બ્રેન ડેડ પુત્રના અંગોનું દાન કર્યું સુરતના પરિવારે

સુરતઃ શહેરમાં ઓડિયા સમાજના બ્રેનડેડ બિપીન રઘુ પ્રધાનના પરિવારે પોતાના દીકરાનું હ્યદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને જીવન બક્ષ્યું છે. સુરતથી મુંબઈનું 298 કિલોમીટરનું અંતર 100 મીનિટમાં કાપીને હ્યદયનું ટ્રાન્સપ્લાન્ટ 56 વર્ષીય મહિલામાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું.૯ માર્ચના રોજ બિપીન બપોરે ઘરે જમવા માટે આવ્યા ત્યારે શરીરમાં બેચેની લાગવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક કે.પી.સંઘવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા જમણી બાજુના મગજની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તા.૧૧ માર્ચના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે કિરણ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

બાદમાં ન્યૂરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. વિતરાગ શાહ, ડૉ. દર્શન ત્રિવેદી, ચીફ ઓપરેટીંગ ઓફિસર ડૉ. રુદ્રદત્તા શ્રોત્રીયાએ બિપીનને બ્રેનડેડ જાહેર કર્યો.

પ્રવાસી ઓડિયા સમાજના પ્રમુખ પ્રદીપ સાહુએ સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી બિપીનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રવાસી ઓડિયા સમાજના પ્રમુખ પ્રદીપ સાહુ અને કિરણ હોસ્પીટલના ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલની સાથે રહી બિપીનના પત્ની રેણુ, પુત્રો મુન્ના અને કુના, ભાણેજ રોહિતને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.

બિપીનના પરિવારજનોએ જણાવ્યું કે અમે ખુબ જ ગરીબ પરિવારના છીએ. જીવનમાં કોઈપણ વસ્તુનું અમે દાન કરી શકીએ તેમ નથી. અમારા પિતાજી આજે બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની, લિવર અને હૃદયના દાન માટે જણાવ્યું. હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતની હોસ્પીટલમાં O+ve બ્લડ ગ્રુપનું જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે SOTTO એ ROTTO નો સંપર્ક કર્યો. ROTTO મુંબઈ દ્વારા હૃદય મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને ફાળવવામાં આવ્યું.

મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ. અન્વય મુલે અને તેમની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું. જ્યારે કિડની અને લિવરનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું.

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ સુધીનું ૨૯૮ કિ.મીનું અંતર ૧0૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ૫૬ વર્ષીય મહિલામાં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહિલાને આઠ વર્ષથી હૃદયની તકલીફ હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તેના હૃદયનું પમ્પીંગ ૧૦ થી ૧૫ ટકા જેટલુ હતું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની ૪૬ વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ૫૦ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ હ્રદય પહોચાડવા માટે કિરણ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના ૧૭ કી.મી. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે  કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે કિરણ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૫૯ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, ભરૂચ પોલીસ, બરોડા ગ્રામ્ય પોલીસ, આણંદ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો.