખાણને અનફિટ બનાવતા તમામ પાસાઓ પળભરમાં ગાયબ કરીને લખાણને એકદમ પ્રોફેશનલ ટચ આપવામાં તમને મદદ કરે છે.

દરેક એપ સંપૂર્ણ ચોક્કસાઈથી જ કામ આપે છે તેમ કહેવું હાલનાં તબક્કે ઘણું વહેલું હોવા છતાં માનવ મગજની અનેક મર્યાદાઓને ઓળંગી જાય તેટલી તાકાત તો તેમાં જરૂર જોવા મળે છે. જો “Writing Assistant App”ની કેટેગરીમાં મળતી એપ્લિકેશન વાપરીને નૈતિક રીતે તમે ખોટું કરતા હો તેવી લાગણી તમને થતી હોય તો અંગ્રેજી લેખન સુધારવા માટેનાં શિક્ષક તરીકે પણ તમે આવી એપ્સનો ઉપયોગ કરી શકો છો. તમને તમારા લેખનની આવડત અને ચોક્કસાઈનાં સ્કોર-કાર્ડ તૈયાર કરી આપે અને તમે ક્યાં નબળા છો તે ધ્યાન દોરે તેવી પણ ઘણી એપ્સ ઉપલબ્ધ છે. ક્યા શબ્દોનો ઉપયોગ વારંવાર થયો છે, શબ્દો અને વાક્યોને યોગ્ય રીતે જોડ્યાં છે કે નહીં, વાક્યની અને પેરેગ્રાફની લંબાઈ બરાબર છે કે નહીં, સમગ્ર લખાણમાં એકસૂત્રતા કેવીક છે, વાક્યો દ્વારા મતલબ ઉજાગર કરવાની ઝડપ કેટલી છે, ક્યા પેરેગ્રાફ સમજવામાં અઘરા લાગે છે, લેખન શૈલી યોગ્ય છે કે નહીં વિગેરે જેવા બીજા અનેક પેરામીટર એપ દ્વારા ચેક કરવામાં આવે છે. અને આ રીતે જે સ્કોર-કાર્ડ તૈયાર થાય છે તે તમારા લખાણમાં આટલી ભૂલો સુધારવા લાયક છે તેવી ચેતવણીની સાથે-સાથે તમને વધુ સારું લખવા માટેની પ્રેરણા પણ આપે છે.

“Writing Assistant App” માટે કઈ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે:

આ સદીની સૌથી ચર્ચાસ્પદ ટેક્નોલોજી જે ગણાય છે તે એટલે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ. લેન્ગવેજ સોલ્યુશન આપતી મોટા ભાગની એપ્સ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજીનો જયારે ભાષાઓને લગતા ક્ષેત્રોમાં ઉપયોગ કરવાનો થાય ત્યારે નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ (NLP), કોમ્પ્યુટેશનલ લિંગ્વિસ્ટીક, ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ, મશીન લર્નિંગ (ML), ડીપ લર્નિંગ (DL) અને ડેટા માઇનિંગ પૈકી કેટલીક આનુસંગિક ટેકનોલોજીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

લોકો પોતાની લાગણીઓ કેવા સંજોગોમાં ક્યા પ્રકારના ટોન અને શબ્દો સાથેની  ભાષાથી અભિવ્યક્ત કરે છે તેના ભાષાનાં નિયમાનુસાર સાચા લાખો-કરોડો ટાઈપ કરેલા લખાણોને એપની માસ્ટર ડેટાબેઝમાં દાખલ કરી દેવામાં આવે છે. આનાથી રચાતા એલ્ગોરિધમ દ્વારા તમારા લખાણની તપાસ કરવામાં આવે છે. અને ભાષાનાં નિયમોનું તમારા લખાણમાં ક્યાં ઉલ્લંઘન થયું છે તે પકડી પાડીને સાચું લખાણ કેવું હોવું જોઈએ તેનો કૃત્રિમ બુદ્ધિમત્તાથી ઉકેલ પણ આપી દેવામાં આવે છે.

સમયનાં અભાવે દુનિયાની ટોપ-મોસ્ટ કંપનીના એક્ઝિક્યુટિવસ પણ આજકાલ પોતાના લખાણને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા ખાસ સમય ફાળવવાનાં બદલે નિ:સંકોચ આવી એપ્લિકેશનસ વાપરતા થઇ ગયા છે. છેલ્લે મળતા આંકડાઓ અનુસાર જગતભરમાં અત્યારે ઉદ્યોગગૃહો, પ્રોફેશનલ્સ અને ખાનગી વપરાશકર્તાઓ થઈને ૬૯ લાખ કરતાં પણ વધુ  લોકો આવી એપ્સ રોજેરોજ વાપરી રહ્યા છે.

કઈ એપ તમને અનુકૂળ રહેશે?

તમારી માટે ક્યા પ્રકારનાં ફીચર્સ અગત્યનાં છે અને તે ફીચર્સ કઈ એપમાં ઉપલબ્ધ છે તે સૌપ્રથમ તો શોધી કાઢવું તમારી માટે પહેલું અને અગત્યનું પગથિયું છે. એકવાર એપ નક્કી થઇ જાય પછી આ એપ ક્યા પ્લેટફોર્મ ઉપર ચાલે તે રીતની છે તે સમજતાં તમને વાર નહીં લાગે. કેટલીક એપ તમારા કમ્પ્યુટર અથવા લેપટોપમાં સોફ્ટવેર એપ્લિકેશન સ્વરૂપે ઇન્સ્ટોલ થઇ શકે છે; કેટલીક વર્ડ-પ્રોસેસર્સ અને ઈમેઈલ ક્લાયન્ટમાં એડ-ઇન્સ તરીકે, કેટલીક બ્રાઉઝર્સના એક્સ્ટેન્શન તરીકે, કેટલીક એન્ડ્રોઇડ અથવા અન્ય મોબાઈલ પ્લેટફોર્મ ઉપર, તો કેટલીક એપ્લિકેશન્સ ક્રોસ-પ્લેટફોર્મ ઉપયોગ થઇ શકે તેવી સુવિધા સાથેની હોય છે. સામાન્ય રીતે ક્રોસ-પ્લેટફોર્મ એપ્લિકેશન પસંદ કરવી યુઝર્સ માટે વધુ અનુકૂળ રહે છે.

Grammarly અને ProWritingAid જેવી ખૂબ આગવું સ્થાન ધરાવતી એપ્લિકેશન્સ ઉપરાંત Hemingway, Ginger, WhiteSmoke, PaperRater, AutoCrit જેવી અનેક એપ્સ ઉપલબ્ધ છે. આ પૈકી માફક આવે તેવી કોઈપણ એક એપને પસંદ કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા અંગ્રેજી લખાણમાં તમારી ભૂલો શોધી – સુધારીને તમે તમારી અંગત અને તમારી કંપની બન્નેની શાખને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકો છો.

અંગ્રેજી ભાષાના અંદાજે અઢી લાખ શબ્દો પૈકી “ન્યૂ જનરલ સર્વિસ લિસ્ટ (NGSL)”નાં અભિપ્રાય મુજબ માત્ર ૨૮૦૦ શબ્દો જ અતિ ઉપયોગી છે. પરંતુ આપણે ગુજરાતીઓ માટે કદાચ આ પણ ઘણું વધારે પડતું કહેવાય!!! એટલે “પૂછતાં પંડિત થવાય” કહેવત અનુસાર “Writing Assistant” પ્રકારની અલગ-અલગ એપ્સનાં ટ્રાયલ વર્ઝન વારાફરતી ચકાસીને જે આપણી જરૂરીયાતો સાથે બંધબેસતી હોય તે એપ્લીકેશન ખરીદીને ઉપયોગ ચાલુ કરી જ દઈએ.

(પુનીત આચાર્ય-સોમપુરા)

અમદાવાદમાં શાળા અને મલ્ટીપ્લેક્ષ સૂના સૂના

અમદાવાદઃ કોરોના વાયરસે આખા વિશ્વમાં પોતાનો કહેર વરસાવ્યો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં લગભગ કોરોનાએ દેખા દીધી છે. યુરોપ અત્યારે કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. ઈટલીમાં પણ લોકો ભયમાં જીવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ કોરોના વાયરસ ભારત દેશમાં ન પ્રસરે તે માટેના પગલાં લેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે પણ સાવચેતીના પગલા રુપે જ્યાં વધારે લોકો એકઠા થતા હોય તેવી કેટલીક જગ્યાઓને 29 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં શાળા, કોલેજો, મોલ, મલ્ટીપ્લેક્સ, અને થિયેટરનો સમાવેશ થાય છે. આ સાથે જ ધાર્મિક, સામાજિક મેળાવડાથી પણ લોકોને દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. કોરોના સહિત કોઈપણ પ્રકારનો વાયરસ મહામારીનું કારણ ન બને તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.

જો કે ગુજરાતમાં હજીસુધી કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. આમ છતા પણ ગુજરાતમાં કોરોના વાયરસ માથુ ન ઉચકે તે માટેના જરુરી તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

SBI કાર્ડનો શેર ડિસ્કાઉન્ટ પર લિસ્ટઃ રોકાણકારો નિરાશ

અમદાવાદઃ SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સ સર્વિસિસના શેર 12.85 ટકાના ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા હતા. આ શેર મુંબઈ શેરબજાર પર શેરદીઠ રૂ. 658ની કિંમતે લિસ્ટ થયો હતો, જે શેરની ઇસ્યુ કિંમત રૂ. 755થી રૂ. 97 નીચે લિસ્ટ થયો હતો. જ્યારે એનએસઈ પર આ શેર રૂ. 661ની કિંમતે લિસ્ટ થયો હતો. જે ઇસ્યુ કિંમત કરતાં 12.45 ટકા નીચે હતો. આ શેરે એનએસઈ પર ઇન્ટ્રા-ડેમાં રૂ. 656નો લો બનાવ્યો હતો અને રૂ. 755નો હાઇ બનાવ્યો હતો. સવારે BSE પર આ શેરનું વોલ્યુમ 11.64 લાખ શેર્સ હતું, જ્યારે NSE પર આ શેરનું વોલ્યુમ 4.70 કરોડ કરતાં વધુ હતું.

