લોકડાઉનના સમયગાળાનો ઉપયોગ સુવ્યવસ્થિત આર્થિક આયોજન માટે કરો

દુનિયામાં એક પણ ઍસેટ ક્લાસ એવો રહ્યો નથી, જેને કોરોના વાઇરસના રોગચાળાની અસર ન થઈ હોય. પરિણામે, રોકાણકારોની સંપત્તિમાં ધરખમ ઘટાડો થયો છે. ભારતીય શેરબજાર પણ છેલ્લા બે મહિનામાં તેની ટોચ પરથી 35થી 40 ટકા ઘટ્યો છે.

સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર આ રોગચાળાની અસર થઈ છે, જેમાં શેરબજારમાં અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે પુષ્કળ વોલેટિલિટી છે. ટૂંકા ગાળા માટે બજારની દિશા વિશે કોઈ જ અનુમાન શક્ય નથી.

બજાર નીચલી સર્કિટની સ્થિતિને પણ જોઈ આવ્યું છે. જો કે, વચ્ચે વચ્ચે રિકવરી પણ થતી દેખાય છે. કોરોના વાઇરસને કારણે થતાં મૃત્યુનો દર સાર્સ તથા અન્ય બીજા રોગચાળાના મૃત્યુદર કરતાં ઓછો હોવાનું જોવા મળી રહ્યું છે.

દરેક રોકાણકારે યાદ રાખવું જરૂરી છે કે બજાર તૂટ્યું હોય એવી આ એકમાત્ર ઘટના નથી. આપણે આ કટારમાં અગાઉ પણ વાત કરી હતી, પરંતુ તેનો પુનરોચ્ચાર કરીને કહેવાનું કે કટોકટીની પરિસ્થિતિ પૂરી થઈ ગયા બાદ બજારમાં જોરદાર ઉછાળો આવતો હોય છે.

અત્યારે લોકડાઉનની સ્થિતિમાં લોકો ઘરમાં બેસી-બેસીને કંટાળી ગયા છે, એ વાત સાચી પરંતુ દરેક કાળા વાદળને રૂપેરી કોર હોય છે. જેમ સારા દિવસો કાયમ રહેતા નથી એ જ રીતે કપરા દિવસો પણ પૂરી થઈ જાય છે.

ઘરમાં બેસી રહેવું અનિવાર્ય છે અને કોરોના વાઇરસની સામે લડવા માટેનો એ જ સૌથી વધુ અસરકારક ઉપાય છે એવા વખતે લોકો ઘરમાં બેસીને આવતો કંટાળો દૂર કરવા માટે કઈ પ્રવૃત્તિઓ કરી શકે તેના વિશેનાં અનેક સૂચનો લોકોને વાંચવા મળી રહ્યા છે.

અહીં આપણે એવાં નાણાકીય સૂચનોની વાત કરીએ જે દરેક પરિવારની આર્થિક સુરક્ષા માટે આવશ્યક છેઃ

સંકટ સમયની સાંકળ તૈયાર રાખોઃ

તમારા ઘરના માસિક ખર્ચના આધારે ત્રણથી છ મહિનાનો ખર્ચ કરી શકાય એટલી રકમ તત્કાળ રોકડ સ્વરૂપે મળી રહે એમ રાખવી. તેનો અર્થ એવો થયો કે એ પૈસા સૅવિંગ્સ બૅન્ક ખાતામાં, ફિક્સ્ડ ડિપોઝિટમાં કે લિક્વિડ ફંડમાં રાખવા. એમાં તમને કેટલું વળતર છૂટે છે એનો વિચાર કરવો નહીં, કારણ કે એ કોઈ રોકાણ નથી હોતું, તાકીદના સમયે કામ આવે એવી રકમ હોય છે.

ગભરાઓ નહીં, રોકાણ રાખી મૂકો:

મુશ્કેલ વખતમાં બજારોના હાલ બગડતાં જોઈને મનુષ્યોની હાલત પણ બગડી જાય છે. ઘર-પરિવારથી માંડીને દેશ-દુનિયાની આર્થિક સ્થિતિને બગાડી નાખનારી સમસ્યાઓ વખતે લાગણીઓ પર કાબૂ રાખવાનું મુશ્કેલ હોય છે, પરંતુ આવા સમયે જ માણસના મનોબળની મજબૂતીની કસોટી થાય છે. અગાઉ કહ્યું એમ, દરેક કાળા વાદળને રૂપેરી કોર હોય છે. આથી હિંમત હારીને કે ગભરાઈને ઈક્વિટી રોકાણ કાઢી નાખવું નહીં. ઈક્વિટીમાં કરેલા રોકાણનું મૂલ્ય ભલે ઘટી ગયું હોય, જ્યાં સુધી એને વેચીએ નહીં ત્યાં સુધી એમાં વાસ્તવિક ખોટ જતી નથી. તમે ઈક્વિટી બજારમાંથી નીકળી જાઓ તો ખોટ કરી કહેવાય, અન્યથા એ ચોપડે નોંધાયેલી ખોટ જ રહે છે. જો બજારમાં ટકી રહો તો ભવિષ્યમાં ભાવ વધવા લાગે ત્યારે એ રોકાણ વધુ વળતરદાયી બની શકે છે. બજારને વશમાં કરવાનું શક્ય હોતું નથી, બજારને સમય આપવો જરૂરી હોય છે. આમ, શિસ્તબદ્ધ રોકાણના પોતાના મૂળ પ્લાનને વળગી રહેવું. સટ્ટો ખેલવો નહીં અને આખો દિવસ રોકાણનું મૂલ્ય તપાસતાં રહેવું નહીં કે બજાર વિશેની માહિતી સતત ખોળ્યા કરવું નહીં.

નાણાકીય આયોજન કરોઃ

કટોકટી હોય કે ન હોય, દરેક પરિવારે નાણાકીય આયોજન કરી લેવું આવશ્યક છે. પરિવારનો પ્લાન તૈયાર હોય અને એનું અનુસરણ થતું રહે એ કપરા સમયમાં ખૂબ જ જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનરનો સંપર્ક કરીને પોતાના પરિવારની આવશ્યકતા અને તેનાં લક્ષ્યો મુજબનો નાણાકીય પ્લાન આવા સમયે ઉપયોગી થાય છે. વળી, જેણે યોગ્ય આયોજન કર્યું હોય તેને મુશ્કેલ વખતમાં ડર ઓછો લાગે છે અથવા તો લાગતો નથી. નાણાકીય લક્ષ્યો મુજબનું રોકાણ હોય તો ઘણું સારું રહે છે. તમારે એકેએક પૈસો કોઈક ઉદ્દેશ્ય કે હેતુસર રોકાયેલો હોવો જોઈએ. લાગણીવશ થઈને રોકાણના નિર્ણયો લેવાય નહીં.

જોખમ ખમવાની શક્તિનું પુનઃ આકલન કરોઃ

બધું સારું-સારું ચાલતું હોય એવા વખતે દુનિયા આખી સારી જ લાગતી હોય છે. કપરા સમયમાં આપણે મનથી વિચલિત થઈ જઈએ છીએ. આવા વખતે પોતાની જોખમ ખમવાની શક્તિનું પુનઃ આકલન કરી લેવું હિતાવહ છે. જો તમને પોતાનાં રોકાણો વિશે બેચેની લાગવા માંડે તો સમજવું કે તમે પોતાની ક્ષમતા કરતાં વધુ જોખમ લઈ લીધું હતું.

મૂળભૂત રીતે સમર્થને વળગી રહોઃ

હાલની બજારની સ્થિતિ ભલે આર્થિક કારણસર ન હોય, પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું એમ 2008ની આર્થિક કટોકટી કરતાં વધારે ગંભીર અસર હાલ થઈ છે. કોરોના વાઇરસે સર્જેલી સમસ્યાને કારણે શક્ય છે કે મધ્યમ કક્ષાના બિઝનેસને પણ તકલીફ થાય. આવા સમયે ફંડામેન્ટલી મજબૂત હશે એ જ બિઝનેસ ટકી શકશે. આથી મોટી અને ફંડામેન્ટલી મજબૂત કંપનીઓને વળગી રહો.

બજાર તળિયે આવી ગયું છે એમ સમજીને રોકાણ માટે દોડી જવાની ઉતાવળ કરવાને બદલે થોડી ધીરજ રાખીને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનું અગત્યનું છે. ‘બધા લઈ ગયા, અમે રહી ગયા’ની વૃત્તિ રાખતા નહીં. વધુ વળતર મળે એ સૌને ગમે, પરંતુ તેના માટે દિવસ-રાત એના એ જ વિચાર કર્યે રાખવાનું પણ સારું નથી.

આપણે વારંવાર કહ્યું છે કે કોઈ પણ રોકાણ આર્થિક લક્ષ્યના આધારે જ કરવામાં આવવું જોઈએ. ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત આર્થિક આયોજન કરવામાં આવશે તો ઉજ્જવળ ભવિષ્ય તમને ઘણું સારું વળતર અપાવી શકશે, એ વાતમાં કોઈ બેમત નથી.

  • ખ્યાતિ મશરૂ-વસાણી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]