Home Blog Page 4904

માત્ર લોકડાઉનથી કોરોના નહી ભાગેઃWHO

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં તેજીથી પોતાનો પગ પેસારો કરી રહ્યો છે ત્યારે આવામાં સંક્રમણને રોકવા માટે કેટલાય દેશ, અલગ-અલગ પદ્ધતીઓ અપનાવી રહ્યા છે. મોટાભાગના દેશોમાં લોકડાઉન કરીને કોરોનાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસે લોકડાઉન કરનારા દેશોને ચેતવ્યા છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ભગાડવા માટે લોકડાઉન પર્યાપ્ત ઉપાય નથી.

ગેબ્રિયેસસે જણાવ્યું કે, કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે ઘણા દેશોએ લોકડાઉનનો ઉપાય અપનાવ્યો છે. પરંતુ આ ઉપાય આ મહામારીને ખતમ નહી કરે. અમે તમામ દેશોનો આ સમયનો ઉપયોગ કરીને કોરોના વાયરસ પર હુમલો કરવાનું આહ્વાન કરીએ છીએ.

તેમણે કહ્યું કે, લોકોને ઘરમાં રહેવા માટે કહેવું અને તેમના આવન-જાવન પર પ્રતિબંધ કરી દેવાથી સમય પ્રાપ્ત નહી થાય જેનાથી હેલ્થ સિસ્ટમ પર દબાણ ઘટશે. પરંતુ આપ આનાથી  આ મહામારીને ખતમ નહી કરી શકો.

ગેબ્રિયેસસે કહ્યું કે, અમે એ દેશોને કહેવા માંગીએ છીએ કે, જેમણે લોકડાઉન અપનાવ્યું છે. તેઓ આ વાયરસ પર હુમલો કરવા માટે આ સમયનો ઉપયોગ કરે. તમે આ તકની બીજી વિન્ડો બનાવી છે પરંતુ સવાલ એ છે કે તમે આનો ઉપયોગ કેવી રીતે કરશો?

સુરતમાં અચાનક તંત્ર દોડતું થયુંઃ પછીથી હાશકારો

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અત્યારે આખો ભારત દેશ લોકડાઉન છે. સુરત અમદાવાદ જેવા મહાનગરોમાં સ્થિતિ નાજુક છે. ત્યારે સુરતમાં કુલ 7 પોઝિટિવ કેસ છે અને વધારે 6 લોકો શંકાસ્પદ જણાતા તંત્ર દોડતું થયું હતું. જો કે બાદમાં 8 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવતા આંશિક રાહત થઈ હતી.

મહત્વનું છે કે અત્યારે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને જોતા ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. દરેક જગ્યાએ પોલીસનો કડક બંદોબસ્ત છે અને લોકોને ઘરની બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી રહી છે.

 

સરકારનું ગરીબો માટે રૂ. 1.70 લાખ કરોડનું રાહત પેકેજ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઇરસના ફેલાવાને લીધે દેશમાં થયેલા સંપૂર્ણ લોકડાઉનને લીધે અસર પામેલા ગરીબો, મજૂરો, વસાહતી મજૂરો, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ માટે અને નાના કર્મચારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી.  નાણાપ્રધાને કુલ રૂ. 1.70 લાખના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે કોરોના લોકડાઉનના સમયમાં કોઈ પણ ગરીબ વ્યક્તિને મુશ્કેલની ના થાય તેમને અનાજની ખેંચ ના પડે. આ ઉપરાંત સરકારે સેનિટેશમન વર્કર્સ, સફાઈ કર્મચારી, ડોક્ટર્સ, નર્સ, આશા વર્કર્સ, પેરામેડિકલ સ્ટફ અને મેડિકલ સ્ટાફ માટે રૂ. 50 લાખના વીમા કવચની જાહેરાત કરી હતી.

તેમણે ગરીબ, મહિલા અને નીચલા વર્ગને ધ્યાનમાં રાખીને આ જાહેરાત આ મુજબ કરી હતી….

  • દેશમાં લોકડાઉનને લીધે હાલ ગરીબો માટે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ છે
  • ગરીબો માટે રોકડ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • કોરોના યોદ્ધા માટે રૂ. 50 લાખનું વીમા કવચ
  • ડોક્ટરો, નર્સો અ માચે રૂ. 50 લાખનો વીમો અપાશે
  • PM ગરીબ કલ્યાણ યોજનામાંથી ગરીબોને મદદ કરવામાં આવશે
  • દેશમાં મજૂરો ગરીબો માટે આશા વર્કર, ડોક્ટર્સ, નર્સ અને સફાઈ કામદારો માટે મેડિકલ વીમો પ્રતિ વ્યક્તિ રૂ. 50 લાખનું વીમા કવચ
  • ગરીબો અને મજૂરો માટે ગરીબ કલ્યાણ યોજના
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
  • દરેક ગરીબને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો જ મફત અનાજ
  • 80 કરોડ ગરીબોને મફત અનાજ ત્રણ મહિના સુધી
  • ગરીબોને પાંચ કિલો ઘઉં કે ચોખા મળશે
  • ગરીબોને જે મળે છે એના કરતાં વધારાના પાંચ કિલો ઘઉં અને ચોખા મળશે.
  • ઘઉં ચોખા સાથે એક કિલો દાળ પણ મળશે
  • ગરીબોને અનાજ ત્રણ મહિના સુધી મફત મળશે
  • જન, ધન યોજના હેઠળ DBT હેઠળ કરવામાં આવશે
  • ગરીબોને પ્રતિ વ્યક્તિ અને એક કિલો દાળ મળશે
  • ગરીબોને ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થશે
  • મનરેગા હેઠળ પાંચ કરોડ પરિવારોની મજૂરીમાં
  • ગ્રામીણ વિસ્તારોમાં મજૂરી વધારીને રૂ. 182થી વધારીને રૂ. 202 કરવામાં આવી છે. તેમની આવતમાં આશરે રૂ. 2000નો વધારો
  • પાંચ કરોડ લોકોને આનો લાભ મળશે
  • ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો આનો લાભ પહોંચવાડાનો અધિકાર હશે
  • ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 આપવામાં આવશે
  • અન્નદાતાઓને મદદ કરવામાં આવશે
  • ખેડૂતોના ખાતામાં કિસાન સન્માનો હપતો અપાશે
  • 70 લાખ ખેડૂતોને રૂ. 2000 આપવામાં આવશે
  • ખેડૂતોને એપ્રિલમાં પહેલા સપ્તાહમાં રૂ. 2000 આપવામાં આવશે
  • ખેડૂતોને આ હપતો તેમના ખાતામાં આપવામાં આવશે.
  • આ ઉપરાંત સિનિયર સિટિઝનોને એક્સ ગ્રેશિયા અપાશે
  • ત્રણ કરોડ વિધવા, વરિષ્ઠ નાગરિકોને, દિવ્યાંગોને આગામી ત્રણ મહિનામાં વધારાના રૂ. 1000 મળશે
  • તેમને આ રકમ બે હપતામાં મળશે.
  • 5 કરોડ મહિલાઓના જન ધન એકાઉન્ટમાં પ્રતિ મહિને રૂ. 500 આપવામાં આવશે, આ રકમ આવતા ત્રણ મહિના માટે આપવામાં આવશે
  • આઠ.3 કરોડ ગરીબ મહિલાઓને ઉજ્જ્વલા યોજના હેઠળ મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી મફત ગેસ સિલિન્ડર અપાશે
  • 63 લાખ મહિલા સેલ્ફ વર્કસ ગ્રુપ દિનદયાળ યોજના હેઠળ 10 લાખ મર્યાદાથી વધારીને તેમને રૂ. 20 લાખની લોન આપવામાં આવશે
  • આ યોજના હેઠ સાત લાખ પરિવારો જોડાયેલા છે. તેમને આ યોજના હેઠળ તેમને લોન બમણી કરવામાં આવી છે.
  • સંગઠિત ક્ષેત્રના ગરીબ લોકો માટે યોજના
  • PM ગરીબ યોજના હેઠળ સરકાર EPF સબસ્ક્રાઇબસને સરકાર તરફથી આગામી ત્રણ હપતા સરકાર આપશે
  • જોકે આ રૂ. 15,000થી ઓછી સેલરીવાળાને આનો લાભ આપવામાં આવશે.
  • નાના વેપારીઓના કર્મચારીઓને આ લાભ PFમાં મળશે
  • EPFમાં 12 ટકા+ 12 ટકા સરકાર જમા કરશે
  • 1000 કર્મચારીઓને આ લાભ મળશે
  • આનો લાભ 4.83 કરોડ કર્મચારીઓને લાભ મળશે
  • કંપની કે કર્મચારીઓને આ લાભ, જ્યાં 100 કે તેથી ઓછા કર્મચારીઓને આ લાભ મળશે
  • આ સાથે EPFના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
  • PFમાંથી રકમ કાઢવાના નિયમોમાં છૂટછાટ
  • કર્મચારી તેના PFમાંથી 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાના સેલરી –બેમાંથી જે ઓછી હશે એ મળશે
  • બાંધકામ ક્ષેત્રના નોંધાયેલા 3.5 કરોડ કામદારોને કરવા વેલફેર ફંડમાંથી મદદ
  • આ કામદારો માટે 31,000 કરોડનું ફંડ ઉપલબ્ધ છે.
  • રાજ્યોને આ ફંડનો ઉપયોગ કરવાનો આદેશ
  • રાજ્ય સરકોરને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ઉપલબ્ધ હોય છે
  • રાજ્ય સરકારો આ ફંડ મેડિકલ ક્ષેત્રે કોરોનાની તપાસ કરવામાં ઉપયોગમાં લે
  • ગરીબને હિતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યા છે.

 

 

 

 

પેટમાં ધબકી રહી છે ચેતના અને એ બજાવે છે ફરજ….

રાજકોટ : એક પછી એક કિસ્સા એવા છે કે રવિવારે સાંજે થાળી વગાડી હતી એમ સતત વગડયે રાખવાનું મન થાય. અત્યારે સ્થિતિ તો એ છે કે સામાન્ય વ્યકિતએ ઘરની બહાર જ નીકળવાનું નથી. સ્વસ્થ વ્યક્તિ પણ તકેદારી રાખે એ અનિવાર્ય છે. એ સંજોગોમાં રાજકોટ મહાનગર પાલિકાના એક કર્મચારી- વોર્ડ ઓફિસર કિંજલ ગણાત્રા પોતે સગર્ભા હોવા છતાં આ કપરી કામગીરીમાં વ્યસ્ત છે. પોતાના જ શરીરની અંદર એક જીવ ધબકી રહ્યો છે. એક ચેતના ધબકી રહી છે. પરંતુ કિંજલબહેન સતત ફરજરત છે. એમને અને એમના પરિવાર બન્નેને ધન્યવાદ આપવા જ રહ્યા.

આપણે એક કહીએ કે જીવના જોખમે કામ કરે છે…આ કિંજલ ગણાત્રા તો એક નહીં, બે જીવના જોખમે કામ કરે છે. જો કે આવી રીતે કામ કરનારને તો કુદરત પણ અઢળક આશીર્વાદ આપે જ .

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આ વિશે કહ્યું કે આવા કર્મચારી માટે અમને પણ ગૌરવ છે. કિંજલબેન ને વોર્ડ નંબર. ૨ માં જવાબદારી સોંપાઈ છે. કઈ દુકાન ખુલ્લી રહેશે? ક્યારે ખુલ્લી રહેશે એના સ્ટીકર લગાવવા, લોકોને જાગૃત કરવાથી લઈ વેપારીઓ સાથે વાત કરવા સહિતની કામગીરી એ કરી રહ્યા છે..એમને ગર્ભાવસ્થાનાનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પણ તેઓ પોતાની ટીમનું નેતૃત્વ કરી પોતાના વોર્ડમાં તેમની કામગીરી નિભાવી રહયા છે.

(જ્વલંત છાયા-રાજકોટ)

અમિતાભે રસ્તા સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લઈને થયેલા લોકડાઉનમાં દરેક લોકો પોતપોતાના ઘરમાં કેદ છે, ત્યારે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ ઘેરબેઠા સોશિયલ મિડિયા પર સક્રિય છે. તેમણે હાલમાં જ કોલકાતાનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં રસ્તાઓને સેનિટાઇઝ્ડ કરતા જોવા મળી રહ્યું છે. આ વિડિયો રિટ્વીટ કરતાં અમિતાભ બચ્ચને મુંબઈના અધિકારીઓને રસ્તાઓ સેનિટાઇઝ્ડ કરવાની અપીલ કરી હતી. તેમનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો પર અનેક લોકોએ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. બિગ બી કોરોના વાઇરસ સામે સતત લોકોને જાગ્રત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.  

બિગ બી સોશિયલ મિડિયા પર સક્રિય

અમિતાભ બચ્ચને કોલકાતાનો વિડિયો શેર કરતાં લખ્યું છે કે Wow, આ શાનદાર છે. મુંબઈ, હેલો… શું અધિકારીઓ કૃપા કરીને અમારા માટે આવું કરી શકે છે. આ વિડિયોમાં કોલકાતાના સેરાટ બોસ રોડ અને એની આસપાસનાં બનેલં ઘરો અને દુકાનોને સેનિટાઇઝ્ડ કરવામાં આવી રહ્યાં છે. આ વિડિયોમાં બે સરકારી વાહન ઘરોને સેનિટાઇઝ કરી રહ્યાં છે. બિગ બી સોશિયલ મિડિયા કોરોના વાઇરસ પર સતત શેર કરી રહ્યા છે.

દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 639 થઈ

કોરોનાના ચેપગ્રસ્તની વાત કરીએ તો દેશમાં આ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 639 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત થયાં છે. સૌથી વધુ કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 128ની થઈ ગઈ છે.

લોકડાઉનમાં ઘરે બેસી આ રીતે વધારો ઇમ્યુનિટી…

આજે આખો દેશ જ્યારે ‘corona’ મહામારી સામે લડત આપી રહ્યો છે ત્યારે આ એકવીસ દિવસના લોકડાઉન સમયમાં આપણને સૌને સૌથી વધારે ચિંતા છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવાની કે પછી એને વધારવાની.

હા, આ માટે આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. બલ્કે, આપણા કિચનમાં જ એનો ઉપા છે. આપણા કિચનમાં રહેલી સાધન સામગ્રીનો જ ઉપયોગ કરીને આપણે આપણા બોડી અને આપણી હેલ્થને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ એ જાણીએ.

  1. વિટામીન સી એ શરીર માં રોગ પ્રતીકારક શકિતનો વધારો કરતો સોર્સ છે. લીંબુ એ વિટામીન સી નું પાવર હાઉસ છે. તો આપણે દિવસમાં 2-3 વખત લીંબુ પાણી પીવું જોઈએ. હવે આ લીંબુ પાણીમાં શેકેલા જીરાનો પાવડર નાખી એને હજી વધુ લાભકારી બનાવી શકાય છે. જીરુ એ પાચનક્રિયા સારી કરે છે. બેઠા બેઠા જે શરીરમાં ગેસ બને કે અપચો થાય તો આવું ચપટી શેકેલું જીરા પાવડરવાળુ લીંબુ પાણી ખૂબ ઉપયોગી નીવડે.

2. એક ગ્લાસ પાણીને ગરમ કરી તેમાં ચપટી હળદર, બે પત્તા ફુદીનો અને એક લીંબુ નો રસ, એક ચમચી મધ નાખીને આ ગરમ પાણી પીવાથી ફાયદો થાય. એ શરીરને અંદરથી સાફ રાખે છે અને બેકટેરીયા મુક્ત રાખે છે.

3. મરી કે જે દાહક છે અને એમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ છે. તેમજ મરી એ બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ઘેર બેઠા બેઠા કોઈ ફ્રુટ કાપીને ખાઓ જેમ કે તડબૂચ, સફરજન, જામફળ તો તેના પર ચપટી મરી પાવડર છાંટવાથી ટેસ્ટ તો આવશે જ, પણ હેલ્થ માટે ય ખૂબ સારો પ્રયોગ રહેશે.

4. આપણે ફુલ ટાઈમ ઘેર બહુ શારિરીક પ્રવૃત્તિ ના કરતા હોઈએ એટલે સ્વભાવિક રીતે જ કંટાળો આવવો, ઊંઘ ના આવવી વગેરે જેવું થાય. આવા સમયે એક વાટકો દહીં અને નાના નાના કટકામાં કાપેલી એક ડુંગળી લેવી. ડુંગળી એ એન્ટી ડિપ્રેશન કવોલીટી ધરાવે છે તેમજ ગળું સાફ રાખવામાં મોટો ભાગ ભજવે છે. ડુંગળીના કટકાને દહીંમાં મિક્સ કરી તેમાં થોડું મીઠું અને થોડો જીરુ પાવડર નાખી આ બાઉલ ને તમારા લન્ચમાં રેગ્યુલર ઉમેરો. આરામથી ત્રણ-ચાર કલાકની શાંતિપૂર્ણ ઊંઘ આવશે.

5. પાકી કેરી એ વિટામીન ‘સી’ અને વિટામીન એ નો સોર્સ છે ત્યારે કેરી પણ ખાવી જોઈએ.

6. ફજેતો- ગુજરાતી ઘરોની આઈકોનીક ડીશ છે. ગુણોનો ભંડાર છે. કેરીના ગોટલાને ધોઈને નીકળતા ગળ્યા પાણીમાંથી બનતો તજ, લવીંગ અને મરી, મીઠાં લીમડાના વઘારવાળો ગરમ ફજેતો પણ ઈમ્યુનીટી & એનર્જી બુસ્ટર છે.

7. કાચી કેરીનો બાફલો એ પણ વિટામીન સી આપે છે. કાચી કેરીને બાફી નાખો. પછી એમાંથી નીકળતો પલ્પને એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું અને ગોળ ઉમેરીને મિક્સ કરી દઇએ. આ પીણું ભરપૂર એન્ટી ઓકસીડન્ટ અને ઈન્સટન્ટ એનર્જીનો સોર્સ છે. આ ત્રણ વસ્તુના મિક્ષચરથી બનતો બાફલો રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

સુકી દ્રાક્ષ, દહીં અને ગાજરનું રાયતું

વિટામીન સી અને વિટામીન એ આપણાં શરીર માટે ખૂબ જ મહત્વના છે.

  • એક ગાજર, એક બાઉલ દહીં
  • બે મોટી ચમચી દ્રાક્ષ (સૂકી)
  • એક ચમચી દળેલી ખાંડ

રીત:- દ્રાક્ષને સહેજ ઘી લઈ તેમાં બે મિનિટ શેકી લઈ સાઈડમાં મૂકી દો. હવે ગાજરને છીણી લો. એક બાઉલમાં દહીં લઈ તેમાં ખાંડ, ગાજરનું છીણ અને શેકેલી દ્રાક્ષ નાખી હલાવી લો. હેલ્ધી કર્ડ રાયતું રેડી છે.

