Home Blog Page 4917

ભારતમાં કોરોનાનો આંકડો 185 પર પહોંચ્યોઃ 5 લોકોના મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના 22 નવા કેસો સામે આવ્યા બાદ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 195 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આમાંથી 32 જેટલા વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. મંત્રાલય અનુસાર, દેશમાં કોવિડ-19 અત્યારે 171 કેસ છે. આ સિવાય 20 લોકો એ છે કે જે સાજા થઈ ગયા છે અને જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે કુલ પાંચ લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી એક વિદેશી સહિત 17 દર્દીઓની પુષ્ટી થઈ છે. તો ઉત્તર પ્રદેશમાં પણ એક વિદેશી સહિત કુલ 19 કેસો સામે આવ્યા છે.

  1. પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે. તાજેતરમાં જ બ્રિટનની યાત્રા પર ગયેલો આ વ્યક્તિ રાજ્યમાં કોરોના વાયરસનો બીજો દર્દી છે.
  2. તાજેતરમાં બ્રિટનથી પાછી આવેલી મોહાલીની 69 વર્ષની મહિલા કોરોના પોઝિટીવ આવી અને આ સાથે જ પંજાબમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. મોહાલીના ડેપ્યુટી કમિશનર ગિરીશ દયાલનને કહ્યું કે, મોહાલીમાં ફેઝ 3 એની નિવાસી મહિલા કોરોના વાયરસની પોઝિટીવ આવી છે. તેમણે કહ્યું કે, તપાસ માટે મહિલાના પરિવારના બે અન્ય સભ્યોના નમૂના લેવામાં આવશે.
  3. રેટિંગ એજન્સી “ફિંચ” કોરોના વાયરસ મહામારીના કારણે ભારતની આર્થિક વૃદ્ધિના અનુમાનને 5.6 ટકાથી ઓછું કરીને 5.1 કરી દીધું છે.
  4. ફિરોઝપુર રેલવે મંડળે કોરોના વાયરસ વૈશ્વિક મહામારીને લઈને હિમાચલ પ્રદેશમાં તમામ પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કાંગડા ઘાટીમાં 14 ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.
  5. કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા ચીનમાં સતત બીજા દીવસે જીવલેણ બીમારીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જો કે ત્રણ અન્ય લોકોના મોત સાથે દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક 3,248 પર પહોંચી ગયો છે.
  6. પશ્ચિમ બંગાળમાં સાત લોકોમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૈકી કેટલાક લોકો તાજેતરમાં વિદેશથી પાછા આવ્યા હતા.
  7. જયપુરમાં એક દંપતિને કોવિડ-19 પોઝિટીવ આવ્યો હતો. 30 વર્ષીય આ દંપતિને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો. તેમને સવાઈ માનસિંહ ચિકિત્સાલયના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
  8. દિલ્હીમાં કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખતા મેટ્રો અધિકારીઓએ યાત્રીઓને જરુર વગર મેટ્રોમાં મુસાફરી ન કરવા માટે અપીલ કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું કે, તમામ સ્ટેશનો પર યાત્રીઓની તપાસ કરવામાં આવશે.
  9. છત્તિસગઢ સરકારે નોવેલ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજ્યની તમામ શાળાઓને આગામી આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રવિવારે જનતા કર્ફ્યૂ, અઠવાડિયું આખું અર્ધ-કર્ફ્યૂ

તાળાબંધી શબ્દ પ્રચલિત થવાની તૈયારીમાં હતો, પણ તેની જગ્યાએ જનતા કર્ફ્યૂ શબ્દ ગુંજતો રહેશે. તાળાબંધી એટલે કે લોકડાઉન કોરોના વાયરસ ફેલાયો તે ઘણા દેશોમાં કરવામાં આવી છે. ચીનના હુબેઈ પ્રાંતના પાટનગર વુહાનમાં કોરોના ફેલાયો તે પછી સમગ્ર શહેરમાં સંચારબંધી કરી દેવામાં આવી હતી. ઇટાલી ઉંઘતું રહ્યું અને ત્યાં લોમ્બાર્ડી પ્રાંતમાં કોરોના ફેલાયો પછી સમગ્ર પ્રાંતમાં લોકડાઉન એટલે કે સંચારબંધી કરવી પડી હતી. આ પ્રકારના રોગચાળામાં લોકોને એકબીજાથી દૂર રાખવા એ ઉત્તમ ઉપાય છે, પણ લોકોની એકબીજા સાથેની મિલનબંધી કરવી મુશ્કેલ હોય છે.

તેથી જ ભારતમાં પણ હવે વધારે સાવચેતી લેવી પડે તેવો સમય આવ્યો છે. હવે કોરોના માટે કાળજી ના લેવાય તો કમ્યુનિટી લેવલે એટલે કે સમુદાય લેવલે, સામાજિક કે વેપારી કામકાજે સંપર્ક થાય તેનાથી વાયરસ ફેલાઇ શકે છે તે ત્રીજો તબક્કો આવી ગયો છે. પરંતુ તાળાબંધી કે ઘરબંધી કરવાનો આદેશ લોકોના રોજબરોજના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે અને રોષ પણ ફેલાય. તેથી સૌથી ઉત્તમ છે જનતા કરફ્યૂ, જેના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે રાષ્ટ્રજોગ સંદેશમાં વિનંતી કરી છે.

22 માર્ચ રવિવારે દેશની જનતાને જનતા કર્ફ્યૂ માટે વડા પ્રધાને વિનંતી કરી છે. જનતા કર્ફ્યૂ ગ્રામીણ વિસ્તારમાં બહુ પ્રચલિત શબ્દ નથી, પણ અમદાવાદ જેવા શહેર આ શબ્દને સારી રીતે સમજે છે. હમણાં થોડા વર્ષોથી જ રથયાત્રા દરમિયાન જનતા કર્ફ્યૂ બંધ થયો છે, નહિતો કોટ વિસ્તારમાં તેઓ આંશિક અમલ થતો હતો. કર્ફ્યૂ શબ્દ મોટા ભાગના લોકો જાણે છે અને તેનો અમલ સ્વેચ્છાએ કરવો સારો સાબિત થઈ શકે છે.

ફરજિયાતના બદલે જનતાને વિનંતી સાથે કરાયેલા જનતા કર્ફ્યૂને સૌ શક્ય એટલી સારી રીતે પાળશે. હકીકતમાં હવે બે અઠવાડિયા કાળજી લેવાની છે ત્યારે સમજદાર લોકોએ રવિવાર પછીના બે અઠવાડિયા સુધી પણ અર્ધ-કર્ફ્યૂ પાળવો જોઈએ. આ મેસેજ આપણે ફેલાવીએ કે અર્ધ-કર્ફ્યૂ પાળો અને ચેપને અડધેથી જ પાછો વાળો.

શું શું કરી શકાય તેવી ટૂંકમાં વાત કરીએઃ

1) સરકારી કચેરીઓમાં જરૂર હોય તેટલા જ કર્મચારીઓ આવે અને બાકીનાને રજા મળે. આ અંગે કેટલાક અંશે નિર્ણય લેવાયો છે, વધુ સ્પષ્ટતા સાથે રાજ્ય સરકારે પણ નિર્ણય લેવો જોઈએ.
2) પબ્લિક સાથે કામ પાડવાનું હોય તે બારીના કર્મચારીઓમાં પણ શિફ્ટ કરી શકાય. સવાર અને સાંજની ચાર ચાર કલાકની શિફ્ટ અને અડધો દિવસની રજા.
3) બેન્કમાં અનિવાર્ય ના હોય તો જવું જ નહિ. બેન્કમાં પણ સ્ટાફની શિફ્ટ કરી શકાય.
4) પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવા સૌને એકઠા કરવાના બદલે સીધા જ ડ્યુટીના સ્થળે.
5) દૂધ વગેરેની ખરીદી સિવાયની બધી જ ખરીદી બંધ કરો. ઘરમાં હોય તે વસ્તુ સાવ ખૂટી ના જાય ત્યાં સુધી લેવા ના જાવ. ડેરીએ ભીડ ના કરવી અને પાંચ પાંચ ફૂટના અંતરે રહેવું.
6) શાકભાજીની લારીએથી અઠવાડિયુ ચાલે તેટલી ખરીદી કરીને આવતા બે અઠવાડિયામાં ફક્ત બે જ વાર શાકમાર્કેટ જવું. લારી પર એક ગ્રાહકની ખરીદી ચાલતી હોય ત્યારે બીજાએ ડાબી બાજુ અને ત્રીજાએ જમણી બાજુ ઊભા રહેવું. ચોથા ગ્રાહકે દૂર ઊભા રહેવું.
7) પાણીપુરી ના ખાવા જાવ તે ઉત્તમ, પણ નાના ફેરિયા અને લારીવાળાની રોજીરોટી અટકશે તો આર્થિક સમસ્યા વધશે. તેથી એકબીજાથી દૂર રહીને વારાફરતી પાણીપુરી ખાવ. દર વખત કરતાં અડધી ખાવ અને પૈસા ડબલ આપો. ડબલ પૈસા આપજો, પૂણ્યનું કામ થશે. ભીડ ઓછી થવાથી ચેપ નહિ ફેલાય અને રોજીરોટી માટે કપરાં સમયે મદદ કરી તેનું પૂણ્ય મળશે.
8) કામવાળાને, ડ્રાઇવરને, ચોકિદારને રજા આપી દો અને તેમને એડવાન્સમાં પગાર આપો અને થોડું બોનસ આપો. જાતે કામ કરવાથી કસરત થશે, ઇમ્યુનિટી વધશે, ફાયદો થશે. માણસોને નાનકડું બોનસ મળવાથી ખુશ થશે, તેઓ ઘરે જ રહેશે અને ભીડ ઓછી કરીને આપણને સૌને જ ફાયદો કરાવશે.
9) સરકારી કચેરીની જેમ ખાનગી કંપનીઓએ પણ બિનજરૂરી બધા જ કર્મચારીઓને સ્વંય રજા આપી દેવી રહી. મુંબઈમાં આનો અમલ થવા લાગ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, જામનગર, ભાવનગર, જૂનાગઢમાં પણ અમલ થવો જોઈએ. 22 તારીખે જનતા કર્ફ્યૂ પછી આખું અઠવાડિયું ચાલુ પગારે રજા.
10) જે કંપની ઉત્પાદન આધારે ચાલતી હોય અને ઉત્પાદન બંધ કરીને ચાલુ પગારે રજા આપી ના શકે તેમ હોય તેમણે સમગ્ર કંપનીના કર્મચારીગણના પગારમાં કામ મૂકવો. મોટા પગારદારો વધુ કાપ સ્વીકારે, મધ્યમ ઓછો કાપ સ્વીકારે અને નાના કર્મચારીનો પગાર યથાવત રહે. તેના કારણે કંપનીને કુલ નુકસાન જવાનું હોય તેમાંથી થોડી ખોટ માલિક સહન કરે અને બાકીની ખોટ આ રીતે કર્મચારીઓ વચ્ચે વહેંચે.
11) પગારદાર સેલ્સમેન ચાલુ પગારે ઘરે રહી શકે, પણ વસ્તુઓ જાતે લાવીને જાતે વેચતા સેલ્સમેન માટે કામ છોડી દેવું અઘરું છે. આ પ્રકારના સેલ્સમેન જે વેપારીને કાયમ કમાણી કરી આપે છે, તે વેપારીએ સામે ચાલીને કહેવું જોઈએ કે બે અઠવાડિયાની તારી સરેરાશ કમાણી તને હું આપી દઈશ, પણ તું હાલમાં ઘરે રહેજે.
વેપારીએ વ્યાપક રીતે વિચારવું રહ્યું. સ્થિતિ સંભાળીશું નહિ તો આરોગ્ય કરતાં મોટું નુકસાન અર્થતંત્રને થવાનું છે. અર્થતંત્રને નુકસાન થતું અટકાવીએ અને રૂપિયાને ફરતો રાખીએ તે અર્થતંત્રને ઓછું નુકસાન થશે અને વેપારીવર્ગને પણ એટલું નુકસાન ઓછું થશે. થોડું નુકસાન સહન કરીને, પોતાની સાથે કામ કરતાં માણસોને ટકાવી રાખીને વેપારને અને દેશના અર્થતંત્રને ટકાવી રખાશે. સાચો દેશપ્રેમ આ જ છે. દેશદાઝ દેખાડો.
12) રેસ્ટોરન્ટ બંધ કરી દેવાથી રોજગારી પર અસર થશે, પણ સાથે જ જોખમ ત્યાં વધુ હોવાથી કાળજી વધુ લેવી જોઈએ. અહીં પણ એક ટેબલ પર એક જ ગ્રાહક અને બીજા ટેબલ પર સામી બાજુ બીજો ગ્રાહક એટલા અંતરથી જ ગ્રાહકોને બેસાડવા. આવનારા ગ્રાહકના હાથ સેનિટાઇઝરથી ધોવરાવવા. સ્ટાફ માટે વિશેષ કાળજી લેવી. વધારે ગ્રાહકો હોય ત્યારે ટોકન આપીને વારાફરતી પ્રવેશ આપવો. આસપાસમાં ભીડ ના થાય તે માટે પણ ગ્રાહકોને વિનંતી કરવી. કાર લઈને આવ્યા હોય તે ગ્રાહકને કારમાં જ સર્વ કરવું. સરકાર બંધ કરાવે તેના બદલે સ્વંય શિસ્ત પાળીને રેસ્ટોરન્ટ થોડો બિઝનેસ ચાલુ રાખી શકે છે.
13) એ જ રીતે સિટિબસ વગેરે બંધ કરવાથી લોકોની મુશ્કેલી વધી શકે છે. સારો ઉપાય એ છે કે પહેલાં જેટલી જ બસો દોડતી રાખવી. અર્ધ-કર્ફ્યૂ જેવી સ્થિતિ હોવાથી બસો ખાલી ખાલી હશે. તેથી જોખણ પણ ઓછું અને જરૂરી અવરજવર કરનારા લોકોને મુશ્કેલી પણ ના પડે.
14) ટેક્સી સર્વિસને અસર થઈ છે. ટેક્સી ડ્રાઇવર પણ સેનેટાઇઝર સાથે રાખી શકે છે અને પાછલી સીટમાં ફક્ત એક એક ગ્રાહકને બેસાડીને સેવા ચાલુ રાખી શકે.
15) આમ છતાં ઉપરની કક્ષાને એરલાઇન્સને અને તળિયાની કક્ષાએ ટેક્સી ડ્રાઇવર અને નાના રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસને અસર થશે જ. સરકારે ટાસ્ક ફોર્સ બેસાડ્યું છે અને આર્થિક રીતે જે જે ક્ષેત્રને અસર થવાની હોય તેવા માટે વિચારાશે. પરંતુ સરકારી પ્રયાસો સરકારી જ રહેવાના. આજે સંકટના સમયે જરૂર છે દરેક નાગરિક પોતાની ફરજ સમજીને વિચારે કે પોતે શું કરી શકે. જનતા કર્ફ્યૂ અને પછી અઠવાડિયું અર્ધકર્ફ્યૂ પાળે.

