જ્યોતિષ અનુસાર કોરોનાનો ક્યારે નીકળશે કચ્ચરઘાણ?

વિશ્વભરમાં અત્યાર સુધી 4,22,000 કરતા વધુ લોકોને ચેપ લગાડીને 18,000થી વધુ મોત નીપજાવનારા ખતરનાક કોરોના વિષાણુએ ભારતને સંચારબંદીની સ્થિતિમાં મૂકી દીધું છે. 21 દિવસના આ લોકડાઉન પછીય કોરોનાનો આ કકળાટ ક્યારે ખતમ થશે એ સવાલ તો પાછો ઉભો જ છે!

આ સંજોગોમાં કોરોનાનો પ્રકોપ ક્યાં સુધી ટકશે અને એના પરિણામ કેવા આવશે એના વર્તારા અનેક જ્યોતિષીએ કર્યા છે. ચિત્રલેખા ના વરિષ્ઠ સંવાંદદાતા સમીર પાલેજાએ આ સંદર્ભે મુંબઈના જાણીતા બે જ્યોતિષી અમિત નીલા અને સંદીપ પટેલ સાથે વાત કરી. શું કહે છે આ જ્યોતિષીઓ? 

—————————————————————

જ્યોતિષી અમિત નીલાએ આખા વિશ્વને લાગુ પડતી કાલપુરુષ કુંડળીના આધારે રસપ્રદ વિશ્લેષણ કર્યું છે.

એ કહે છે કે કાલપુરુષ કુંડળીમાં ત્રીજું ઘર મિથુનનું છે, જેનો સંબંધ મનુષ્યના ઉપલા શ્વસનતંત્ર સાથે માનવામાં આવ્યો છે. ત્રીજા ઘરમાં રાહુના પ્રવેશને કારણે શ્વસનતંત્રના ચેપની બીમારી અર્થાત કોરોનાનો ઉપદ્રવ વધ્યો છે. નવમા અને બારમા ઘરનો સ્વામી ગુરુ છે. આ સ્થાનોનો સંબંધ લાંબા અંતરની મુસાફરી, હોસ્પિટલ અને આઈસોલેશન સાથે છે. ગુરુની દૃષ્ટિ ત્રીજા સ્થાનમાં બેઠેલા રાહુ પર પડતી હોવાથી લાંબા અંતરના પ્રવાસીઓ દ્વારા કોરોનાનો ચેપ દુનિયાભરમાં ફેલાવા માંડ્યો અને હજારો લોકોએ હોસ્પિટલ ભેગાં થવું પડ્યું અથવા ક્વોરન્ટાઈનમાં જવું પડ્યું. પછી આઠમા ઘરનો સ્વામી મંગળ રાહુ પર દૃષ્ટિપાત કરતા ધન રાશિમાં પ્રવેશ્યો ત્યારે કોરોનાથી થતાં મૃત્યુનો દર ચિંતાજનક હદે વધી ગયો.

હાલની પરિસ્થિતિ જોઈએ તો 10મા ઘરનો માલિક શનિ મકર રાશિમાં છે. આ રાશિનો સંબંધ સંઘર્ષ સાથે છે. શનિના ચોક્કસ સ્થાનને કારણે સરકારે કાયદાનો પ્રયોગ કરીને લોકડાઉન જાહેર કરવું પડ્યું, જેને કારણે જીવનઆવશ્યક વસ્તુઓ સિવાયના કામધંધા બંધ થયા. મંગળના ચોક્કસ સ્થાનને કારણે સરકારે સંચારબંધીનો અમલ કરાવવા માટે ક્યાંક જબરજસ્તી પણ કરવી પડી. સરકારના આ પ્રયાસોને સંઘર્ષ બાદ સફળતા મળશે એવું ગ્રહો કહે છે.

સૌથી મહત્ત્વની વાત એ કે 30 માર્ચે ગુરુ પ્રવેશી રહ્યો છે. મકર રાશિમાં જે નીચ રાશિ કહેવાય છે. સાથે શનિનો પણ નીચભંગ થઈ રહ્યો છે. આ ગ્રહયોગને કારણે કોરોનાનો પ્રકોપ સહેજ ધીમો પડે, છતાં સરકાર 21 દિવસનો લોકડાઉન બીજા પંદર દિવસ સુધી લંબાવવાનું આકરું પગલું લઈ શકે. જુલાઈ મહિનામાં ગુરુ ફરી પાછો ધન રાશિમાં પ્રવેશશે ત્યારે કોરોનાના કેસ ફરી વધવા માંડે, પણ સપ્ટેમ્બરમાં રાહુ મિથુન રાશિમાંથી પસાર થશે ત્યારે કોરાનાની કોઈ અસરકારક રસી શોધાય અથવા એ નિર્મૂળ કરવા માટેની કોઈ તબીબી પ્રક્રિયા શોધાય એવું બને.

અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કુંડળીનો અભ્યાસ કરતા જણાય છે કે એપ્રિલથી જૂન સુધી એમની કુંડળીમાં 10મા સ્થાને બેઠેલા સૂર્ય પર ગુરુ અને શનિની કોણ દૃષ્ટિ (ચોક્કસ ખૂણાની) હોવાથી કોરાનાને ભારતમાંથી વિદાય કરવાના એમના પ્રયાસોની જગતભરમાં સરાહના થાય. જો કે જુલાઈમાં ફરી કેસ વધે એવું પણ જણાય છે. બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે પોતાના આરોગ્યનો પૂરતો ખયાલ રાખવો પડશે એવા ગ્રહયોગ છે.

બીજી તરફ, અમિત નીલાથી થોડો જૂદો મત વ્યક્ત કરતા એસ્ટ્રો-ન્યુમરોલોજીસ્ટ અને ટેરો રિડર સંદીપ પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે કે એપ્રિલના અંત કે બહુ તો મે મહિનામાં ભારતમાંથી કોરોના વિદાય લેશે.

સંદીપ પટેલ રસપ્રદ માહિતી આપતા ઉમેરે છે કે સૂયગ્રહણ અને ચંદ્રગ્રહણ એક જ મહિનામાં આવશે ત્યારે એક સંક્રામક રોગ પૂર્વના કોઈ દેશમાંથી ઉદ્ભવીને આખી દુનિયામાં ફેલાઈ જશે એવી આગાહી ભવિષ્ય પુરાણમાં કરવામાં આવી છે. યાદ રહે, ડિસેમ્બર 2019ના અંતમાં બન્ને ગ્રહણ થયા હતા. ભવિષ્ય પુરાણ તો એમ પણ લખે છે કે એ સંક્રામક રોગ એવા લોકો દ્વારા ફેલાવવામાં આવશે, જેમણે ગ્રહણ દરમિયાન જીવતા જાનવર ખાધા છે. નવાઈ એ વાતની કે ચીનમાં કોરોનાના સૌથી પહેલા 25 દરદીની પૂછપરછ કરતા જણાયું કે એમાંથી 15 વ્યક્તિઓ 25 ડિસેમ્બરે એટલે કે સૂર્યગ્રહણ વખતે માંસ-મચ્છી બજારમાં જીવતા જાનવર ખાવા ગયા હતા. ભવિષ્ય પુરાણ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસે પણ આવા સંક્રામક રોગની આગાહી કરી હોવાના ઉલ્લેખ છે.

સંદીપ પટેલ એક શુભ સમાચાર આપતા કહે છે કે ભવિષ્ય પુરાણની આગાહી મુજબ આ રોગ ચારેક મહિનામાં ખતમ થશે. ખાસ કરીને નવું વર્ષ (ગુડી પડવો) શરુ થાય પછી એનો પ્રકોપ ઓછો થાય. એટલે જ ચીનથી ભારત આવેલા કોરોનાના સૌથી પહેલા બે દરદી સાજા થઈ ગયા હોવાના તાજા સમાચારને આપણે શુભ સંકેત માનવો જોઈએ.
ઉપરાંત 15 એપ્રિલ પછી સૂર્ય પ્રવેશ કરશે મેશ રાશિમાં ત્યારથી કોરાનાના વિષાણુ નબળા પડશે. સૂર્યનો રાશિફેર પર્યાવરણમાંથી વિષાણુ નાબુદ કરશે, પણ માણસો એકબીજાના સંપર્ક દ્વારા વિષાણુનો ચેપ ફેલાવે તો એની સામે સૂર્ય લાચાર છે.

 

અહીં ટેરો કાર્ડ રીડ કરીને સંદીપ પટેલ સમજાવે છે કે કોરાના સંદર્ભે મેં ખેંચેલા ટેરોમાં હરમીટનું કાર્ડ આવ્યું છે, આ કાર્ડમાં એક વૃદ્ધ-જ્ઞાની પુરુષ ફાનસ લઈને રસ્તો દેખાડતો ઊભો છે. આનો અર્થ એ કે કોરોનાને મહાત આપવા માટે આપણે નિષ્ણાતો ખાસ કરીને સરકારની સૂચનાઓનું પાલન કરવું પડશે. વડ પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનનો આપેલો આદેશ ગ્રહયોગની દૃષ્ટિએ એકદમ ઉચિત જણાય છે. અંકશાસ્ત્રની દૃષ્ટિએ 2020નું વર્ષ (નંબર 4) રાહુનું છે, જે કંઈને કંઈ મુશ્કેલી લાવ્યા કરશે. આ સમય શાંતિથી પસાર થવા દેવો. 2021 (નંબર 5) બુધનું વર્ષ હોવાથી વ્યાપાર ધંધા માટે શકનવંતુ નીવડશે.

કોરાનાથી કઈ રીતે બચવું?

જ્યોતિષી અમિત નીલાના મતે આજના કપરા સમયમાં લોકોએ પોતપોતાની શ્રદ્ધા મુજબ નૃસિંહ મંત્ર, હનુમાન ચાલીસા કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા જોઈએ. તો સંદીપ પટેલ કહે છે કે સૂર્ય ઉપાસના અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ રોગો સામે રક્ષણ આપે છે. એ સિવાય જીવનજરુરિયાતની વસ્તુઓ ખરીદવા માટે વહેલી સવારે કે રાત્રે નહીં, પણ સૂર્ય તપતો હોય ત્યારે નીકળવું જોઈએ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]