Home Blog Page 4916

કોરોના સામે તમન્નાની જનજાગૃતિ… યોગા કરો…

કોરોના વાઈરસના ત્રાસ અને ગભરાટના વાતાવરણ વચ્ચે ‘બાહુબલી’ ફિલ્મની અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા યોગા કરી રહી છે. કોરોના વાઈરસના ચેપ-ફેલાવાથી બચવા માટે સહુએ પોતપોતાના ઘરમાં જ રહેવું એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓએ લોકોને અપીલ કરી છે ત્યારે તમન્નાએ સેલ્ફ-ક્વોરન્ટીનનો સમય યોગ્ય રીતે વિતાવવાનું નક્કી કર્યું છે. પોતાના ઘરના બગીચામાં યોગા કરતો પોતાનો વિડિયો એણે સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ રીતે એણે કોરોના સામે જનજાગૃતિ ફેલાવવાનું પસંદ કર્યું છે, જેની સોશિયલ મિડિયા પર પ્રશંસા થઈ રહી છે.

ગૂગલે શીખવાડી હાથ ધોવાની સાચી રીત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપથી બચવા માટે ભારતમાં ચાલી રહેલા જાગરુકતા અભિયાનની વચ્ચે ગૂગલે શુક્રવારે એક ડૂડલ બનાવ્યું હતું. આ ડૂડલમાં હાથ ધોવાની સાચી રીત શીખવાડવામાં આવી હતી. ડૂડલે વૈજ્ઞાનિક ઇગ્નાઝ સેમ્મેલ્વેઇસ (Ignaz Semmelweis)ને સમર્પિત કરી હતી.

તેઓ ‘ફાધર ઓફ ઇન્ફેક્શન કન્ટ્રોલ’ના નામથી ઓળખાય છે
ઇગ્નાઝ સેમ્મેલ્વેઇસને વ્યાપક રીતે હેન્ડવોશિંગના લાભ શોધનાર પહેલી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. 1847માં આજના દિવસે જ ઇગ્નાઝ સેમ્મેલ્વેઇસે વિયાના જનરલ હોસ્પિટલના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ડોક્ટરોને પોતાના હાથ કીટાણુરહિત કરવા માટે આવશ્યક હોય છે, એનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમને ‘ફાધર ઓફ ઇન્ફેક્શન કન્ટ્રોલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.

કોરોના વાઇરસથી બચવા લોકોને હાથ ધોવાની અપીલ

દેશભરમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપ પછી બધા લોકોને હાથ ધોવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે મોદી સરકાર તરફથી પણ તકેદારી રાખવા કહેવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસથી દેશમાં અત્યાર સુધી પાંચ લોકોનાં મોત થયાં છે અને આ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. જ્યારે વિશ્વભરમાં આ રોગના બે લાખથી વધુ દર્દીઓ થઈ ગયા છે અને આ રોગથી 10,000થી વધુનાં મોત થયાં છે.

આ રોગનું મૂળ ચીનનું વુહાન

ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઇરસે વિશ્વમાં 10,000થી વધુનાં મોત થઈ ચૂક્યાં છે. આ રોગની હજી સુધી એક પણ દવા કે રસી અસરકારક નથી. જેથી આ રોગ કૂદકે ને ભૂસકે પ્રસરી રહ્યો છે.

 

 

 

 

 

 

 

સેન્સેક્સમાં 1628 પોઇન્ટ, નિફ્ટીમાં 482 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં ચાર દિવસના ઘટાડાને બ્રેક લાગી હતી. વૈશ્વિક માર્કેટની તેજી અને એશિયન માર્કેટમાં પણ તેજીને પગલે સ્થાનિક શેરબજારમાં બેતરફી વધઘટે શાનદાર રિકવરી જોવા મળી હતી. હેવી વેઇટ શેરો રિલાયન્સ, એચડીએફસીની તેજીને પગલે શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ચાર ટકા સુધીની તેજી થઈ હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે 1,628 પોઇન્ટ ઊછળીને 29,915.96 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 482 પોઇન્ટ વધીને 8,745.45ના મથાળે બંધ રહ્યો હતો.

ઇન્ડેક્સ બેઝ્ડ શેરો જોઈએ તો સેન્સેક્સના 30માંથી 27 શેરો અને નિફ્ટીના 50માંથી 45 શેરોમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટીના 12માંથી આઠ શેરો તેજીમાં હતી.

