મુંબઈઃ રાજ્યમાં 28 જૂન એટલે કે આવતી કાલે યોજાનારી મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (MAHA TET)નું પેપર લીક થયું છે. થાણેથી TETનું પ્રશ્નપત્ર લીક થયું છે. આ પરીક્ષામાં આશરે ચાર લાખ ઉમેદવારો ભાગ લેવાના હતા. પેપર લીક થતાં પરીક્ષા હાલ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ અને પરીક્ષા પરિષદે પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી છે. નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તાજેતરમાં NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે દેશભરમાં ભારે વિવાદ થયો હતો. તે વચ્ચે હવે MAHA TETનું પેપર લીક થવાથી શિક્ષણ વ્યવસ્થાની સુરક્ષા અને કાર્યપદ્ધતિ પર ફરી એક વાર ગંભીર સવાલો ઊભા થયા છે.
ભિવંડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
NEET 2026 પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે સુરક્ષાનાં તમામ જરૂરી પગલાં લીધાં હતાં, તેમ છતાં 27 જૂનની વહેલી સવારે લગભગ ચાર વાગ્યે પ્રાપ્ત થયેલી માહિતીને આધારે ભિવંડી પોલીસે સદર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે ભિવંડીમાં પ્રશ્નપત્ર સાથે છેડછાડ અથવા ગેરરીતિ થવાની શક્યતા છે. પરીક્ષા પરિષદના અધિકારીઓની હાજરીમાં તપાસ દરમિયાન શંકાસ્પદ લોકો પાસેથી મળેલા પ્રશ્નપત્રોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તે પ્રશ્નપત્રો MAHA TETના મૂળ પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મેળ ખાતા હતા. ત્યાર બાદ ભિવંડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

2025માં પણ થયું હતું પેપર લીક
આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 4.28 લાખ જેટલા ઉમેદવારો નોંધાયેલા હતા. રાજ્યના 1428 પરીક્ષા કેન્દ્રો પર 28 જૂને પરીક્ષા યોજાવાની હતી. નોંધાયેલા ઉમેદવારોમાંથી 2,26,263 શિક્ષકો એવા હતા, જેઓ પહેલેથી જ નોકરીમાં છે અને ફરજિયાત TET લાયકાત મેળવવા માટે પરીક્ષા આપવાના હતા. જ્યારે બાકીના ઉમેદવારો શિક્ષક બનવાની આશા સાથે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. પેપર લીક થતાં લાખો ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. નોંધનીય છે કે 2025માં પણ કોલ્હાપુરમાંથી TETનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો હતો, જેને કારણે તે વખતે પણ પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.