આ રીતે સ્વંય બહારની અવરજવર ઓછી થશે તેનાથી સ્વંયની સુરક્ષા થશે અને બીજા પરનું જોખમ પણ ઘટશે. પણ બે અઠવાડિયા અર્ધકર્ફ્યૂ જેવી સ્થિતિમાં નિમ્ન મધ્યમ વર્ગ અને કામદાર અને રોજમદાર વર્ગને નુકસાની થશે. તમારી કલ્પના કામે લગાવો અને એવી રીતે દાનપૂણ્ય કરો કે આવા વર્ગના લોકોને ટેકો થઈ જાય. તમારી આસપાસના લોકો, તમારી સોસાયટીના ચોકિદાર, નજીકનાચાર રસ્તે રોજ ઊભા રહેતા રીક્ષાવાળાથી માંડીને લારીવાળા સહિતના લોકોને મદદ કરવા માટે વિચારો. કર્ફ્યૂમાં એકલા રહેવા મળ્યું છે ત્યારે ચિંતન કરો, સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરો, સારા આઇડિયા વિચારીને મિત્રો સાથે ઓનલાઇન શેર કરો અને દાનપૂણ્ય, મદદના મેસેજ ફેલાવો.

ખાસ યાદ રાખજો, કેવી રીતે મદદની વહેંચણી કરવી તેના આઇડિયા પણ વિચારો અને શેર કરજો. જરા પણ ભીડ કર્યા વિના, એક પછી એકને વારાફરતી, દસ દસ ફૂટનું અંતર રાખીને સહાયના વિતરણના આઇડિયા વિચારો. ડૉક્ટર્સ, નર્સ, વૉર્ડમાં કામ કરતા સહાયકો, હોસ્પિટલમાં મદદરૂપ થાઓ, સાફસફાઇ રાખનારા સૌ કોઈ હિંમતથી જોખમી કામ ફરજ સમજીને બજાવે છે ત્યારે સૌ કોઈ તેમને વધાવી રહ્યા છે, તેમને ધન્યવાદ આપી રહ્યા છે. તમે દાનપૂણ્ય, સહાયના સલામત આઇડિયા શેર કરશો તો સોશ્યલ એન્ટ્રપ્રેન્યોર તરીકે તમને પણ સૌ ઓનલાઇન વધાવી લેશે.

ગુજરાત પણ કોરોનાની ઝપટેઃ પાંચ કેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસના પાંચ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈ કાલે બે હતી, એ એક દિવસમાં જ વધીને આજે પાંચ થઈ ગઈ છે. અમદાવાદની બે મહિલા અને વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યુ યોર્કથી આવી હતી, જ્યારે બીજી મહિલા ફિનલેન્ડથી આવી હતી. જ્યારે વડોદરામાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવાન સ્પેનથી આવ્યો હતો. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યનાં આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં જે પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે એ બધા વિદેશથી આવેલી વ્યક્તિના છે, કોઈ સ્થાનિક રહેવાસીના કેસ પોઝિટિવ આવ્યો નથી.

જોકે સમગ્ર દેશમાં કોરોના વાઇરસના વધીને 206 કેસ થયા છે, જ્યારે વિશ્વભરમાં કોરોના વાઇરસથી 10,000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. અમદાવાદમાં પોશ વિસ્તારની સોસાયટીમાં રહેતી 22 વર્ષની યુવતી જે ન્યુ યોર્કથી પરત ફરી છે, એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટમાં એક 32 વર્ષીય યુવક કે જે સાઉદી અરેબિયાથી પાછો ફર્યો છે અને સુરતમાં 21 વર્ષીય યુવતી જે લંડનથી પરત ફરી છે –એમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદ –22 વર્ષની પેશન્ટ કે જે હાલમાં અમેરિકાથી રવિવારે પરત ફરી છે. જે ફ્લાઇટમાં બેસતાં પહેલાં ન્યુયોર્કમાં તેની મિત્રને મળી હતી, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રાજકોટ- 32 વર્ષનો યુવક તે કે તેના 10 સગાંસબંધી સાથે મદિના ગયો હતો, એ મુંબઈ પહોચ્યા પછી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં બાંદરાથી રાજકોટ નવ માર્ટે આવ્યો હતો, તેને ક્વોરિન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે.સુરતઃ 21 વર્ષીય યુવતી જે મુંબઈ એરપોર્ટથી સુરત તેનાં માતાપિતા સાથે પ્રવાસ કર્યો હતો. તેના ફેમિલીના સભ્યો અને તેના ઘરે કામ કરતા સભ્યોને પણ તપાસવામાં આવ્યા છે.

આમ ગુજરાતમાં  કોરોના વાઇરસના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

શું હતી નિર્ભયાના દોષિતોની અંતિમ ઈચ્છા?

નવી દિલ્હીઃ દિલ્હી ગેંગ રેપ મામલે નિર્ભયાના ચાર દોષિતોને આજે ફાંસી આપી દેવામાં આવી છે. આ ફાંસી પહેલા છેલ્લા સાત વર્ષ સુધી નિર્ભયાની માતા સતત કોર્ટમાં લડતી રહી. દોષિતોને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે તેણે પૂરી તાકાત લગાવી દીધી હતી. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ દિલ્હીના નિર્ભયા ગેંગરેપ મામલે ચાર દોષિતોને ફાંસીના માચડે લટકવું જ પડ્યું. ફાંસી પર લટકાવવામાં આવ્યા પહેલા દોષિતોએ ફાંસીથી બચવા માટે પોતાના તમામ કાયદાકીય વિકલ્પોને પૂર્ણ રીતે ઉપયોગ કર્યો પરંતુ નિર્ભયાને આખરે ન્યાય મળી ગયો. ફાંસી આપતા પહેલા જ્યારે દોષિતોને પોતાની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો કોઈપણ ગુનેગારે કોઈ જ જવાબ ન આપ્યો.

ઉલ્લેખનીય છે કે આ ચાર દોષિતો પૈકી એક વિનય પહેલા ખૂબ રડ્યો હતો. બાકીના ત્રણેય દોષિત પવન, મુકેશ, અને અક્ષય શાંત રહ્યા હતા. મુકેશે મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દોષિત વિનયે કહ્યું હતું કે મેં જે પેઈન્ટિંગ બનાવી છે તે મારા ઘરના લોકોને આપી દેજો. ફાંસીના એક દિવસ પહેલા રાત્રે મુકેશ-વિનયે ડિનર કર્યું હતું. તો પવન અને અક્ષય આખી રાત બેચેન રહ્યા હતા. આ લોકો આખી રાત સૂઈ ન શક્યા અને આખી રાત જાગીને પોલીસ કર્મચારીઓને પૂછતા રહ્યા કે શું કોર્ટમાંથી કોઈ નવો ઓર્ડર આવ્યો? ચારેય દોષિતોએ સવારે ચા પીવાની પણ ના પાડી દીધી. વિનય કહી રહ્યો હતો કે હું મરવા નથી માંગતો. તો ફાંસી પહેલા ખૂબ કરગર્યો અને કહ્યું કે મને માફ કરી દો, હું મરવા ઈચ્છતો નથી અને જમીન પર આળોટવા લાગ્યો હતો.

ફાંસી પર લટકતા પહેલા જ્યારે દોષિતોને ન્હાવા અને કપડા બદલા માટે કહેવામાં આવ્યું તો દોષિત વિનયે કપડા બદલવાનો ઈનકાર કરી દીધો. આ સિવાય તેણે રડવાનું શરુ કરી દીધું અને માફી માંગવા લાગ્યો. સવારે નવા કપડા પહેરવા માટે આપવામાં આવે છે. વિનયે નવો કુર્તો અને પાયજામો પહેરવાની ના પાડી દીધી હતી.

ફ્લોર ટેસ્ટ પહેલાં CM કમલનાથે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે કબૂલ કર્યું હતું કે તેમની પાસે બહુમત ના હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. તેમણે આ પહેલાં પત્રકાર પરિષદને સંબોધીને તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યની સાડાસાત કરોડની જનતા સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપે અમારા 22 વિધાનસભ્યોને બંધક બનાવ્યા છે. કરોડો રૂપિયા ખર્ચીને આ ખેલ ખેલાયો છે. અમારી સરકાર બન્યાના પહેલા દિવસથી જ ભાજપે અમારી સામે ષડયંત્ર શરૂ કર્યું હતું. ભાજપને 15 વર્ષ મળ્યાં હતાં અને મને માત્ર 15 મહિના મળ્યા. એમાંથી પણ અઢી મહિના તો લોકસભાની ચૂંટણીની આચારસંહિતામાં ગયા. મેં રાજ્યના હિતમાં કામ કર્યું હતું, પણ ભાજપને એ ગમ્યું નહોતું. ભાજપે અમારી વિરુદ્ધ નિરંતર કામ કર્યું હતું.

વિધાનસભા સ્પીકરે 16 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાં સ્વીકાર્યાં

મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ કહ્યું હતું કે મેં 16 વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત મેં ભાજપના MLA શરદ કોલનું પણ રાજીનામું સ્વીકાર્યું છે.

 

નિર્ભયા ગેંગરેપ કેસઃ એ તારીખો કે જે ક્યારેક લાવી આંસુ તો ક્યારેક આશાઓ

નવી દિલ્હીઃ આખરે સાત વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળી ગયો છે. આજે સવારે 5:30 વાગ્યે ચારેય દોષિતોને દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે અને 6 વાગ્યે તેમના મોતની જાહેરાત થઈ ગઈ છે. આ પહેલા ચારેય દોષિતોને ફાંસીથી બચાવવા માટે રાત્રે એકવાર ફરીથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રાત્રે જ આના પર સુનાવણી પણ થઈ પરંતુ તમામ દલીલોને નકારતા કોર્ટે તેમની ફાંસીની સજાને યથાવત રાખી હતી. ફાંસી બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજનો દિવસ આપણી દિકરીઓના નામે છે અને મહિલાઓના નામે છે. મોડો ન્યાય મળ્યો પરંતુ આપણી કોર્ટ અને ન્યાયિક વ્યવસ્થાનો આભાર.

  1. 16 ડિસેમ્બર 2012: પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે 6 લોકોએ પહેલા ગેંગરેપ કર્યો અને તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી. આ ઘટનાને ચાલતી બસમાં અંજામ આપવામાં આવ્યો. ઘટના સમયે પીડિતા સાથે તેનો એક મિત્ર પણ હતો. તેની સાથે પણ મારામારી કરવામાં આવી.
  2. 17 ડિસેમ્બરઃ આ ઘટનાથી લોકોમાં ખૂબ રોષ ફેલાયો અને દિલ્હી સહિત આખા દેશમાં દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગને લઈને પ્રદર્શનો શરુ થઈ ગયા. આ વચ્ચે દિલ્હી પોલીસે ચારેય દોષિતોની ઓળખ કરી લીધી હતી. આમાં રામ સિંહ, તેનો ભાઈ મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તા હતા.
  3. 18 ડિસેમ્બરઃ રામ સિંહ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી.
  4. 19 ડિસેમ્બરના રોજ આ તમામને પીડિતાના સાથીએ કે જે ઘટના સમયે ત્યાં ઉપસ્થિત હતો તેણે ઓળખી લીધા.
  5. 21 ડિસેમ્બરઃ આનંદ વિહાર બસ સ્ટેશનથી મુકેશની પણ ધરપકડ કરી લેવામાં આવી કે જેણે પોતે નાબાલિક હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય એક અન્ય દોષિત અક્ષય ઠાકુરને પકડવા માટે પોલીસ બિહાર અને હરિયાણામાં રેડ પાડી રહી હતી.
  6. 29 ડિસેમ્બરઃ આ તરફ દિલ્હીમાં લાંબી સારવાર બાદ પીડિતાને સિંપાપુર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેણે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
  7. 17 જાન્યુઆરી 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પાંચ દોષિતો અને એક કથિત નાબાલીક વિરુદ્ધ સુનાવણી શરુ થઈ.
  8. 11 માર્ચ 2013: રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી કે જે મુખ્ય આરોપી હતી.
  9. 2 એપ્રીલ 2013: આ વચ્ચે રેપની ઘટનાઓને લઈને સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું હતું. જેમાં પીછો કરવાનો ગુનો માનવામાં આવ્યો હતો અને રેપના મામલાઓમાં ફાંસીની સજાનું પ્રાવધાન હતું.
  10. સપ્ટેમ્બર 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામને દોષિત ગણ્યા અને ફાંસીની સજા સંભળાવી દીધી. આમાં નાબાલીકને 3 વર્ષની કેદ થઈ અને તે વર્ષ 2015 માં જેલમાંથી છૂટી ગયો.
  11. 5 મે 2017: સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી. તમામ દોષિતોએ પુનર્વિચાર અરજી દાખલ કરી.
  12. 17 જાન્યુઆરી 2020: રાષ્ટ્રપતિએ કોવિંદે તમામ અરજી ફગાવી દીધી છે.
  13. 19 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે મુકેશની એ દલીલને ફગાવી દીધી કે જેમાં તેણે દાવો કર્યો કે તેઓ ઘટનાના દિવસે દિલ્હીમાં હતો કે નહી.
  14. 20 માર્ચ 2020: સવારે 5:30 વાગ્યે ચારેયને ફાંસી આપી દેવામાં આવી.

પ્યારની વાત – ૨૦ માર્ચ, ૨૦૨૦

નિર્ભયાને આખરે ન્યાય મળ્યો; ચારેય અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવાયા

નવી દિલ્હી : 2012ની 16 ડિસેંબરની રાતે દિલ્હીમાં દોડતી બસમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ મૃત્યુ પામેલી 23 વર્ષની મેડિકલ વિદ્યાર્થિની ‘નિર્ભયા’ને એની પરના અત્યાચારના સાત વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે આજે ન્યાય મળ્યો છે. એની પર સિતમ ગુજારનાર ચારેય અપરાધીને આજે સવારે 5.30 વાગ્યે અહીંની તિહાર જેલમાં ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા.

ચારેય અપરાધીને આજે ફાંસી આપી દેવાયા બાદ નિર્ભયાનાં માતા આશાદેવીએ કહ્યું, આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે અને મેં માતા તરીકેનો ધર્મ પૂરો કર્યો છે. હું મારી દીકરીનું રક્ષણ તો કરી ન શકી, પણ એને માટે લડી જરૂર.

ચાર નરાધમ અપરાધી – વિનય કુમાર, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને પવન ગુપ્તાએ ફિઝિયોથેરપીની વિદ્યાર્થિની પર 2012ની 16 ડિસેંબરે જુલ્મ ગુજાર્યો હતો.

ચારેય અપરાધીને આજે ફાંસી આપી દેવાતા આ કેસ પર આખરે પડદો પડી ગયો છે.

તિહાર જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે આજે સમર્થન આપ્યું હતું કે વિનય, અક્ષય, મુકેશ અને પવનને સવારે બરાબર 5.30 વાગ્યે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 6.10 વાગ્યે ચારેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

નિર્ભયા પર છ નરાધમોએ બળાત્કાર કર્યો હતો. એમાંનો એક સગીર વયનો હતો, જેને 3 વર્ષ સુધી સુધારણા ગૃહમાં મોકલી દેવાયા બાદ અને ત્યાં એણે ત્રણ વર્ષ પૂરા કર્યા બાદ એને છોડી મૂકવામાં આવ્યો હતો. રામ સિંહના મુખ્ય અપરાધીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન એક દિવસ તિહાર જેલમાં આત્મહત્યા કરી હતી.

નિર્ભયા તરીકે ઓળખાવાયેલી એ પીડિતા અને એનો બોયફ્રેન્ડે 16 ડિસેંબરની એ કમનસીબ રાતે એક ખાનગી બસ પાસે લિફ્ટ માગી હતી. છ નરાધમોએ બંનેને બસમાં લીધા બાદ છોકરી પર ગેંગરેપ કર્યો હતો અને એના બોયફ્રેન્ડની મારપીટ કરી હતી. બાદમાં બંનેને રસ્તા પર ફેંકી દીધા હતા. નિર્ભયાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એની ઈજા ખૂબ ગંભીર હતી પરિણામે એ 13 દિવસ બાદ મૃત્યુ પામી હતી.

ચાર ગુનેગારને 13 સપ્ટેંબર, 2013માં અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા.

દિલ્હીવાસીઓએ ખુશી વ્યક્ત કરી

અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવાયાની જાહેરાત કરાતાં જ તિહાર જેલની બહાર ઊભેલા લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને નિર્ભયાને શ્રદ્ધાંજલિ રૂપે તિરંગો ફરકાવ્યો હતો. લોકો ‘નિર્ભયા ઝિંદાબાદ’, ‘ન્યાયતંત્રનો આભાર’ જેવા લખાણવાળા પોસ્ટર સાથે આવ્યા હતા.

આશાદેવીએ કહ્યું કે, ન્યાયતંત્રએ જનતાને બતાવી આપ્યું છે કે જો આપણી દીકરીને ઈજા પહોંચે તો એ માટે જવાબદાર લોકોને સજા થવી જ જોઈએ. આપણા દેશના કાયદાઓ વિશે સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે ન્યાય મળી ગયો છે.

ચારેય અપરાધીને ફાંસી આપનાર જલ્લાદ પવન (સિંધી રામ)એ કહ્યું, ‘ચારેય અપરાધીને ફાંસી આપ્યા બાદ હું બહુ જ આનંદનો અનુભવ કરું છું. હું આ ક્ષણની લાંબા સમયથી રાહ જોતો હતો.’

Chitralekha Marathi – March 30, 2020

E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

Chitralekha Gujarati – March 30, 2020

E-Magazine – Desktop Version PDF Version