નિર્ભયાના દોષિતોને ફાંસીઃ વડાપ્રધાને કહ્યુ, ન્યાય થયો

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ, પવન ગુપ્તા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને આજે સવારે ફાંસી આપી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારેય દોષિતોને મળેલી સજા બાદ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ન્યાય થયો છે. મહિલાઓની ગરીમા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આનું ખૂબ મહત્વ છે. આપણા દેશની નારી શક્તિએ દરેક દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.આપણે મળીને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે કે જ્યાં મહિલા સશક્તિકરણ પર ધ્યાન આપવામાં આવે, સમાનતા અને અવસર પર જોર આપવામાં આવે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ભયા મામલે ટિપ્પણી કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દોષિતોની ફાંસી પર કહ્યું કે, ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે હવે ક્યારેય આ પ્રકારની ઘટના નહી થવા દઈએ. આપણે જોયું કે કેવી રીતે ગોષિતોએ કાયદા સાથે છેડછાડ કરી. આપણી વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. આપણે સિસ્ટમમાં સુધારો કરવાની જરુર છે.