ચાલતા વતન જવા મજબૂર બન્યા મજૂરોઃ પોલીસ આવી વ્હારે

અમદાવાદઃ આજે સાબરકાંઠા જિલ્લામાં હાઈવે પર પોતાના બાળકો અને સામાન સાથે ચાલતા જ પોતાના દેશમાં જતા મજૂરો જોવા મળ્યા હતા. આમાંથી ઘણા લોકો ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ પહોંચ્યા હતા. ભયંકર ગરમીના કારણે આ લોકો ખૂબ થાકી ગયા હતા. રાજસ્થાનના એક મજૂરે જણાવ્યું કે, હું અમદાવાદના રાણીપ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો અને મારા માલીકે મને કામ બંધ કરીને પાછા મારા વતનમાં જતુ રહેવા માટે કહ્યું. તેમણે મને બસનું ભાડુ આપ્યું પરંતુ તમામ પરિવહનના વાહનો બંધ છે અને એટલા માટે અમે ચાલતા અમારા ગામડે જવા માટે મજબૂર બન્યા છીએ.

આ પરિવારોને ભોજન અને પાણી જેવી સુવિધાઓ પણ મળી રહી નથી, કારણ કે લોકડાઉનના કારણે હાઈવે પર આવેલી તમામ પ્રકારની હોટલો બંધ છે. મોટાભાગના માલીકોએ પોતાના ત્યાં કામ કરતા મજૂરોને 500 રુપિયા જ આપ્યા છે. જો કે સાબરકાંઠા પોલીસ આ લોકોની મદદ માટે આગળ આવી અને તેમને ભોજન કરાવ્યું.

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકે કહ્યું કે, મેં આ મજૂરોને આશ્વાસન આપ્યું છે કે, રાજસ્થાનના સિરોહી, ઉદયપુર અથવા ડુંગરપુર જિલ્લામાં તેમને પહોંચાડવા માટે પરિવહનની કોઈક વ્યવસ્થા કરવામાં આવશે. માંડલિકે કહ્યું કે, અમે તેમને ભોજન, બિસ્કિટ અને પાણીની સુવિધા આપી છે. આ મજૂરોએ ગંભીર પ્રકારનું જોખમ લીધું છે કારણ કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી.