Home Blog Page 4905

કોરોના, મહામારીઓ અને ક્વોરેન્ટાઈન પ્રથા…

જ્યારથી આ કોરોનાએ દેખા દીધી છે ત્યારથી ચારેકોર ક્વોરન્ટાઇન… ક્વોરન્ટાઇન….ક્વોરન્ટાઇન શબ્દ સંભળાઇ રહયો છે. શું છે છેવટે આ ક્વોરન્ટાઇન પ્રથા? ક્યારથી થઇ એની શરૂઆત? કેવી મહામારીઓમાં એનો ઉપયોગ થતો હતો?

ચિત્રલેખા.કોમ માટે લખેલા આ વિશેષ લેખમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને કટાર લેખક નગીનદાસ સંઘવી એ સમજાવે છે…

————————————————————-

કોરોના વાઈરસે આખી દુનિયાને થરથરાવી નાખી છે અને ક્વોરન્ટાઈન જેવા શબ્દોને લોકજીભે રમતા કર્યા છે. ચુલાની આગના કારણે લાકડાનાં મકાનોમાં આગ ન લાગે તે માટે લોકોએ કરફ્યુનો ઘંટ રાતે આઠ વાગે વગાડવામાં આવે ત્યારે આગ ઠારી દેવી અને ઘરની બહાર નીકળવું નહીં તેવો આદેશ નવસો વરસ અગાઉ ઈંગ્લેન્ડના વીતેલા રાજવીએ લાગુ પાડેલો. ઠરાવેલા સમયે ઘરમાં આવી જવું તેવો આદેશ સરકાર, સમાજ અને કુંટુબો પણ આપે છે. તોફાન કે હુલ્લડો ખાળવા માટે થોડા દિવસનો કરફ્યુ પણ નાખવામાં આવે છે.


છોકરીઓએ ઠરાવેલા સમયે ઘરમાં કે હોસ્ટેલમાં હાજર થઈ જવાનો આદેશ ઘણા કુટુંબોમાં અને સંસ્થાઓમાં આપવામાં આવે છે. આભડછેટ ન લાગે તે માટે અશ્પૃશ્યોને તેમના અલગ વિસ્તારમાં જ બંધિયાર જેવી સ્થિતિમાં રાખવામાં આવે છે. મધ્ય કાલીન યુરોપના દરેક શહેરમાં રહેનાર યહૂદીઓ માટે અલગ વિસ્તાર (ઘેટો-GHETTO) રાખવામાં આવતો. સવારે દરવાજા ખૂલે અને રાત્રે દરવાજો બંધ થાય એટલો વખત જ યહુદીઓ બહાર રહી શકે. રાત્રે દરવાજો બંધ થયા પછી બહાર રહી ગયેલા યહુદીઓની હત્યા કરવાનો રિવાજ હતો.

ચેપી રોગ થયો હોય અથવા થવાની શંકા હોય તેવા લોકોને ક્વોરેન્ટાઈનમાં અલગ રાખવાની રસમ મુસ્લીમ ખલીફાઓએ બાંધેલી ઈરમીતામોમાં લાગુ પાડવાની શરુઆત થઈ. ત્યારે મોટાભાગે રક્તપીતના દરદીઓને અલગ રાખવામાં આવતા. પ્લેગ, ન્યુમોનીયા, કોલેરા જેવી મહામારીઓ ફેલાય ત્યારે દરદીઓને એકલા છોડીને સાજા લોકો ઘરબાર છોડીને ઝુંપડીઓમાં રહેવા જતા. ક્ષય રોગના દરદીને સગાવહાલાઓ પણ ભાગ્યે જ મળવા જતા. સાજા થવાની આશા ન હોય તેવી, જુગુપ્સા-ચીતરી ચડે તેવી રક્તપીત જેવી બિમારીના દરદીઓને ઘરનાં લોકો દરિયામાં અથવા ડુંગરની ધાર પરથી નીચે ફેંકી દેતા. બહારથી આવનાર વહાણોને તેમાં સવાર મુસાફરો ચેપી રોગથી પીડાતા હોવાની આશંકાને કારણે બંદરમાં 40 દિવસ સુધી એકલા પાડી દેવામાં આવતા હતા એવી ઈટાલીના નગરરાજ્યોની રસમને ક્વોરન્ટાઈન(40 દિવસ) કહેવામાં આવે છે. આ મુદત ઘટાડીને હવે 14 દિવસની કરવામાં આવી છે.

બિમારને એકાંતવાસમાં રાખવાની રસમ કોરોનાએ પલટાવી કાઢી છે. આ રોગની કોઈ અકસીર દવા આપણી પાસે નથી અને આ રોગ માનવીય સંપર્કથી વધારે ફેલાય છે તેવું ધ્યાનમાં આવ્યા પછી આજે દુનિયાના દેશોએ એકબીજા જોડેના સંપર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. એક દેશના વિવિધ વિસ્તારોને, રાજ્યોને, પ્રાંતોને અલગ પાડી નાંખવા માટે વાહનવ્યવહારના સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે અને શહેરો-કસબાઓમાં પણ લોકો એકબીજા જોડે હળીભળી શકે નહીં તેથી દરેક નાગરિકને પોતપોતાના ઘરમાં સ્વૈચ્છિક રીતે ગોંઘાઈ રહેવાની સલાહ અને આદેશ બંને આપવામાં આવ્યા છે.

પણ આજનો સમાજ એકબીજા સાથે એવો ગૂંથાઈ ગયો છે કે તમામ સંપર્ક અટકાવી દેવાનું અશક્ય છે. દરદીઓની સારવાર માટે અને શંકા લાગે તેવી ચકાસણી કરવા માટે ઈસ્પિતાલો-દવાખાનાઓ, ડાક્ટરો, નર્સ અને ઈસ્પિતાલના કર્મચારીઓને ફરજ હાજર રહેવાની પરવાની આપવામાં આવી છે. વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે પોલીસ કર્મચારીઓ હરીફરી શકે છે. દૈનિક જીવન જરૂરીયાતની ચીજો અને સેવાઓ જોડે સંકળાયેલા કર્મચારીઓ ઘરમાં બેસી શકતા નથી, પણ જેમની હાજરી અતિશય જરૂરી નથી અને ઘરમાં રહેવાથી તેમનું પોતાનું કે સમાજનું કશું કામ અટકી પડવાનું નથી તેવા લોકો વચ્ચેનો સંપર્ક શક્ય તેટલો ઓછો કરવાની જહેમત ભારત સરકાર કરે છે અને દુનિયાના લગભગ તમામ દેશો ઓછા-વધતા અંશે આ રસમને અનુસરે છે. પરસ્પર સંબંધો વધારે ને વધારે ગાઢ થતાં જાય તે પરિસ્થિતિ કોરોનાએ પલટાવી નાખી છે.

 

કોરોના વાઈરસની અસરઃ ઝોમેટો, સ્વિગીને કોઈ ઘરાક મળતા નથી

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ કંપનીઓ સ્વિગી અને ઝોમેટો કોરોના વાઈરસના ફેલાવાને કારણે સમગ્ર દેશમાં 21-દિવસનું લોકડાઉન લાગુ કરાતાં ભારે કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.

નવાઈની વાત એ છે કે ડિજિટલ ઈન્ડિયામાં ઝોમેટો, સ્વિગીને ગ્રાહકો મેળવવામાં ભારે તકલીફ પડી રહી છે, કારણ કે લોકડાઉનને કારણે દેશભરમાં હોટેલ-રેસ્ટોરન્ટ્સ બંધ છે. ક્લાઉડ કિચન્સ પણ બંધ છે.

સ્માર્ટફોન-બેઝ્ડ ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ્સ ઝોમેટો અને સ્વિગીના ડિલીવરી બોઈઝ રસ્તા પર દેખાય કે તરત જ સત્તાવાળાઓ એમને ચેતવણી આપીને પાછા મોકલી દે છે.

દેશભરમાં રેસ્ટોરન્ટ્સ જ બંધ હોવાથી લાખો ફૂડ લવર્સ ક્યાંય ઓર્ડર આપી શકતા નથી. જે અમુક વિસ્તારોમાં કેટલીક ફૂડ આઉટલેટ્સ ખુલ્લી રાખવામાં આવે છે ત્યાં પણ પોલીસ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ ડિલીવરી બોઈઝને અટકાવે છે.

ઝોમેટોના એક પ્રવક્તાએ કહ્યું છે કે સમગ્ર દેશમાં અમારા ડિલીવરી પાર્ટનર્સને અનેક અવરોધો નડી રહ્યાં છે. ફૂડ ડિલીવરીને આવશ્યક સેવા ગણવામાં આવી છે, પરંતુ ઉક્ત બે કંપનીના ડિલીવરી બોઈઝને અટકાવવામાં આવી રહ્યા છે. અમે સંબંધિત સત્તાવાળાઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આનો ઉકેલ આવવાની સંભાવના છે.

ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે કહ્યું છે કે આવશ્યક સેવાઓને જરાય મુશ્કેલી વગર ચાલુ રહેવા દેવી જોઈએ તેથી આ વિશે જે ગૂંચવણ ઊભી થઈ છે એ દૂર કરવા અમે સત્તાવાળાઓ સાથે ચર્ચામાં છીએ.

સ્વિગી કંપનીએ જણાવ્યું છે કે આ લોકડાઉનને કારણે અમારા બિઝનેસ કદ પર અસર પડશે. મોલ્સમાં આવેલી રેસ્ટોરન્ટ્સ બંધ કરવામાં આવી છે એને કારણે સપ્લાયની તંગી ઊભી થઈ છે.

સ્વિગીના પ્રવક્તાએ પણ કહ્યું કે આ કટોકટીના સમયમાં અમારો સરકારને, ખાસ કરીને ગ્રાહકોને પૂરો સહકાર છે.

ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી માર્કેટમાં આ બંને કંપનીનું વર્ચસ્વ છે. ઝોમેટોએ તો ઉબેરનો ભારતમાંનો ફૂડ ડિલીવરી બિઝનેસ પણ ખરીદી લીધો છે. એ માટે તેણે ઉબેર સાથે 35 કરોડ ડોલરનો ઓલ-સ્ટોક સોદો કર્યો છે.

બસ, અમારી દીકરીને કહેજો કે, જમી લે!!

રાજકોટ: ઇપ્સા… આપણે એને જોઈએ તો એ ડોકટર હશે એવડી મોટી લાગે જ નહીં. સાવ પાતળી. એમ.બી.બી.એસ. થઈ ગઈ છે અને જનરલ મેડીસિનના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજની આ વિદ્યાર્થિની, રેસીડેન્ટ ડોકટર ઇપ્સા પણ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા સેંકડો કર્મઠ લોકોમાંની એક છે.

ગઇકાલે અચાનક એના મમ્મી અને પપ્પા મેડિકલ કોલેજ – હોસ્પિટલમાં ગયા. કોલેજના વરિષ્ઠ અધિકારીને મળ્યા.

કહ્યું “એક કામ છે…’

‘બોલોને ‘

‘અમે ડૉ. ઇપ્સાના પેરેન્ટ્સ છીએ, એક વિનંતી છે. અમે એને દરરોજ ટિફિન આપીએ છીએ એ એમ ને એમ પાછું આવે છે. એ અહી એટલી વ્યસ્ત હોય છે કે જમતી જ નથી. અમે સમજીએ છીએ કે અત્યારે બધા બિઝી જ હોય. એટલે એ ફરજ પર ન આવે એવું તો ન કહી શકીએ. ભલે એ પણ સેવા કરે પણ એને સમજાવો કે જમી તો લે…’

વાત કરતી વખતે માતા-પિતાની આંખોના ખૂણા પણ ભીના હતા. સામે બેઠેલા હોસ્પિટલના મહિલા અધિકારી પણ ભાવુક થઈ ગયા. ડૉ.ઇપ્સા જેવા કેટલા ય ડોક્ટર્સ છે. જે આમ ઘરબાર બધું ભૂલીને સતત સેવારત છે. જોવાની વાત એ છે કે, ડોક્ટર ઇપ્સાના પેરેન્ટ્સ એક વિનંતી કરી ગયા કે એને ખબર નથી કે અમે અહીં આવ્યા છીએ. તમે ય એને કહેતા નહીં!

અહીં અમે એનું નામ બદલ્યું છે, પણ વાતનો સાર એ છે કે, એ ડૉ.ઇપ્સા હોય કે ડો. ઉષા હોય કે કોઈ પણ હોય, નામ કરતાં એનું આ કામ અને એની આ ઉદ્દાત ભાવના જ મહત્વની છે. પ્રેરણા કામની જ હોય, નામની નહીં.

(જ્વલંત છાયા-રાજકોટ)

અમદાવાદઃ આખેઆખી સિવિલ હોસ્પિટલનું સેનેટાઈઝેશન

અમદાવાદઃ કોરોના વાયરસના કહેરના કારણે અત્યારે આખુ ભારત લોકડાઉન છે. ત્યારે અમદાવાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કિડની, હાર્ટ જેવા વિવિધ પરિસરમાં ફાયર બ્રિગેડ તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જંતુઓના નાશ માટે સતત શુદ્ધીકરણ કરવામાં આવી રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

લોકડાઉનમાં 60 લાખ ગરીબ પરિવારોને મફત અનાજ

અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે દેશઆખામાં લોકડાઉન છે ત્યારે લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં પહેલી એપ્રિલથી વાજબી દરની દુકાનો દ્વારા 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોને મફતમાં અનાજની વહેંચણી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં બેઠક કર્યા પછી કહ્યું હતું કે આ યોજનાનો હેતુ દૈનિક આજીવિકા રળતા મજૂરી પર નિર્ભર રહેતા લોકોને અને એપ્રિલનું અનાજ નહીં ખરીદવાવાળા ગરીબ લોકોને મદદ કરવાનો છે.

સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ અપાશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં 60 લાખ રેશનકાર્ડધારક ગરીબ પરિવારો અથવા 3.25 લાખ લોકોને મફત અનાજ (ઘઉં, ચોખા, દાળ અને ખાંડ જેવી ખાદ્ય સામગ્રી) આપવામાં આવશે.

આ યોજના પહેલી એપ્રિલથી શરૂ થશે

પહેલી એપ્રિલથી શરૂ થનારી આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારની દરેક વ્યક્તિને સાડાત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, એક કિલો દાળ, એક કિલો ખાંડ અને મીઠું આપવામાં આવશે. રાજ્યમાં કોરોના વાઇરસના 38 મામલા સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે.

આવશ્યક ચીજવસ્તુઓની અછત નહીં સર્જાય

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ સ્થળે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા કે વિતરણની કમી નહીં સર્જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં દૈનિક 53 હજાર ક્વિન્ટલથી વધુ શાકભાજીની આવક  છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટામેટાંનો પર્યાપ્ત જથ્થો હોય છે.

મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતાયું, આપણને 21 દિવસ લાગશેઃ મોદી

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાચેપગ્રસ્ત રોગને લઈને પોતાના સંસદીય ક્ષેત્ર બનારસના લોકો સાથે વિડિયો કોન્ફરન્સિગથી સંવાદ કર્યો હતો. તેમણે કાશીવાસીઓને આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે તેમની કૃપાથી આ સંકટ સામે આપણે લડી લઈશું અને એમાં તમારા સૌના સહકારથી આપણી જીત થશે. તમે આ સંકટના 21 દિવસ સુધી ગરીબ લોકોની મદદ કરો, આ પણ એક માતાની પૂજા-અર્ચના છે, તેમ મોદીએ કહ્યું હતું.

કાશીવાસીઓની મહત્ત્વની ભૂમિકા

વડા પ્રધાને કાશીવાસીઓને પ્રેરિત કરતાં કહ્યું હતું કે આ 21 દિવસમાં આપણે કોરોનાની સામેની લડાઈ આપણે જીતવાની છે. આમાં કાશીવાસીઓની મહત્ત્વની ભૂમિકા છે. આ સંકટના સમયમાં કાશીએ સૌથી માર્ગદર્શન કર્યું છે. કાશીનો અર્થ શિવ છે. કાશી વિશ્વઆખીને શીખ આપે છે. તેમણે કાશીવાસીઓની પ્રશંસા કરી હતી.

મહાભારતનું યુદ્ધ 18 દિવસ, કોરાના સામેની લડાઈ 21 દિવસની

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતી લેવામાં આવ્યું હતું. આજે કોરોનાની સામે જે યુદ્ધ છેડ્યું છે, એમાં 21 દિવસ લાગવાના છે. હાલના કપરા સમયમાં હું જાણું છું કે મારી તમારી પડખે રહેવું જોઈએ, પણ તમે અહીં દિલ્હીની ગતિવિધિઓથી તમે પરિચિત છો. અહીં હું વ્યસ્ત છું પણ વારાણસી સાથે નિરંતj મારા સાથીઓ પાસેથી અપડેટ લઈ રહ્યો છું

આ મુશ્કેલ દિવસોમાં ગરીબ પરિવારની મદદ કરો

વડા પ્રધાને કહ્યું હતું કે આજથી નવરાત્રિના શુભ દિવસોની શરૂઆત થઈ છે. આપણે સંકલ્પ લઈએ કે આગામી 21 દિવસ આપણે નવ ગરીબ પરિવારોની જવાબદારી લઈએ તો આ નવરાત્રિ સફળ થઈ જશે. આ ઉપરાંત તમે તમારી આસપાસ રહેલાં પશુઓનો પણ ખ્યાલ રાખજો.

કોરોના વાઇરસ આપણી સંસ્કૃતિ મિટાવી શકતી નથી

કોરોના વાઇરસ ના તો આપણ સંસ્કૃતિ મિટાવી શકે છે અને ના તો આપણા સંસ્કાર દૂર કરી શકે છે. આ સંકટના સમયે આપણી પરોપકાર વૃત્તિ જાગ્રત થઈ જાય છે.

વિશ્વ સામે મોટો પડકાર, પણ આપણે લડી લઈશું

દેશ સામે આજે બહુ મોટું સંકટ છે. વિશ્વઆખું આ પડકારનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જેટલું બની શકે એટલું કરી રહ્યાં છે. સૌ સારાં વાનાં થશે, એમ કહેવું આપણી જાત સાથે છેતરપિંડી છે. માટે ધીરજ રાખો અને શાંતિ રાખો, આ સમય પણ નીકળી જશે. દેશવાસીઓમાં દ્રઢ ઇચ્છાશક્તિ છે અને મને વિશ્વાસ છે કે દેશ આ મહામારીને જરૂર હરાવશે.

 

 

 

 

 

 

 

 

 

ચાલતા વતન જવા મજબૂર બન્યા મજૂરોઃ પોલીસ આવી વ્હારે

અમદાવાદઃ આજે સાબરકાંઠા જિલ્લામાં હાઈવે પર પોતાના બાળકો અને સામાન સાથે ચાલતા જ પોતાના દેશમાં જતા મજૂરો જોવા મળ્યા હતા. આમાંથી ઘણા લોકો ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ પહોંચ્યા હતા. ભયંકર ગરમીના કારણે આ લોકો ખૂબ થાકી ગયા હતા. રાજસ્થાનના એક મજૂરે જણાવ્યું કે, હું અમદાવાદના રાણીપ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો અને મારા માલીકે મને કામ બંધ કરીને પાછા મારા વતનમાં જતુ રહેવા માટે કહ્યું. તેમણે મને બસનું ભાડુ આપ્યું પરંતુ તમામ પરિવહનના વાહનો બંધ છે અને એટલા માટે અમે ચાલતા અમારા ગામડે જવા માટે મજબૂર બન્યા છીએ.

આ પરિવારોને ભોજન અને પાણી જેવી સુવિધાઓ પણ મળી રહી નથી, કારણ કે લોકડાઉનના કારણે હાઈવે પર આવેલી તમામ પ્રકારની હોટલો બંધ છે. મોટાભાગના માલીકોએ પોતાના ત્યાં કામ કરતા મજૂરોને 500 રુપિયા જ આપ્યા છે. જો કે સાબરકાંઠા પોલીસ આ લોકોની મદદ માટે આગળ આવી અને તેમને ભોજન કરાવ્યું.

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકે કહ્યું કે, મેં આ મજૂરોને આશ્વાસન આપ્યું છે કે, રાજસ્થાનના સિરોહી, ઉદયપુર અથવા ડુંગરપુર જિલ્લામાં તેમને પહોંચાડવા માટે પરિવહનની કોઈક વ્યવસ્થા કરવામાં આવશે. માંડલિકે કહ્યું કે, અમે તેમને ભોજન, બિસ્કિટ અને પાણીની સુવિધા આપી છે. આ મજૂરોએ ગંભીર પ્રકારનું જોખમ લીધું છે કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

જ્યોતિષ અનુસાર કોરોનાનો ક્યારે નીકળશે કચ્ચરઘાણ?

વિશ્વભરમાં અત્યાર સુધી 4,22,000 કરતા વધુ લોકોને ચેપ લગાડીને 18,000થી વધુ મોત નીપજાવનારા ખતરનાક કોરોના વિષાણુએ ભારતને સંચારબંદીની સ્થિતિમાં મૂકી દીધું છે. 21 દિવસના આ લોકડાઉન પછીય કોરોનાનો આ કકળાટ ક્યારે ખતમ થશે એ સવાલ તો પાછો ઉભો જ છે!

આ સંજોગોમાં કોરોનાનો પ્રકોપ ક્યાં સુધી ટકશે અને એના પરિણામ કેવા આવશે એના વર્તારા અનેક જ્યોતિષીએ કર્યા છે. ચિત્રલેખા ના વરિષ્ઠ સંવાંદદાતા સમીર પાલેજાએ આ સંદર્ભે મુંબઈના જાણીતા બે જ્યોતિષી અમિત નીલા અને સંદીપ પટેલ સાથે વાત કરી. શું કહે છે આ જ્યોતિષીઓ? 

—————————————————————

જ્યોતિષી અમિત નીલાએ આખા વિશ્વને લાગુ પડતી કાલપુરુષ કુંડળીના આધારે રસપ્રદ વિશ્લેષણ કર્યું છે.

એ કહે છે કે કાલપુરુષ કુંડળીમાં ત્રીજું ઘર મિથુનનું છે, જેનો સંબંધ મનુષ્યના ઉપલા શ્વસનતંત્ર સાથે માનવામાં આવ્યો છે. ત્રીજા ઘરમાં રાહુના પ્રવેશને કારણે શ્વસનતંત્રના ચેપની બીમારી અર્થાત કોરોનાનો ઉપદ્રવ વધ્યો છે. નવમા અને બારમા ઘરનો સ્વામી ગુરુ છે. આ સ્થાનોનો સંબંધ લાંબા અંતરની મુસાફરી, હોસ્પિટલ અને આઈસોલેશન સાથે છે. ગુરુની દૃષ્ટિ ત્રીજા સ્થાનમાં બેઠેલા રાહુ પર પડતી હોવાથી લાંબા અંતરના પ્રવાસીઓ દ્વારા કોરોનાનો ચેપ દુનિયાભરમાં ફેલાવા માંડ્યો અને હજારો લોકોએ હોસ્પિટલ ભેગાં થવું પડ્યું અથવા ક્વોરન્ટાઈનમાં જવું પડ્યું. પછી આઠમા ઘરનો સ્વામી મંગળ રાહુ પર દૃષ્ટિપાત કરતા ધન રાશિમાં પ્રવેશ્યો ત્યારે કોરોનાથી થતાં મૃત્યુનો દર ચિંતાજનક હદે વધી ગયો.

હાલની પરિસ્થિતિ જોઈએ તો 10મા ઘરનો માલિક શનિ મકર રાશિમાં છે. આ રાશિનો સંબંધ સંઘર્ષ સાથે છે. શનિના ચોક્કસ સ્થાનને કારણે સરકારે કાયદાનો પ્રયોગ કરીને લોકડાઉન જાહેર કરવું પડ્યું, જેને કારણે જીવનઆવશ્યક વસ્તુઓ સિવાયના કામધંધા બંધ થયા. મંગળના ચોક્કસ સ્થાનને કારણે સરકારે સંચારબંધીનો અમલ કરાવવા માટે ક્યાંક જબરજસ્તી પણ કરવી પડી. સરકારના આ પ્રયાસોને સંઘર્ષ બાદ સફળતા મળશે એવું ગ્રહો કહે છે.

સૌથી મહત્ત્વની વાત એ કે 30 માર્ચે ગુરુ પ્રવેશી રહ્યો છે. મકર રાશિમાં જે નીચ રાશિ કહેવાય છે. સાથે શનિનો પણ નીચભંગ થઈ રહ્યો છે. આ ગ્રહયોગને કારણે કોરોનાનો પ્રકોપ સહેજ ધીમો પડે, છતાં સરકાર 21 દિવસનો લોકડાઉન બીજા પંદર દિવસ સુધી લંબાવવાનું આકરું પગલું લઈ શકે. જુલાઈ મહિનામાં ગુરુ ફરી પાછો ધન રાશિમાં પ્રવેશશે ત્યારે કોરોનાના કેસ ફરી વધવા માંડે, પણ સપ્ટેમ્બરમાં રાહુ મિથુન રાશિમાંથી પસાર થશે ત્યારે કોરાનાની કોઈ અસરકારક રસી શોધાય અથવા એ નિર્મૂળ કરવા માટેની કોઈ તબીબી પ્રક્રિયા શોધાય એવું બને.

અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીનો અભ્યાસ કરતા જણાય છે કે એપ્રિલથી જૂન સુધી એમની કુંડળીમાં 10મા સ્થાને બેઠેલા સૂર્ય પર ગુરુ અને શનિની કોણ દૃષ્ટિ (ચોક્કસ ખૂણાની) હોવાથી કોરાનાને ભારતમાંથી વિદાય કરવાના એમના પ્રયાસોની જગતભરમાં સરાહના થાય. જો કે જુલાઈમાં ફરી કેસ વધે એવું પણ જણાય છે. બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે પોતાના આરોગ્યનો પૂરતો ખયાલ રાખવો પડશે એવા ગ્રહયોગ છે.

બીજી તરફ, અમિત નીલાથી થોડો જૂદો મત વ્યક્ત કરતા એસ્ટ્રો-ન્યુમરોલોજીસ્ટ અને ટેરો રિડર સંદીપ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે કે એપ્રિલના અંત કે બહુ તો મે મહિનામાં ભારતમાંથી કોરોના વિદાય લેશે.

સંદીપ પટેલ રસપ્રદ માહિતી આપતા ઉમેરે છે કે સૂયગ્રહણ અને ચંદ્રગ્રહણ એક જ મહિનામાં આવશે ત્યારે એક સંક્રામક રોગ પૂર્વના કોઈ દેશમાંથી ઉદ્ભવીને આખી દુનિયામાં ફેલાઈ જશે એવી આગાહી ભવિષ્ય પુરાણમાં કરવામાં આવી છે. યાદ રહે, ડિસેમ્બર 2019ના અંતમાં બન્ને ગ્રહણ થયા હતા. ભવિષ્ય પુરાણ તો એમ પણ લખે છે કે એ સંક્રામક રોગ એવા લોકો દ્વારા ફેલાવવામાં આવશે, જેમણે ગ્રહણ દરમિયાન જીવતા જાનવર ખાધા છે. નવાઈ એ વાતની કે ચીનમાં કોરોનાના સૌથી પહેલા 25 દરદીની પૂછપરછ કરતા જણાયું કે એમાંથી 15 વ્યક્તિઓ 25 ડિસેમ્બરે એટલે કે સૂર્યગ્રહણ વખતે માંસ-મચ્છી બજારમાં જીવતા જાનવર ખાવા ગયા હતા. ભવિષ્ય પુરાણ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસે પણ આવા સંક્રામક રોગની આગાહી કરી હોવાના ઉલ્લેખ છે.

સંદીપ પટેલ એક શુભ સમાચાર આપતા કહે છે કે ભવિષ્ય પુરાણની આગાહી મુજબ આ રોગ ચારેક મહિનામાં ખતમ થશે. ખાસ કરીને નવું વર્ષ (ગુડી પડવો) શરુ થાય પછી એનો પ્રકોપ ઓછો થાય. એટલે જ ચીનથી ભારત આવેલા કોરોનાના સૌથી પહેલા બે દરદી સાજા થઈ ગયા હોવાના તાજા સમાચારને આપણે શુભ સંકેત માનવો જોઈએ.
ઉપરાંત 15 એપ્રિલ પછી સૂર્ય પ્રવેશ કરશે મેશ રાશિમાં ત્યારથી કોરાનાના વિષાણુ નબળા પડશે. સૂર્યનો રાશિફેર પર્યાવરણમાંથી વિષાણુ નાબુદ કરશે, પણ માણસો એકબીજાના સંપર્ક દ્વારા વિષાણુનો ચેપ ફેલાવે તો એની સામે સૂર્ય લાચાર છે.

 

અહીં ટેરો કાર્ડ રીડ કરીને સંદીપ પટેલ સમજાવે છે કે કોરાના સંદર્ભે મેં ખેંચેલા ટેરોમાં હરમીટનું કાર્ડ આવ્યું છે, આ કાર્ડમાં એક વૃદ્ધ-જ્ઞાની પુરુષ ફાનસ લઈને રસ્તો દેખાડતો ઊભો છે. આનો અર્થ એ કે કોરોનાને મહાત આપવા માટે આપણે નિષ્ણાતો ખાસ કરીને સરકારની સૂચનાઓનું પાલન કરવું પડશે. વડ પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનનો આપેલો આદેશ ગ્રહયોગની દૃષ્ટિએ એકદમ ઉચિત જણાય છે. અંકશાસ્ત્રની દૃષ્ટિએ 2020નું વર્ષ (નંબર 4) રાહુનું છે, જે કંઈને કંઈ મુશ્કેલી લાવ્યા કરશે. આ સમય શાંતિથી પસાર થવા દેવો. 2021 (નંબર 5) બુધનું વર્ષ હોવાથી વ્યાપાર ધંધા માટે શકનવંતુ નીવડશે.

કોરાનાથી કઈ રીતે બચવું?

જ્યોતિષી અમિત નીલાના મતે આજના કપરા સમયમાં લોકોએ પોતપોતાની શ્રદ્ધા મુજબ નૃસિંહ મંત્ર, હનુમાન ચાલીસા કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા જોઈએ. તો સંદીપ પટેલ કહે છે કે સૂર્ય ઉપાસના અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ રોગો સામે રક્ષણ આપે છે. એ સિવાય જીવનજરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે વહેલી સવારે કે રાત્રે નહીં, પણ સૂર્ય તપતો હોય ત્યારે નીકળવું જોઈએ.

 

હવે નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશનમાં આ રીતે આગળ વધશે જવાનો

નવી દિલ્હીઃ છત્તિસગઢના સુકમામાં જવાનોનું સેટેલાઈટ ટ્રેકર નેટવર્ક તૂટવાના કારણે મોટી હાની થઈ હતી. જિલ્લામાં ગત શનિવારના રોજ નક્સલી સાથે થયેલા એન્કાઉન્ટરમાં 17 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે હવે ફોર્સે પોતાની રણનીતિ બદલી નાંખી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે જ્યારે પણ જવાનો જંગલમાં ઓપરેશન માટે જશે ત્યારે તેમનું કંટ્રોલ રુમથી મોનિટરિંગ કરવામાં આવશે. તો આ દરમિયાન ફોર્સને નિર્દેશિત કરવામાં આવી છે કે કોઈપણ સ્થિતિમાં સેટેલાઈટ ટ્રેકર બંધ થયા બાદ ઓપરેશન આગળ ન ચલાવે.

એન્ટી નક્સલ ઓપરેશનના અધિકારીઓએ જણાવ્યું કે જંગલની અંદર જવાનોનું ઓપરેશન ચાલી રહ્યું છે. ફોર્સ નક્સલીઓના પ્રભાવ વાળા વિસ્તારમાં ખૂબ અંદર સુધી ઘુસી ગઈ છે. ત્યારે આવામાં ફોર્સને પાછી બોલાવવાનો કોઈ સવાલ ઉભો થતો જ નથી. તો સુકમા, અને બીજાપુરમાં એન્ટી નક્સલ ઓપરેશનના મોનિટરિંગ માટે આઈપીએસ જીતેન્દ્ર શુક્લા અને કે.એલ ધ્રુવને તૈનાત કરવામાં આવ્યા છે.

બન્ને અધિકારીઓએ એસપી ઓફિસમાં કંટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયાથી જવાનોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. શુક્લા અને ધ્રુવ પહેલા પણ અહીંયા અધિકારી પદ પર રહી ચૂક્યા છે. ત્યારે આવામાં તેમને જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને મૂવમેન્ટ વિશે વિશેષ જાણકારીઓ છે. વિશેષ સુરક્ષા સલાહકાર કે.વિજય કુમારની બેઠકમાં પણ આ જ રણનીતિ પર કામ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

હૃતિક, ભૂતપૂર્વ પત્ની સુઝેન દીકરાઓની સંભાળ લેવા સાથે રહેવા માંડ્યા

મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાવાને કારણે પોતાના બંને દીકરાની સંભાળ લેવા માટે બોલીવૂડ એક્ટર હૃતિક રોશન અને એની ભૂતપૂર્વ પત્ની સુઝેન ફરી સાથે રહેવા માંડ્યા છે.

કોરોનાએ સર્જેલા ગભરાટને કારણે બંને પુત્રોની સંભાળ લેવા માટે પોતાની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન થોડાક સમય માટે પોતાની સાથે રહેવા આવતાં હૃતિક લાગણીવશ થઈ ગયો છે.

એણે આ જાણકારી સોશિયલ મિડિયા પર આપી છે. એણે સુઝેન માટે થેંક્યૂ નોંધ મૂકી છે અને લખ્યું છે કે આજે આખો દેશ લોકડાઉનમાં અમલ કરી રહ્યો છે ત્યારે હું મારા બાળકોથી અલગ રહું એવી એક પિતા તરીકે હું કલ્પના પણ ન કરું.

ઘેરી અચોક્કસતા અને મહિનાઓ સુધી સામાજિક રીતે વિખૂટાપણાની સંભાવના તેમજ અનેક અઠવાડિયાઓના લોકડાઉનના સમયે સમગ્ર વિશ્વ સંગઠિત થયું છે એ આનંદના સમાચાર છે, એમ હૃતિકે વધુમાં લખ્યું છે.

દુનિયામાં જ્યારે માનવતા એકત્રિત થઈ રહી છે ત્યારે કોઈ માતાપિતા એમનાં બાળકોનો કબજો સાથે મળીને નિભાવે કરે એ બહુ જ સારો વિચાર કહેવાય. સંતાનો પર પતિ-પત્ની બંનેનો સમાન અધિકાર હોય છે ત્યારે બીજાના અધિકારનું ઉલ્લંઘન કર્યા વિના બાળકોને કેવી રીતે સાથે રાખવા એ શીખવું જ જોઈએ, એમ હૃતિક વધુમાં કહે છે.

આ પોસ્ટ મૂકવા સાથે હૃતિકે પલંગ પર બેસીને મગમાં કોફી પીતી સુઝેનનો ફોટો પણ મૂક્યો છે. અને લખ્યું છેઃ આ તસવીરમાં મારી પ્રિય સુઝેન (મારી ભૂતપૂર્વ પત્ની) છે, જે સ્વૈચ્છિક રીતે કામચલાઉ રીતે મારી સાથે રહેવા આવી ગઈ છે, જેથી અમારા બાળકો અમારા બેઉ જણથી અચોક્કસ મુદત સુધી અલગ ન રહે. થેંક્યુ સુઝેન આવો સાથ આપવા બદલ અને માતાપિતા તરીકેની ફરજ અદા કરવાની સફરમાં સમજદારી દાખવવા બદલ.

ઉલ્લેખનીય છે કે, હૃતિક અને સુઝેને 2013માં એમનાં લગ્નજીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું હતું અને 2014માં છૂટાછેડા લીધા હતા. બંનેને બે પુત્ર છે – રેહાન અને રીધાન.