છેલ્લાં પાંચ સેશનમાં સેન્સેક્સ 2000 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો

BSE સેન્સેક્સ છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશનમાં ત્રીજી વાર 2000 પોઇન્ટ કરતાં વધુ તૂટ્યો છે. હાલ એ 2,016.62 પોઇન્ટ અથવા 5.91 ટકા તૂટીને 32,086ના મથાળે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ 567.95 અતવા 5.71 ટકા તૂટીને 9,387.25ના મથાયે ટ્રેડ કરી રહ્યો છે.

રોકાણકારોનો IPOને બહોળો પ્રતિસાદ

એસબીઆઇ કાર્ડસના ઇસ્યુને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. વળી, આ ઇસ્યુ અંતિમ દિને 26.5 ગણો ભરાયો હતો. આ ઇસ્યુમાં શેરદીઠ કિંમત રૂ. 750-755 રાખવામાં આવી હતી.

 

બ્રેન ડેડ પુત્રના અંગોનું દાન કર્યું સુરતના પરિવારે

સુરતઃ શહેરમાં ઓડિયા સમાજના બ્રેનડેડ બિપીન રઘુ પ્રધાનના પરિવારે પોતાના દીકરાનું હ્યદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને જીવન બક્ષ્યું છે. સુરતથી મુંબઈનું 298 કિલોમીટરનું અંતર 100 મીનિટમાં કાપીને હ્યદયનું ટ્રાન્સપ્લાન્ટ 56 વર્ષીય મહિલામાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું.૯ માર્ચના રોજ બિપીન બપોરે ઘરે જમવા માટે આવ્યા ત્યારે શરીરમાં બેચેની લાગવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક કે.પી.સંઘવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા જમણી બાજુના મગજની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તા.૧૧ માર્ચના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે કિરણ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

બાદમાં ન્યૂરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. વિતરાગ શાહ, ડૉ. દર્શન ત્રિવેદી, ચીફ ઓપરેટીંગ ઓફિસર ડૉ. રુદ્રદત્તા શ્રોત્રીયાએ બિપીનને બ્રેનડેડ જાહેર કર્યો.

પ્રવાસી ઓડિયા સમાજના પ્રમુખ પ્રદીપ સાહુએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી બિપીનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રવાસી ઓડિયા સમાજના પ્રમુખ પ્રદીપ સાહુ અને કિરણ હોસ્પીટલના ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલની સાથે રહી બિપીનના પત્ની રેણુ, પુત્રો મુન્ના અને કુના, ભાણેજ રોહિતને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.

બિપીનના પરિવારજનોએ જણાવ્યું કે અમે ખુબ જ ગરીબ પરિવારના છીએ. જીવનમાં કોઈપણ વસ્તુનું અમે દાન કરી શકીએ તેમ નથી. અમારા પિતાજી આજે બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની, લિવર અને હૃદયના દાન માટે જણાવ્યું. હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતની હોસ્પીટલમાં O+ve બ્લડ ગ્રુપનું જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે SOTTO એ ROTTO નો સંપર્ક કર્યો. ROTTO મુંબઈ દ્વારા હૃદય મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને ફાળવવામાં આવ્યું.

મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ. અન્વય મુલે અને તેમની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું. જ્યારે કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું.

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ સુધીનું ૨૯૮ કિ.મીનું અંતર ૧0૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ૫૬ વર્ષીય મહિલામાં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહિલાને આઠ વર્ષથી હૃદયની તકલીફ હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તેના હૃદયનું પમ્પીંગ ૧૦ થી ૧૫ ટકા જેટલુ હતું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની ૪૬ વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ૫૦ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ હ્રદય પહોચાડવા માટે કિરણ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના ૧૭ કી.મી. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે  કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે કિરણ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૫૯ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, ભરૂચ પોલીસ, બરોડા ગ્રામ્ય પોલીસ, આણંદ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

તાઇવાને કઈ રીતે કોરોનાને કાબૂમાં રાખ્યો

તાઇવાન ચીનની નજીકનો દેશ છે અને વસતિ તથા સંસ્કૃત્તિની રીતે સૌથી ગાઢ રીતે સંકળાયેલો દેશ છે. ચીન તેને પોતાનો એક પ્રાંત જ ગણે છે અને તેને ચીન સાથે તેને ભેળવી દેવાની ઝુંબેશ ચાલે છે, પણ તાઇવાનના લોકો મચક આપતા નથી. બે દેશોની સરકારો વચ્ચે ઘર્ષણ વચ્ચે બંને દેશોના લોકોની આવનજાવન છુટથી ચાલતી રહે છે. તેના કારણે સવાલ એ થાય કે ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દક્ષિણ કોરિયાને પરેશાન કરવા લાગ્યો, પણ તાઇવાન કેવી રીતે સ્થિતિને કાબૂમાં રાખી શક્યું?

