બસ, અમારી દીકરીને કહેજો કે, જમી લે!!

રાજકોટ: ઇપ્સા… આપણે એને જોઈએ તો એ ડોકટર હશે એવડી મોટી લાગે જ નહીં. સાવ પાતળી. એમ.બી.બી.એસ. થઈ ગઈ છે અને જનરલ મેડીસિનના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજની આ વિદ્યાર્થિની, રેસીડેન્ટ ડોકટર ઇપ્સા પણ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા સેંકડો કર્મઠ લોકોમાંની એક છે.

ગઇકાલે અચાનક એના મમ્મી અને પપ્પા મેડિકલ કોલેજ – હોસ્પિટલમાં ગયા. કોલેજના વરિષ્ઠ અધિકારીને મળ્યા.

કહ્યું “એક કામ છે…’

‘બોલોને ‘

‘અમે ડૉ. ઇપ્સાના પેરેન્ટ્સ છીએ, એક વિનંતી છે. અમે એને દરરોજ ટિફિન આપીએ છીએ એ એમ ને એમ પાછું આવે છે. એ અહી એટલી વ્યસ્ત હોય છે કે જમતી જ નથી. અમે સમજીએ છીએ કે અત્યારે બધા બિઝી જ હોય. એટલે એ ફરજ પર ન આવે એવું તો ન કહી શકીએ. ભલે એ પણ સેવા કરે પણ એને સમજાવો કે જમી તો લે…’

વાત કરતી વખતે માતા-પિતાની આંખોના ખૂણા પણ ભીના હતા. સામે બેઠેલા હોસ્પિટલના મહિલા અધિકારી પણ ભાવુક થઈ ગયા. ડૉ.ઇપ્સા જેવા કેટલા ય ડોક્ટર્સ છે. જે આમ ઘરબાર બધું ભૂલીને સતત સેવારત છે. જોવાની વાત એ છે કે, ડોક્ટર ઇપ્સાના પેરેન્ટ્સ એક વિનંતી કરી ગયા કે એને ખબર નથી કે અમે અહીં આવ્યા છીએ. તમે ય એને કહેતા નહીં!

અહીં અમે એનું નામ બદલ્યું છે, પણ વાતનો સાર એ છે કે, એ ડૉ.ઇપ્સા હોય કે ડો. ઉષા હોય કે કોઈ પણ હોય, નામ કરતાં એનું આ કામ અને એની આ ઉદ્દાત ભાવના જ મહત્વની છે. પ્રેરણા કામની જ હોય, નામની નહીં.

(જ્વલંત છાયા-રાજકોટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]