શું હતી નિર્ભયાના દોષિતોની અંતિમ ઈચ્છા?

નવી દિલ્હીઃ દિલ્હી ગેંગ રેપ મામલે નિર્ભયાના ચાર દોષિતોને આજે ફાંસી આપી દેવામાં આવી છે. આ ફાંસી પહેલા છેલ્લા સાત વર્ષ સુધી નિર્ભયાની માતા સતત કોર્ટમાં લડતી રહી. દોષિતોને ફાંસીના માચડા સુધી પહોંચાડવા માટે તેણે પૂરી તાકાત લગાવી દીધી હતી. સાત વર્ષ સુધી રાહ જોયા બાદ દિલ્હીના નિર્ભયા ગેંગરેપ મામલે ચાર દોષિતોને ફાંસીના માચડે લટકવું જ પડ્યું. ફાંસી પર લટકાવવામાં આવ્યા પહેલા દોષિતોએ ફાંસીથી બચવા માટે પોતાના તમામ કાયદાકીય વિકલ્પોને પૂર્ણ રીતે ઉપયોગ કર્યો પરંતુ નિર્ભયાને આખરે ન્યાય મળી ગયો. ફાંસી આપતા પહેલા જ્યારે દોષિતોને પોતાની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી તો કોઈપણ ગુનેગારે કોઈ જ જવાબ ન આપ્યો.

ઉલ્લેખનીય છે કે આ ચાર દોષિતો પૈકી એક વિનય પહેલા ખૂબ રડ્યો હતો. બાકીના ત્રણેય દોષિત પવન, મુકેશ, અને અક્ષય શાંત રહ્યા હતા. મુકેશે મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દોષિત વિનયે કહ્યું હતું કે મેં જે પેઈન્ટિંગ બનાવી છે તે મારા ઘરના લોકોને આપી દેજો. ફાંસીના એક દિવસ પહેલા રાત્રે મુકેશ-વિનયે ડિનર કર્યું હતું. તો પવન અને અક્ષય આખી રાત બેચેન રહ્યા હતા. આ લોકો આખી રાત સૂઈ ન શક્યા અને આખી રાત જાગીને પોલીસ કર્મચારીઓને પૂછતા રહ્યા કે શું કોર્ટમાંથી કોઈ નવો ઓર્ડર આવ્યો? ચારેય દોષિતોએ સવારે ચા પીવાની પણ ના પાડી દીધી. વિનય કહી રહ્યો હતો કે હું મરવા નથી માંગતો. તો ફાંસી પહેલા ખૂબ કરગર્યો અને કહ્યું કે મને માફ કરી દો, હું મરવા ઈચ્છતો નથી અને જમીન પર આળોટવા લાગ્યો હતો.

ફાંસી પર લટકતા પહેલા જ્યારે દોષિતોને ન્હાવા અને કપડા બદલા માટે કહેવામાં આવ્યું તો દોષિત વિનયે કપડા બદલવાનો ઈનકાર કરી દીધો. આ સિવાય તેણે રડવાનું શરુ કરી દીધું અને માફી માંગવા લાગ્યો. સવારે નવા કપડા પહેરવા માટે આપવામાં આવે છે. વિનયે નવો કુર્તો અને પાયજામો પહેરવાની ના પાડી દીધી હતી.