તાઇવાને કઈ રીતે કોરોનાને કાબૂમાં રાખ્યો

તાઇવાન ચીનની નજીકનો દેશ છે અને વસતિ તથા સંસ્કૃત્તિની રીતે સૌથી ગાઢ રીતે સંકળાયેલો દેશ છે. ચીન તેને પોતાનો એક પ્રાંત જ ગણે છે અને તેને ચીન સાથે તેને ભેળવી દેવાની ઝુંબેશ ચાલે છે, પણ તાઇવાનના લોકો મચક આપતા નથી. બે દેશોની સરકારો વચ્ચે ઘર્ષણ વચ્ચે બંને દેશોના લોકોની આવનજાવન છુટથી ચાલતી રહે છે. તેના કારણે સવાલ એ થાય કે ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દક્ષિણ કોરિયાને પરેશાન કરવા લાગ્યો, પણ તાઇવાન કેવી રીતે સ્થિતિને કાબૂમાં રાખી શક્યું?

તાઇવાનની વાત કરતાં પહેલાં દક્ષિણ કોરિયાની વાત કરી લઈએ. દક્ષિણ કોરિયામાં બહુ નોંધપાત્ર રીતે કોરોના ફેલાયો હતો. એક પંથના કારણે ચેપ ફેલાયો હતો. પંથ અને સંપ્રદાયના લોકો એકબીજાને મળતા રહે અને એકબીજાના નીકટના સંપર્કમાં રહે તે આપણે ભારતના લોકો સારી રીતે સમજી શકીએ છીએ. આવો જ એક ખ્રિસ્તી પંથ દક્ષિણ કોરિયામાં છે અને તે ખાનગીમાં વધારે સક્રિય છે. આપણી જેમ સંપ્રદાયના ભવ્ય દેવળ હોય અને સૌ ત્યાં ખુલ્લામાં હળેમળે તેના બદલે ગુપ્ત રીતે અને ચૂપચાપ આ સંપ્રદાયના લોકો મળતા રહેતા છે.

તેના કારણે કોરોના બહુ ઝડપથી ફેલાઈ ગયો અને ફેલાયો ત્યાં સુધી ખબર પણ ના પડી. પ્રારંભમાં જેટલા ચેપના કેસ આવ્યા તેમાંથી અડધાથી વધુ શીન્ચેઓંજી ખ્રિસ્તી સંપ્રદાયના લોકોના હતા. ડાએગુ નામના શહેરમાં આ પંથનું દેવળ આવેલું છે ત્યાંથી ચેપ ઝડપથી ફેલાયો. દેવળમાં આવીને પ્રાર્થના કરનારા લોકોમાંથી કોઈ ચેપ લઈને આવ્યું હતું અને તેમની વચ્ચે તે ઝડપથી ફેલાઈ ગયો. બીજા વિસ્તારમાંથી પણ આ પંથના અનુયાયી ડાએગુના ચર્ચમાં આવતા રહે છે. તેના કારણે તેમને પણ ચેપ લાગ્યો અને તે લોકો ચેપ પોતાની સાથે જુદા જુદા વિસ્તારમાં લઈ ગયા.
પંથના લોકો વિચિત્ર માન્યતા ધરાવતા હોય છે અને બીમાર પડે તો દવા કરવાના બદલે પ્રાર્થના કરતા રહે. તેથી શરદી, ખાંસીની સમસ્યા વધી તે પછી પણ સારવાર લેવાઇ નહોતી. 61 વર્ષના એક વૃદ્ધાની તબિયત વધારે બગડી ત્યારે ખ્યાલ આવ્યો કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યાં સુધીમાં મોડું થયું હતું, કેમ કે ચર્ચના ઘણા બધાને ચેપ લાગી ગયો હતો. તબિયત બગડી તે પછી પણ વૃદ્ધા હોસ્પિટલમાં દાખલ થઈને બધાથી અલગ રહેવા માગતા નહોતા.

કોરિયા સહિત ઘણા દેશોમાં આવી સમસ્યા થઈ છે. લોકો સહકાર ના આપે અને અમુક લક્ષણો દેખાય તે પછી પણ હોસ્પિટલ જઈને ચકાસણી ના કરાવે. દરમિયાન તેઓ બીજાને હળતામળતા રહે અને ચેપ ફેલાતો રહે. ઇટાલીમાં લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે, પણ તેનો અમલ કરવો લોકશાહી દેશમાં સહેલો હોતો નથી. ચીનની જેમ સજ્જડ રીતે આખું શહેર બંધ કરી દેવું શક્ય હોતું નથી.

સામાજિક પ્રસંગે લોકોને એકઠા થતા રોકવા પણ મુશ્કેલ હોય છે. વૃદ્ધાને ચેપ લાગ્યો તે પછી ચેપ બીજામાં ફેલાયો. પંથના સ્થાપકના ભાઈનું અવસાન જાન્યુઆરીના અંતમાં થયું હતું. તે પણ ચેપના કારણે થયાનું જ મનાય છે. સ્થાપક ગુરુના ભાઈનું અવસાન થયું તેના કારણે પંથના લોકો મોટા પ્રમાણમાં ભેગા થયા હતા. ત્રણ દિવસ સુધી ચેઓન્ગડા ગામમાં શોક મનાવાયો અને અનુયાયીઓ દૂર દૂરથી આવતા રહ્યા. આ ખરખરા અને બેસણાના કારણે પંથના લોકોમાં ચેપ વધુ ફેલાયો.

1980માં સ્થાપાયેલો આ પંથ શિન્ચેઓંજી ચર્ચ ઑફ જીઝસ તરીકે ઓળખાય છે. તેના અઢી લાખથી વધુ ભક્તો હોવાનું અનુમાન છે. તેના વિશે બહુ જાણવા મળતું નથી, કેમ કે તેના ભક્તો ખાનગીપણું રાખે છે. પોતે ભક્ત છે તે વાત પણ છુપાવતા હોય છે અને ખાનગીમાં ચર્ચમાં જઈ આવતા હોય છે. ચર્ચની સામે પહેલેથી રોષ હતો અને કોરોના પછી કોરિયાના લોકો કહી રહ્યા છે કે આવા ખાનગી પંથને બંધ કરાવી દો.

દક્ષિણ કોરિયા જેવું ના થાય તેની કાળજી તાઇવાને પ્રથમથી રાખી હતી. ડિસેમ્બરમાં જ કોરોના વાયરસનો અણસાર મળી ગયો હતો અને બહુ પ્રારંભથી તાઇવાને કાળજી લેવાનું શરૂ કર્યું હતું. હકીકતમાં ચીનની સરકાર થોડી બેદરકાર રહી હતી. વુહાન શહેરના ડૉક્ટરે શંકા વ્યક્ત કરી ત્યારે તેને જ પકડીને પૂરી દેવાયો હતો. બાદમાં તે ડૉક્ટરનું પણ અવસાન થયું.

હુબેઇ પ્રાંતમાં એક જ પ્રકારની બીમારીના કેસ અચાનક વધવા લાગ્યા ત્યારે તાઇવાનનું આરોગ્ય તંત્ર પોતાની રીતે સાવધાન થઈ ગયું હતું. સાર્સનો રોગચાળો ફેલાયો તે વખતથી મહામારી ફેલાતી રોકવા માટે અલગ વિભાગ તૈયાર કરાયો છે. નેશનલ હેલ્થ કમાન્ડ સેન્ટર માત્ર દેશમાં જ નહિ, વિદેશમાં પણ આરોગ્યના ટ્રેન્ડ પર સતત નજર રાખે છે.
ડિસેમ્બરમાં શંકા જાગી હતી અને જાન્યુઆરીની શરૂઆતમાં સ્પષ્ટ થઈ ગયું કે નવો વાયરસ છે અને ઝડપથી ફેલાશે. તેથી બીજા દેશોએ પ્રવાસ પર પ્રતિબંધો મૂક્યા તે પહેલાં જ તાઇવાને પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ચીન, હોંગકોંગ અને મકાઉના પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો. ત્યાંથી આવનારા લોકોની ચકાસણી કરવાનું પણ શરૂ કરી દીધું. વાયરસને પારખવા માટેની ટેસ્ટિંગ કિટ્સ તૈયાર રાખવામાં આવી. મોટા પાયે સર્જિકલ માસ્ક પણ આરોગ્ય કેન્દ્રોમાં પહોંચાડી દેવાયા. માસ્કની અછત ના થાય તે માટે તેની નિકાસ પણ જાન્યુઆરીમાં જ અટકાવી દેવાઈ હતી.

ચીનથી 132 દેશોમાં કોરોના ફેલાઇ ચૂક્યો છે અને ઈરાન, ઈટાલી અને દક્ષિણ કોરિયામાં તો મહામારી બની ગયો છે, પણ તાઇવાનમાં સામાન્ય સ્થિતિ જ રહી છે. ચીનમાં એક લાખ લોકોને ચેપ લાગ્યો ત્યારે તાઇવાનમાં 100 કરતાંય ઓછા કેસ જોવા મળ્યા હતા. તેનું કારણ એ કે જાન્યુઆરીથી જ સાવધાની રાખવામાં આવી હતી.
2002-2003માં સાર્સનો અનુભવ કામ આવ્યો. સાર્સ ફેલાયો ત્યારે ખ્યાલ આવ્યો કે વિદેશથી આવતા લોકો સાથે વાયરસ આવતો હોય છે. તેથી એરપોર્ટ, બંદર પર સ્ક્રિનિંગ માટેની સારી વ્યવસ્થા જરૂરી હોય છે. તાઇવાને ત્યારે સ્ક્રિનિંગ માટેની વ્યવસ્થા ઊભી કરી હતી. તે વ્યવસ્થાને વિખેરી રાખવાને બદલે સ્ટેન્ડ બાય જ રખાઈ હતી. તેને જાન્યુઆરીથી જ કામ લગાવી દેવાઈ. ચીનમાં તાઇવાનના લોકોના સગાવહાલા પણ હોય છે. તેથી આવનજાવન ચાલતી રહે છે. જાન્યુઆરીથી જ તાઇવાને સ્ક્રિનિંગ શરૂ કરી દીધું હતું.

સ્ક્રિનિંગમાં થોડી પણ શંકા લાગે, તેમને સાવચેત કરી અન્યથી દૂર રહેવાની સલાહ અપાતી હતી. સાથે જ ઝડપી ટેસ્ટ કરીને વાયરસ છે કે નહિ તેની ચકાસણી થવા લાગી હતી. એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ થયું તેની પહેલાં ડિસેમ્બરમાં આવી ગયેલા લોકોનું શું? તાઇવાનના આરોગ્ય વિભાગે તેની પણ કાળજી લીધી. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ વિભાગ પાસેથી વિગતો મગાવી લેવાઇ કે છેલ્લા થોડા મહિનામાં કોણે કોણે વિદેશ પ્રવાસ કર્યો હતો. તેના આધારે એક અંદાજ લગાવાયો કે કયા લોકોને ચેપ લાગવાની શક્યતા છે. તેવા લોકોના ટેસ્ટ માટે ટીમોને રવાના કરી દેવાઈ. આ રીતે ડિસેમ્બર પણ પહેલાં જેમણે પ્રવાસ કર્યો હતો તેમના ટેસ્ટ કરી લેવાયા તેનાથી વાયરસ ફેલાયો નહિ.

તાઇવાન સરકારે એક એપ પણ તૈયાર કરી. વિદેશથી આવનાર વ્યક્તિએ તાઇવાનમાં દાખલ થતી વખતે એક ક્યુઆર કોડ સ્કેન કરવાનો. બાદમાં પોતાના શારીરિક લક્ષણો તેમાં નોંધવાના. ક્યાંથી પ્રવાસ કરીને આવ્યા વગેરે વિગતો પણ આપવાની. તે રીતે એક ડેટા બેન્ક તૈયાર થઈ શકે. સાથે જ લક્ષણોમાં કંઈક શંકાસ્પદ જણાય તો તેમને અલગથી મેસેજ મળે કે તમારે ચકાસણી કરાવવી. એ જ મેસેજ કસ્ટમ્સ અધિકારીઓને પણ મળે. તેના કારણે એરપોર્ટ કે બંદર પર કોને સામાન્ય સ્ક્રિનિંગથી પ્રવેશ આપવો અને કોનું ટેસ્ટિંગ કરાવવું તે ત્યાં જ નક્કી થઈ જાય.
આ રીતે લોકોને હેરાનગતિ ઓછી થાય અને પદ્ધતિસર સ્ક્રિનિંગ અને ટેસ્ટ થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી તેના કારણે નાગરિકોનો સહકાર પણ મળ્યો હતો. સાવધાની માટેના બીજા સૂચનો અપાયા તેનું પણ મોટા ભાગના નાગરિકોએ પાલન કર્યું તેના કારણે તાઇવાનમાં ચેપને વધારે ફેલાતો અટકાવી શકાયો છે.

તાઇવાન ટેક્નોલૉજીની બાબતમાં બહુ આગળ છે. દેશ નાનો છે, પણ સ્માર્ટફોનથી માંડીને આધુનિક ગેજેટ્સમાં તે બહુ આગળ છે. બાયોમેડિકલ અને મેડિકલ ઇક્વિપમેન્ટનું રિસર્ચ પણ સારી રીતે થાય છે. તેના કારણે એકથી વધુ જગ્યાએ નવા વાયરસ COVID-19નું પરિક્ષણ કરવા માટેના સેન્ટર પણ તૈયાર થઈ શક્યા હતા. ભારતમાં બધી જગ્યાએ આવી વ્યવસ્થા નથી અને નાના સેન્ટરમાં ટેસ્ટ કરવો મુશ્કેલ છે. જિલ્લા કક્ષાએ ટેસ્ટ થાય, તેના નમૂના ગાંધીનગર, હૈદરાબાદ જેવા સેન્ટરમાં મોકલવામાં આવે ત્યારે બીજા કે ત્રીજા દિવસે રિઝલ્ટ આવે. તાઇવાનમાં સેન્ટરો એવી રીતે તૈયાર થયા છે કે નમૂના બીજે ના મોકલવા પડે અને ઝડપથી રિઝલ્ટ આવે.

તાઇવાનના વિજ્ઞાનીઓ એવી ટેસ્ટ કિટ પર કામ કરી રહ્યા છે, જે ફક્ત 20 મિનિટમાં રિઝલ્ટ આપી શકે. એવી કિટ પણ તૈયાર કરવાની કોશિશ છે કે લોકો સ્વંય ટેસ્ટ કરી શકે. જે રીતે બ્લડ સ્યુગર માપવા માટે ઘર રાખવાની કિટ મળે છે તે રીતે ઘરે રાખી શકાય તેવી કિટ માટે સંશોધન શરૂ કરી દેવાયું છે. જોકે ત્યાં સુધીમાં કદાચ ચેપ કાબૂમાં આવી જશે, પણ આ તૈયારીઓ દર્શાવે છે કે નાનો દેશ હોવા છતાં તાઇવાન શા માટે આટલી પ્રગતિ કરી શક્યો છે.
ચીને પણ બહુ ઝડપથી કામગીરી કરી છે, પણ તોય પ્રારંભમાં મોડું થયું તેના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ચીન વિશાળ દેશ છે અને વસતિથી ઉભરાતા નગરોમાં રોગચાળો કાબૂ બહાર જઈ શકે છે. પરંતુ ચીનમાં સામ્યવાદી આપખુદ શાસન છે. લોકો પર શિસ્તનો કોરડો વિંઝી શકાય છે. લોકશાહી પદ્ધતિએ આટલી કડક રીતે લોકોને દબાવી દઈને રોગચાળો કાબૂમાં રાખવો મુશ્કેલ છે. તેથી જ ભારતે વધારે કાળજી લેવી જોઈએ, કેમ કે ચીન જેટલી ચૂસ્ત રીતે લોકોને ઘરમાં પૂરી શકાય નહિ.

ભારતે તાઇવાનમાંથી વધારે શીખ લેવી જોઈએ. તાઇવાન સરકારે કહ્યું છે કે પોતાની પદ્ધતિ વિશે તે બીજા દેશોને જાણકારી આપવા તૈયાર છે. જોકે તે માટે અલગથી પ્રક્રિયા કરવી પડે છે, કેમ કે ચીનની આડોડાઇ અહીં છે. ચીન તાઇવાન સામે આડે ચાલે છે. ચીન દાદાગીરી કરીને તાઇવાનને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્ય થવા દેતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થામાં તાઇવાન સભ્ય નથી, પણ પ્રેક્ટિકલી તેનાથી બહુ ફરક પડતો નથી. તાઇવાનનો અનુભવ વિશ્વ આરોગ્ય સંસ્થા પોતાની રીતે બીજા દેશોને પણ જણાવી શકે છે, તાઇવાન પાસેથી સીધી રીતે પણ જાણી શકાય છે.