તાઇવાનની વાત કરતાં પહેલાં દક્ષિણ કોરિયાની વાત કરી લઈએ. દક્ષિણ કોરિયામાં બહુ નોંધપાત્ર રીતે કોરોના ફેલાયો હતો. એક પંથના કારણે ચેપ ફેલાયો હતો. પંથ અને સંપ્રદાયના લોકો એકબીજાને મળતા રહે અને એકબીજાના નીકટના સંપર્કમાં રહે તે આપણે ભારતના લોકો સારી રીતે સમજી શકીએ છીએ. આવો જ એક ખ્રિસ્તી પંથ દક્ષિણ કોરિયામાં છે અને તે ખાનગીમાં વધારે સક્રિય છે. આપણી જેમ સંપ્રદાયના ભવ્ય દેવળ હોય અને સૌ ત્યાં ખુલ્લામાં હળેમળે તેના બદલે ગુપ્ત રીતે અને ચૂપચાપ આ સંપ્રદાયના લોકો મળતા રહેતા છે.

તેના કારણે કોરોના બહુ ઝડપથી ફેલાઈ ગયો અને ફેલાયો ત્યાં સુધી ખબર પણ ના પડી. પ્રારંભમાં જેટલા ચેપના કેસ આવ્યા તેમાંથી અડધાથી વધુ શીન્ચેઓંજી ખ્રિસ્તી સંપ્રદાયના લોકોના હતા. ડાએગુ નામના શહેરમાં આ પંથનું દેવળ આવેલું છે ત્યાંથી ચેપ ઝડપથી ફેલાયો. દેવળમાં આવીને પ્રાર્થના કરનારા લોકોમાંથી કોઈ ચેપ લઈને આવ્યું હતું અને તેમની વચ્ચે તે ઝડપથી ફેલાઈ ગયો. બીજા વિસ્તારમાંથી પણ આ પંથના અનુયાયી ડાએગુના ચર્ચમાં આવતા રહે છે. તેના કારણે તેમને પણ ચેપ લાગ્યો અને તે લોકો ચેપ પોતાની સાથે જુદા જુદા વિસ્તારમાં લઈ ગયા.
પંથના લોકો વિચિત્ર માન્યતા ધરાવતા હોય છે અને બીમાર પડે તો દવા કરવાના બદલે પ્રાર્થના કરતા રહે. તેથી શરદી, ખાંસીની સમસ્યા વધી તે પછી પણ સારવાર લેવાઇ નહોતી. 61 વર્ષના એક વૃદ્ધાની તબિયત વધારે બગડી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યાં સુધીમાં મોડું થયું હતું, કેમ કે ચર્ચના ઘણા બધાને ચેપ લાગી ગયો હતો. તબિયત બગડી તે પછી પણ વૃદ્ધા હોસ્પિટલમાં દાખલ થઈને બધાથી અલગ રહેવા માગતા નહોતા.

કોરિયા સહિત ઘણા દેશોમાં આવી સમસ્યા થઈ છે. લોકો સહકાર ના આપે અને અમુક લક્ષણો દેખાય તે પછી પણ હોસ્પિટલ જઈને ચકાસણી ના કરાવે. દરમિયાન તેઓ બીજાને હળતામળતા રહે અને ચેપ ફેલાતો રહે. ઇટાલીમાં લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે, પણ તેનો અમલ કરવો લોકશાહી દેશમાં સહેલો હોતો નથી. ચીનની જેમ સજ્જડ રીતે આખું શહેર બંધ કરી દેવું શક્ય હોતું નથી.

સામાજિક પ્રસંગે લોકોને એકઠા થતા રોકવા પણ મુશ્કેલ હોય છે. વૃદ્ધાને ચેપ લાગ્યો તે પછી ચેપ બીજામાં ફેલાયો. પંથના સ્થાપકના ભાઈનું અવસાન જાન્યુઆરીના અંતમાં થયું હતું. તે પણ ચેપના કારણે થયાનું જ મનાય છે. સ્થાપક ગુરુના ભાઈનું અવસાન થયું તેના કારણે પંથના લોકો મોટા પ્રમાણમાં ભેગા થયા હતા. ત્રણ દિવસ સુધી ચેઓન્ગડા ગામમાં શોક મનાવાયો અને અનુયાયીઓ દૂર દૂરથી આવતા રહ્યા. આ ખરખરા અને બેસણાના કારણે પંથના લોકોમાં ચેપ વધુ ફેલાયો.

1980માં સ્થાપાયેલો આ પંથ શિન્ચેઓંજી ચર્ચ ઑફ જીઝસ તરીકે ઓળખાય છે. તેના અઢી લાખથી વધુ ભક્તો હોવાનું અનુમાન છે. તેના વિશે બહુ જાણવા મળતું નથી, કેમ કે તેના ભક્તો ખાનગીપણું રાખે છે. પોતે ભક્ત છે તે વાત પણ છુપાવતા હોય છે અને ખાનગીમાં ચર્ચમાં જઈ આવતા હોય છે. ચર્ચની સામે પહેલેથી રોષ હતો અને કોરોના પછી કોરિયાના લોકો કહી રહ્યા છે કે આવા ખાનગી પંથને બંધ કરાવી દો.

દક્ષિણ કોરિયા જેવું ના થાય તેની કાળજી તાઇવાને પ્રથમથી રાખી હતી. ડિસેમ્બરમાં જ કોરોના વાયરસનો અણસાર મળી ગયો હતો અને બહુ પ્રારંભથી તાઇવાને કાળજી લેવાનું શરૂ કર્યું હતું. હકીકતમાં ચીનની સરકાર થોડી બેદરકાર રહી હતી. વુહાન શહેરના ડૉક્ટરે શંકા વ્યક્ત કરી ત્યારે તેને જ પકડીને પૂરી દેવાયો હતો. બાદમાં તે ડૉક્ટરનું પણ અવસાન થયું.

હુબેઇ પ્રાંતમાં એક જ પ્રકારની બીમારીના કેસ અચાનક વધવા લાગ્યા ત્યારે તાઇવાનનું આરોગ્ય તંત્ર પોતાની રીતે સાવધાન થઈ ગયું હતું. સાર્સનો રોગચાળો ફેલાયો તે વખતથી મહામારી ફેલાતી રોકવા માટે અલગ વિભાગ તૈયાર કરાયો છે. નેશનલ હેલ્થ કમાન્ડ સેન્ટર માત્ર દેશમાં જ નહિ, વિદેશમાં પણ આરોગ્યના ટ્રેન્ડ પર સતત નજર રાખે છે.
ડિસેમ્બરમાં શંકા જાગી હતી અને જાન્યુઆરીની શરૂઆતમાં સ્પષ્ટ થઈ ગયું કે નવો વાયરસ છે અને ઝડપથી ફેલાશે. તેથી બીજા દેશોએ પ્રવાસ પર પ્રતિબંધો મૂક્યા તે પહેલાં જ તાઇવાને પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ચીન, હોંગકોંગ અને મકાઉના પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો. ત્યાંથી આવનારા લોકોની ચકાસણી કરવાનું પણ શરૂ કરી દીધું. વાયરસને પારખવા માટેની ટેસ્ટિંગ કિટ્સ તૈયાર રાખવામાં આવી. મોટા પાયે સર્જિકલ માસ્ક પણ આરોગ્ય કેન્દ્રોમાં પહોંચાડી દેવાયા. માસ્કની અછત ના થાય તે માટે તેની નિકાસ પણ જાન્યુઆરીમાં જ અટકાવી દેવાઈ હતી.

ચીનથી 132 દેશોમાં કોરોના ફેલાઇ ચૂક્યો છે અને ઈરાન, ઈટાલી અને દક્ષિણ કોરિયામાં તો મહામારી બની ગયો છે, પણ તાઇવાનમાં સામાન્ય સ્થિતિ જ રહી છે. ચીનમાં એક લાખ લોકોને ચેપ લાગ્યો ત્યારે તાઇવાનમાં 100 કરતાંય ઓછા કેસ જોવા મળ્યા હતા. તેનું કારણ એ કે જાન્યુઆરીથી જ સાવધાની રાખવામાં આવી હતી.
2002-2003માં સાર્સનો અનુભવ કામ આવ્યો. સાર્સ ફેલાયો ત્યારે ખ્યાલ આવ્યો કે વિદેશથી આવતા લોકો સાથે વાયરસ આવતો હોય છે. તેથી એરપોર્ટ, બંદર પર સ્ક્રિનિંગ માટેની સારી વ્યવસ્થા જરૂરી હોય છે. તાઇવાને ત્યારે સ્ક્રિનિંગ માટેની વ્યવસ્થા ઊભી કરી હતી. તે વ્યવસ્થાને વિખેરી રાખવાને બદલે સ્ટેન્ડ બાય જ રખાઈ હતી. તેને જાન્યુઆરીથી જ કામ લગાવી દેવાઈ. ચીનમાં તાઇવાનના લોકોના સગાવહાલા પણ હોય છે. તેથી આવનજાવન ચાલતી રહે છે. જાન્યુઆરીથી જ તાઇવાને સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું.

સ્ક્રિનિંગમાં થોડી પણ શંકા લાગે, તેમને સાવચેત કરી અન્યથી દૂર રહેવાની સલાહ અપાતી હતી. સાથે જ ઝડપી ટેસ્ટ કરીને વાયરસ છે કે નહિ તેની ચકાસણી થવા લાગી હતી. એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ થયું તેની પહેલાં ડિસેમ્બરમાં આવી ગયેલા લોકોનું શું? તાઇવાનના આરોગ્ય વિભાગે તેની પણ કાળજી લીધી. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ વિભાગ પાસેથી વિગતો મગાવી લેવાઇ કે છેલ્લા થોડા મહિનામાં કોણે કોણે વિદેશ પ્રવાસ કર્યો હતો. તેના આધારે એક અંદાજ લગાવાયો કે કયા લોકોને ચેપ લાગવાની શક્યતા છે. તેવા લોકોના ટેસ્ટ માટે ટીમોને રવાના કરી દેવાઈ. આ રીતે ડિસેમ્બર પણ પહેલાં જેમણે પ્રવાસ કર્યો હતો તેમના ટેસ્ટ કરી લેવાયા તેનાથી વાયરસ ફેલાયો નહિ.

તાઇવાન સરકારે એક એપ પણ તૈયાર કરી. વિદેશથી આવનાર વ્યક્તિએ તાઇવાનમાં દાખલ થતી વખતે એક ક્યુઆર કોડ સ્કેન કરવાનો. બાદમાં પોતાના શારીરિક લક્ષણો તેમાં નોંધવાના. ક્યાંથી પ્રવાસ કરીને આવ્યા વગેરે વિગતો પણ આપવાની. તે રીતે એક ડેટા બેન્ક તૈયાર થઈ શકે. સાથે જ લક્ષણોમાં કંઈક શંકાસ્પદ જણાય તો તેમને અલગથી મેસેજ મળે કે તમારે ચકાસણી કરાવવી. એ જ મેસેજ કસ્ટમ્સ અધિકારીઓને પણ મળે. તેના કારણે એરપોર્ટ કે બંદર પર કોને સામાન્ય સ્ક્રિનિંગથી પ્રવેશ આપવો અને કોનું ટેસ્ટિંગ કરાવવું તે ત્યાં જ નક્કી થઈ જાય.
આ રીતે લોકોને હેરાનગતિ ઓછી થાય અને પદ્ધતિસર સ્ક્રિનિંગ અને ટેસ્ટ થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી તેના કારણે નાગરિકોનો સહકાર પણ મળ્યો હતો. સાવધાની માટેના બીજા સૂચનો અપાયા તેનું પણ મોટા ભાગના નાગરિકોએ પાલન કર્યું તેના કારણે તાઇવાનમાં ચેપને વધારે ફેલાતો અટકાવી શકાયો છે.

તાઇવાન ટેક્નોલૉજીની બાબતમાં બહુ આગળ છે. દેશ નાનો છે, પણ સ્માર્ટફોનથી માંડીને આધુનિક ગેજેટ્સમાં તે બહુ આગળ છે. બાયોમેડિકલ અને મેડિકલ ઇક્વિપમેન્ટનું રિસર્ચ પણ સારી રીતે થાય છે. તેના કારણે એકથી વધુ જગ્યાએ નવા વાયરસ COVID-19નું પરિક્ષણ કરવા માટેના સેન્ટર પણ તૈયાર થઈ શક્યા હતા. ભારતમાં બધી જગ્યાએ આવી વ્યવસ્થા નથી અને નાના સેન્ટરમાં ટેસ્ટ કરવો મુશ્કેલ છે. જિલ્લા કક્ષાએ ટેસ્ટ થાય, તેના નમૂના ગાંધીનગર, હૈદરાબાદ જેવા સેન્ટરમાં મોકલવામાં આવે ત્યારે બીજા કે ત્રીજા દિવસે રિઝલ્ટ આવે. તાઇવાનમાં સેન્ટરો એવી રીતે તૈયાર થયા છે કે નમૂના બીજે ના મોકલવા પડે અને ઝડપથી રિઝલ્ટ આવે.

તાઇવાનના વિજ્ઞાનીઓ એવી ટેસ્ટ કિટ પર કામ કરી રહ્યા છે, જે ફક્ત 20 મિનિટમાં રિઝલ્ટ આપી શકે. એવી કિટ પણ તૈયાર કરવાની કોશિશ છે કે લોકો સ્વંય ટેસ્ટ કરી શકે. જે રીતે બ્લડ સ્યુગર માપવા માટે ઘર રાખવાની કિટ મળે છે તે રીતે ઘરે રાખી શકાય તેવી કિટ માટે સંશોધન શરૂ કરી દેવાયું છે. જોકે ત્યાં સુધીમાં કદાચ ચેપ કાબૂમાં આવી જશે, પણ આ તૈયારીઓ દર્શાવે છે કે નાનો દેશ હોવા છતાં તાઇવાન શા માટે આટલી પ્રગતિ કરી શક્યો છે.
ચીને પણ બહુ ઝડપથી કામગીરી કરી છે, પણ તોય પ્રારંભમાં મોડું થયું તેના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ચીન વિશાળ દેશ છે અને વસતિથી ઉભરાતા નગરોમાં રોગચાળો કાબૂ બહાર જઈ શકે છે. પરંતુ ચીનમાં સામ્યવાદી આપખુદ શાસન છે. લોકો પર શિસ્તનો કોરડો વિંઝી શકાય છે. લોકશાહી પદ્ધતિએ આટલી કડક રીતે લોકોને દબાવી દઈને રોગચાળો કાબૂમાં રાખવો મુશ્કેલ છે. તેથી જ ભારતે વધારે કાળજી લેવી જોઈએ, કેમ કે ચીન જેટલી ચૂસ્ત રીતે લોકોને ઘરમાં પૂરી શકાય નહિ.

ભારતે તાઇવાનમાંથી વધારે શીખ લેવી જોઈએ. તાઇવાન સરકારે કહ્યું છે કે પોતાની પદ્ધતિ વિશે તે બીજા દેશોને જાણકારી આપવા તૈયાર છે. જોકે તે માટે અલગથી પ્રક્રિયા કરવી પડે છે, કેમ કે ચીનની આડોડાઇ અહીં છે. ચીન તાઇવાન સામે આડે ચાલે છે. ચીન દાદાગીરી કરીને તાઇવાનને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્ય થવા દેતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થામાં તાઇવાન સભ્ય નથી, પણ પ્રેક્ટિકલી તેનાથી બહુ ફરક પડતો નથી. તાઇવાનનો અનુભવ વિશ્વ આરોગ્ય સંસ્થા પોતાની રીતે બીજા દેશોને પણ જણાવી શકે છે, તાઇવાન પાસેથી સીધી રીતે પણ જાણી શકાય છે.

મધ્ય પ્રદેશનું સંકટ સુપ્રીમ તરફઃ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહી કોરોના વાઇરસને કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેથી મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે હાલપૂરતી રાહત મળી છે.  વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ કહ્યું હતું કે પ્રદેશના સ્વાસ્થ્યની પણ ચિંતા છે. વિધાનસભ્યો જ્યારે આવશે તો તેમને સેનિટાઇઝર અને માસ્ક પણ આપવામાં આવશે. મુખ્ય પ્રધાન કમલનાથ સરકારની પણ ઇચ્છા એવી જ હતી કે ફ્લોર ટેસ્ટ કોઈ પણ રીતે ટાળવામાં આવે, જેથી તેમને સંખ્યાબળ ભેગું કરવામાં વધુ સમય મળી જાય.

રાજ્યપાલે આપ્યું એક મિનિટનું ભાષણ

 

વિધાનસભામાં રાજ્યપાલ લાલજી ટંડનના ભાષણના પ્રારંભમાં જ ગરમાગરમી થઈ હતી. ભાજપ તરફથી નરોત્તમ મિશ્રાએ રાજ્યપાલને કહ્યું હતું કે જે સરકાર અલ્પમતમાં છે, શું રાજ્યપાલ એ સરકારની પ્રશંસા કરી રહ્યા છે, તેમ છતાં લાલજી ટંડને ભાષણ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તેમનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યો મધ્ય પ્રદેશના ગૌરવનું રક્ષણ કરે અને બંધારણના નિયમોનું પાલન કરે.

કમલનાથે કહ્યું આવો ફ્લોર ટેસ્ટ અલોકતાંત્રિક

વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યપાલને એક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યોને બંધક બનાવી લીધા છે. તેઓ એ કોંગ્રેસી વિધાનસભ્યોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેઓ હાલ બેંગલુરુમાં છે. તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ કરવાનો ગેરબંધારણીય છે.

કોંગ્રેસ-ભાજપની વાડાબંધી

કોંગ્રેસે પોતાના વિધાનસભ્યોને જયપુરમાં રાખ્યા હતા અને રવિવારે આ વિધાનસભ્યોને ભોપાલ લાવવામાં આવ્યા હતા. તેમને હોટેલ મેરિયટમાં રાખવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાજપ તેમના વિધાનસભ્યોને રવિવારે મોડી રાત્રે ભોપાલ લાવ્યો હતો અને તેમને આમેર ગ્રીન હોટેલમાં રાખ્યા હતા.

 

કોરોના દિલ્હીથી ઓરિસ્સા સુધી કેવી રીતે પહોંચ્યો?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. હવે પૂર્વી રાજ્ય ઓડિશામાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઈટલીથી પાછા આવેલા એક યુવકમાં કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો મળી આવ્યા છે, બાદમાં તેને ભુવનેશ્વરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. ઓડિશામાં કોરોના વાયરસનો આ પ્રથમ કેસ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવક ઇટલીથી પાછો આવ્યો હતો અને તેમને નવી દિલ્હીમાં થોડાંક દિવસ નજરમાં રાખ્યા હતા. એ સમયે તેમાં કોરોના વાયરસના કોઇ લક્ષણ દેખાયા નહીં આથી તેને ભુવનેશ્વર જવા દીધો.

યુવકે નવી દિલ્હીથી ભુવનેશ્વર સુધી ટ્રેનથી યાત્રા કરી અને 12મી માર્ચના રોજ ઓરિસ્સાની રાજધાની પહોંચ્યો. પરંતુ 13મી માર્ચના રોજ તેને કેટલાંક લક્ષણો દેખાવાનું શરૂ થયા ત્યારબાદ 14મી માર્ચના રોજ તે ચેકઅપ કરાવા પહોંચ્યો અને તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો.

રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના મતે રવિવારના રોજ રાત્રે જ્યારે તેનો રિપોર્ટ સામે આવ્યો તો કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણ દેખાયા. હવે રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાજ્ય સરકાર વ્યક્તિના ટ્રાવેલની સંપૂર્ણ ડિટેલ એકત્ર કરી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે વધારે પ્રભાવિત દેશો પૈકીનો એક દેશ ઈરાન પણ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ભારતીયો ફસાયા હતા અને થોડા દિવસ પહેલા તો ગુજરાતી જૈન પરિવારના એક ભાઈએ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને અમિત શાહ અને વડાપ્રધાન મોદી પાસેથી મદદની અપીલ પણ કરી હતી.

31 વર્ષના યુવક ભુવનેશ્વરના જ બરગાહ વિસ્તારના રહેવાસી છે. તેઓ ઇટલીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો, સાથો સાથ એક પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે. અત્યારે ડૉકટર્સનું કહેવું છે કે યુવકની સ્થિતિ સ્થિર છે. યુવકની બહેરને આરોપ મૂકયો છે કે ડૉકટર્સે તેના ભાઇના અલગ-અલગ રિપોર્ટના લીધે ગડબડી ઉભી કરી દીધી છે. બહેને આરોપ મૂકયો છે કે રાત્રે નવ વાગ્યે ડૉકટરે કહ્યું કે ટેસ્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ રાત્રે 12 વાગ્યે કહ્યું કે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના ઈફેક્ટઃ ઈરાનથી 53 ભારતીયોને પાછા લવાયા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વધારે પ્રભાવિત દેશો પૈકીનો એક દેશ ઈરાન પણ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ભારતીયો ફસાયા હતા અને થોડા દિવસ પહેલા તો ગુજરાતી જૈન પરિવારના એક ભાઈએ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને અમિત શાહ અને વડાપ્રધાન મોદી પાસેથી મદદની અપીલ પણ કરી હતી.

ત્યારે ઈરાનથી હવે 53 જેટલા ભારતીયોને એરલીફ્ટ કરીને ભારત લાવવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 389 જેટલા ભારતીયોને ઈરાન લાવવામાં આવ્યા છે. આ 53 સદસ્યોના ગ્રૂપમાં 52 સ્ટુડન્ટ્સ અને 1 ટીચર છે. આ લોકોને એરલાઈન્સના ખાસ વિમાનના માધ્યમથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી આવેલા આ 53 ભારતીયોની ફ્લાઈટ મોડી રાત્રે 3.10 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

ભારતના વિદેશ મંત્રી ડો.જયશંકરે ઈરાનથી 53 ભારતીયોને એરલિફ્ટ કરાયાની માહિતી ટ્વિટ કરીને આપી હતી. વિદેશ મંત્રીએ પોતાની ટ્વિટમાં ભારતીયોનું ચોથુ ગ્રુપ ઈરાનના તહેરાન અને શિરાજથી ભારત પરત પહોંચી ચૂક્યું છે. જેમાં કુલ 53 લોકમાંથી 52 વિદ્યાર્થીઓ છે. અત્યાર સુધી કુલ 389 ભારતીયોને ઈરાનથી પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ ઈરાનમાં રહેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓના પ્રયાસો માટે આભાર માન્યો હતો.

ઈરાન બાદ સવારે 4.30 કલાકે યુરોપીય દેશોમાં ફસાયેલા ભારતીયોના 44 સદસ્યોનો ગ્રૂપને એમ્સ્ટર્ડેમથી KLM DUTCH એરલાઈન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. એરપોર્ટથી તેઓને કડક સુરક્ષામાં છતરપુર સ્થિત આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.