આઇટી અને એફએમસીજી શેરોમાં તેજી

ડોલર સામે રૂપિયો આજે મજબૂત થતાં આઇટી શેરોમાં લેવાલી રહી હતી. સપ્તાહના અંતિમ દિવસે આઇટી અને એફએમસીજી શેરોમાં ભારે તેજી થઈ હતી. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 8.52 ટકા વધ્યો હતો, જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ 8.77 ટકા વધ્યો હતો. આ સાથે ફાર્મા ઇન્ડેક્સ 7.68 ટકા, મેટલ ઇન્ડેક્સ 7.68 ટકા ઓટો ઇન્ડેક્સ 3.71 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 2.33 ટકા વધ્યા હતા.

સાપ્તાહિક રીતે સેન્સેક્સ 12 ટકા અને નિફ્ટી 11.8 ટકા ઘટ્યા

સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 12 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 11.8 ટકા ઘટ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 19 ટકા, મેટલ ઇન્ડેક્સ 10.5 ટકા, આઇટી ઇન્ડેક્સ 8.3 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 4.3 ટકા ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 13 ટકા ઘટ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

સ્પેરો ડે :અનોખો ચકલી પ્રેમ…

અમદાવાદઃ વધતી જતી વસ્તી, શહેરીકરણ, આધુનિકરણને કારણે ચકલી જેવા ધર સુધી પહોંચતા, મનુષ્યના ઘરમાં જ પોતાનો માળો બનાવતા પક્ષીઓ પર માઠી અસર પડી છે. થોડા સમય પહેલાં એક તબક્કો એવો પણ આવ્યો કે જાણે ઘર સુધી પહોંચી ચીં..ચીં કરતી ઉડાઉડ કરતી ચકલીઓ ઓછી થઈ  ગઈ છે.  પશુ પંખીઓના પ્રેમી માણસો અને સજાગતાને કારણે ફરી એકવાર ઘર ચકલીની સાથે અન્ય રંગબેરંગી ચકલી ઓની સંખ્યામાં વધારો થયો છે. જે લોકોના કારણે પશુ પંખીઓ પાણી, ચણ અને સારવારની સુવિધાઓ મળે છે, એવા  જીવદયા પ્રેમીઓ અસંખ્ય છે. એમાંના એક છે. હાથીજણ વિસ્તારના કિન્નરી ભટ્ટ.

20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ. મુંગા જીવ અને ખાસ ચકલી સાથે અતૂટ સંબંધ ધરાવે છે. અબોલ પક્ષી સાથેનો સંબંધ વધારે ત્યારે મજબૂત થયો જ્યારે એક ચકલીનું અગમ્ય કારણસર મોત થયું,  તેના બચ્ચા રઝળી પડ્યા.  કિન્નરીબહેને ચકલીના બચ્ચાંને જીવાડવાનું બીડું ઝડપ્યું. મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી બચ્ચા ની ચાંચમાં પીવડાવવાનુ શરૂ કરવામાં આવ્યું. આ સાથે ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાતા. આ રીતે પણ જ્યાં સુધી ચકલીનું બચ્ચું ઊડતું થયું ત્યાં સુધી સેવા આપી. ત્યારબાદ એમની પાસેથી બચ્ચુ માયા થઇ જતાં ખસતું નહોતું.


તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે. નિયમિત ચકલીના બાજરી અને ઝીણી કણકી ભેગા કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. આ સાથે ચણાની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે, જેથી ઠંડી ના લાગે ચોમાસાના પાણીથી ભીંજાય નહીં. ઉનાળાની બળબળતી બપોરે પણ તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેમને ઇજા ના થાય,  સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી  દિવસ પસાર કરતા હોય છે. આમ..  કિન્નરીબેન નો ચકલી પ્રેમ અનેરો છે..!

(પ્રજ્ઞેશ વ્યાસ)

સર્વગુણ સંપન્ન ખસખસ

(વૈદ્યકીય, તબીબી સલાહ લેવી)

પીઝા કપ

ઘરમાં રહેવું બાળકોને જરાય ગમતું નથી. પણ, એમને ભાવતી વાનગી એમને સાથે લઈને બનાવો. એટલે કે, વાનગી બનાવવામાં નાનકડી મદદ એમની પણ લો, તો નવી વાનગી બનાવતાં જોવાની એમને મઝા આવશે, તમારો પણ કંટાળો દૂર થશે અને સમય પસાર થઈ જશે!

તો બનાવી લો, બચ્ચાંઓને ભાવતી વાનગી પીઝા કપ!

સામગ્રીઃ

  • ½ કપ ઝીણાં સમારેલાં ટમેટાં
  • ¼ કપ ઝીણું સમારેલુ સિમલા મરચું
  • ½ કપ ઝીણો સમારેલો કાંદો
  • ½ કપ અમેરિકન મકાઈના બાફેલાં દાણા
  • 1 ટે.સ્પૂન ચિલી ફ્લેક્સ
  • 2 ટે.સ્પૂન પિઝા અથવા પાસ્તા સોસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જોઈતા પ્રમાણમાં ઓગાળેલું માખણ
  • 1 કપ પીઝા ચીઝ અથવા મોઝરેલા ચીઝ
  • બંગડી સાઈઝના ગોળાકારમાં કટ કરેલી 8 સ્લાઈસ બ્રેડના પીસ
  • 2  ટી.સ્પૂન પીઝા મસાલો

રીતઃ સમારેલાં ટમેટાં, સિમલા મરચું, મકાઈના બાફેલાં દાણા તેમજ કાંદો એક મોટા બાઉલમાં મિક્સ કરો. તેમાં સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ, પિઝા સોસ તથા પીઝા મસાલો પણ મિક્સ કરી દો.

હવે ગોળાકાર બ્રેડ સ્લાઈસ લો. તેને વેલણ વડે પાતળી વળી લો અને  માખણ ચોપડી દો.

ગેસની ધીમી આંચ પર અપ્પમને ગરમ કરવા મૂકો. માખણ ચોપડેલી બ્રેડની સ્લાઈસને અપ્પમમાં નીચે તરફ ગોઠવો અને ઉપર પીઝા સ્ટફિંગ મૂકો. તેમજ ચીઝ ખમણીને ઉપર નાખો.

અપ્પમના દરેક ખાનામાં બ્રેડ ગોઠવાઈ જાય એટલે અપ્પમને ઢાંકી દો. જ્યાં સુધી ચીઝ ઓગળે તેમજ બ્રેડ ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરીને અપ્પમ પેન નીચે ઉતારી લો. 5 મિનિટ બાદ પીઝા કપ થોડા ઠંડા થયા બાદ પીરસો.

 

નિર્ભયાને મળ્યો ન્યાયઃ ક્યાં છે એ વ્યક્તિ જે ઘટના સમયે નિર્ભયાની સાથે હતો?

નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસમાં ફાંસી બાદ જેટલી ખુશી નિર્ભયાના પરિવારને થઈ છે તેટલા જ રાહતના શ્વાસ તેના મિત્ર અવનીન્દ્ર પાંડેએ લીધા હશે. અવનીન્દ્ર પાંડે આ કેસના એકમાત્ર પ્રત્યક્ષદર્શી હતા, તેમની જ સાથે તે રાત્રે નિર્ભયા ફિલ્મ જોઈને પાછી ફરી રહી હતી. આ સાત વર્ષોમાં અવનીન્દ્રએ ઘણું સહન કર્યું છે. કેસ દરમિયાન તેના પર પણ કેટલાક આરોપો લાગ્યા છે. પરંતુ અત્યારે અવનીન્દ્ર આ બધાથી દૂર વિદેશમાં છે.

અવનીન્દ્રએ ત્રણ વર્ષ પહેલા લગ્ન કરી લીધા છે. અત્યારે તેઓ પોતાની પત્ની સાથે વિદેશમાં સેટલ થઈ ગયા છે અને ત્યાં જ નોકરી કરી રહ્યા છે. તેમને એક દીકરો પણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફાંસીની સજાની જાહેરાત બાદ તેઓ ખૂબ ખૂશ હતા.

અવનીન્દ્ર ગોરખપુરના તુર્કમાનપુરના નિવાસી છે. અવનીન્દ્રના પિતા ગોરખપુરના જાણિતા વકીલ છે. તેમણે વર્ષ 2017 માં જણાવ્યું હતું કે મારા દિકરાએ લગ્ન કરી લીધા છે. પ્રોફેશનલી એન્જિનિયર અવનીન્દ્ર અત્યારે ક્યાં છે તે મામલે જણાવવાનો તેમના પિતાએ ઈનકાર કરી દીધો.

સાત વર્ષ પહેલા 16 ડિસેમ્બરની એ રાત્રે નિર્ભયાની સાથે તેનો આ મિત્ર પણ હતો. અવનીન્દ્રએ નિર્ભયાને બચાવવાના ભરપૂર પ્રયત્નો કર્યા પરંતુ આ દુષ્કર્મીઓએ તેને અડધી તો તે જ સમયે મારી નાંખી હતી. આ ઘટનાના એટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે પાંડેનું જીવન એવું કહી શકાય કે સુમસાન અને દર્દથી ભરપૂર બની ગયું.

કોરોનાનો પ્રકોપઃ મુંબઈ સંપૂર્ણ બંધ, 31 માર્ચ સુધી; આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

મુંબઈઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી મુંબઈ મહાનગર પ્રદેશ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) સહિત રાજ્યના ચાર શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરી છે કે કોરોના વાઈરસના ફેલાવાએ વધારે ચિંતા ઊભી કરતાં મુંબઈ અને પુણે શહેરો સહિત રાજ્યના મોટા શહેરોમાં 31મી માર્ચ સુધી તમામ કામકાજના સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

મુંબઈ અને પુણે ઉપરાંત પિંપરી ચિંચવડ અને નાગપુરમાં પણ સંપૂર્ણ લોકડાઉન અમલમાં મૂકાશે.

ઠાકરેએ જોકે સ્પષ્ટતા કરી છે કે આ બંધ દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે જેમ કે પીવાના પાણીની સેવા, ખાદ્યપદાર્થો અને શાકભાજી, કરિયાણાની ચીજવસ્તુઓ, દૂધ વિતરણ, દવા-ઔષધો, બેન્કિંગ, ટેલિફોન, રેલવે, પરિવહનના અન્ય માધ્યમો, હોસ્પિટલો, તબીબી કેન્દ્રો, મેડિકલ સ્ટોર્સ, વીજપૂરવઠા વિતરણ સેવાનો સમાવેશ થાય છે.

ઠાકરેએ કહ્યું કે, મુંબઈ મહાનગરમાં આવશ્યક સેવાઓ અને જાહેર પરિવહન સેવાને બાદ કરતાં સંપૂર્ણપણે બંધ પાળવામાં આવશે. આ રજા નથી, પરંતુ રસ્તાઓ પર અને જાહેર સ્થળોએ લોકોની ભીડ જમા ન થાય એટલા માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં બેન્કો ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 52 કેસ નોંધાયા છે. એક દર્દીનું મુંબઈમાં ગયા અઠવાડિયે નિધન થયું હતું.

ટીવી પર જીવંત પ્રસારિત સંબોધનમાં ઠાકરેએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકાથી વધુ ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવી છે. અગાઉ 50 ટકા કર્મચારીઓને રોટેશન-મુજબ બોલાવવાનું નક્કી કરાયું હતું, પણ હવે માત્ર 25 ટકા કર્મચારીઓને જ બોલાવવાના રહેશે.

ઠાકરેએ કહ્યું કે, લોકલ ટ્રેનો અને બસ સેવા શહેરની જીવાદોરી સમાન છે તેથી એમને બંધ કરી શકાય એમ નથી. આ પગલું ભરવાની મને સલાહ મળી છે. હાલને તબક્કે તો જાહેર પરિવહન સેવાને બંધ ન કરવાનું નક્કી કરાયું છે. લોકોએ અમારી અપીલનું માન જાળવ્યું છે તેઓ ઘરમાં જ રહે છે. ટ્રેનો અને બસોમાં રોજની જેવી ભીડ જોવા મળતી નથી.

ઠાકરેએ કહ્યું કે કોરોના રોગચાળાએ દુનિયાભરમાં ગભરાટ ફેલાવી દીધો છે અને અસંખ્ય દેશોમાં લોકોને એમના ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે.

મારી માલિકોને અપીલ છે કે તેઓ શટડાઉનના સમયગાળા દરમિયાન એમના કર્મચારીઓને લઘુત્તમ વેતન આપે. આવા વિપરીત સંજોગોમાં માત્ર માનવતા જ જીતાડી શકે એમ છે.

મુંબઈમાં ટિફિનસેવાવાળાઓ પણ જોડાયા છે કોરોના સામેની લડાઈમાં

કોરોના વાઈરસનો રોગચાળો વધુ ફેલાતા મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકાઓએ જનસુરક્ષાનાં અનેક મોટા-મહત્ત્વના નિર્ણયો લીધા છે. મુંબઈમાં કામધંધે જતા લોકોને બપોરના જમવા માટેના ટિફિન પહોંચાડવાની સેવા બજાવતા ડબ્બાવાળાઓ પણ કોરોના રોગચાળા સામેની લડાઈમાં જોડાઈ ગયા છે. એમણે પણ સેવા તાત્પૂરતી – એટલે કે આજે 20 માર્ચથી લઈને 31 માર્ચ સુધી બંધ રાખી દીધી છે.

મુંબઈ તથા આસપાસના થાણે, પાલઘરમાં લોકોને એમની ઓફિસે, દુકાને કે ઘેર જઈને ટિફિન પહોંચાડવા માટે 5000 જેટલા ડબ્બાવાળાઓ કાર્યરત છે. આ તમામનું એક સંઘ છે જે ટિફિનસેવાનું સંચાલન કરે છે. આ સેવાનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 45 કરોડ છે.

ભાજપની નંબર ગેમથી કઈ રીતે સરકાર બનશે?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં પાછલાં બે સપ્તાહથી રાજકીય નાટક પર આજે પડદો પડી ગયો હતો. સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ આજે કરવાનો આદેશ કર્યો હતો, પણ વિધાનસભાના સ્પીકરે 16 બળવાખોર વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર કરી લીધો હતો. જેથી નંબર ગેમમાં કમલનાથ સરકાર હારી જાય એવી સ્થિતિ હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું ધરી દીધું હતું. રાજ્યમાં ફરી એક વાર હવે ભાજપની સરકાર બનવાની શક્યતા છે.

વિધાનસભામાં નંબર ગેમ

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિધાનસભ્યોની કુલ સંખ્યા 230 છે, જેમાં હાલ વિધાનસભ્યોની સંખ્યા 206 છે. 24 બેઠકો ખાલી છે. આવામાં બહુમતીનો આંકડો 104 જોઈએ. કોંગ્રેસના 22 વિધાનસભ્યોના રાજીનામાનો સ્વીકાર બાદ કોંગ્રેસની કમલનાથ સરકાર પાસે બહુમતી નથી રહી. જેથી કોંગ્રેસની સંખ્યા કુલ 91 રહી ગઈ છે. બીજી બાજુ ભાજપ પાસે 107 વિધાનસભ્યો છે. જેથી ભાજપ સરળતાથી સરકાર બનાવી શકશે.

નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર શું કહ્યું બોલીવુડે?

નવી દિલ્હીઃ બોલીવુડના કેટલાય સ્ટાર્સે વર્ષો બાદ નિર્ભયા મામલે મળેલા ન્યાય અને એક માં ની જીતના વખાણ કર્યા છે. આમાં સુષ્મિતા સેન, ઋષિ કપૂર, પ્રીતિ ઝિન્ટા, રિતેશ દેશમુખનો સમાવેશ થાય છે. અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું કે, એક માતાની નમ્રતાને હાથ જોડીને પ્રણામ. આશા દેવી આ બધુ જોતા રહ્યા અને આખરે ન્યાય મળ્યો. દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરે કહ્યું કે, જેવું કરો તેવું ભરો. ચલો આનાથી માત્ર ભારત જ નહી પરંતુ આખા વિશ્વમાં એક દાખલો બેસશે. દુષ્કર્મની સજા માત્ર મૃત્યુ છે. તમારે નારીત્વનું સન્માન કરવું પડશે. એ લોકો પર શરમ આવે છે કે જેમના કારણે ફાંસી આપવામાં મોડુ થયું છે. જય હિંદ.

બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે, જો નિર્ભયાના દોષિતોને 2012 માં લટકાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયિક પ્રણાલી મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓને રોકી શકી હોત. ભારત સરકારને ન્યાયિક સુધારો કરવાની જરુર છે.

એક્ટર રિતેશ દેશમુખે કહ્યું કે, ખૂબ રાહ જોવી પડી પરંતુ આખરે ન્યાય મળી ગયો. તેમણે લખ્યું કે, આ પ્રકારના જઘન્ય ગુના કરનારા રાક્ષસોમાં ડર પેદા કરવા માટે કડક કાયદા લાગૂ કરવા જોઈએ. કઠોર દંડ આપવો અને ફાસ્ટ કોર્ટની સ્થાપના કરવી તે જ એકમાત્ર ઉપાય છે.