(અભિનિશા ઝુબીન આશરા)

લોકડાઉનમાં આ લોકો ભૂખથી પહેલાં મરી જશે

નવી દિલ્હીઃદેશભરમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતાં દિન-પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો એને વધુ ફેલાતો અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે, પણ દૈનિક મજૂરી રળતા મજૂરો અને બેરોજગારોને કોઈ પણ પ્રકારની મદદ હનહીં મળવાને કારણે કફોડી હાલતમાં છે. દિલ્હીમાં એક જગ્યાએ ભૂખથી બેહાલ આશરે 150 મજૂર પરિવાર અને તેમનાં બાળકો હેરાન-પરેશાન છે, જેમની સામે કોઈ જોવાવાળું નથી

મજૂરો પાસે ખાવાનું પણ નથી અને પૈસા પણ નથી

સાઉથ દિલ્હીના છત્તરપુર સ્થિત ફતેહપુર બેરીના ચંદન હોલા વિસ્તારમાં મજૂરોનાં ઘર છે. ઘરની પાસે હાથ જોડીને ઊભેલી આ મહિલા મજૂર, પુરષ અને તેમનાં બાળકો છે. આ લોકોએ છેલ્લા ચાર દિવસથી કંઈ પણ ખાધું નથી. તેમનું કહેવું છે કે તેઓ બધા દૈનિક મજૂરી કરીને તેમના પરિવારનુ પાલનપોષણ કરે છે. બંધ દરમ્યાન જે પૈસા બચ્યા હતા એનાથી એક-બે દિવસ તો ગુજરાન ચાલી જાય છે, પણ હવે ઘરમાં કંઈ પણ ખાવાનું બચ્યું નથી અને ના તેમની પાસે પૈસા છે.

 આ મજૂરો પાસે રેશનકાર્ડ પણ નથી

આ લોકો પાસે રેશનકાર્ડ પણ નથી. આ તો યુપી અને બિહારથી આવીને દિલ્હીમાં દૈનિક મજૂરી કરીને પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે. દિલ્હીમાં તો જનતા કરફ્યુ પછી લોકડાઉનથી હવે તેઓ પોતાના વતનમાં પણ નથી જઈ શકતા અને કોઈ કામ પણ તેમની પાસે નથી. આ લોકો પાસે પૈસા પણ નથી કે તેઓ અનાજ ખરીદી શકે.

મજૂરના બાળકની વેદના

એક બાળકે રડતાં-રડતાં કહ્યું હતું કે હું ચાર દિવસથી ભૂખ્યો છું. મને ખાવા માટે કંઈ પણ મળતું નથી. પિતાજી માર્કેટમાં જાય છે તો પોલીસવાળા તેમને મારીને ભગાડી દે છે.

કોઈ સરકારી મદદ મળી નથી

દિલ્હીના સ્થાનિક કોર્પોરેટર, વિધાનસભ્ય કે સંસદસભ્ય દ્વારા અત્યાર સુધી કોઈ તેમની પાસે મદદે નથી આવ્યું આ લોકો કોરોના ચેપ દ્વારા પછી મરશે, એ પહેલાં ભૂખથી મરી જશે. દિલ્હીમાં આજે તેમનો સાતમો દિવસ છે, અત્યાર સુધી તેમની પાસે કોઈ સરકારી કર્મચારી કે NGOએ સંપર્ક કર્યો. આ બધા લોકોએ મિડિયાને હાથ જોડીને મદદ કરવા વિનંતી કરી હતી અને પત્રકારને કહ્યું હતું કે સર તમે કંઈક કરો.

 

 

રાજ્યમાં કોરોના વાયરસના 43 કેસઃ 3 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે આખું વિશ્વ અત્યારે ઠપ્પ છે. ભારતમાં કોરોના વાયરસે પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો અત્યારે 43 પહોંચી ગયો છે જે પૈકી કુલ 3 લોકોના મોત થયા છે.

  • અમદાવાદમાં 15 કેસ, સુરતમાં 7 કેસ, રાજકોટમાં 8 કેસ, ગાંધીનગરમાં 7 કેસ, ભાવનગરમાં 1 કેસ, અને કચ્છમાં 1 કેસ મળી રાજ્યમાં કુલ 43 કેસો નોંધાયા છે.
  • ક્વોરન્ટાઈન કરવામાં આવેલા લોકો પોતાની ઓળખ છુપાવે નહી તે માટે આવા વ્યક્તિઓના ડાબા હાથ પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ સ્ટેમ્પ માટે ઈલેક્શન કમિશન દ્વારા ઈન્ડેલીબલ ઈંક વાપરવાની પણ મંજૂરી મળી ગઈ છે.
  • પોઝિટિવ જણાયેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.
  • તાજેતરના આંકડાઓ અનુસાર, અત્યારે રાજ્યમાં કુલ 20,304 જેટલા લોકો 14 દિવસના ક્વોરન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ પૈકી 613 લોકો સરકારી ફેસિલીટીમાં અને 19,567 જેટલા લોકો હોમ ક્વોરન્ટાઈન તેમજ 124 વ્યક્તો પ્રાઈવેટ ફેસેલીટીમાં કોરોન્ટાઈન ઓબ્ઝર્વેશન હેઠળ છે.
  • ક્વોરન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા 147 વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાઈ.
  • કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખતા વિકટ સ્થિતિમાં જરુરી દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરુરી વસ્તુઓ અને સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપ્લબ્ધ કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવી.
  • રાજ્યમાં માનવબળ સંસાધનની ઉણપ ન સર્જાય  માટે નિવૃત્ત થયેલા અધિકારી અને કર્મચારીઓની સેવા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કેટરીના કંટાળી ગઈ; ઘરમાં ઝાડુ કાઢ્યું, એનાથી ક્રિકેટ રમવા માંડી

મુંબઈઃ કોરોના વાઈરસે સમગ્ર ભારતમાં લોકોને ઘરમાં પૂરી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારથી 21-દિવસ માટે ‘લોકડાઉન ભારત’ની ઘોષણા કરી છે. વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકોને કામ-ધંધો છોડીને માત્ર ઘરમાં જ રહ્યા સિવાય કોઈ છૂટકો નથી.

આને કારણે ઘણા લોકો કંટાળી ગયા છે. સેલિબ્રિટી વ્યક્તિઓ પણ આ સમયગાળો પસાર કરવા માટે જુદી જુદી રીત અપનાવી રહ્યાં છે. કોઈક સંગીત વગાડીને, તો કોઈક યોગા કરીને.

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ પણ ‘હોમ ક્વોરન્ટાઈન’થી કંટાળી ગઈ છે. એ ઘરમાં જુદા જુદા કામ કરતી હોવાની તસવીરો અને વિડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હોય છે.

થોડાક દિવસો પહેલાં એણે વાસણ ધોઈ રહી હોવાનો પોતાનો વિડિયો શેર કર્યો હતો.

એક નવા વિડિયોમાં એ ઘરમાં ઝાડુ કાઢી રહી છે અને એની બહેન ઈઝાબેલ સાથે વાતચીત કરતી સંભળાય છે. આખરે તે એટલી બધી કંટાળી ગઈ કે ઝાડુનો બેટ તરીકે ઉપયોગ કરીને વર્ચુઅલ ક્રિકેટ રમવા માંડી અને કાલ્પનિક બોલને ફટકારતી હોય એવો પોઝ આપ્યો હતો.

કેટરીના છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’ ફિલ્મમાં જોવા મળી હતી. ઈઝાબેલ કૈફ પણ બોલીવૂડમાં એન્ટ્રી કરવા માટે આતુર છે. એ આયુશ શર્મા સાથે ‘ટાઈમ ટૂ ડાન્સ’ ફિલ્મનું શૂટિંગ કરી હતી, ત્યાં 21-દિવસનું ‘ભારત લોકડાઉન’ લાગુ કરી દેવાતાં બધી ફિલ્મી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે અને કલાકારોને પણ ઘરમાં બેસવાનો વખત આવ્યો છે.

 

રાશિ ભવિષ્ય 26/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે