સેન્સેક્સમાં 1628 પોઇન્ટ, નિફ્ટીમાં 482 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં ચાર દિવસના ઘટાડાને બ્રેક લાગી હતી. વૈશ્વિક માર્કેટની તેજી અને એશિયન માર્કેટમાં પણ તેજીને પગલે સ્થાનિક શેરબજારમાં બેતરફી વધઘટે શાનદાર રિકવરી જોવા મળી હતી. હેવી વેઇટ શેરો રિલાયન્સ, એચડીએફસીની તેજીને પગલે શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ચાર ટકા સુધીની તેજી થઈ હતી. જેથી ટ્રેડિંગ સેશનને અંતે 1,628 પોઇન્ટ ઊછળીને 29,915.96 બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 482 પોઇન્ટ વધીને 8,745.45ના મથાળે બંધ રહ્યો હતો.

ઇન્ડેક્સ બેઝ્ડ શેરો જોઈએ તો સેન્સેક્સના 30માંથી 27 શેરો અને નિફ્ટીના 50માંથી 45 શેરોમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટીના 12માંથી આઠ શેરો તેજીમાં હતી.

આઇટી અને એફએમસીજી શેરોમાં તેજી

ડોલર સામે રૂપિયો આજે મજબૂત થતાં આઇટી શેરોમાં લેવાલી રહી હતી. સપ્તાહના અંતિમ દિવસે આઇટી અને એફએમસીજી શેરોમાં ભારે તેજી થઈ હતી. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 8.52 ટકા વધ્યો હતો, જ્યારે એફએમસીજી ઇન્ડેક્સ 8.77 ટકા વધ્યો હતો. આ સાથે ફાર્મા ઇન્ડેક્સ 7.68 ટકા, મેટલ ઇન્ડેક્સ 7.68 ટકા ઓટો ઇન્ડેક્સ 3.71 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ 2.33 ટકા વધ્યા હતા.

સાપ્તાહિક રીતે સેન્સેક્સ 12 ટકા અને નિફ્ટી 11.8 ટકા ઘટ્યા

સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ 12 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 11.8 ટકા ઘટ્યા હતા, જ્યારે બેન્ક નિફ્ટી 19 ટકા, મેટલ ઇન્ડેક્સ 10.5 ટકા, આઇટી ઇન્ડેક્સ 8.3 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 4.3 ટકા ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 13 ટકા ઘટ્યો હતો.