અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ ઈરાનની વળતા હુમલાની ધમકી

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં થયેલા યુદ્ધવિરામ (સીજફાયર)ને હજુ સંપૂર્ણ અમલમાં મૂકવામાં આવ્યું પણ નહોતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરના યુદ્ધવિરામ બાદ બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ એ દરમિયાન અમેરિકાના લડાકુ વિમાનો દ્વારા ઈરાનનાં અનેક સૈન્ય સ્થાનો પર ભારે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ બાદ ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રમુખ ઈબ્રાહિમ અઝીઝીએ શનિવારે અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું હતું કે આ કાર્યવાહી બાદ વોશિંગ્ટનને માત્ર “પાછું હટવું અને પસ્તાવો કરવો” પડશે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં કહ્યું હતું કે હવે અમેરિકા દ્વારા દોષારોપણનું રાજકારણ વધુ ચાલશે નહીં.

વિવાદ કેમ ભડક્યો? અમેરિકાએ ઈરાન પર હુમલો શા માટે કર્યો?

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ શુક્રવારે ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળો તેમ જ દરિયાકાંઠાનાં રડાર સ્ટેશનો પર સતત હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા એક વ્યાપારી માલવાહક જહાજ પર કરાયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.

25 જૂનની ઘટના

અમેરિકી સેનાના જણાવ્યા મુજબ 25 જૂને ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા સિંગાપુરના ધ્વજવાળા માલવાહક જહાજ એમ/વી એવર લવલી પર ઈરાને વન-વે એટેક ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો.

વ્યૂહાત્મક મહત્વનો માર્ગ

આ હુમલો હોર્મુઝ જળમાર્ગ નજીક થયો હતો, જ્યાંથી વિશ્વના કુલ ઊર્જા વેપારનો અંદાજે પાંચમો ભાગ પસાર થાય છે. આ ઘટનાના જવાબમાં અમેરિકાએ ઈરાન સામે સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી.

ઈરાનનો પલટવાર: ‘વાતચીત વચ્ચે પીઠમાં છરો માર્યો’

ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પૂર્વ કમાન્ડર અને સાંસદ ઈબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકાની આકરી ટીકા કરી હતી. તાજેતરના હુમલાઓ બાદ શાંતિની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે અને મિડલ ઈસ્ટમાં ફરી એક વાર યુદ્ધનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે.