ભારત સરકારે કોરોના સામે કેવી આર્થિક રાહત આપવી જોઈએ?

‘જનતા કર્ફયૂ’નો સહયોગ મળશે, સાથે જનતા રિલીફ પણ થવી જોઈએ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંબંધી સાવચેતીના પગલાં ભરવામાં લોકોનો સહયોગ મેળવવા 22 માર્ચના રવિવારેજનતા કર્ફયૂ’ સહિત અનેક  જાહેરાત કરી છે, જેની સાથે આર્થિક પેકેજ માટે ઈકોનોમિક ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે, સમયમાં ટાસ્ક ફોર્સે કેવી રાહત આપવી જોઈએ એની ઝલક જોઈએ

કોરોના વાઈરસની ગંભીરતાને અને તેને અટકાવવાના સંનિષ્ઠ પ્રયાસ રૂપે ભારત સરકારે સંખ્યાબંધ સાવચેતી-અગમચેતીના  પગલાં જાહેર કરીને દેશભરની જનતાને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. તેમાં જનતાએ સહયોગ આપવાની જવાબદારી નિભાવવાની છે અને તે માત્ર દેશના જ નહીં, ખુદ જનતાના પણ  હિતમાં છે. જો કે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  એક મહત્ત્વની જાહેરાત ઈકોનોમિક ટાસ્ક ફોર્સ રચવાની પણ કરી છે . આ આર્થિક બાબત સામાન્ય જનતાથી માંડી વેપાર- ઉધોગના દરેક વર્ગને સ્પર્શે છે. આને નિભાવવાની  જવાબદારી સરકારની રહેશે.

માત્ર ગૌરવથી કામ નહીં ચાલે

કોરોના વાઈરસ સમગ્ર જગત પર છવાઈ રહયું છે અને તેનો ભય  વાઈરસ કરતા વધુ ઝડપથી છવાઈ રહયો છે. આ સમયમાં ભારત તેની 130 કરોડની જંગી વસ્તી સામે માત્ર નજીવા જ કેસો હોવાનું ગૌરવ લઈ રહયું છે તેમ જ આ માટે સતત અગમચેતીના પગલાં પણ ભરી રહયું છે. આટલી મોટી વસ્તીમાં આટલા ઓછાં કેસ બન્યા હોવાથી કયાંક એવા સવાલ પણ થાય છે કે શું ભારત સરકાર યા રાજય સરકારો કોરોનાના દર્દીને ઓળખવામાં ભુલ તો નથી કરી રહયા ને? ખૈર, ભારત માટે આજની સ્થિતી દુકાળમાં અધિક માસ નહીં, અધિક વરસ જેવી છે. અનેકવિધ આર્થિક સમસ્યા-પડકારોનો સામનો કરી રહેલા ભારતે કોરોના વાઈરસને ફેલાતા અટકાવવા જે પગલાં લેવા પડયા છે તે મંદીના જખ્મો પર નમક સમાન ગણાય. કિંતુ કમનસીબે આ સિવાય વિકલ્પ પણ નથી.

જો કે મોદી સરકાર પરિસ્થિતી પર કાબુ મેળવવાનું જે ગૌરવ લઈ રહી છે તેની સામે આ કાબુ મેળવવા માટે સહકાર આપનાર પ્રજાનો વધી ગયેલો બોજ હળવો કરવાનું પણ વિચારવું જોઈએ.  કોરોના અસરગ્રસ્ત ઘણાં દેશોએ અત્યારના કપરાં સંજોગોમાં  અર્થતંત્રને-વેપાર-ઉધોગને ટેકો આપવા વિવિધ જંગી આર્થિક રાહત પેકેજ જાહેર કર્યા  છે, તેમ ભારત પણ હવે નજીકના ભવિષ્યમાં પોતાની  જાહેરાત પણ  કરશે, જેને માટે જ સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેની જાહેરાત પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ  ગુરુવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી.

લોકોને પ્રથમ સહાય કરો

સરકારે આ સમયમાં શા માટે રાહત આપવી જરૂરી છે તેના વિશે સમજતા પહેલાં હાલ કોની હાલત બુરી થઈ છે અને હજી કથળી રહી છે તે સમજીએ. આપણા દેશમાં મોટેપાયે બિનસંગઠિત ક્ષેત્રમાં કરોડો લોકો કામકરી રહયા છે, અનેક લોકો રસ્તામાં માલ વેચી રોજબરોજની  કમાણી પર જીવતા હોય છે. આમાં મોટેપાયે નિમ્ન અને મધ્યમ વર્ગ- નોકરિયાત વર્ગ-મધ્યમ વેપારી વર્ગ પણ આવી જાય છે. અનેક મોલ્સ બંધ કરાવી દેનાર સરકારે એ વિચાર્યુ છે કે આમાં ધંધો કરતા-નોકરી કરતા લોકોની આવકનું શું થશે? સરકારે જે-જે વેપાર-ઉધોગ બંધ કરાવ્યા છે તે દરેકમાં લાખો લોકોની રોજીરોટીનો સમાવેશ થાય છે, તેમની પાસે આવકના બીજા કયા વિકલ્પ છે? કેટલાં લોકો પાસે છે? શું સરકારે આ વિષયમાં વિચાર્યુ છે ખરું? જયારે કે દેશમાં પહેલેથી બેરોજગારીની સમસ્યા કાતિલ સ્વરૂપે ઊભી છે, ધંધા સાવ જ મંદા પડયા છે, ઉત્પાદન બંધ જેવા છે,  એરપોર્ટ, પોર્ટ, ટ્રેનો, સહિત અનેક પ્રકારની હેરફેર પર અંકુશ આવી જતા વિવિધ વેપાર -વ્યવહાર લગભગ બંધ સમાન છે, ઉપરથી  નોકરીમાં પણ કાપ આવી રહયા છે, આવા સંજોગોમાં જે ચાલતું હતું એ પણ બંધ થઈ જવાથી દશા વધુ કથળી રહી છે, ભલે એ કામચલાઉ કહેવાતી હોય, પરંતુ અત્યારે તો આ પણ નાજુક સમસ્યા બનીને સામે આવી છે.

વેપારઉધોગને પણ રાહત આપો

વર્તમાન કપરાં સંજોગોમાં સરકારને સહકાર આપનાર નાના-મોટા વેપાર-ઉધોગને ઈન્કમ ટેકસ, ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) માં પણ ચોકકસ સમય અને અન્ય સંભવિત આર્થિક રાહત આપવી જોઈએ. જો મોદીજી એમ કહેતા હોય કે આ વર્ગ તેમના કર્મચારીઓનો પગાર ન કાપે, તેમને સહાય કરે, તેમની નોકરી સાચવે,જેવી જવાબદારી તેમનાં  પર નાંખતા હોય તો આ વર્ગને એ મુજબ રાહત પણ આપવી જોઈએ. કારણ કે આ વર્ગ પણ ધંધાની મંદીથી ગ્રસ્ત અને ત્રસ્ત છે.  માર્ચ વર્ષાન્ત  આવી રહયો હોવાથી કેટલીક કર સંબંધી પાલનની બાબતોમાં પણ અનિવાર્ય છુટછાટ આપવાનું પગલું ભરવું જોઈએ. લોકોનો વિશ્વાસ જીતવા માટે સરકાર પાસે પણ આ યોગ્ય અવસર છે.

 આ રાહતો પણ આપવી જરૂરી  

સરકારે વર્તમાન સમયમાં જેમ કામચલાઉ ઘણી બાબતોમાં  બંધ અને પ્રતિબંધ  કરાવ્યા છે તેમ કામચલાઉ રાહત સ્વરૂપે જે સેકટર  કોરોનાથી અસરગ્રસ્ત છે તેને કર રાહત આપવી જોઈએ. રિઅલ્ટી સેકટરને ખાસ રાહત આપવી જોઈએ. વ્યાજના દર ઘટાડી ધિરાણ માગ વધે અને તેને પગલે વપરાશ વધે એવું કરવું જોઈએ.  નોન-બેન્કિંગ ફાઈનાન્સીયલ કંપનીઝ માટે પ્રવાહિતાની સ્થિતી સુધારવી જોઈએ, જેથી તે વધુ ધિરાણ કરવા સક્ષમ બને. જેમના લોનના હપ્તા ચાલુ છે એવા વર્ગ માટે ચોકકસ મસયગાળાની રાહત આપી શકાય. બેંકોની એનપીએ (નોન-પફોર્મિગ એસેટસ) વધવાની શકયતા ને ધ્યાનમાં રાખી તેમાં હાલ રાહત આપી શકાય. રોજબરોજની આવક પર નભતા લાખો લોકોના બેંક ખાતામાં ચોકકસ રકમ જમા કરવી જોઈએ. આ માટે અલગથી ભંડોળ ઊભું કરવાનું વિચારવું જોઈએ. જે વેપાર-ઉધોગની લોનની સમસ્યા છે તેમને તેમની પાત્રતા  આધારે  ધિરાણની  પુનઃચુકવણી ના  સમયપત્રકને બદલી આપવું જોઈએ. અમુક સમય માટે વ્યાજ માફી પણ આપી શકાય. બેંકોને આ માટે જનારી ખોટને સરકારે બીજી રીતે સરભર કરી આપવી જોઈએ. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેકટર માટે વધુ ભંડોળ ફાળવણી કરવી જોઈએ. જે પ્રોજેકટસ હાલ અમલમાં છે તેનું કાર્ય ઝડપથી વધારી, તેમાં વધુ માણસોને કામ આપી આવકનું સાધન ઊભું કરવું જોઈએ.

મોદીએ કરેલા અનુરોધને સુચના માનવી જોઈએ

મોદીએ કરેલી જાહેરાતમાં જે અનુરોધ કરાયો  છે, તેમાં  ખાનગી ક્ષેત્રને પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાની છુટ આપવાની વાત કહી છે. દરેક ફેકટરીને સેનિટાઈઝ કરવા કહયું છે. એન્ટ્રી લેવલે ટેમ્પરેચર ચકાસવા કહેવાયું છે. કર્મચારી યા કામદારને તેમનો પગાર સમયસર કરવાનું કહેવા ઉપરાંત નાના-મધ્યમ એકમોના પેમેન્ટ વિલંબમાં ન પડે તેની તકેદારી રાખવાનો અનુરોધ કરાયો છે. કંપનીઓને તેમની સોશ્યલ રિસ્પોન્સીબિલિટીની પ્રવૃતિ પબ્લિક હેલ્થ અંગે વધુ કરવાની સુચના અપાઈ છે. માસ્ક અને સેનિટાઈઝર્સનો પુરવઠો યોગ્ય રહે એવી ખાતરી રાખવા કહેવાયું છે. આ બધી જાહેરાત સાથે મોદીએ જરૂરી ચીજ-વસ્તૂઓની સંગ્રહખોરીથી અને કાળા બજારથી દુર રહેવાની ખાસ આગ્રહ કર્યો છે. સરકાર આ ચીજોની અછત થવા દેશે નહીં એવી ખાતરી પણ તેમણે આપી છે.  આ વિષયમાં સાચી જવાબદારી અને નૈતિકતા વેપારી વર્ગે પણ બતાવવી જોઈએ.

લડાઈ માત્ર સરકારની નથી

કોરોના વાઈરસ સામેની લડાઈ માત્ર સરકારની કે ભાજપની કે મોદીની જ નથી. આ લડાઈ આખા દેશની છે. ભારત સામે હાલ પડકાર અને પરીક્ષા બંને છે. જેથી જ સંકલ્પ અને સંયમ બંને જરૂરી છે. આ વિષયમાં મતભેદ યા વિવાદ ઊભા કરવાને બદલે દેશના અને સ્વંયના હિતમાં સજજ થઈ સહયોગ આપવાનો ખરો સમય છે. ભારત વિશ્વ સમક્ષ પોતાની એકતાની શકિત આ માર્ગે પણ દર્શાવી શકે છે. સ્વસ્થ ભારત અને સશકત ભારત એ આપણા સૌની જવાબદારી બને છે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)